Answer towards North - 2 books and stories free download online pdf in Gujarati

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૨

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૨

.....રોશનીના માથામાંથી ટપકતું લોહી પેલા જોહનના પેન્ટ, બુટ અને ચાલતી વખતે ડાબો પગ આગળ જાય એટલે જમીન પર પડતું હતું. પણ જોહનને કશોજ ફરક નહોતો પડી રહ્યો. એણે એની ગાડીની ડેકી ખોલી અને અમને બંનેને એકસાથે ડેકીમાં જાણે કચરા ભરેલી બેગ હોય એમ બંનેને એકસાથે ફેક્યા. રોશનીની લાશ તો ખૂણામાં પડી અને હું ડેકીમાં પડેલા સ્ટેફની અને જેકની જોડે જઈ ને પડ્યો....

હવે આગળ.....

એણે અમને બંનેને એકસાથે ઉચકીને ડેકીમાં નાખ્યા હતા, એટલે એના પરથી અંદાજો લગાવી શકાય કે એ માણસ કેવો સશકત હશે. એની હાઈટ સાડા ૬ ફીટથી થોડી વધારે હશે કારણકે એણે જયારે મને અને રોશનીને ઉચ્ક્યા અને બહાર લઇ ગયો ત્યારે એનું માથું દરવાજાની ફ્રેમને ઉપર અડ્કેલું. આટલું બધું ઝીણું જોવાની મને ટેવ ખરી પણ એ સમયે તો હું ફક્ત એ માણસ કોણ છે એણે જાણવા જ મથતો હતો અને એ પણ બિલકુલ હલ્યા વગર અને શ્વાસ લીધા વગર.

જોહને જેવા અમને ડેક્કીમાં ફેક્યા કે તરત મેં મારો રોકેલો શ્વાસ ધીમેથી લીધો, પણ જોહન જાનવરે એટલા જોરથી મને ફેક્યો કે મારો શ્વાસ ખરેખર બે ઘડી ફરી રોકાઈ ગયો, માથામાં અસહ્ય દુઃખાવો થતો હતો. ફોરચ્યુનર જેવી મોટી ગાડી હતી પણ ગાડી ખુબ જૂની અને ખખડી ગયેલી હતી. ડેકી ખુબ મોટી હતી. છેલ્લી સીટની પાછળ અમને નાખ્યા હતા. છેલ્લી સીટ ઉચી હતી અને જોહન અમને જોઈ શકે તેમ નહોતો. ખભા પર થોડીવાર લટકેલા હતા એટલે કદાચ લોહી મગજને જલ્દી પહોચ્યું હશે અને મારું ચેતાતંત્ર પર કઈક સારી અસર થઇ હશે, મારો ડાબો હાથ જેના પર કોઈપણ પ્રકારની ઈજા થઇ નહોતી છતાં કામ નહોતો કરી શકતો એ હવે થોડો હલનચલન કરવા લાગ્યો હતો. ડાબો પગ હજુ પણ સુન હતો. ડાબો હાથ જેવો કામ કરતો ચાલુ થયો કે મેં તરતજ રોશનીના મોઢા પર બાંધેલો પેલા રૂમાલ કાઢીને મારા માથામાંથી નીકળતું લોહી પર મૂકીને ડાબી દીધું જેથી વધારે લોહી ન નીકળી જાય. મારા જમણા પગમાંથી ખુબજ લોહી વહી રહી હતું. કોઈ કપડું આજુ બાજુ દેખાતું નહોતું એટલે મેં રોશનીની જર્સી ધીમે રહીને કાઢીને પગ પર બાંધી દીધી હતી. રોશનીને નિવસ્ત્ર નહોતી કરવી પણ બીજો કોઈ રસ્તો ન હતો. ખાલી બીક એટલી હતી કે જોહનને શક જશે અને પાછળ જોવા આવશે તો રોશનીના મોઢામાંથી કાઢેલો રૂમાલ અને અને રોશનીની કાઢેલી જર્સી પાછી હું ફટાફટથી પેરાવી નહિ શકું.

જોહન અમને ખબર નહિ ક્યાં લઇ જઈ રહ્યો હતો. જોહને ફટાફટ ભર બપોરે ગાડી ગમે તેમ કરીને સીટીમાંથી કાઢીને મેઈન હાઇવે પર લઇ ગયો. હું રોશનીને ખોઈ બેઠો હતો જેનું દુ;ખ શું હોય એ મનેજ ખબર હતી. કારણકે મારા જેવા લોકોને સહન કરવાવાળા આ દુનિયામાં બહુજ ઓછા લોકો હોય છે. મારા માટે રોશની એમાંની એક હતી જે મને અને મારા વિચારોને મારી જેમ સમજાવતી હતી. રોશની એટલી પણ સુંદર નહોતી કે જેની જોઈને હું એના પ્રેમમાં પડેલો. મને રોશનીના વિચારો અને સ્વભાવથી પ્રેમ થયેલો. મારા માટે રોશનીની ગુમાવવી એ સૌથી ખરાબ બાબત હતી. કારણકે સુંદર છોકરી ઘણી હોય છે પણ મને સહન કરી શકે અને ખુલ્લા વિચારોવાળી ખુબ ઓછી. હવે મારા પાસે એ બધુ વિચારવાનો સમય ન હતો. રોશની આ દુનિયામાં હવે મારી પાસે નથી એ મેં ખુબ ઝડપથી સ્વીકારી લીધું હતું અને આગળ હવે શું કરવું એ જ હું વિચારતો થઇ ગયો હતો. હું સતત એ જ વિચારતો હતો કે પોતે કેવી રીતે જીવતો રહું અને આ બધુ કોણે અને કેમ કરાવ્યું છે એ જાણું.

રોશનીની જર્સી કાઢીને જેવી મેં મારા પગ પર બાંધી ત્યારે ખબર પડી કે જ્યાંથી લોહી નીકળતું હતું ત્યાં માસનો લોચો બહાર આવી ગયો હતો. હવે મારે પગે ગમે તેમ કરીને ટાકા લેવા પડે એવા હતા. જો ટાકા નહિ લઉં તો મારી માટે જીવતા રહેવું ખુબ અઘરું બની જશે. રોશનીની બંગડીમાં ૨-૩ સેપ્ટીપીનો હતી એમાંથી એક સેપ્ટી-પીન મેં કાઢીને આખી સીઘી કરી. માથામાં લગાવેલા રૂમાંલના છેડામાંથી દોરા ખેચીખેચીને ભેગા કર્યા અને એક મજબુત, થોડીક સાધારણ જાડી દોરી બનાવીને સેપ્ટીપીનના પાછળનાં ભાગમાં પરોવી, પણ પછી વિચાર આવ્યો કે સેપ્ટીપીનનાં પાછળનાં મોટા ભાગનાં કારણે ટાકા લેવા શક્ય નહિ બને. મેં આજુબાજુ નજર નાખી ત્યાં એક બેગ પડેલી હતી. એ બેગ જોહનની હતી એવું મને લાગ્યું. જોહનની દુનિયા જાણે એ એક ગાડી અને એ એક બેગ હોય એવું લાગ્યું. બેગમાં ૨-૩ જોડી કપડા અને બધોજ જરૂરી સામાન હતો. મને એમ હતું કે સોય-દોરો પણ નીકળશે, પણ એમ ન થયું. છેક અંદર હાથ નાખ્યો તો જોરથી કશુક અણીદાર વાગ્યું. સોય હતી એવું મને લાગ્યું એટલે એક હાંશ મળી. એ પકડીને બહાર કાઢ્યું તો સોય-દોરોજ હતો જેના પર હોટેલનું નામ પણ લખેલું હતું. એટલે મને લાગ્યું કે જોહનનું કઈ ઘર બાર નથી અને આમજ હોટેલોમાં રહેતો હશે. એની બેગમાં ૨ કારતુસ પણ હતી એમાંથી એક કારતુસ મેં મારી જોડે રાખી લીધી જે બુલેટ્સથી ભરેલી હતી. એ સોય પણ જાડી અને મોટી હતી બિલકુલ એવી જેવી મારે મારી ચામડી સાંધવા જોઈતી હતી. એ દોરો પણ થોડો જાડો હતો. આ રીતે કોઈ ચામડી ન સંધાય એ મને ખબર હતી પણ મારી સામે બીજો કોઈ રસ્તો નહોતો. સોયમાં દોરો ભરવીને મેં પેન્ટ ધીમે રહીને કાઢ્યું, માસનો લોચો થોડો બહાર આવી ગયો હતો. મને સિગારેટ પીવાની બહુ ટેવ એટલે મારા ખીસામાં હમેશા લાઈટર હોય. માથામાંથી લોહી હવે બંધ થઇ ગયું હતું અને હવે મારો ડાબો પગ સાધારણ હલશે એવું મને લાગવા માંડેલું. માથાનો રૂમાલ મેં મારા મોઢા પર એકદમ કસીને બાંધ્યો જેથી ટાકા લેતી વખતે મારા મોઢામાંથી બિલકુલ અવાજ નીકળે નહિ અને જોહનને સંભળાય નહિ. કારણકે જો એ જાનવર ને ખબર પડી જશે કે હું જીવું છુ તો એ એક સેકંડનો વિચાર કર્યા વગર એની બેગમાંથી બંદુક કાઢીને મને મારી દેશે. કાઢેલા પેન્ટમાંથી લાઈટર કાઢ્યું અને સોયનો આગળનો ભાગ ગરમ કર્યો. સોયના પાછળના ભાગને એકદમ જોરથી ડાબીને કસીને પકડી અને ટાકા લીધા. મેં લીધેલા ટાંકા એવા હતા જાણે કોઈએ પેન્ટને થીંગડું માર્યું હોય જે દેખાવમાં ખરાબ હોય પણ કામચલાઉ હોય.

મોઢા પર રૂમાલ બાંધવાનો મારો આઇડીયા કામ લાગ્યો અને મારા મોઢામાંથી આવતો ઝીણો દર્દ ભર્યો અવાજ રૂમાલના કારણે ફક્ત મારા કાન સુધીજ પહોચી શકતો હતો, જોહન સુધી નહિ. જોહને ગાડી ધીમી પાડી અને હું થોડોક ગભરાઈ ગયો કે જોહનને શક તો નહિ ગયો હોય ને. કારણકે હવે ટાંકા લીધા પછી આ પરિસ્થતિમાં મારાથી મરવાની એક્ટિંગ કરવી શક્ય ન હતી. મેં ટાકા લેવા માટે મારું પેન્ટ કાઢેલું હતું. રોશનીના મોઢા પર બાંધેલો રૂમાલ મારા મોઢા પર બાંધેલો હતો. રોશનીની જર્સી જે મારા પગ પર બાંધી હતી એ પણ મારા જોડે પડેલી હતી. રોશની નિવસ્ત્ર હતી. અધૂરામાં પૂરું મેં જોહનની બેગ આખી ફેદી કાઢેલી હતી. હવે આ પરિસ્થતિમાં જોહન ગાડી ઉભી રાખે અને ગાડીની ડેકી ચેક કરે તો મારું પણ રોશની જોડે સ્વર્ગમાં જવું નક્કી હતું.

જોહને ગાડી ધીમે રહીને ઉભી રાખી, હું ખુબ ગભરાઈ ગયો. આટલા ઓછા સમયમાં મારા માટે આ બધું સરખું કરવું એ શક્ય નહોતું એટલે મેં પ્રયત્ન પણ ન કર્યો. બીકે બીકે બારીના કાચમાંથી બહાર જોવાનો પ્રયત્ન કર્યો. જોહન ગાડીમાંથી ઉતર્યો હોય એવું લાગ્યું કારણકે ૧૨૦ કી/ગ્રા.નો સાંઢ જેવો માણસ ગાડીમાંથી નીચે ઉતરે એટલે ખબરતો પડેજ ને. હું ડેકીમાં હતો એટલે જોહનને જોઈ ન શકયો. થોડીવાર રહીને દરવાજો ખુલ્યો અને ગાડી પાછી દબાઈ ગઈ એટલે જોહન ગાડીમાં બેઠો હશે અને ફરીથી ગાડી ચાલુ કરી. મારા જીવમાં જીવ આવ્યો. પેશાબ કરવા ગાડી ઉભી રાખી હશે. થોડીવાર રહીને એ કશુક ખાતો હોય એવો અવાજ આવ્યો. પેશાબ માટે ઉતર્યો હશે ત્યારે લારીમાંથી કશુક લીધું હશે.

.....વધુ ભાગ-૩માં

સુકેતુ કોઠારી