Bhinash - 2 - shabnam books and stories free download online pdf in Gujarati

ભીનાશ - 2 - શબનમ

શબનમને ઓફિસ જોઈન કર્યાને હજુ મહિનો જ થયો હતો, પણ સારી એવી હળી મળી ગઈ હતી બધાં સાથે. મેનેજર દિગ્વિજયસિંહ સોલંકી પણ ખુશ હતાં એના કામથી. શબનમ એકલી જ મુસ્લિમ હતી આખા સ્ટાફમાં. સ્ટાફ પણ જો કે બે પટાવાળા સહિત ગણીયે તો કુલ ૧૮ જણનો જ હતો.

દિગ્વિજયસિંહ ૩૫ વર્ષની ઉંમરના ઠરી ઠામ છતાં નસ નસમાં યુવાની ભરેલી હોય તેવું વ્યક્તિત્વ ધરાવતાં હતાં. હેડ ઓફીસમાંથી મેઈલ આવ્યો કે શબનમ મનસૂરી નામક ૨૫ વર્ષની નવી યુવતી આવતીકાલથી હાજર થશે. એ વાંચીને દિગ્વિજય થોડાં નિરાશ થઇ ગયા હતાં. ધાર્મિક રીતે બહુ જડ તો નહોતા, પણ રાજકારણની સારી એવી અસર હતી એમના પર. એ સારી રીતે જાણતાં હતાં કે લઘુમતી કોમ કઇ રીતે રાજકારણનો પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે, દેશના બહુમતી હિંદુઓ સાથે કેવી હિંસા થતી હોય છે, અન્યાય થતો હોય છે, અને અમુક રાજકીય પક્ષો પણ ખાસ આ લઘુમતી કોમનું તુષ્ટિકરણ કરતી હોય છે.... ફક્ત પોત પોતાના રાજકીય હિતો માટે. એમાંય કાશ્મીર અને દેશના વિવિધ ભાગોમાં હિંદુઓ પર આચરવામાં આવેલી બર્બરતા, સ્ત્રીઓ પર થયેલાં બળાત્કારો, બાળકોની ક્રૂર હત્યા વગેરે સાંભળીને દિગ્વિજયનું રક્ત ઉકળવા માંડતું. દિગ્વિજય સારી રીતે સમજતા કે કોઇ એક ધર્મમાં કંઇ બધાં જ લોકો અમાનવીય હોય એવું ના બને, પણ છતાં મુસ્લિમો પ્રત્યે તેમના મનમાં ખારાશ જ રહેતી. અને આ ખારાશ રોજબરોજના અખબાર, ટેલિવિઝન વગેરેના સમાચારો સાંભળી સાંભળીને વધુ ને વધુ ઘાટ્ટી બનતી જતી હતી. દિગ્વિજય પોતાના સાત વર્ષના ટેણિયાને, જેનું નામ જયવીર હતું, એને પણ અત્યારથી જ શીખવાડતા કે ભાઇબંધ દોસ્તારી પોતાના ધરમના બાળકો સાથે જ રાખવાની. એટલે જ એમણે જયવીરની સ્કુલ પણ એક વૈષ્ણવ પંથના સમુદાય દ્વારા સંચાલિત હોય એવી જ પસંદ કરી હતી. એ અને એમની પત્ની, સોનલ, બન્ને જણાં ઘરવપરાશ, કપડાં, ફર્નિચર એ તમામ વસ્તુઓની ખરીદી પણ ખાસ ચકાસીને જ કરતાં કે વેપારી હિંદુ જ હોય. ફક્ત એટલું નહીં, દિગ્વિજયના ફેસબુકમાં એકપણ મુસ્લિમ ફ્રેન્ડ નહીં. અત્યાર સુધી ઓફિસમાં જેટલાં માણસ લીધા એ બધાંના ઈન્ટરવ્યુ અને સિલેક્શન કંપનીએ એમને જ સોંપેલું હતું. એટલે ભૂલે ચૂકે કોઇ એકાદ મુસ્લિમ કેન્ડિડેટ આવે તો ઇન્ટરવ્યૂમાં જ ના બોલાવતા. પણ ખબર નહીં કેમ પહેલી વખત આવું બન્યું. આ વખતે કંપનીમાંથી જ સીધી એપોઇન્ટ થઈને આ શબનમ આવી.

પહેલાં દિવસે તો દિગ્વિજયે એનું ફિક્કું અભિવાદન કર્યું અને અન્ય સ્ટાફ જોડે એની ઓળખાણ પણ કરાવી. એકાદ અઠવાડિયું તો દિગ્વિજયનો મૂડ ઓફિસમાં ઉખડેલો ઉખડેલો જ રહેતો. ઘરે પણ પત્નીને પોતાનું આ દુઃખ કહ્યું. પત્નીએ કહ્યું, એકાદ મહિનામાં એના કામમાં કંઇક વાંક કાઢીને એને રાજીનામું આપવાનું કહી દેજો. પણ આ બાજુ મીઠી શબનમે આખા સ્ટાફનું દિલ જીતી લીધું હતું. બહુ હસમુખી અને સાદી છોકરી. પહેલાં બે ચાર દિવસ તો પોતાના જ ટેબલ પર એકલાં બેસીને ટિફિન ખાવું પડ્યું એને, અને આ બાજુ બીજા બે ટેબલ પર બધા ભેગા બેસીને જમતાં હોય. પણ અઠવાડિયા દસ દિવસમાં એ દિવાલ તૂટી ગઈ. શબનમ એટલી મિલનસાર કે સ્ટાફમાં સૌથી જૂની તો એ જ હોય એવું લાગવા માંડ્યું. સાથી પુરુષ કર્મચારીઓ પણ 'શબનમ આ કરી દે' 'શબનમ પેલું કરી દે' કહીને એના પર જ વિશ્વાસ કરતાં. એ લોકોને ખબર રહેતી કે શબનમ ક્યારેય ના નહીં પાડે અને કામ પણ પરફેક્ટ થશે. અને નવાઈની વાત તો એ કે સ્ત્રી કર્મચારીઓની પણ એ ફેવરિટ બની ગઈ. સ્ત્રી સહજ ઘર ગૃહસ્થીની વાતો ફ્રી ટાઈમમાં એ લોકો ભેગા મળીને બિન્દાસ કરતાં. જોકે શબનમ પોતાના પરિવાર વિષે ખાસ વાત ન કરતી. એ કુંવારી જ છે, એટલું જ બધાંને ખબર હતી. શબનમ સ્ટાફમાં બધાને સન્માનથી બોલાવતી. એકાદ મહિનામાં દિગ્વિજયની શબનમ પ્રત્યેની બધી ચીડ ઉતરી ગઈ. છોકરી બહુ જ કામગરી હતી, અને ક્યારેય કોઇ ખટપટ નહીં. દિગ્વિજયની ચીડ ફક્ત ધરમના કારણે હતી, જે એણે શબનમના કેસમાં બાજુ પર મૂકી દીધી. અને બસ આજે શબનમને ઓફિસમાં બે મહિના પૂરા થયાં. પણ આજે ઘટના એવી બની કે દિગ્વિજયસિંહ જડમૂળમાંથી જ હલી ગયા.

દિગ્વિજય ઓફિસના જ કામથી પાલડી કોઇ જગ્યાએ પેમેન્ટ લેવા ગયેલા હતાં, જેની એમના પત્ની સોનલને ખબર નહીં, એટલે એમણે વિચાર્યું કે નાનકડા જયવીરને થોડીવાર લો ગાર્ડન દિગ્વિજયની ઓફિસ પર મૂકી દેશે, ટેણિયો ડેડી સાથે ઓફિસમાં રહેશે. અને પોતે થોડું શોપીંગનું કામ પતાવી દેશે. ઓફિસ પહોચીને જોયું, તો દિગ્વિજય હતાં નહીં. શબનમ સહિત સ્ટાફમાં બધાં એ કહ્યું, "વાંધો નહીં મેડમ, જયવીર અમારી જોડે બેસશે, રમશે. તમારું કામ પતાવી આવો ને!" દિગ્વિજય ન હોવા છતાં સોનલ જયવીરને સ્ટાફના હવાલે મૂકીને શોપીંગ કરવા ગઇ. પણ જયવીર તો તોફાની બારકસ. ગ્રીલ વગરની ઓફિસની બારી પાસે રમતા એવી અવળચંડાઇ કરી કે સાતમા માળે રહેલી આ ઓફિસની બારીની બહાર ફેંકાઈ ગયો, શબનમ બાજુમાં જ બેઠેલી હતી. બહુ જ સ્ફૂર્તિ સાથે એ જયવીર તરફ ધસી. બાકીના સ્ટાફનો તો શ્વાસ અધ્ધર થઈ ગયો. સ્ટાફ વાળા બધા જ શબનમ તરફ દોડ્યા. કોઇની હિંમત નહોતી બારીમાં જઈને નીચે જોવાની, નીચે રસ્તા પર જયવીર તરફડીયા મારતો જોવા મળશે અથવા એનો નિષ્પ્રાણ મૃતદેહ હશે, એવી બધાને ખબર હતી. પણ ના, શબનમે મહામહેનતે જોર લગાવીને જયવીરને એક પગમાંથી પકડી રાખ્યો હતો. જયવીરનું બાકીનું આખું શરીર ઉંધું લટકતું, બારીની કિનારના કાચ પર ઘસાઈને શબનમના બન્ને હાથ પરથી લોહીની ધારા વહેવા માંડી હતી. આખો સ્ટાફ થોડી સેકન્ડ તો સ્તબ્ધ બનીને જોઇ રહ્યો. જયવીર ચીસો પાડતો હતો અને શબનમ લોહીલુહાણ હાથે અને આંખોમાં આંસુ સાથે પૂરુ જોર લગાવી રહી હતી, જયવીરને ઉપર ખેંચવા. બે પુરુષ કર્મચારીઓ એ આગળ આવીને શબનમને પકડી... જયવીર થોડો વધુ ઉપર ખેંચાયો પછી શબનમને બાજુમાં કરી અને જયવીરનું પૂરું નિયંત્રણ એ લોકો એ લઇ લીધું.

કલાક પછી નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં જયવીર દિગ્વિજયના ખોળામાં માથું નાખી સૂતો હતો, એના માથે પાટો હતો. દિગ્વિજયસિંહ જીંદગીમાં પહેલીવાર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યાં હતાં. "શબનમ, તે મને જીંદગી આપી છે. જીવનભર આ ઋણ રહેશે. તારા હાથ બહુ જ ઘવાઇ ગયા છે. તારાથી એક્ટિવા તો હજુ બહુ દિવસ સુધી નહીં ચલાવાય. હું તને ઘરે મૂકી આવું. પણ તારા ઘરે મમ્મી પપ્પાને ફોન કરીને આ ઘટનાની પહેલાં જાણ કરી દે. ચિંતા જેવું કંઇ નથી, એમ પણ કહેજે." શબનમે કહ્યું, 'સર, મારા મમ્મી પપ્પા બન્ને નથી. જન્નતનશીન થયેલાં છે. હું નાનપણથી કાકા કાકી સાથે રહું છું.'

દિગ્વિજયને આ સાંભળીને વધુ આઘાત લાગ્યો. 'કેમ? શું થયું એમને? આટલી નાની ઉમરમાં તને છોડીને કેમ જતા રહ્યાં?'
શબનમ પાટા બાંધેલા બન્ને હાથને થોડાં ઉપર કરી આસમાન તરફ ઈશારો કરીને બોલી, "જેવી અલ્લાહની મરજી. હું ત્યારે ૭ વર્ષની હતી. અમુક લોકોએ આવીને બન્નેની હત્યા કરી નાખી હતી."
શબનમ કશુંક છુપાવવા માંગતી હતી એટલે આખી વાત હજુ પણ ના બોલી. પણ દિગ્વિજયથી ના જ રહેવાયું. "શું કામ હત્યા કરી? દરિંદા કહેવાય. પ્લીઝ મને આખી વાત કહે."
શબનમ મોળું હસી, દર્દમાં બોલી, "દરિંદા નહીં હતાં એ. અણસમજ લોકો હતાં. બાપુનગર અમારી બેકરી હતી, ત્યાં અમ્મી અબુ બન્ને હતાં. હું ઘરે હતી. ૨૦૦૨ માં. ગોધરામાં કોઇ લોકોએ ટ્રેન સળગાવી નિર્દોષ લોકોને નિર્દય રીતે મારી નાખ્યા. એની સજા અલ્લાહે મારા અમ્મી અબ્બુને આપી. જે તોફાન થયા એમાં તલવારો લઈને ટોળું અમારી બેકરી માં ઘૂસી ગયું." પછી એકાદ ડૂસ્કું ખાધા પછી શબનમ બોલી, "મારી અમ્મીના શરીરના તો ત્રણેક જેટલા આખા અલગ અલગ ટુકડાં થઈ ગયેલાં. પપ્પાનો ચહેરો આખો બળી ગયો હતો એટલે ઓળખાતો પણ ની હતો. મેં નહીં જોયેલું. મારા ચાચા ચાચી એ મને નહિં જોવા દીધું મારા અમ્મી અબ્બુનું મોઢું... છેલ્લીવાર ની જોવા દીધું. મને ડર લાગે તેમ વિચારીને."

દિગ્વિજય કંઇ જ ના બોલી શક્યાં. શબનમ આગળ બોલી, "મારું બાળપણ મેં એ સમજવામાં જ કાઢ્યું કે અલ્લાહે મને જે જીંદગી આપી, જેવી પણ જીંદગી આપી એ પ્યાર મુહોબ્બતથી જ જીવવાની. નફરતને ક્યારેય મારા મનમાં આવવા ની દઉં. "

"તું આનું ધ્યાન રાખ, શબનમ. હું અને સોનલ દવા લેવાનું અને હોસ્પિટલ બિલિંગનું કામ પતાવીને થોડીવારમાં આવીયે. પછી નીકળીએ." એમ કહીને દિગ્વિજયસિંહે જયવીરનું માથું પોતાના ખોળામાંથી સરકાવી શબનમના ખોળામાં મૂકી દીધું.