Lockdown- 21 day's - 20 books and stories free download online pdf in Gujarati

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૨૦


લોકડાઉનનો વિસમો દિવસ: (વસમો દિવસ)

આજે લોકડાઉનનો વિસમો દિવસ હતો પરંતુ સુભાષ અને મીરાંના જીવનનો ખુબ જ વસમો દિવસ હતો. મીરાંએ સુભાષને ડિવોર્સ આપવા માટે તો જણાવી દીધુ છતાં પણ તેના મનમાં ખચવાટ હતો. સુભાષના મનમાં પણ એજ મૂંઝવણ હતીકે કેવી રીતે મીરાંને રોકી લેવી ? પાંચ વર્ષ જેની સાથે જીવન વિતાવ્યું, ત્રણ વર્ષને બાદ કરતા બે વર્ષમાં જેને જીવવાનો ભરપૂર આનંદ આપ્યો એ વ્યક્તિને છોડવાનું દુઃખ સુભાષને પણ હતું, પરંતુ તે પણ જાણતો હતો કે તેને જે ભૂલ કરી છે તેના માટે તે માફી પણ માંગી શકે એમ નથી, અને આ ભૂલ એવી હતી જેને મીરાં માફ પણ ના કરી શકે છતાં પણ સુભાષની દિલથી ઈચ્છા હતી કે મીરાં તેને માફ કરી અને તેની સાથે એક નવા જીવનની શરૂઆત કરે, પરંતુ મીરાંએ પોતાનો નિર્ણય સુભાષને જણાવી દીધો હતો.

મીરાં પણ રાત્રે મોડા સુધી એજ વિચારતી રહી કે આગળ શું કરવું? વૈશાલી અને સ્મિતના જયારે લગ્ન થયા ત્યારે મીરાંએ એવું વિચાર્યું હતું કે વૈશાલી કેટલી કિસ્મતવાળી છે, તેને મનગમતી વ્યક્તિ મળી ગઈ સાથે એક સુખી સંપન્ન પરિવાર પણ મળી ગયો. ફક્ત મીરાંએ જ નહિ પરંતુ તેમન બધા જ મિત્રોએ એવું વિચાર્યું હતું કે આ લોકો ખરેખર સુખી જીવન જીવશે, પરંતુ તેમના જીવનમાં આવો કોઈ વળાંક આવશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી, વૈશાલી વિષે જાણીને મીરાંને ખુબ દુઃખ થયું, પરંતુ એ દુઃખ વ્યકત કરવા સિવાય બીજું કરી પણ શું શકવાની હતી? તેના જીવનમાં પણ આ પ્રકારનું દુઃખ આંગણે આવીને ઉભું હતું.

મીરાંએ વૈશાલીના પતિ સ્મિત અને પોતાના પતિ સુભાષની તુલના કરતા વિચાર્યું: "આ પાંચ વર્ષમાં એક દિવસ પણ એવો નથી આવ્યો જયારે સુભાષે મારી ઉપર હાથ ઉઠાવ્યો હોય, હાથ ઉઠાવવો તો દૂર રહ્યો મારી સામે આજ સુધી એમને ઊંચા અવાજે વાત પણ નથી કરી, ના સુભાષને કોઈ એવું વ્યસન છે. ભલે એમને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે પરંતુ સ્મિતે જેમ વૈશાલી ઉપર અત્યાચાર કર્યો તેમ સુભાષે તો મારા ઉપર ક્યારેય કોઈ અત્યાચાર નથી જ કર્યો, ના કોઈસંબંધ બાંધવા માટે મારી સાથે બળજબરી કરી છે અને સુભાષે જે કર્યું છે એમાં મારી ભૂલ પણ ક્યાંકને કયાંક છે જ ! દરેક વ્યક્તિ પોતાના દિલની વાતને કોઈ ખાસ વ્યક્તિ આગળ અભિવ્યક્ત કરવા ઇચ્છતું હોય છે, અને એ સમયમાં હું એમનાથી દૂર થઇ ગઈ, એમને તો ના કોઈ એવું ખાસ મિત્ર હતું કે ના કોઈ એવી વ્યક્તિ જેને તે વાત કરી શકે, વળી મેં તો એમની પાસેથી એ અધિકાર પણ છીનવી લીધો હતો જેના પર એમનો અધિકાર હતો, એક પતિ તરીકે સુભાષે તો પોતાની દરેક ફરજ નિભાવી હતી, પણ હું મારી ફરજ નિભાવવામાં કાચી પડી ગઈ, મેં એમના જીવનમાં પ્રેમની ખોટ આણી ત્યારે જ એમને પ્રેમ શોધવા માટે બીજે જવું પડ્યું, જો મેં એમની સાથે સારું વર્તન કર્યું હોત, તેમને પ્રેમ આપ્યો હોત તો એમને બીજા કોઈની ક્યારેય જરૂર પણ ના પડતી."

આજ વિચારે મીરાંનું મન ડિવોર્સ લેવાના પોતાના નિર્ણયથી બદલાયું, પરંતુ બીજી જ ક્ષણે મીરાંને વિચાર આવવા લાગ્યો કે સુભાષ ખરેખર સુરભીને ભૂલી શકીને પોતાની સાથે આગળ વધી શકશે? મને અંધારામાં રાખીને એ પાછો તો સુરભી સાથે સંબંધ નહિ બાંધે ને? ના... સુભાષ એવું તો નહિ જ કરે, જો સુભાષને એવું જ કરવું હતું તો મને આ વાતની ક્યારેય જાણ પણ ના જ થવા દેતા, મને અંધારામાં રાખીને એ સુરભી સાથેના સંબંધને નિભાવી શકતા હતા, મને તો આ વાતની ક્યારેય ખબર પણ ના પડતી પરંતુ સુભાષે જ આ વાત મને સામેથી કરી, એમને પણ સંબંધ તૂટવાનો ડર હશે જ છતાં પણ એમને મને જણાવ્યું છે, એટલે સુભાષ પણ સંબંધને પાછો જીવંત કરવા માંગે છે, હું સુભાષને છૂટાછેડા આપીને ભૂલ તો નથી કરી રહીને? સુભાષ પછી મારા જીવનનું શું થશે? મને કદાચ કોઈ બીજી વ્યક્તિ સાથે મારા ઘરના પરણાવી પણ દેશે અને એ વ્યક્તિ સુભાષ કરતા પણ ખરાબ હશે તો? મારુ તો જીવન જ સાવ બદલાઈ જશે, અને ત્યારે મારી પાસે પછતાવો કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહિ રહે... ના.... હું સુભાષને છૂટાછેડા નહિ આપું...!!" આટલું વિચારતા જ મીરાં બેડરૂમમાંથી ઉભી થઇ અને બહાર નીકળી જોયું તો સુભાષ બેઠક રૂમમાં નહોતો, તે રસોડા તરફ ગઈ, સુભાષ ત્યાં પણ નહોતો, બાથરૂમ તરફ પણ નજર કરી આવી ત્યાં પણ સુભાષ નહોતો, મીરાંને સુભાષની ચિંતા થવા લાગી, "ક્યાં ગયા હશે? આવા સમયમાં? ક્યાંક એ કઈ અવળું પગલું તો નહિ ભરે ને?" મીરાંને સુભાષની ચિંતા વધવા લાગી, તેને પોતાનો ફોન શોધ્યો, તે ફટાફટ બેડરૂમ તરફ ભાગી અને સુભાષને ફોન કરવા માટે ફોન હાથમાં લીધો, ફોનની સ્ક્રીન ઉપર જ સુભાષનું નામ લખેલું જોયું, તેનો એક મેસેજ આવેલો હતો, વિચારોમાં તેને ફોન પણ જોવાનું યાદ રહ્યું નહોતું, ઉતાવળે જ તેને ફોનમાં લોક ખોલ્યું અને મેસેજ વાંચ્યો: "હું શાકબાજી લેવા માટે બહાર જાઉં છું, બીજું કઈ લાવવાનું હોય તો મેસેજ કરી દેજે, જલ્દી જ પાછો આવીશ" મીરાં હાશકારો અનુભવતા બેડમાં બેઠી, સુભાષને મેસેજનો જવાબ આપ્યો: "કઈ નથી લાવવાનું" તરત સુભાષનો પણ જવાબ આવી ગયો "સારું".

મીરાંએ વિચારી લીધું કે છૂટાછેડા નથી લેવા, પરંતુ સુભાષ તેના માટે શું તૈયારી બતાવે છે તે પણ જોવાનું હતું, સુભાષે તો તેને કહ્યું જ છે કે "તે નવી નોકરી પણ શોધી લેશે અને સુરભીને પણ ભૂલી જશે." પરંતુ આ લોકડાઉન ખુલ્યા બાદ સુભાષ જયારે પેહલા દિવસે ઓફિસ જશે ત્યારે? ત્યારે સુરભીને તો એ મળશે જ ને? અને સુરભી સંબંધ તોડવા માટે તૈયાર ના થઇ અને સુભાષને કોઈપણ રીતે પાછો સંબંધ રાખવા માટે મનાવી લીધો તો?" વિચારતા જ મીરાંને પરસેવો વળવા લાગ્યો, તેને નક્કી કર્યું કે: "આજે સુભાષને કઈ નથી કહેવું, પરંતુ કાલે બેસીને એની સાથે બધી વાત કર્યા બાદ જ કોઈ નિર્ણય હું લઈશ."

થોડીવારમાં સુભાષ પણ આવી ગયો, આવીને તે સીધો રસોડા પાસે શાકભાજી મૂકી અને હાથ ધોવા માટે ચાલ્યો ગયો, મીરાંને મન હતું કે તે સુભાષ સાથે અત્યાર જ વાત કરે પરંતુ કઈ બોલી ના શકી, સુભાષ આવ્યો તે સમયે પણ મીરાં બેડરૂમમાં બેઠા બેઠા જ સુભાષને જોઈ રહી હતી, સુભાષ પાછો ફ્રિજમાં શાકભાજી મૂકીને બેઠકરૂમમાં આવીને બેસી ગયો. બેઠા બેઠા જ તેના મનમાં પણ વિચારો ચાલવા લાગ્યા કે હવે આગળ શું કરવું? બસ હવે માત્ર કાલનો દિવસ જ હતો, પરંતુ હાલનું વાતાવરણ જોતા તો તેને એવું લાગી રહ્યું હતું કે લોકડાઉનમાં વધારો થઇ શકે છે, પણ મીરાંના નિર્ણયમાં કોઈ બદલાવ આવી શકવાની શક્યતા સુભાષને દેખાઈ રહી નહોતી, તેને તો એમ પણ નક્કી કરી લીધું હતું કે આજથી સુવા માટે તે ઘરમાં મહેમાનો માટે રહેલા રૂમમાં ચાલ્યો જશે.

દિવસ આખો પસાર થવા આવ્યો, મીરાંએ પણ કોઈ વાત ના કરી, ના સુભાષ કોઈ વાત કરી શક્યો, રાત્રે જમીને મીરાં તો શૈલીને લઈને સુવા માટે ચાલી ગઈ, પરંતુ સુભાષ બેઠક રૂમમાં જ બેસી રહ્યો હતો. મોડા સુધી તે સુવા માટે ના આવ્યો એટલે મીરાં પાણી પીવાના બહાને બહાર નીકળી અને જોયું તો સુભાષ બેઠક રૂમમાં નહોતો, રસોડામાં તરફ જતા તેને જોયું તો મહેમાન માટેનો રૂમમાંથી અજવાળું આવી રહ્યું હતું, એ રૂમમાંથી પંખાનો પણ અવાજ સંભળાઈ રહ્યો હતો તેથી મીરાંએ માની લીધું કે સુભાષ એ રૂમમાં સુઈ ગયો છે. તેને પાણીની બોટલ લેવા માટે ફ્રિજ ખોલતા અંદર જોયું તો ડેરીમિલ્કની બે ચોકલેટ હતી, મીરાંના ચહેરા ઉપર ખુશી ફરી વળી, તેને સમજાયું કે સુભાષ બહાર શાકભાજી લેવાના બહાને ચોકલેટ લેવા માટે જ ગયા હતા, પોતાની ભૂલ હોવાના કારણે તે બીજું કઈ બોલી તો ના શક્યા પરંતુ મને મનાવવા માટે તેમને ચોકલેટનો ઉપયોગ કર્યો છે, મીરાંએ ચોકલેટને ફ્રિજની અંદર હતી એજ સ્થાને પાછી મૂકી દીધી. અને વિચાર્યું કે સુભાષ સામેથી આપશે ત્યારે જ તે ચોકલેટ લેશે, સુભાષ જે રૂમમાં સુઈ રહ્યો હતો તે રૂમનો દરવાજો તેને સહેજ ખોલ્યો અંદર જોયું તો સુભાષ માથે હાથ મૂકીને સુઈ રહ્યો હતો. દરવાજો બંધ કરીને તે પોતાના રૂમમાં ચાલી ગઈ. સુભાષ પણ આ સમયે જાગતો હતો, તેને પણ જોયું કે મીરાંએ દરવાજો ખોલ્યો છે, એ રીતે તેને એવો અનુભવ થયો કે મીરાંને પણ તેની ચિંતા તો થાય છે. કાલના દિવસમાં હવે શું થાય છે તે જ જોવાનું હતું, કાલે લોકડાઉનનો છેલ્લો દિવસ અમારા સંબંધનો છેલ્લો દિવસ ના બની જાય તો સારું, પોતાના તૂટતાં સંબંધને બચાવવા માટેની પ્રાર્થના કરીને સુભાષ પણ સુઈ ગયો.

(શું લોકડાઉનનો છેલ્લો દિવસ સુભાષ અને મીરાંના સંબંધોનો પણ છેલ્લો દિવસ બની જશે? શું મીરાં સુભાષને માફ કરીને સંબંધને આગળ વધારી શકશે ? જાણવા માટે વાંચતા રહો "લોક ડાઉન-21 દિવસ" નવલથાનો છેલ્લો ભાગ)

લે. નીરવ પટેલ "શ્યામ"