Lockdown- 21 day's - 18 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૮

Featured Books
  • ماسک

    نیا نیا شہر نئی امیدیں لے کر آیا ہے۔ دل کو سکون اور سکون ملا...

  • Wheshat he Wheshat - 5

    وحشت ہی وحشت (قسط نمبر 5)(بھیڑیے کا عروج: )​تیمور کاظمی صرف...

  • Wheshat he Wheshat - 4

         وحشت ہی وحشت(قسط نمبر( 4)جب تیمور گھر میں داخل ہوا، تو...

  • Wheshat he Wheshat - 3

    وحشت ہی وحشت( قسط نمبر (3)(منظر کشی :)رات کا وقت تھا، بارش ک...

  • Wheshat he Wheshat - 2

         وحشت ہی وحشت قسط نمبر (2)   تایا ابو جو کبھی اس کے لیے...

Categories
Share

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૮


લોકડાઉનનો અઢારમો દિવસ:

મીરાંને ક્યારેય સપનામાં પણ એવો વિચાર નહોતો આવ્યો કે સુભાષ તેની સાથે આવું કરી શકે છે, સુભાષ માટે અત્યારે તેના મનમાં પ્રેમના બદલામાં ગુસ્સો ઉભરાઈ આવ્યો હતો, લોકડાઉનના હવે માત્ર ચાર દિવસ જ બાકી હતા અને આ ચાર દિવસમાં જ તેને કોઈ નિર્ણય પણ કરવાનો હતો જેના કારણે તેની ઉદાસીમાં વધારો થવા લાગ્યો હતો. શું કરવું તેને કઈ સમજાઈ રહ્યું નહોતું, આ સમયે તે કોઈની સલાહ પણ માંગી શકે એમ હતી નહિ, ના તેની નજીકમાં એવું કોઈ વ્યક્તિ હતું જેની પાસે આ વાત થઇ શકે, તેની મમ્મીને પણ તે જણાવી શકે એમ નહોતી, કારણ કે તેને ખબર હતી જો તેની મમ્મીને તે જણાવશે તો આ ઘટના કંઈક નવું જ રૂપ ધારણ કરી લેશે, જેના કારણે આ ઘડીએ તેને પોતે જ નિર્ણય કરવાનો હતો. પરંતુ શું નિર્ણય કરે તેને કઈ સમજાઈ રહ્યું નહોતું.

આજે સવારે મીરાંએ ઉઠીને ચા પણ ના બનાવી, સુભાષે તેની જાતે જ ઉભા થઈને ચા બનાવી લીધી, તેને મીરાંને પણ ચા પીવા માટે પૂછ્યું પરંતુ મીરાંએ ચા પીવાની જ આજે ના પડી દીધી, સુભાષ સમજી ગયો હતો કે કાલે તેને પોતાની ભૂલ મીરાં આગળ કબુલી તેના કારણે જ આમ બન્યું છે. તેને થોડો મનમાં ખચવાટ પણ થયો કે આ વાત જો મીરાંને ના જણાવી હોત તો સારું થતું, પરંતુ એ આવા કોઈ જુઠ્ઠાણાંના ભારને લઈને જીવવા નહોતો માંગતો, તેને પોતાની રીતે મીરાંને બધું જ જણાવી દીધું, હવે છેલ્લો નિર્ણય મીરાંને જ કરવાનો હતો. પરંતુ મીરાં આ ઘડીએ શું નિર્ણય કરે તે તેને પણ સમજાઈ રહ્યું નહોતું.

શૈલીને દૂધ આપી અને મીરાં પાછી બેડરૂમમાં જ આવીને બેડ ઉપર બેસી ગઈ, સુભાષ બેડરૂમમાં જ બેઠો હતો, શૈલી તેની જાતે રમવા લાગી. મીરાં પોતાની જાતે જ નક્કી કરવા લાગી હતી કે શું નિર્ણય કરવો, તે ક્યારેય સુરભીને મળી નહોતી, તે કોણ છે ? શું છે ? તેના વિષે સુભાષે પણ ક્યારેય મીરાંને કઈ જણાવ્યું નહોતું, "પરંતુ આજે જયારે તેના વિષે સુભાષે બધું જ જણાવી દીધું છે ત્યારે સુરભીનો ના જોયેલો ચહેરો પણ મારી આંખો સામે આવીને ઉભો છે, આજે મને સુરભી જેવી સ્ત્રી પ્રત્યે નફરત જન્મવા લાગી છે, એને મારી પાસેથી એ વસ્તુ છીનવી લીધી છે, જે ફક્ત મારી અને મારી જ હતી ! આજે તો સુભાષ માટે પણ મને ગુસ્સો આવે છે, સુભાષે આવું કરતા પહેલા એક ક્ષણ માટે પણ મારા અને શૈલી વિશે વિચાર ના કર્યો ? તકલીફો દરેક વ્યક્તિના જીવનમાં આવતી હોય છે પરંતુ તેનાથી પીછો છોડાવવા માટેનો માત્ર આજ રસ્તો નથી હોતો, બીજા ઘણા રસ્તા હોય છે પરંતુ સુભાષે આવું કરીને મારા વિશ્વાસને પણ તોડી નાખ્યો છે." મીરાંએ મનોમન નક્કી કરી લીધું કે તે હવે સુભાષે જે રીતે નક્કી કર્યું હતું કે લોકડાઉન પછી ડિવોર્સ આપવાનું તે તેમ જ કરી લેશે.

પોતાના આંસુઓ લૂછીને મીરાં બેડરૂમ તરફ ગઈ, અને સુભાષ સામે બેસીને કહ્યું:

"જુઓ સુભાષ, મેં નક્કી કરી લીધું છે કે મારે શું કરવું જોઈએ, તમે જેમ કહ્યું હતું કે આપણે લોકડાઉન પછી ડિવોર્સ લઇ લઈશું, તો આપણે હવે એમ જ કરીશું, હવે માત્ર થોડા દિવસની જ વાર છે, એટલા દિવસ હું તમારી સાથે રહીશ, અને એટલો વિશ્વાસ રાખજો કે તમારી આ ભૂલ વિશે હું કોઈને નહિ જણાવું. બસ આપણે જે રીતે સમજૂતી કરીને ડિવોર્સ કરવાનું નક્કી કર્યું હતું એમ જ ડિવોર્સ લઇ અને અલગ થઇ જઈશું."

જવાબ આપતા સુભાષે કહ્યું: "આ તારો છેલ્લો નિર્ણય છે?"

મીરાંએ પણ મક્કમ અવાજે કહ્યું: "હા, હાલ તો મેં એજ નક્કી કર્યું છે કે આપણું અલગ થઇ જવું જ યોગ્ય ગણાશે, કારણે કે મેં ક્યારેય આવું વિચાર્યું નહોતું કે તમે મારા વિશ્વાસને આ રીતે તોડી નાખશો, ભલે મારા મનમાં તમારા માટે થોડો ગુસ્સો હતો, પરંતુ મેં ક્યારેય તમારી સાથે વિશ્વાસઘાત કરવાનું નહોતું વિચાર્યું? અને તમે આમ કરતા પહેલા મારો કે શૈલીનો પણ ના વિચાર કર્યો?"

મીરાંના શબ્દોમાં ગુસ્સો પણ ભળવા લાગ્યો હતો. સાથે આંખોમાંથી આંસુઓ પણ છલકાવવા લાગ્યા હતા. સુભાષ પણ સામે કઈ બોલી શકે એમ નહોતો છતાં પણ તેને કહ્યું: "મીરાં હજુ વિચારી લે? હું બદલાવવા માટે તૈયાર છું, અને મારે તારાથી આ વાત જો છુપાવવી હોત તો હું પણ છુપાવી જ શકતો હતો, તને પણ આ વાતની ક્યારેય ખબર ના પડતી, પરંતુ મારે મારા માથા ઉપર આ ભાર લઈને નહોતું જીવવું જેના કારણે આપણા સંબંધને સુધારતા પહેલા મારે તારી સાથે આ વાત કરવી જરૂરી હતી અને એટલે જ મેં તને આ હકીકત જણાવી, મારી ભૂલ તારી આગળ સ્વીકારી."

"મારે એ બધું હવે કઈ નથી સાંભળવું, તમે મારો વિશ્વાસ તોડ્યો છે, અને આ તૂટેલા વિશ્વાસ સાથે મને એવું લાગે છે કે આપણે એક સાથે એક છત નીચે જીવન વિતાવી ના શકીએ." આટલું બોલીને મીરાં રસોડા તરફ ચાલી ગઈ. સુભાષ બેઠકરૂમમાં જ બેસીને શું કરવું એ હવે વિચારવા લાગ્યો."

સુભાષના માથે જાણે દુઃખોનો પહાડ આવીને તૂટી પડ્યો હોય એમ લાગી રહ્યું હતું, પાંચ વર્ષ સુધી જેની સાથે એક છતની નીચે જીવન જીવ્યા એનાથી આમ અચાનક અલગ થવાનું થાય ત્યારે કેવું દુઃખ થાય? અને એમાં પણ પાછું ડિવોર્સ લઈને અલગ થવાનું, ડિવોર્સ માટેની શરૂઆત મીરાંએ કરી હતી, અને ત્યારે વાંક પણ મીરાંનો જ હતો, પરંતુ હવે જયારે ડિવોર્સના દિવસો નજીક આવવા લાગ્યા ત્યારે સુભાષના કારણે સંબંધ તૂટી રહ્યો હતો. પોતે ભરેલા પગલાં ઉપર પણ તેને પોતાના ઉપર જ ગુસ્સો આવી રહ્યો હતો. તેને મનમાં એમ જ થઇ રહ્યું હતું કે "મીરાંની કહેલી વાત પણ સાચી જ છે, અને તેને જે મીરાં સાથે વિશ્વાસઘાત કર્યો છે તે કોઈપણ સ્ત્રી સહન ના જ કરી શકે, શું જરૂર હતી સુરભીની નજીક જવાની? મેં મીરાં સાથે સંબંધો સુધરવા માટેના પ્રયત્નો જરૂર કર્યા છે, પરંતુ જો એના બદલે મીરાંને સમજવાનો પ્રયત્ન કર્યો હોત, તેના મનમાં જાગેલા પ્રશ્નોનું નિવારણ કરવાનું વિચાર્યું હોત તો આજે આ પરિસ્થિતિ તો ના સર્જાઈ હોત, પરંતુ હું તો સુરભીની જેમ બને તેમ વધુ નજીક જવા લાગ્યો હતો, પછી તો મીરાંનો ગુસ્સો, તેના કડવા શબ્દો, તેની જીદને એક કાનથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવા લાગ્યો હતો."

સુભાષને હવે સમજાઈ રહ્યું હતું કે "ભૂલ ફક્ત તેની જ છે, મીરાંનો કોઈ વાંક નથી, અને મીરાં એક સ્ત્રી તરીકે જે વિચારી રહી છે તે એકદમ યોગ્ય છે, એ મારા જેવા માણસ સાથે જીવન ના વિતાવી શકે, મેં એનો વિશ્વાસ તોડ્યો છે, અને એટલે જ મીરાં જેમ ઇચ્છશે હું કરવા માટે તૈયાર છું, એ ડિવોર્સ માંગે છે તો હું તેને ડિવોર્સ પણ આપવા માટે તૈયાર છું, હું કોઈ ખોટું પગલું તો નહિ જ ભરું, કારણ કે મારા માથે પણ મારા માતા-પિતા અને શૈલીને પણ સાચવવાની જવાબદારી છે. પરંતુ એ સાથે હું બીજો નિર્ણય પણ કરું છું કે મીરાં માટે આ ઘરના અને મારા દિલના દરવાજા હંમેશ માટે ખુલ્લા રાખીશ, અને સુરભી સાથેના સંબંધનો પણ અંત લાવી દઈશ, મારે હવે કોઈની નથી જરૂર, ફક્ત મીરાં અને શૈલીની જરૂર છે, અને હું મીરાંની રાહ જોઇશ. અને આ વાત પણ હું મીરાંને ડિવોર્સ આપતા પહેલા જ જણાવી દઈશ."

સુભાષ પણ મીરાંને ડિવોર્સ આપવા માટે તૈયાર થઇ ગયો અને સુરભી સાથેના સંબંધનો અંત લાવવાનું નક્કી કરી લીધું. મીરાંએ પણ નક્કી કરી જ લીધું હતું કે તે સુભાષને ડિવોર્સ આપી દેશે. પરંતુ સુભાષે આ સાથે જ બીજો એક નિર્ણય પણ કરી લીધો હતો. આખા દિવસમાં સુભાષ અને મીરા વચ્ચે કોઈ વાત નહોતી થઇ, ના બંને એકબીજા સાથે નજર પણ મિલાવી શક્યા, મીરાં તેને લીધેલા નિર્ણય માટે અડગ હતી, છતાં પણ ચાર દિવસ સુભાષ સાથે આજ ઘરમાં રહેવાનું હોઈ તેને પોતાની પત્ની તરીકેની ફરજ બજાવી અને જમવાનું પણ બનાવ્યું, શૈલીની સાથે બેસીને એકબીજાએ રસોઈની વાનગીઓની તો આપ લે કરી પરંતુ શબ્દોની આપ લે ના કરી શક્યા..!!!

(શું મીરાં ખરેખર સુભાષને ડિવોર્સ આપી દેશે? શું સુભાષ મીરાંને રોકી શકશે? સુભાષ સુરભી સાથેના સંબંધો અંત ડિવોર્સ પછી લાવી શકશે? તમને શું લાગે છે? મીરાંએ લીધેલું પગલું કેટલું યોગ્ય છે? અંત તરફ વધતી નવલથામાં રહસ્યો પણ ગૂંચાતા રહે છે, એક લેખક તરીકે હું પણ નથી સમજી શકતો કે મારે આ નવલકથાને કઈ દિશામાં લઇ જવી? જોઈએ હવે આગળના ભાગમાં મારુ મન આ નવલકથાને કયા મુકામ ઉપર પહોચાવે છે !! વાંચવાની મઝા આવશે હવે "લોકડાઉન-21 દિવસ"ના ભાગ-19માં )

લે. નીરવ પટેલ "શ્યામ"