ek gaando aevo books and stories free download online pdf in Gujarati

એક ગાંડો એવો...

ઉનાળાની ધમધમતી ગરમી હોય કે ચોમાસાનો મુશળધાર વરસાદ હોય... એ બધી ઋતુઓમાં એક સરખો જ રહેતો. ગામના લોકો ઘણા માયાળુ હતા. દરરોજ બપોરે ચાર વાગ્યે એ ગાંડો બસ સ્ટેન્ડ પાસેની ચાની લારી પર આવતો અને ચા વાળો એની માટે ખુબ જ શોખ થી સરસ મજાની ચા ગંડેરી માં ભરીને મૂકી રાખતો. એ આવતો અને ચા પી અને ચાલ્યો જતો.
આમ તો એ કંઈ પણ બોલ્યા કરતો લોકો એની પર ધ્યાન ના આપતા પણ આ બધા વચ્ચે એક કંઈક એવું વારંવાર બોલ્યા કરતો. એની એક સ્પેશિયલ લાઈન હતી જે એ વારંવાર બોલ્યા કરતો. એ લાઇન હતી કે "મારા કેવા કરમ.... મારે કોની શરમ? મારા કેવા કરમ મારે કોને શરમ...? "
મને એ સાંભળી ને ઘણીવાર હસવું આવતું. નોકરી એથી છૂટી ને હું જ્યારે બસની રાહ જોતી ત્યારે એ ગાંડો અચૂક આ રસ્તેથી પસાર થતો અને બોલ્યા કરતો "મારા કેવા કરમ મારે કોને શરમ? "
***** ***** ****** ****** ******
આજે આ વાતની પૂરા છ વરસ વીતી ગયા છે પણ મને હજી પણ એ દિવસ યાદ છે જ્યારે એ ગાંડા નુ મને બીજું રૂપ દેખાયું હતું. તમે પૂછશો કે ગાંડા ના વળી કેટલા રૂપ હોય? પાગલ એટલે પાગલ. પણ ના એવું નથી હોતું.
એ ચોમાસાના દિવસો હતા ઓફિસે થી છૂટી અને બસની રાહ જોઈ રહી હતી કે અચાનક... અચાનક એક મોટર ચાલક એ રસ્તામાં નાનકડા ગલુડિયા પરથી મોટર ચલાવી દીધી. અને ગલુડિયું એક કારમી ચીસ સાથે લોહીના ખા બોચીયામાં પટકાઈ ગયુ અને અમે કહેવાતા સભ્ય સમાજના શાણા માણસો આ બધું જોઇને ઊભા રહ્યા. ગલુડિયું બેશુદ્ધ થવાની અણી પર જ હતું કે પેલા ગાંડા એ દોડીને આવી એને પોતાના હાથમાં ઉપાડી લીધો એના પગે તરત જ પોતાના ગંદા ગંધાતા રૂમાલનો પાટો બાંધી દીધો. અને તેડી ને રસ્તાના છેડે લઈ ગયો. ત્યાં એને જરૂરી લગતી બધી જ સારવાર આપી. પછી ના દિવસ થી એને ગામ ના લોકો પાસેથી જે કાંઈ મળતું એમાંથી અડધું એ ગલૂડિયાં ને આપતો. કહે છે ને કે જે કામ દવા ના કરી શકે તે દુવા કરી શકે. એ ગાંડા ની મેહનત રંગ લાવી અને થોડા જ સમય માં ગલુડિયું સાજું થઇ ગયું.
પછી તો એ ગલુડિયું એ ગાંડા ની સાથે જ રહેતું જાણે બેય જીગર જાન કેમ ના હોય !!! અમે એની આ દોસ્તી જોઈ રહેતા. કોઈ કહેતું કે ગયા જન્મ ની લેન દેન હશે તે આ ગાંડા ની એકલતા દૂર કરવા આવ્યું. ગલુડિયું પેલા ગાંડા જોડે જ રમતું જમતું અને રાત પડ્યે રસ્તા ના છેવાડે સુઈ પણ જાતું. અરે એમની દોસ્તી એટલી તો પાક્કી થઇ ગઈ કે કોઈ ગલુડિયા ને રોટલી કે બ્રેડ આપે તો એય મોઢા માં ભરવી ને ગાંડા પાસે લઇ જાતું ને બેય અડધું કરી ખાતા !!!
***** ***** ****** *******
એવામાં એકવાર બસમાંથી નીચે ઉતરી ને મે રસ્તાને છેવાડે લોકોનું એક ટોળું જોયું. મને ત્યાં જઈને જોવાની જિજ્ઞાસા જાગી. ગઈ અને મેં જોયું તો ત્યાં એ ગાંડો જોરજોરથી રડતો હતો બરાડા પાડતો હતો. એના ખોળામાં પેલા ગલુડિયાનો નિશ્ચેતન શરીર પડ્યું હતું. કોઈને પૂછતાં જાણવા મળ્યું કે ગઈકાલે રાત્રે કશુક ઝેરી કરડી જવાથી ગલુડિયાનું મૃત્યુ થયું છે. પૂરા બે દિવસ સુધી પેલા ગાંડાએ કશું ન તો ખાધું કે ના તો પીધું. બસ પેલા ગલુડિયા ના શબની પાસે ચૂપચાપ સૂનમૂન બનીને બેસી રહ્યો. ત્રીજા દિવસે ગલુડિયા ના શરીર માં થી એક ના સહી શકાય તેવી દુર્ગંધ આવવા લાગી હતી. લોકોએ ગાંડા ને ઘણું કીધું કે એનો નિકાલ કરી દઈએ. પણ ગાંડા એ કોઈને એ ગલૂડિયાંને હાથ ન લગાવવા દીધો. છેક ત્રીજા દિવસે એ ગાંડા એ થોડા લાકડા લાવી ગલુડિયા ને એના પર સુવાડી, ક્યાંકથી કે કોઈ મંદિરના ઓટલે થી ચીમળાયેલા ફૂલો લાવી અને ગલુડિયા પર મૂક્યા તો ક્યાંકથી પરાણે ઘી લાવી અને એનો અંતિમ સંસ્કાર કર્યો.
મને આજે આટલા વર્ષે એવો વિચાર આવે છે કે શું ખરેખર એ ગાંડો હતો??