parab... books and stories free download online pdf in Gujarati

પરબ...

ગ્રીષ્મની આકળવિકળ કરી મૂકે એવી ગરમીની એ બપોર હતી.પાંદડાનો ખડખડ થતો એકધારો આવાજ લાગે છે એ વાયરાની સાથે એની સોડમ વધારતો હતો.પંખી સૌ એકઠા મળીને પાદરના વડલાની ડાળે ડાળે પોતાના પરિવાર સાથે મધમીઠી મોહક ગોઠડી કરતાં જણાતાં હતાં. શાંત થઈ ગયેલા પાદરની એ બપોર ઉનાળાની છડી પોકારતી હતી જાણે. આ નીરવ શાંત બપોર અને વાતાવરણની શુષ્કતા ભલભલા ભડવીર ને પણ ઘડીવાર અટકી જવાનું કહેતી હોય એવું જ લાગે.
'દર વખત આટલી ગરમી નથી હોતી?', કપાળ પરના પરસેવાને એક હાથે નિતારીને ભોંય પર છાંટતા એ બોલ્યો.
'હા, ભાઈ ! આ વખતે તો ગરમીએ માઝા છાંડી લાગે છે ,' સાથે સાથે ખભે પોટલું લઈને ચાલતા સાથી મુસાફરે જવાબ વાળ્યો.
'કુદરતનું પણ કેવુ છે નહીં? ધારે તો ભરશિયાળે વરસાદ વરસાવે ને ધારે તો,આગઝરતી બપોરે પણ શીળી વાયરી લહેરાવે' પહેલાએ થોડો વિચાર કરતા કહ્યું.
આ બંને મુસાફરો ગરમીનું આકલન કરતાં કરતાં ગામને પાદરે પ્રવેશ્યા...
ભગવાનની ભેટ જેવા ગામને પાદરે અઠંગ જોગીડા જેવો ઘેઘૂર વડલો છે અને આખા પંથકના માણસોની અવરજવર કે મુસાફરી વખતે જેની નિશાની આપી ઓળખ આપે છે તેવા દીવાદાંડી સરીખા આ વટવૃક્ષની ઘનઘોર ઘટા તેના જરઠપણાની ચાળી ખાતી હતી.એના છાયામાં એક બારેક વર્ષની છોકરી લાલ હિંગળોક અને ચમકતી નાનીશી બે માટલીઓ ઠંડા પાણીએ ભરીને બેઠી હતી.વટેમાર્ગુઓની તરસ ને તૃપ્ત કરવાના આશયથી તેણે નાની પરબ બનાવી હતી.
આવતા જતા મુસાફરો અને ગામને સીમાડે ખેતરેથી પાછા વળતા જતા ગામના ખેડૂતોને માટે આ વડલો મીઠો વિરામ અને એમાંય કંઠને ટાઢક આપી કોઠો શાંત કરતું પરબનું મધમીઠું પાણી,જાણે અમૃતનો ઓડકાર જ જોઈલો !
ભૂખ્યું બાળક જેમ તેની માને વળગે એમ આ બંને મુસાફરો આ બાલજોગમાયાની પરબે અટક્યા,
એમજ કહોને કે એ પરબે જ એમને રોકી લીધા !.
આશ્ચર્ય સાથે બંને સ્વગત બોલી ઉઠ્યા કે, 'સારપ હજુ ધરતીએ ખોઈ નથી,પરમાર્થ હજી જીવે છે'.
આટલું બોલતાં બોલતાં બંને મુસાફરો પેલી પરબવાળી છોકરી પાસે પહોંચ્યા અને એકે પૂછ્યું ,
'કયું ગામ છે આ ?
માટલીઓની આસપાસની માટીમાં સળીથી કૈક ચિતરામણ કરતી છોકરીએ આગંતુકો સામે જોઈ નમ્રતાથી જવાબ આપ્યો, 'પરમપુર'.
જવાબમાં આવું નામ સાંભળી પહેલા મુસાફરે બીજાની સામે કુતૂહલભરી નજરે જોયું, પછી બોલ્યો કે, 'નામ સાંભળવામાં તો સારું ગામ લાગે છે'.
માટલીમાંથી ડોયા વડે ગ્લાસ ભરતાં ભરતાં પેલી છોકરીએ સામો સવાલ કર્યો, 'કેમ? નામ ના ગમ્યું?'
'ના રે...!' એવું નથી.
'પણ...?'
'પણ શું? કેમ અટકી ગયા?'
ના રે ના...! અટક્યો નથી પણ વિચારતો હતો કે નામ સારું છે.
'સારું ... સારું..., તારું નામ શું છે? એણે છોકરીને પૂછ્યું.
પાણીના બે પ્યાલા બન્ને મુસાફરોના હાથમાં મૂકતાં તેણીએ પોતાનું નામ જણાવ્યું 'અંબા'.
'અંબા નામ છે મારું...'
સાથે ઉભેલો બીજો આગંતુક પાણીનો પ્યાલો ઉંચો કરી પાણી પીવા જ જતો હતો અને એના કાને અંબા નામ અથડાયું...
સહજ જ ગમી જાય એવું આદર પાત્ર નામ અંબા...
'વાહ ! દીકરી તારું નામ તો સરસ છે ને?'
'તારા ફોઈબા ઘણા ધાર્મિક લાગે છે? એટલે જ આવું સરસ નામ પાડ્યું.'
'હા, મારાં ફોઈ બધા વ્રતો કરે.. સોળ સોમવારના, એકાદશીના અને પૂનમ રવિવારના.'
આગંતુકની સામે બહુ સરળતાથી અને સડસડાટ બેબાક જવાબ અંબા આપવા લાગી.જાણે પહેલેથી ઓળખતી હોય એમ. આમેય એને પરબ પર આવતા ઘણાં ઘણાં લોકો સાથે વાતચીત થતી એટલે એને આજે પણ સંકોચ નહોતો.
પછી તે બોલી , 'તમે અહીં અજાણ્યા લાગો છો '.
'હા'.
'કોના ત્યાં જવાનું છે ગામમાં?'
પાણી પીવાઈ રહ્યા પછી માટલીના બુઝારા પર બે રૂપિયાનો સિક્કો મૂકી પેલા મુસાફરે કહ્યું, 'અમારે તો આગળના ગામે જવાનું છે પણ અહીં આવતા બપોર થઈ ગઇ અને વડલાની છાંયે પરબ જોઈ સહેજ વિરામ લેવા અહીં રોકાયા.'
સાથે આવેલા બીજા મુસાફરને આ અંબા વિશે વધુ જાણવામાં ન જાણે કેમ રસ પડ્યો અને વળી પાછો એની સાથે વાતો કરવા લાગ્યો...
કદાચ એને આ અંબામાં જગતજનની દેખાતી હશે!.
'તું શાળાએ નથી જતી?'એવોપ્રશ્ન પૂછ્યો.
'હા, જાઉં છું ને?'
'તો પછી શાળા એ જાય તો અહીં પરબે કોણ બેસે?'
'મારાં ફોઈ ' અંબા એ કીધું.
કયા ધોરણમાં ભણે છે?
'છઠ્ઠામાં.'
બારેક વર્ષની આવડી નાની ઉંમરે મોટેરાઓ જેવી સ્થિર અને તીક્ષ્ણ બુદ્ધિ અને વાચળતાની સ્વામિની અંબા પાસેથી માત્ર પાણી પીને તરસ છીપવાય એટલું જ નહીં પણ તેની પાસેથી પરમાર્થનો પાઠ પણ શીખવા મળશે એ આ મુસાફરોએ ક્યારેય નહોતું વિચાર્યું.
'તારા મા બાપ તને આમ એકલી પાદરે પરબ પર બેસે તો કઈ બોલતા નથી?'
'મારા બાપુ તો...!!!'
કોઈ અકળ વૈચારિક વમળે ચડી ગઈ હોય એમ થોડી વાર થંભી જઈને ગળું ખંખેરી એણે ફરીથી બોલવાની શરૂઆત કરી અને કીધું કે, 'બાપુ તો હું છેક નાની હતી ત્યારથી અમને મૂકીને ભગાવનના ઘેર રહેવા જતા રહ્યા...'!!!
અયોગ્ય સમયે પૂછાઈ ગયેલા પ્રશ્નનો પસ્તાવો કરતા મુસાફરે કીધું , 'માફ કરજે દીકરી મને ખબર નહોતી...અજાણતા તને આવું પૂછીને તને દુભાવવાનો મારો કોઈ ઇરાદો નહોતો.'
'કોઈ વાંધો નહીં મારા ફોઈ અને મારી માં મને મારા બાપુની ઓછપ આવવા દેતા જ નથી.'
'ખેતર પાણી છે?'
'હતાં, પણ બાપુના કારજ વખતે ખર્ચ થતાં ગીરવે મૂક્યા છે એવું મા મને કહેતાંહતાં.'

'દીકરી તો પછી ઘર કેમ કરીને ચલાવો છો?'
'મા, ગામમાં ત્રણ ચાર ઘેર કચરા વાસણ કરવા જાય છે અને ફોઈ ઘેર ભરત ગૂંથણ કરે.'
'હા, મારાં ફોઈ ચાકડા બહુ સરસ ગૂંથે ...
ગામના બધા મારા ફોઈના વખાણ કરે એ પણ એમની મસ્તીથી આ કામ કર્યે જાય અને આ પરબે બેસી વટેમાર્ગુઓને પાણી પીવડાવતાં જાય , હું શાળાએ જાઉં.
એકવાત કહું, મને મારા ફોઈ એમના જેવા ચકડા ગૂંથવાનું શીખવાડી રહ્યા છે.
કોઈ ઓળખીતાની સાથે હૃદય ખોલીને વાતો ખોલતી હોય એમ આ અંબા એ એની આખી વાત એકશ્વાસે કહી સંભળાવી...આમજોઈએ તો એણે આખું હૈયું ઠાલવી દીધું.
પોતાની છાબડીમાં કોઈ ફૂલ નથી તોય પરમાર્થની ફોરમ વહેંચવાનું કામ સ્વીકારી બેઠેલો અંબાના પરિવાર પાસે ભલે ' દોકડા ના થોકડા 'નથી પણ ઈમાન ભારોભાર છે. પેટિયું રડવા માટે પરબ માંડીને બેઠેલી અંબા હજાર હાથવાળી ભલે નથી પણ એની વિપરીત પરિસ્થિતિ સામે હસીને ઝઝૂમવાની હિંમત સામે બંને મુસાફરો આજે નતમસ્તક હતા.
ઘણું બોલવાની , ઘણી વાતો કરવાની ઈચ્છા હોવા છતાં બંને મુસાફરો આ દૈવી શક્તિની પરબે જીવનભાથું બાંધીને કંઈજ બોલ્યા વિના એ જગદંબાને માથે હાથ ફેરવી આગળ ચાલ્યા. એમના હાથ આશીર્વાદ આપતા હતા પણ એ બંનેના હૃદય આ પરમાર્થની પરબ સામે માનભેર ઝૂક્યા હતા.