Aaruddh an eternal love - 4 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૪

“આજે તો તારે પાર્ટી આપવી જોઈએ આર્યા!”

“હું તમને પાર્ટી શા માટે આપુ, કારણ જણાવશો રેખાજી?”

“હા કેમ નહીં! લ્યો જાણો કારણ….

પોતાના પ્રિયતમને મળવાને આતુર હોય એવી રીતે સજી-ધજીને જનાર હજારો યુવતીઓમાંથી કામદેવ જેવા યુવાન અનિરુદ્ધએ માત્ર અને માત્ર આપના પર નજર ફેંકેલ છે. પાણી જેમ ગટરની જાળીમાંથી જતું રહે અને કચરો ચારણી ઉપર જ રહી જાય એમ પાણીરૂપી તમે ગળાઈ ગયા છો અને બાકીની યુવતીઓરૂપી કચરો ચાળણી ઉપર પડયો રહ્યો છે. માટે આપની પાસેથી અમે પાર્ટી લેવાને પાત્ર બન્યા છીએ. ટૂંકમાં અનિરુદ્ધ નામના કામદેવે માત્રને માત્ર આપની પર જ નજર ફેંકી છે એ માટે.”

“વ્હાલી રેખા! કોઈ મારા પર નજર ફેંકે એ માટે હું ત્યાં ગઇ જ નહોતી. હું તો ધ્વજવંદન કરવા ગઈ હતી. અને હા પાર્ટી તો તને જરૂર આપીશ, જય કહેતા હતા કે એમને કોઈ કામ માટે કમ્પ્યુટર આસિસ્ટન્ટ ની જરૂર છે એટલે મારી નોકરી પાકા જેવી જ છે. એકવાર પગાર હાથમાં આવવા દે પછી તને પાર્ટી આપીશ.”

આર્યા બોલવાનું પૂરું કરે એ પહેલાં તો અવની અને બીજી છોકરીઓ છૂટી પડી,

“હવે અમે તમને તાડન કરીશું રેખાજી, અમને કચરો કહો છો એમ ને!”

આગળ રેખા અને તેની પાછળ દોડનારી છોકરીઓ ની ધમાચકડીથી ખૂબ દેકારો થવા લાગ્યો. અનાથ-આશ્રમમાં મોટી છોકરીઓના વિભાગમાં દેખરેખ રાખનાર માયાબહેનને બધી છોકરીઓ મમ્મી કહીને જ સંબોધતી. માયાબહેને આ બધી છોકરીઓને મોટી થતી જોઈ હતી. એમના નામ મુજબ એ આ બધી છોકરીઓ પર ખૂબ માયા રાખતા. તેઓ ખૂબ ગુસ્સો કરવાનો પ્રયત્ન કરતા પરંતુ આ છોકરીઓ સામે તેમનો ગુસ્સો પ્રગટ થઈ જ શકતો ન હતો.

બધી છોકરીઓને માયાબહેન માટે ખૂબ માન હતું. એ બધીઓ પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતી. માયાબહેન અને આર્યાનો સ્નેહ સૌ કોઈ જાણતા હતા. આર્યા પોતાના મનની નાનામાં નાની વાત માયાબહેનને કરતી.

સાવ નાનકડી આર્યા અનાથાશ્રમમાં આવી ત્યારથી જ બધી છોકરીઓ થી કંઈક અલગ જ હતી. બીજી છોકરીઓની જેમ તે ઉછળકૂદ કદી ના કરતી. ઉંમર પહેલા જ એ જાણે પીઢ થઈ ગઈ હતી. ઝઘડાઓમાં કદી એનું નામ આવતું નહીં. ઊલટાનું એ બીજી છોકરીઓને સમજાવીને રાખતી. બધા સાથે હળી-મળીને અને સમજીને રહેવામાં એ જ સાચી સમજદારી છે એવું એ માનતી.

આજે પણ રેખા અને એની પાછળ દોડનારી છોકરીઓ ધમાચકડી મચાવી રહી હતી. આર્યા તેમને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતું પેલી બધીઓ તોફાન માં વ્યસ્ત હતી.

“ચૂપ થઈ જાઓ…. એકદમ ચૂપ. ખબરદાર જો કોઈએ ધમાચકડી કરી છે તો. તમારી બધી કરતા તો પેલા નાના બાળકો સારા છે. જોઈ આવો. ક્યાંથી જરા પણ અવાજ નથી આવતો.”

“પણ મમ્મી…આ રેખાડી….”

“ચૂપ…. મારે કશું સાંભળવું નથી. આ આર્યા પાસેથી કશુંક શીખો. કોઈ દિવસ તમે એને નવરી કે ઝઘડતી જોઈ? નવરા હોઈએ તો સમયનો કશો સદુપયોગ કરીએ. છે એવી ચીજ કોઈ કે જે આર્યાને ના આવડતી હોય? અને તમે બધીઓ? ઝઘડા સિવાય કશું કામ નથી.”

માયાબહેન નો ઠપકો સાંભળીને બધી છોકરીઓ જાણે ડરી ગઈ હોય તેવો ડોળ કરતી વાંચવા બેસી ગઈ. આર્યા એ બધીઓ સામું જોઈને હસી રહી.

“આર્યા…આવતીકાલથી તારે તારા કામ પર જવાનું શરૂ કરવાનું છે. હમણાં જ જયનો નો ફોન આવ્યો હતો. કલેકટર કચેરીમાં જયે તારી નોકરી નક્કી કરી છે. ત્યાં જઈશ એટલે કામ તને સમજાવવામાં આવશે.”

“ પણ મમ્મી, કલેકટર કચેરીમાં?”

“હા, કલેકટર જયના મિત્ર છે. એટલે જયે તારું ગોઠવ્યું છે. ઓળખીતા હોય તો તારા માટે સારું રહે. જય ખૂબ સમજદાર છે. એને ઘણી કાળજી છે.”

***

આર્યા કલેકટર ઓફિસમાં નોકરી માટે જવાની છે એ વાત જાણતા જ બધી છોકરીઓ ફરી ધમાચકડી કરવા લાગી. બધી થઈને આર્યા નુ મગજ ખાઈ ગઈ. ત્યાં જઈને આર્યાએ શું કરવાનું અને કલેકટરની કઇ માહિતી મેળવીને આવવાની એ બાબતનું લિસ્ટ જ રજૂ કરી દીધું.

હું ત્યાં નોકરી માટે જવાની છું…. તમારા કલેકટર નું ધ્યાન રાખવા માટે નહીં…. એવી આર્યાની ચોખ્ખી ના છતાં એક પણ છોકરી આર્યાને છોડવા તૈયાર ન હતી.

અવની અને બીજી કેટલીક છોકરીઓએ તો આર્યાને પેલી ઇવેન્ટ મેનેજર વિશે જાણી લાવવાનું કામ પણ સોંપી દીધું.

“કમ્પ્યૂટર પર નહીં, નજર કલેક્ટર પર રાખજો,
પળેપળ નો અહેવાલ આ હસીનાઓ માટે લાવજો.” રેખાએ તાત્કાલિક શાયરી ઠપકારી.

અવની અને બીજી કેટલીક તો એની સાથે નોકરી પર જવા પણ તૈયાર થઈ ગઈ. માયાબહેને બધીને ઘસીને ના પાડી અને ધમકાવી ત્યારે જરા એ લોકો શાંત પડી.

માયાબહેને આર્યા માટે આછો ગુલાબી રંગનો એક ડ્રેસ તૈયાર કરાવ્યો હતો. આમ તો આર્યા ની જેમ માયા બહેનની પણ ઇચ્છા હતી કે આર્યા બહુ સુંદર ના દેખાય પરંતુ રતનને ઢાંકો તો પણ એનો ઝગમગાટ દાબી શકાતો નથી એ ન્યાયે સાવ સાદા આછા ગુલાબી રંગના ડ્રેસમાં પણ આર્યા ખીલી ઉઠી.

નોકરીના પહેલા દિવસે આર્યાને મુકવા જનાર જય પણ આર્યાને જોઇ જ રહ્યો.

“એકદમ સરસ…. એક વાત કહું આર્યા? તમે ખોટા સ્થળ અને કાળમાં જન્મી ગયા છો.”

“એટલે?”

“એટલે એમ કે તમે તો કોઈ રજવાડાની રાજકુમારી હોવા જોઈતા હતા. આ તમારી આટલી સુંદરતા એવી જગ્યાએ શોભે.”

“બિલકુલ ખોટી વાત. સુંદરતા કે જ્ઞાન કોઈ ચોક્કસ જાતિ કે ધર્મનો ઇજારો નથી. ગમે તે વ્યક્તિ સુંદર હોઈ શકે અથવા ગમે તે વ્યક્તિ જ્ઞાની હોઈ શકે. હું તમને એક વાત પૂછું?”

“તમે કહેલી વાત વિચારવા પણ દેતા નથી અને ઉપરાઉપરી બીજો સવાલ પણ કરી નાખો છો. પૂછો પૂછવું હોય તે.”

“તમે મને આટલી મદદ કેમ કરો છો? સહેજ ભીની આંખે આર્યાએ એકીટસે જયની આંખોમાં જોયું અને પૂછી નાખ્યું.

આર્યાની આંખોમાં રહેલ એ લાગણી ભૂખી ભાવનાઓ જયને અંદરથી હચમચાવી રહી હતી. આર્યા સુંદર તો હતી જ અને એથી જ જયને આકર્ષતી હતી એવું ન હતું, જયને એની સમજદારી અને એની વાતો ખૂબ જ ગમતી. પોતાનું આગવું વર્તમાનપત્ર ચલાવી રહેલા જયને આર્યા સાથે સમય પસાર કરવો ખૂબ ગમતો.

એક વર્તમાનપત્રના માલિક હોવાના નાતે જયનું જીવન ખૂબ હાડમારીઓ ભરેલું હતું, અહીંથી તહીં તેને ખૂબ ભટકવું પડતું પરંતુ જ્યારે પણ તે આર્યા સાથે હોય ત્યારે જાણે જિંદગી થંભી જતી હતી. આર્યા પાસે આવીને જિંદગીને પણ જાણે નવો મુકામ મળતો હતો. જયને આર્યા સાથે સમય પસાર કરવાનું ખૂબ મન થતું પરંતુ ભાગ્યે જ તે સમય કાઢી શકતો. સ્ત્રીઓમાં જાણે પુરુષોની લાગણીઓ સમજી જવાની સિક્સ્થ સેન્સ હોય એમ આર્યા જય ની કુણી લાગણીઓ થી અજાણ ન હતી. પરંતુ એ કશું દર્શાવતી નહીં.

જયની કાળજી આર્યાને ગમતી. એને મન તો એનું માન પણ ખુબ હતું.

“બસ એમ જ. અત્યારે તો વધારે કાંઇ કહી નહીં શકું. સમય આવી એ કહી દઈશ.”

કશું ન કહેવાયા છતાં કહેવાઈ ગયું. ન સમજાવ્યા છતાં સમજાઈ ગયું.

ક્રમશઃ