Premnu Vigyaan books and stories free download online pdf in Gujarati

પ્રેમનું વિજ્ઞાન

પ્રેમનું વિજ્ઞાન

પ્રાણી માત્રની અંદર પ્રેમ પામવાની અને પોષણ મેળવવાની એક તીવ્ર ઈચ્છા રહેલી હોય છે. દરેકની અંદર. આપણા દરેકની અંદર આ ઈચ્છા રહેલી હોય છે. વૈજ્ઞાનિકોના એક અભ્યાસ પ્રમાણે ‘પ્રેમ પામવો’ એ આપણી સૌથી મૂળભૂત અને પ્રાથમિક જરૂરીયાત છે. એટલે કે જીવતા રહેવા માટે હવા, પાણી અને ખોરાક ઉપરાંત પ્રેમ પણ એટલું જ જરૂરી પરિબળ છે.

આપણા જન્મ પછી તરત જ જે સૌથી પહેલો પ્રેમ આપણને મળે છે, એ ‘સ્પર્શ’ના સ્વરૂપમાં હોય છે. પહેલા છ મહિના સુધી બાળક એના મા-બાપને એમની સુગંધ અને સ્પર્શથી વધારે ઓળખતું હોય છે. આપણા જીવનના પહેલા છ મહિના દરમિયાન આપણને જે સ્પર્શ મળે છે, એ સ્પર્શ આપણા જીવનમાં પ્રેમને ઇન્ટ્રોડ્યુસ કરે છે. એ પ્રેમનું સૌથી પહેલું સ્વરૂપ હોય છે. આ સ્પર્શને ‘કોન્ટેક્ટ કમ્ફોર્ટ’ કહેવામાં આવે છે. એટલે કે ‘સ્પર્શનું સુખ’. આ સુખ એટલે કે કોઈના દ્વારા સ્પર્શ પામવાની ઈચ્છા. કોઈના ખોળામાં સૂવાની ઈચ્છા. કોઈના ખભા પર માથું મુકવાની ઈચ્છા. કોઈની કિસ મેળવવાની ઈચ્છા. કોઈનો વહાલભર્યો સ્પર્શ આપણા ગાલ પર અનુભવવાની ઈચ્છા. આ બધા જ અલગ અલગ પ્રેમના સ્વરૂપો છે, જે આપણે જીવનના પહેલા છ મહિના દરમિયાન અનુભવીએ છીએ.

કહાની મેં ટ્વીસ્ટ એ છે કે, જે બાળકોને પહેલા છ મહિના દરમિયાન આ ‘કોન્ટેક્ટ કમ્ફોર્ટ’ કે પ્રેમભર્યો સ્પર્શ નથી મળતો કે ઓછો મળે છે, તેઓ મોટા થયા પછી માનસિક રીતે અસ્વસ્થ રહેતા હોય છે. તેમનું વ્યક્તિત્વ થોડું પ્રોબ્લેમેટીક રહેતું હોય છે. એમનું વર્તન એમના માટે પણ અને બીજાઓ માટે પણ સમસ્યાઓ સર્જે છે. એ બિહેવિયર મલ્ટીપલ સેક્સ્યુઅલ અફેર્સ સાથે સંકળાયેલું હોય છે. આ પ્રકારના બાળકો જ્યારે મોટા થાય છે, ત્યારે તેઓ કોઈ એક સંબંધમાં સ્થિર થઈ શક્તા નથી. તેઓ અનેક લોકોના સંપર્કમાં આવે છે, અનેક લોકો સાથે ઇન્ટીમેટ થાય છે, સેક્સ કરે છે અને છતાં તેમને પ્રેમ મળ્યાનો સંતોષ અનુભવાતો નથી. આ એક આખી અલગ સાયકોલોજી છે, જેની વાત ફરી ક્યારેક.

તો વાત એમ છે કે ‘પ્રેમ પામવાનું’ કે પ્રેમ મેળવવાનું મહત્વ આપણા જીવનમાં એટલું બધું છે કે આપણે એવું માનવા લાગીએ છીએ કે આપણા સુખ, આનંદ અને પ્રસન્નતાનો બધો જ આધાર એ વાત પર રહેલો છે કે ‘કોઈ આપણને પ્રેમ કરે છે કે નહીં’ ? એનો અર્થ એ થયો કે જો આપણા જીવનમાં કોઈ એવું છે, જે આપણને અનહદ પ્રેમ કરે છે, તો જ આપણે સુખી અને ખુશ છીએ. જો કોઈ એવું નથી, તો આપણે બિચારા અને દયામણા છીએ.

એક અભ્યાસ મૂજબ સુખી હોવા માટેની સૌથી મોટી પૂર્વશરત લોકો માટે એ છે કે તેમના જીવનમાં એક સ્વસ્થ, ટકાઉ અને ભરોસાપાત્ર પ્રેમ-સંબંધ હોવો અનિવાર્ય છે. એ પ્રેમ-સંબંધ કોઈપણ સ્વરૂપમાં હોય શકે છે. લગ્નના સ્વરૂપમાં કે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ સ્વરૂપમાં કે લીવ-ઈન રિલેશનશિપમાં કે કોઈપણ રીતે. જો એમના જીવનમાં આવો એક સંબંધ છે, તો તેઓ સુખી છે.

સૌથી અગત્યની વાત હવે આવે છે. હું ઈચ્છું છું કે પ્લીઝ, તમારી એકાગ્રતા થોડી વધારો. આઈ રીક્વેસ્ટ યોર એટેન્શન નાવ. કારણકે જો તમે આ વાત સમજશો, તો તમે કોઈપણ પ્રેમ-સંબંધમાં ક્યારેય દુઃખી નહીં થાવ. આ વાત, આ સમજણ, આ વિષયને હું ‘પ્રેમ-સંબંધમાં સુખી થવાનું બ્રમ્હાસ્ત્ર’ ગણું છું.

પ્રેમ-સંબંધમાં કે એ સિવાય પણ આપણા વ્યક્તિગત જીવનમાં સુખી થવાનું બ્રમ્હાસ્ત્ર :

હવે વાત એમ છે કે પ્રેમ પામવાની કે મેળવવાની શોધમાં, એને સમાંતરે જતી સૌથી અગત્યની બીજી એક જરૂરીયાતની આપણે અવગણના કરીએ છીએ. એ જરૂરીયાત પર તો આપણું ધ્યાન જ જતું નથી. અને એ છે ‘અન્યને પ્રેમ આપવાની’ જરૂરીયાત.

‘પ્રેમ’ પામવા કરતા પણ પ્રેમ કરવાની કે પ્રેમ આપવાની ઈચ્છા વધુ પ્રબળ હોય છે. આ વાત સમજવી જરૂરી છે. ઘણા બધા લોકો પોતાના ઘરે પાલતું પ્રાણીઓ રાખે છે. બિલાડી, કુતરા, પોપટ, કબુતર, માછલીઘર વગેરે. પોતાના ઘરમાં કોઈપણ પ્રાણી કે પક્ષી રાખવાની જરૂર એટલે પડે છે કારણકે ‘પ્રેમ આપવો’ એ આપણી મૂળભૂત જરૂરીયાત છે. જે રીતે આપણે પાણી અને ખોરાકનો નિકાલ મળ-મૂત્ર દ્વારા કરીએ છીએ અને એ ન કરીએ તો બીમાર પડી જઈએ છીએ, એ જ રીતે આપણી અંદર રહેલી ઉર્જા કે પ્રેમનો જથ્થો પણ આપણે કોઈને કોઈ રીતે બહાર કાઢવો પડે છે.

આપણી અંદર રહેલી ‘કોઈને પ્રેમ કરવાની અને કોઈની કાળજી લેવાની’ આ ઈચ્છા કે વૃત્તિને ‘ક્યુટ એગ્રેશન’ કહેવામાં આવે છે.

જ્યારે કોઈ વ્યક્તિ કે પ્રાણી પર આપણને ખૂબ બધું વહાલ ઉભરાઈ જાય, ત્યારે એ ક્યુટ એગ્રેશન છે. પ્રેમ અને વહાલનો અતિરેક એટલે ક્યુટ એગ્રેશન. ઘણીબધી દીકરીઓ પોતાની પાસે ‘ટેડી બીયર’ કે અન્ય કોઈ ઢીંગલાઓ રાખતી હોય છે. તેઓ આ ઢીંગલાઓને ગળે મળીને સૂઈ જતી હોય છે અથવા તેમને તૈયાર કરતી હોય છે, તેમને ભણાવતી હોય છે, ખવડાવતી હોય છે, સુવડાવતી હોય છે. ટૂંકમાં દરેક દીકરીને બાળપણથી કોઈ એક એવું પાત્ર જોઈએ છે, જેને એ વહાલ કરી શકે, જેની એ કાળજી લઈ શકે. આ ક્યુટ એગ્રેશન છે. એની અંદર રહેલો પ્રેમનો અખૂટ ભંડાર, એ બાળપણથી વહેંચવા લાગે છે. લોકોને પ્રેમ કરવાની,પોતાના સંતાનોને પ્રેમ કરવાની, દરેક વ્યક્તિની કાળજી લેવાની પ્રેક્ટીસ, દરેક દીકરી બાળપણથી કરતી આવે છે.

અન્ય લોકોને પ્રેમ કરવાની કે તેમની કાળજી લેવાની આ ઈચ્છા અથવા તો વૃત્તિ, મનુષ્ય જાતિમાં સદીઓથી રહેલી હોય છે. જ્યારે આપણને કોઈ એવું પાત્ર મળી જાય છે, જેની પર આપણે આપણો પ્રેમ કે વહાલ વરસાવી શકીએ, ત્યારે આપણે તેને ‘પ્રેમમાં પડ્યા’ એવું કહીએ છીએ. એ પ્રેમ-સંબંધ દરમિયાન સામેવાળી વ્યક્તિ પર પ્રેમ ન્યોછાવર કરીને આપણે પ્રસન્ન કે આનંદિત થઈએ છીએ. બીજી રીતે જોઈએ, તો કોઈને પ્રેમ ‘આપીને’ આપણે બે વ્યક્તિઓને રાજી કરીએ છીએ. સૌથી પહેલા તો આપણી જાતને, અને બીજી એ વ્યક્તિને જેને આપણે બેશુમાર પ્રેમ આપીએ છીએ. ડોનર અને રેસીપીઅન્ટ બંને રાજી રહે છે.

અચ્છા, હવે તમે એવી દલીલ કરી શકો કે આ જ વસ્તુ રીવર્સ થાય એટલે કે સામેવાળી વ્યક્તિ પ્રેમ આપે અને આપણે રીસીવ કરીએ, તો પણ એ જ બે વ્યક્તિઓ રાજી થશે. તો એમાં શું વાંધો છે ? તો જવાબ છે કે એ પરીસ્થિતિમાં સૌથી મોટી સમસ્યા એ છે કે એ સંજોગોમાં પ્રેમનો સોર્સ આપણા કાબુ બહાર છે. એટલે કે પ્રેમનું ઉત્પાદન અને વિતરણ કોઈ એવી વ્યક્તિ કરી રહી છે, જે આપણા કહ્યામાં નથી. અથવા તો કાયમ રહેવાની નથી. એટલે કોઈ દિવસ કોઈ કારણસર જો એ વ્યક્તિ પાસેથી મળતો પ્રેમનો રેગ્યુલર ડોઝ બંધ થઈ જાય (જેને આપણે હાર્ટ-બ્રેક કહીએ છીએ), તો આપણે દુઃખ અને ઉદાસીમાં સરી પડીએ છીએ.

આપણે જેટલો પ્રેમ પામીએ છીએ, એના કરતા અનેકગણા વધારે પ્રેમનું જો ઉત્પાદન કરતા હોઈશું, તો બ્રેક-અપના સમયે આપણને એટલી બધી પીડા નહીં થાય કારણકે પ્રેમનો મુખ્ય સોર્સ આપણે છીએ. આપણે ‘ડોનર’ છીએ. જો આ સંબંધમાંથી રીસીવર ખસી જશે, તો એ રીસીવરનો લોસ છે. ડોનરનો નહીં.

એ વાત હવે નિર્વિવાદ છે કે ખુશ રહેવા માટે કોઈપણ વસ્તુ પામવા કરતા આપવી વધારે જરૂરી છે. કોઈને કરેલી નાનામાં નાની મદદ પણ આપણો મૂડ કે દિવસ સુધારી શકે છે. મદદ કરવા માટે કોઈ મહાન કાર્ય કરવાની પણ જરૂર નથી. સાવ નજીવી મદદ કરીને પણ આપણે ખુશ કરી અને ખુશ થઈ શકીએ છીએ.

-સહાય કોઈપણ પ્રકારની હોય, સહાયની માત્રા મહત્વની નથી. સહાયનું કૃત્ય મહત્વનું છે.

જેમકે અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં બે અલગ અલગ ગ્રુપને અલગ અલગ રાશિ આપવામાં આવેલી. એક જૂથને પાંચ ડૉલર અને બીજા જૂથને વીસ ડૉલર આપવામાં આવેલા. ત્યાર બાદ તેમને કહેવામાં આવેલું કે આ નાણા તમે કાં તો પોતાના પર કે કાં તો બીજી વ્યક્તિઓ પર ખર્ચી શકો છો. આ અભ્યાસ દરમિયાન જે વ્યક્તિઓએ પોતાના નાણા બીજી વ્યક્તિઓ પર ખર્ચેલા, તેઓ વધારે ખુશ હતા. પોતાના માટે નાણા ખર્ચ કરનારા સભ્યો એટલા બધા રાજી કે સંતુષ્ટ નહોતા.

બીજી એક રસપ્રદ વિગત એ પણ બહાર આવી કે જે સભ્યોએ બીજા પર નાણા ખર્ચેલા, એ સભ્યોમાં નાણાની રકમ મહત્વની નહોતી. એટલે કે જે વ્યક્તિઓએ અન્ય લોકો પર પાંચ ડૉલર ખર્ચેલા, એ વ્યક્તિઓ પણ એટલી જ ખુશ અને સંતુષ્ટ હતી જેટલી એ વ્યક્તિઓ જેમણે અન્ય લોકો પર વીસ ડૉલર ખર્ચેલા.

આ જ વાત આપણા વાસ્તવિક જીવન અને પ્રેમ-સંબંધમાં પણ લાગુ પડે છે. આપણી પાસે કેટલો જથ્થો છે, એ મહત્વનું નથી. આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ ? એ મહત્વનું છે. કોઈને સહાય કરવા માટે આપણું લખપતિ કે કરોડપતિ હોવું જરૂરી નથી. સહાય કરવા માટે આપણું ઉદાર હોવું જરૂરી છે. પ્રેમ આપવા માટે આપણું ઉદાર હોવું જરૂરી છે. ઉદારતા સૌથી વધારે આનંદ આપે છે. અને આ આનંદ એવો હોય છે જેના માટે આપણે કોઈના પર આધાર રાખવો પડતો નથી. આપણી ઉદારતા સ્વીકારનારા આપણને કોઈને કોઈ તો મળી જ જાય છે. આપણી ઉદારતા, સહાય કે પ્રેમ સ્વીકારીને હકીકતમાં તેઓ આપણા પર ઉપકાર કરી રહ્યા હોય છે.

જે લોકો સમાજસેવા કરતા હોય છે, તેઓ સૌથી વધારે ખુશ હોય છે. દર્દીની તકલીફ કે પીડા ઓછી કરીને નાણા કરતા વધારે જરૂરી ચીજ જે ડૉક્ટરોને મળતી હોય છે, એ સંતોષ અને આનંદ હોય છે.

હકીકતમાં, પ્રેમ પામીને જેટલો આનંદ આવે છે, એના કરતા અનેકગણો આનંદ ‘કોઈના પર પ્રેમ ખર્ચીને’ આવે છે. પ્રેમ પામવાની આ યાચક વૃત્તિમાંથી આપણે બહાર આવવાની જરૂર છે.

હકીકતમાં આપણું મીડિયા, બોલીવુડની ફિલ્મ્સ, ટેલિવિઝન સીરીયલ્સ, નવલકથાઓ વગેરેના એક્સપોઝરને કારણે આપણે એવું જ માનતા થઈ ગયા છીએ કે ‘મહત્વ, એટેન્શન, પ્રેમ, આદર આ બધું પામીને જ આપણને ખુશી મળે છે.’ આ અર્ધસત્ય અથવા તો મરોડવામાં આવેલું સત્ય છે. હકીકતમાં સત્ય એ છે કે મહત્વ, એટેન્શન, પ્રેમ, આદર આ બધું પામવા કરતા કોઈને આપવામાં વધારે ખુશી મળે છે.

ખુશ થવું, એટલું બધું સરળ છે કે આપણને આટલી બધી સરળ પદ્ધતિઓ પર વિશ્વાસ નથી આવતો. કોઈની કાળજી લેવી, કોઈને કોમ્પ્લીમેન્ટ આપવું, કોઈને નાની એવી સહાય કરવી, કોઈને આઈ લવ યુ કહેવું, કોઈને ‘કેમ છો’ પૂછવું, કોઈનું બીલ ભરી દેવું, કોઈને ભેંટ આપવી, કોઈની સરપ્રાઈઝ વિઝીટ કરવી અને આવી અસંખ્ય નાની-નાની બાબતો જે ખુશ રહેવા માટે પર્યાપ્ત છે. પણ એ બધું છોડીને આપણે સત્તા, સંપત્તિ, પ્રસિદ્ધિ, સફળતા અને આવી બધી ભૌતિક વસ્તુઓમાં આનંદ શોધ્યા કરીએ છીએ. આનંદ મેળવવા માટે બીજા કોઈને ખુશ કરવાનો સૌથી સરળ અને સચોટ ઉપાય, આપણને કેમ નથી સૂઝતો ? એના પર આપણે ધ્યાન જ નથી આપતા. અથવા તો એ રસ્તો આપણને કોઈએ ચીંધ્યો જ નથી. અને આ રસ્તો આપણે નથી જાણતા, એ અજ્ઞાન જ આપણા દરેક રિલેશનશિપ પ્રોબ્લેમનું મૂળ છે. કારણકે સંબંધ કોઈપણ હોય, આપણું ફોકસ આપવા કરતા પામવા પર જ વધારે રહેતું હોય છે.

કાયમ ખુશ રહેવાનો એક જ સિદ્ધાંત છે. ઉદારતા. એનો કોઈ વિકલ્પ નથી. વસ્તુઓ હોય કે અનુભૂતિ, લાગણી હોય કે શુભેચ્છાઓ. આપણે એ મેળવવા કરતા આપવા ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરશું, તો આપણે કાયમ ખુશ રહેશું. ઉદારતાનો કોઈ વિકલ્પ નથી.

ઉદાર લોકો કાયમ ખુશ હોય છે, એના ત્રણ કારણો છે. ૧. જે લોકો આપણી ઉદારતા રીસીવ કરે છે, એ લોકો એ ઉદારતાનો વળતો બદલો આપવા માટે દબાણ અનુભવે છે. એનો અર્થ એ થયો કે જે વ્યક્તિઓ પ્રત્યે આપણે ઉદાર રહીએ છીએ, એ વ્યક્તિઓને આપણી સાથે સારો અને એવો જ ઉદાર વ્યવહાર કરવા માટે આપણે અજાણ્યે ફરજ પાડીએ છીએ. એક રીતે જોઈએ, તો કર્મનો સિદ્ધાંત આ જ છે. જે આપીએ છીએ, એ જ પાછું આવે છે. આ વાત પ્રેમમાં પણ લાગુ પડે છે. જેટલો પ્રેમ વધારે આપશું, એટલો પ્રેમ કોઈને કોઈ સ્વરૂપમાં કોઈને કોઈ વ્યક્તિ પાસેથી આપણને પાછો મળી જ જશે. ગેરંટી. બીલીવ મી.

૨. ‘હોમોફીલી’ના સિદ્ધાંત પ્રમાણે, આપણે જેવા બનીએ છીએ, આપણે એવા જ લોકોને આપણા જીવનમાં આવવા માટે આકર્ષીએ છીએ. જો આપણે કંજૂસ, લુચ્ચા કે અપ્રમાણિક રહેશું તો આપણા જીવનમાં એવા જ લોકોનો ભેટો થશે, જે આ પ્રકારના હશે. જો આપણે ઉદારતા પ્રેક્ટીસ કરીશું, તો આપણે આપમેળે એવા લોકોને એટ્રેક્ટ કરીશું, જેઓ પણ ઉદાર હશે. એટલે જ કહેવાય છે કે ‘ગુડ થિંગ્સ ઓલવેસ હેપન ટુ ગુડ પીપલ’. જો આપણા જીવનમાં પણ એવા જ ઉદાર અને દયાળુ લોકો આવશે, તો નેચરલી આપણે ખુશ રહેવાના છીએ. જો આપણે ભૌતિકવાદી અને સ્વાર્થી બનશું, તો એ વાતમાં કોઈ નવાઈ નથી કે આપણે સ્વાર્થી લોકોને જ આપણી જિંદગીમાં પ્રવેશવા માટે નિમંત્રણ આપશું.

૩. સૌથી મહત્વનું કારણ એ છે કે ઉદાર થયા પછી આપણે ખુશ એટલા માટે રહીએ છીએ કારણકે કોઈને કશું આપ્યા પછી કે સહાય કર્યા પછી આપણા મનની અંદર ચાલનારો ડાયલોગ આપણને સૌથી વધારે આનંદ આપે છે. કોઈને કશું આપ્યા પછી આપણે એવું વિચારવા લાગીએ છીએ કે આપણી પાસે ઈશ્વરની દયાથી ઘણું બધું છે, એની પાસે કાંઈ નહોતું. આપણે કોઈને મદદ કરવા માટે કેપેબલ કે સક્ષમ છીએ, એવું આપણે દ્રઢપણે માનવા લાગીએ છીએ. અને આ માન્યતા આપણને ખુશ રાખે છે. આપણો ઉત્સાહ વધારે છે. એનાથી વિરુદ્ધ, જો આપણે સતત કોઈની પાસે માંગ્યા કરતા હોઈએ, તો કોઈની પાસેથી કશું લીધા પછી પણ આપણા વિચારો એ જ પ્રમાણે આપણને કંઈક કહ્યા કરતા હોય છે જેમકે ‘એની પાસે વધારે છે, આપણી પાસે તો કાંઈ નથી.’ આ પરીસ્થિતિને આપણે માનસિક ગરીબાઈ કહીએ છીએ. કેટલાક લોકો મનથી ગરીબ હોય છે. એમની પાસે જેટલું પણ હોય, તેઓ ક્યારેય ખુશ કે સંતુષ્ટ હોતા નથી.

પ્રેમ હોય કે પદાર્થ, ખુશ રહેવાનો એક જ રસ્તો છે. ઉદારતા. આપવું. જેટલું રીસીવ કરીએ છીએ, એના કરતા બમણું આપવું. જો એ ઉદારતા આપણામાં હશે, તો કોઈ હાર્ટ-બ્રેક આપણને તોડી નહીં શકે.

ઉદાર થવા માટે આપણે દરેક સક્ષમ છીએ. એના માટે કોઈ આર્થિક-સ્તરે કે ફાઈનેન્શીયલ પોઝીશને પહોંચવાની જરૂર નથી. ઘણા બધાને એવી ગેરમાન્યતા હોય છે કે ‘એની પાસે તો ઘણું છે, એ તો દાન કરી જ શકે ને !’ નો. આ એક ગેરમાન્યતા છે. આપવા માટે ‘ઘણું બધું’ તો શું, ક્યારેક તો ‘આપણી પાસે હોવું’ પણ જરૂરી નથી.

એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર પણ આપણે કોઈનો દિવસ બનાવી શકીએ છીએ. પણ એ ચર્ચા હું અહિયાં નહીં કરું. એ પછી ક્યારેક.

*****