ek navi sharuaat books and stories free download online pdf in Gujarati

એક નવી શરૂઆત

પૂર્વી જ્યારથી આ નવા પોતાના ઘરે રહેવા આવી હતી ત્યારથી એણે એક જાણે નિયમ જ બાંધી દીધો હતો. સવારે પૂર્વાંગ સ્કૂલે જાય પછી શ્રેયાંગ ઑફિસ જાય એટલે નજીક માં જ આવેલ જૈન મંદિર માં જઈને મહાવીર સ્વામી ના દર્શન કરવા જાય. સાસુ સસરા તો રોજ વહેલા જ આવી જતા પણ પૂર્વી નો પણ હવે નિત્યક્રમ બની ગયો હતો. એ ભગવાન સામે માથું નમાવીને એટલું જ બોલતી કે, તે મને ઘણુંય આપ્યું છે. સુંદર અને સ્વસ્થ બાળક, પ્રેમાળ પતિ, માતા પિતા સમાન સાસુ સસરા અને મોટાભાઈ અને મોટીબેન સમાન જેઠ- જેઠાણી. જે આપ્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર.

પૂર્વી ને આમ તો કોઈ દુુુઃખ ન હતું પણ હમણાં થી શ્રેયાાંગ નવી શાખા શરૂ કર્યા પછી થોડો વધારે જ કામમાં વ્યસ્ત થઈ ગયો હતો. રાત્રે પણ એનાં કૉલ્સ ચાલતા હોય, ફેક્ટરી થી આવીને પણ એનું લેપટૉપ ચાલું જ હોય. પૂર્વી ઘણીવાર પૂૂૂૂૂૂછતી કે, કોઈ મદદની જરૂર હોય તો કહેેેેજે હું કોમર્સની
ભણેલી છું. ત્યારે શ્રેયાંગ એટલું જ કહેતો કે, તું આટલું બધું તો કરે છે આપણા માટે, આપણા પરિવાર માટે... બાકીનું બધું હું કરી લઈશ. નવી શાખા માટે એણે એક નવી છોકરીને પણ એણે એપોઇન્ટ કરી દીધી હતી- આરતી, જે એને બીઝનેસ માં ખૂબ જ મદદ કરતી. આરતીને એ એકવાર મળી પણ હતી. દેખાવે સામાન્ય પણ વાક્ચાતુર્ય એવું કે, પહેલી જ મુલાકાતમાં મનમાં એની અલગ છાપ છોડી જાય. હવે પૂર્વીને શ્રેયાંગની બહુ ચિંતા નહોતી રહેતી કારણ કે, આરતીએ એમબીએ કર્યુ હતું અને ઑફિસ નો અડધો ભાર એણે વહેંચી લીધો હતો. એક વર્ષમાં તો બિઝનેસ ઘણો વધી ગયો હતો અને એની સાથે ઑફિસ નો સ્ટાફ પણ. શ્રેયાંગને હવે ખૂબ જ મોટી તક મળી હતી, અમેરિકા માં એક ગુજરાતી સાથે બિઝનેસ વધારવાની. તેના માટે એ અઠવાડિયું યુએસ પણ જઈ આવ્યો.

હવે શ્રેયાંગ ખૂબ જ વ્યસ્ત રહેવા લાગ્યો. પૂર્વાંગ સાથે થોડી મસ્તી કરી લેતો અને ક્યારેક ત્રણેય જણ મૂવી જોવા કે મોલ માં જવા નીકળી પડતાં. મમ્મી પપ્પા પણ સમજતાં કે, છોકરો આખો દિવસ કેટલું કામ કરે છે, થોડો સમય એની પત્નિ અને બાળકને આપે તો એમાં કંઈ ખોટું નથી. જ્યારે પણ શ્રેયાંગ સાથે હોય ત્યારે ઓફિસની, ઓફિસના સ્ટાફ ની, નવી બિઝનેસ વધારવાની વાતો પૂર્વી સાથે કરતો. પૂર્વી ને પણ શ્રેયાંગ માટે ખૂબ જ માન થતું. પૂર્વી ક્યારેય શ્રેયાંગને કોઈ ફરિયાદ ન કરતી. હંમેશા એના સપનાંઓ, એના વિચારો ને માન આપતી.

આ સમય દરમિયાન પૂર્વાંગ એના મોટા પપ્પા અને મોટી મમ્મી ની ખૂબ જ નજીક આવી ગયો હતો. રાત્રે પણ એમની સાથે જ સૂતો. પૂર્વી પણ એ માટે ના નહોતી કહેતી કારણ કે, એ સમજતી હતી એ લોકોનું દુઃખ. ઘણા દિવસથી શ્રેયાંગ ક્યાંક ખોવાયેલો રહેતો હતો. રાત્રે પણ કોઈની સાથે બાલ્કની માં ફોન પર વાતો કરતો રહેતો.પૂર્વીને થોડું અજુગતું લાગતું કારણ કે, શ્રેયાંગ ઓફિસથી ફોન હોય તો રૂમમાં બેસીને જ વાતો કરતો. એકવાર ફોન પત્યા પછી પૂર્વીને જોઇને એના હાવભાવ જોઇને શ્રેયાંગે કહ્યું કે, હું જલ્દી જ બધું શોર્ટ આઉટ કરીને તને કહીશ. પ્લીઝ, થોડો વિશ્વાસ રાખ મારા ઉપર. પૂર્વીને પોતાની જાત કરતાં પણ વધારે શ્રેયાંગ ઉપર ભરોસો હતો. પૂર્વી મનમાં મૂંઝાતી પણ શ્રેયાંગ કે ઘરમાં કોઈને જાણ થવા ના દેતી. અને એક દિવસ શ્રેયાંગ ઘરે વહેલો આવી ગયો અને પૂર્વીને કહ્યું કે, આજે પૂર્વાંગ વગર જ બહાર જઈએ એને આમ પણ થોડી ખાંસી આવે છે.
પૂર્વી અને શ્રેયાંગ પહોંચી ગયા એમના ફેવરિટ આઈસ્ક્રીમ પાર્લર. શ્રેયાંગે બન્નેનો ફેવરિટ આઈસ્ક્રીમ મંગાવ્યો અને પછી વાત શરૂ કરી.

શ્રેયાંગે બોલવાનુ શરૂ કર્યુ, પણ પૂર્વી ને ખબર નહોતી કે આ વાતથી એની જિંદગી બદલાઈ જવાની છે. શ્રેયાંગ, "તને ઘણા દિવસથી ઘણાં બધાં સવાલો છે મારાથી. આજે હું તને બધું જ કહેવા માંગુ છું. હું જ્યારે યુએસ ગયો ત્યારે આરતી સાથે મારે આખો દિવસ ઑફિસના કામથી વાત થતી રહેતી. કારણ કે, અહીંની ઑફિસ એ જ સંભાળતી હતી. ધીરે ધીરે અમે ઑફિસ સિવાયની વાતો પણ કરતા. ધીમે ધીમે અમને એકબીજા સાથે વાતો કરવી ગમવા લાગી. અમે એટલીબધી વાતો કરતા કે, દિવસ રાતનું પણ ભાન ન રહેતું. જ્યારે હું યુએસથી આવ્યો ત્યારે મારા અને આરતી વચ્ચે એક નવું જ બંધન બંધાઈ ગયું હતું. અમે એકબીજાને બહુ સારી રીતે ઓળખતાં થઈ ગયા હતા એટલે એમને એકબીજાની સંગત ગમતી. એ સમયમાં હું માનું છું કે, આપણે એટલી વાતો નહોતી થતી. કારણ કે, તું પણ ઘર અને પૂર્વાંગ માં એટલી ખોવાયેલી રહેતી કે, આ વાત તારા ધ્યાન ઉપર ના આવી. પણ થોડા સમયમાં જ મને અને આરતીને ખબર પડી ગઈ કે, અમે જે કરી રહ્યાં છીએ તે ખોટું છે. કારણ કે, અમે તને અને પૂર્વાંગને અન્યાય કરવા નહોતા માંગતા. એટલે જ અમે નક્કી કર્યું કે, અમે હવે ફક્ત પ્રોફેશનલ રીલેશન જ રાખીશું. હવે અમે અમારા સબંધ ઑફિસ જેટલા જ મર્યાદિત કરી દીધા છે. મેં કદી તારાથી કોઈ વાત છુપાવી નથી એટલે મેં તને આ વાત કહી દીધી. હું તારો જ છું અને તારો જ રહીશ."
પૂર્વીને પહેલાં તો પોતાના કાન પર વિશ્વાસ જ ના આવ્યો કે, શ્રેયાંગ આ શું બોલી ગયો. પછી એણે વાત સંભાળી લીધી અને કહ્યું કે, "સારું થયું તે મને આ વાત કહી દીધી. તારા હૃદયમાં મારે માટે પ્રેમ છે એજ મારા માટે ઘણું છે. હું પણ આ વાત ભૂલી જઈશ તું પણ ભૂલી જા. આપણે ફરીથી એકવાર નવી શરૂઆત કરીશું અને આપણા સબંધ ને વધુ મજબૂત બનાવીશું."
પૂર્વી ફરીથી ઘરે આવીને સમાન્ય વર્તન કરવા લાગી પણ એના મનમાં કંઈ કેટલાય વમળો ઘુમરાઈ રહ્યાં હતાં. એને બધું જ યાદ આવવા લાગ્યું. એ શ્રેયાંગનું પસેસિવનેસ, પૂર્વી ક્યારેક એના મમ્મી પપ્પા સાથે પણ લાંબી વાત કરતી તો શ્રેયાંગના મોઢા પર અણગમો તરત દેખાઈ આવતો. આવું તો લગ્નની શરૂઆતમાં ઘણીવાર બનતું. ધીરે ધીરે એણે એના સગા સંબંધી અને ફ્રેન્ડ સાથે વાતો કરવાનું ઓછું કરી દીધું. અને બધાં સાથે પ્રસોંગોપાત મુલાકાત માં જ ખુશી શોધી લીધી. એણે પોતાના ઘરમાં જ બધાં સબંધો શોધી લીધા. અને પૂર્વાંગના આવ્યાં પછી તો આ બધું વિચારવાનો પણ સમય નહોતો મળતો. એણે એની દુનિયા બહુ જ નાની બનાવી દીધી હતી. શ્રેયાંગની વાતથી આજે બધું એને યાદ આવવા લાગ્યું. પણ એણે એના મનને મજબૂત કરી લીધું હતું. એ શ્રેયાંગને ખૂબ જ પ્રેમ કરતી હતી એટલે એણે આ વાત ભૂલી જઈને જિંદગી માં આગળ વધવાનો નિર્ણય કરી લીધો હતો.
પૂર્વી રાત્રે આ બધું વિચારતાં વિચારતાં ક્યારે સૂઈ ગઈ એની એને ખબર જ ના પડી. વહેલી સવારે જ્યારે એની ઊંઘ ઉડી ત્યારે શ્રેયાંગ શાંતિથી બાજુમાં સૂતો હતો અને પૂર્વાંગ તો હંમેશાની જેમ એના ભાભુ અને બાપુજી સાથે જ સૂઈ ગયો હતો. પૂર્વીને શ્રેયાંગ પર ખૂબ જ પ્રેમ ઉભરાઈ આવ્યો એને લાગ્યું કે, શ્રેયાંગ આ વાત એનાથી છુપાવી પણ શકતો હતો પણ એણે એને આ વાત કરી. આ માટે એને શ્રેયાંગ માટે માન થયું. એણે શ્રેયાંગના માથા પર હાથ ફેરવવા લાગી અને જોરથી આલિંગન કરીને એક કિસ કરી દીધી. પણ આ શું? શ્રેયાંગ ઊંઘ માં બબડતા બોલ્યો કે, "પ્લીઝ આરતી, ડોન્ટ ડું ધિસ." પૂર્વી ના માથામાં સણકા આવવા લાગ્યા. એના મગજમાં જાણે અંધારું થઈ ગયું. એ સમજી ગઈ કે, શ્રેયાંગ હવે તનથી તો એની સાથે છે પણ મનથી એ તેનાથી બહુ દૂર જતો રહ્યો છે. એને બહું જ રડવું આવ્યું. એ તરત જ બાલ્કનીમાં જતી રહી અને ક્યાંય સુધી રડ્યા કરી અને ત્યાં જ બેસી રહી.
સવાર પડતાં જ એ સામાન્ય બનીને, પોતાની દિનચર્યા માં પરોવાઈ ગઈ. કામ પતાવીને મંદિર ગઈ, ત્યાં જઈને એ ક્યાંય સુધી મંદિરમાં બેસી રહી. મહાવીર સ્વામીના દર્શન કરતાં કરતાં એણે કંઈ કેટલીય ફરિયાદો કરી. પણ જાણે ભગવાને જ એને રસ્તો દેખાડ્યો હોય તેમ એ ઊભી થઈ અને કંઇક વિચારીને મંદિરના સાધ્વીને મળી અને પોતાના મનની વાત કરી. પૂર્વી પોતાના નિર્ણયમાં એકદમ અટલ હતી. એણે જે નક્કી કર્યું હતું તે માટે એ તૈયાર હતી. હવે એના મનમાં કોઈનાય માટે કોઈ જ અફસોસ કે ફરિયાદ રહી ન હતી. આ માટે ઘરનાં બધાં જ સભ્યો ની રજા લઈ લીધી. શ્રેયાંગ પાસેથી મંજૂરી લેવામાં, તેને સમજાવવામાં બહું જ મુશ્કેલી પડી પણ આખરે એણે સમજવું જ પડ્યું. પૂર્વાંગની પણ એને ચિંતા ન હતી કારણ કે, એ હજી બહુ નાનો હતો અને એ એના ભાભુ અને બાપુજી સાથે બહુ ખુશ હતો.
અને બે મહિના પછી એ ઘડી આવી જ ગઈ, જરૂરી વિધિ વિધાન પછી એણે દિક્ષા અંગીકાર કરી. અને ઘરનાં દરેક વ્યક્તિ પાસેથી ભિક્ષા માંગી. શ્રેયાંગ પાસેથી ભિક્ષા માં આરતી સાથે લગ્ન કરીને જિંદગી વિતાવવાનુ વચન લઈ લીધું. અને કહ્યું કે, તું જ મને મારી જિંદગીનું સત્ય સમજાવાનું નિમિત્ત બન્યો છે. તારી હું હંમેશા ઋણી રહીશ." અને પૂર્વી એ પોતાના જીવનની એક નવી શરૂઆત કરી.