Right Angle - 17 books and stories free download online pdf in Gujarati

રાઈટ એંગલ - 17

રાઈટ એંગલ

પ્રકરણ–૧૭

ધ્યેયના ઘરે પહોંચી તો કશિશે બહાર પડેલી ગાડી જોઇને સમજી ગઇ કે ઉદય આવી ગયો છે. એણે સહેજ ઊંડો શ્વાસ લીધો અને ધ્યેયના ઘરમાં દાખલ થઇ. ધ્યેય અને ઉદય બન્નેએ એની તરફ જોયું અને ઉદય બોલ્યો,

‘જય શ્રી કૃષ્ણ!‘ આ એમના ઘરનો રિવાજ હતો. એકબીજા સાથે જય શ્રી કૃષ્ણ કહીને જ વાતચીત થતી.

કશિશે પણ સામે કહ્યું,‘ જય શ્રી કૃષ્ણ!‘

એ સોફા પર બેઠી. થોડીવાર ચૂપકીદી છવાઇ ગઇ. કોણ વાતની શરૂઆત કરે છે તેની ઉદય અને કશિશ બન્ને રાહ જોઇ રહ્યાં. ઉદય વિચારતો હતો કે ધ્યેયએ સીધી રીતે જ સમાધાન કરી લે તેવું કશિશને કહેવાની ના પાડી છે નકામી એ ભડકી જશેને વાત થાય જ નહી. એટલે ઉદય વિચારતો હતો કે કેવી રીતે વાતની શરૂઆત કરવી.

આ બાજુ કશિશ અનુમાન કરતી હતી કે ઉદયે શું કહેવાનું હશે તે આમ ધ્યેયના ઘરે બોલાવી છે. બન્નેમાંથી કોઇ બોલ્યુ નહીં એટલે ધ્યેય જ વાતની શરૂઆત કરી,

‘કશિશ..ઉદય ઇચ્છે છે કે આપણે કેસ વિશે કશું પોઝિટિવ વિચારી શકીએ?‘

‘એટલે? હું સમજી નહી.‘ કશિશ બોલી એટલે ધ્યેયએ નજર ફેરવીને ઉદય પર ટેકવી. એનો મતલબ એ હતો કે હવે તું બોલ.

‘જો કિશુ, મેં તને મેડિકલમાં જવા ન દીધી તે માટે ઘણાં કારણ હતા. તું જ કહે કે તું બીજા સિટિમાં જતે તો પછી પપ્પાને કોણ સાચવતે? યુ નો, મમ્મી ગઇ પછી પપ્પાને સાચવવા પડે ને. ને તું જવાની હતી ત્યારે તો મમ્મીને ગયે હજુ વર્ષ જ થયું હતું.‘ ઉદયે એક એક શબ્દ સાચવી સાચવીને બોલતો હતો.

‘કેમ તું ને ભાભી તો હતા ને! તમે બે જણાં સાચવી શકયા હોત. અને હું ક્યાં એટલી બધી દૂર જવાની હતી ? વીક–એન્ડ અને રજામાં ઘરે આવતી જતી રહેત ને?‘ કશિશ ગુસ્સે થયા વિના શાંતથી બોલી એટલે ઉદયે વિસ્મયથી ધ્યેય સામે જોયું. ધ્યેયએ આંખથી જ ઇશારો કર્યો,

‘બરાબર છે, ગો અહેડ!‘

‘હા, એ તો અમે હતા જ પણ મને લાગ્યું હતું, કે તારે પણ ઘરમાં રહેવું જોઇએ.‘ ઉદયને હવે આમ બહાના કાઢવામાં ફાંફા પડતાં હતા.

‘કિશું, સાચું કહું છું. તે સમયે મને આ બાબતની ગંભીરતા સમજાઇ ન હતી. તું મારી એકની એક બહેન છે એટલે હું થોડો પ્રોટેક્ટિવ બની ગયો હતો. સાચું કહું છું તું એટલી ભોળી હતી કે તને બીજા સિટિમાં ભણવા મોકલતા ડર લાગતો હતો.‘ ઉદય આશાભરી આંખે કશિશ સામે જોઇ રહ્યોં.

‘માત્ર સેફટી ખાતર કોઇ પોતાની બહેન–દીકરીને મોટા શહેરમાં ભણવા જવા ન દે તે વાત કેટલી વાજબી કહેવાય? તો તો પછી ભારતમાં કોઇ છોકરી હાયર એડ્યુકેશન લઇ જ ન શકે. આપણે ટવેન્ટી ફર્સ્ટ સેન્ચયુરીમાં જીવીએ છીએ. અઢારમી સદીમાં નહી.‘ કશિશે શાંતથી કહ્યું. ઉદયને લાગ્યું કે હવે આ વાત પર કશિશને રાજી નહીં કરાય એટલે એણે બીજું હથિયાર વાપર્યું.

‘કિશુ, કેવું લાગે પપ્પાની આ ઉંમરે એમણે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે? એટલાં માટે પણ તારે એમને માફ કરી દેવા જોઇએ.‘ ઉદયે ફરી મહેન્દ્રભાઇનું નામ લઇને ઇમોશનલ બ્કેલમેઇલ કરવાની કોશિશ કરી રહ્યોં છે તે કશિશ સમજી ગઇ.

‘ભાઇ, આપણે આ વિશે વાત કરી ચૂકયા છીએ. એન્ડ યુ નો માય આન્સર. આ સિવાય બીજું કશું કહેવાનું હોય તો કહે, નહીં તો હું જાવ.‘ કશિશે ઘરે જવાની વાત કરી એટલે અત્યાર સુધી ઉદયે જે ધીરજ રાખી હતી તે ક્ષણવારમાં ગાયબ થઇ ગઇ. એની અંદરનો જુનવાણી માણસ ફરી સપાટી પર આવી ગયો.

‘તારે શું જોઇએ છે? તે આપવા હું તૈયાર છું. બસ કેસ પાછો ખેચી લે!‘ ઉદયે સીધુસટ કહ્યું અને કશિશની સમજમાં બધું આવી ગયું કે એને અહીં શા માટે બોલવવામાં આવી છે. એણે ધ્યેય સામે જોયું,

‘તો આટલાં માટે તે મને અહીં બોલાવી હતી? મિસ્ટર ધ્યેય સુચક! તમે આ સારું નથી કર્યું.‘ એ ટોન્ટમાં બોલી. અને પોતાની જગ્યા પરથી ઊભી થઇ એટલે તરત ધ્યેય બોલ્યો,

‘કિશું! પ્લિઝ...બી રિઝનેબલ! ‘

‘એણે રિઝનેબલ વર્તન કર્યું છે?‘ કશિશે તીખી નજરે ધ્યેયને પૂછયું. હજુ તો વાતની શરૂઆત થઇ અને બાજી બગડી ગઇ એટલે ધ્યેયએ તે સંભાળી લેવાનો પ્રયત્ન કર્યો.

‘કિશુ, પ્લિઝ એકવાર વાતચીત કરી લે...મારા ખાતર પ્લિઝ!‘ ધ્યેય જ રીતે એને વીનવી કશિશ ના પાડી ન શકી. આફટર ઓલ એના કેટલાં ઉપકાર છે. ભલેને આ લોકો જે કહે તે પોતે મનથી મજબુત છે પછી વાતચીત કરવાથી શું ફેર પડે છે?

‘મને મેડિકલ કોલેજમાં એડમિશન જોઇએ છે બોલ અપાવી શકીશ?‘ કશિશે પૂછયું. જવાબમાં ઉદય નીચું જોઇ ગયો. એટલે કશિશ ફરીથી મોટેથી બોલી,

‘તું કહે છે ને કે કેસ પછો ખેંચી લઉ. તો જા પહેલાં મેડિકલ કોલેજમાં મને એડમિશન અપાવી દે પછી હું કેસ પાછો ખેંચી લઇશ. થઇ શકશે તારાથી?‘

ઉદય આ સાંભળીને દિડ્મૂઢ થઇને કશિશ સામે જોઇ રહ્યો. એને સમજ ન હતી પડતી કે આવી વાતનો શું જવાબ આપવો. કશું સમજાતું ન હતું એટલે ગુસ્સો આવતો હતો પણ નછૂટકે એણે મગજ પર કન્ટ્રોલ રાખ્યો હતો. વકીલે સમજાવ્યું હતું કે સમાધાનનો પ્રયાસ કરો તે વધુ સારું રહેશે. કારણ કે આજસુધી આવો કેસ આવ્યો નથી એટલે કશું કહી ન શકાય કે જજ આ કેસમા કેવું વલણ લે છે. એકાદ કલમ લગાવીને કદાચ સજા પણ કરે. જો સમાધાન કરવાથી પતી જતું હોય તો ઉત્તમ!

ઉદયે ઊભો થઇને કશિશની નજીક આવ્યો,

‘કિશુ, સોરી...મારી ભૂલ થઇ ગઇ. મને માફ કરી દે!‘ ઉદયે છેલ્લું હથિયાર અજમાવ્યું. કશિશ એની સામે તાકી રહી.ક્ષણવાર ઉદયની આંખમાં લાચારી જોઇને એ હલબલી ગઇ. અને એણે તરત આંખો બંધ કરી દીધી. ના, એ જે ઉદ્શથી લડે છે તે માટે લાગણીશીલ થવું પોસાય નહી.

‘મેં તને કયારનો માફ કરી દીધો છે. બસ કેસ પાછો નહીં ખેંચી શકું.‘ કશિશ આટલું બોલીને ધ્યેય કે ઉદય કશું કહે તે પહેલાં સડસડાટ જતી રહી. ઉદયને એની વાત સમજાય જ નહીં પણ ધ્યેયને પણ સમજાયુ નહી.

‘એ સમજતો હતો કે કશિશ ન્યાય માટે લડી રહી છે, પણ અત્યારે જે બોલી કે કોઇ ઉદ્દેશ માટે લડી રહી છે તો એ શું હશે?‘

(ક્રમશ:)

કામિની સંઘવી