hu tari yaadma - 2 - 2 in Gujarati Fiction Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 (ભાગ-૨)

હું તારી યાદમાં 2 (ભાગ-૨)

રૂમ પર આવીને હું ફ્રેશ થયો અને અમે ત્રણેય જણા બ્રેકફાસ્ટ કરવા માટે બેઠા. મારા મનમાં હજી એ જ વિચાર આવતો હતો કે રાત્રે મારા જોડે શુ થયું હતું. એ રોશની જે મારા તરફ આવી રહી હતી એ કોણ હતી? અને હું તો પાણીમાં ડૂબી ગયો છતાં પણ હું જીવતો કેમ બચી ગયો? હા મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક બાબત હતી. કારણકે મેં ત્યાં જઈને ૨ વાર સ્યુસાઇડ કરવાની ટ્રાય કરી હતી. પહેલીવાર જ્યારે મેં મારા કાન પર ગન રાખી ત્યારે મને એવો આભાસ થયો હતો કે મારા ખભા પર કોઈએ હાથ મુક્યો હતો પણ પાછળ ફરીને જોતા ત્યાં કોઈજ નહોતું અને જ્યારે મેં એને ઇગ્નોર કરીને બીજીવાર ગન રાખીને સ્યુસાઇડ કરવાની ટ્રાય કરી ત્યારે સમુદ્રની લહેરો એ રોશની સાથે આવી અને મને પોતાની તરફ ખેંચીને લઈ ગઇ અને જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે હું જમીન પર પડ્યો હતો જ્યાંથી સમુદ્ર પણ દૂર હતો. એનો મતલબ શુ? હું સ્યુસાઇડ કેમ ના કરી શક્યો? શુ આ કોઈ કુદરતની કરામત હશે જે મને સ્યુસાઇડ કરતા રોકી રહી હતી? અને જો એ મને અટકાવવા માંગતી હતી તો એની પાછળનું કારણ શું હતું? શુ મારા નસીબમાં હજુ મૃત્યુ નથી લખ્યું?
ઓહહ, શીટ…કેટલા બધા સવાલો અને એનો જવાબ કદાચ એક..
તમે લોકો પણ કન્ફ્યુઝ હશો કે આખરે હું સ્યુસાઇડ કેમ કરવા માંગતો હતો?
મારી પાસે આગળના પ્રશ્નોનો જવાબ તો નહોતો પણ આ એક પ્રશ્નનો જવાબ હતો કે હું સ્યુસાઇડ કેમ કરવા માંગતો હતો. કારણકે એના માટે જવાબદાર હતો મારો ભૂતકાળ. મારો પ્રેમ. જેની સજા હું પોતાને આપવા જઇ રહ્યો હતો.

*****

(૧.૫ વર્ષ પહેલાં )
ઉસમાનપુરા ચાર રસ્તા પર ટ્રાફિક જામ હતો. ઇન્કમટેક્સ પાસેનો રસ્તા પર કામ ચાલતું હોવાના કારણે બધોજ ટ્રાફિક અહીંયા ભેગો થઈ રહ્યો હતો. કારણકે લોકોને પોતાના કામ-ધંધા પર જવા માટે લેટ થઈ રહ્યું હોવાના કારણે ઘણા લોકો ઉસમાનપુરાથી ફરીને શોર્ટકટ મારી રહ્યા હતા પણ આતો હવે રોજની કોમન વાત થઈ ગઈ હતી કારણકે જ્યાં સુધી નવો રૂટ ના બને ત્યાં સુધી આ ચક્ર ચાલુજ રહેવાનું હતું. મારી સાઈડ ખુલવાની હજી ૫૧ સેકેન્ડની વાર હતી અને મારી બાજુમાં એક એક્ટિવા આવીને ઉભું રહ્યું. મેં એની તરફ નજર કરી અને મારી આંખો ત્યાંજ ટકી રહી. એના ફેસ પર દુપટ્ટો બાંધેલો હતો પણ હું એની આંખો તરફ આકર્ષાયો. એની આંખો નશીલી અને ધારદાર હતી અને જેને જોતાજ લાગતું હતું કે આ આંખોથી કેટલાય લોકો ઘાયલ થઈ જતા હશે. મારા જીવનમાં પ્રથમવાર આવું બનેલું કે મેં કોઈ છોકરીની આંખો જોઇ અને પહેલીજવારમાં એ આંખો તરફ આકર્ષાયો હતો. મારુ ધ્યાન એની આંખો પરથી હટવાનું નામજ નહોતું લેતું. પહેલીવાર કોઈ છોકરીની આંખો જોઈને દિલના ધબકારા વધી ગયા હતા. કદાચ કહેવાય છે ને કે વન સાઇડેડ લવ(પહેલી નજરનો પ્રેમ) કાંઈક એવુંજ લાગી રહ્યું હતું. એને મારી સામે જોયુ અને એ સાથેજ મેં મારી નજર ફેરવી લીધી. હું એની આંખોમાં આંખો નહોતો મિલાવી શકતો. મેં નીચે નજર કરી અને મને એનું એક્ટિવાનું સાઈડ સ્ટેન્ડ દેખાયું. મેં એની સામે જોયું અને ઇશારાથી સાઈડ સ્ટેન્ડ પર જોવા માટે ઈશારો કર્યો. એને નીચે જોયું અને પોતાનું સાઈડ સ્ટેન્ડ સરખું કર્યું અને મને આંખોથી આભાર માનતી હોય એવી રીતે મારી સામે રીએક્ટ કર્યું. મારી ધડકનો ફરી એકવાર ત્યાંજ રોકાઈ ગઈ એટલામાં અમારી સાઈડ ખુલી ગઈ. એ જલ્દીમાં મારાથી આગળ નીકળી ગઈ અને હું હજી ત્યાંજ ખોવાયેલો રહી ગયો. મેં એના એક્ટિવની નંબરપ્લેટ પર નજર મારી લીધી અને મારા મગજમાં કોપી કરી લીધી. મેં મારું બાઇક સ્ટાર્ટ કર્યું અને હું મારી ઓફીસ પર જવા માટે નીકળી ગયો. આખરે 1 અઠવાડિયાની રજાઓ માણ્યા પછી હું ઓફીસ પર જઈ રહ્યો હતો. જોબથી કંટાળ્યા હોવાના કારણે થોડું ફ્રેશ થવા માટે હું, અવી અને વિકી એક મીની વેકેશન લઈને ગોવા ફરવા માટે ગયા હતા. આજે ન્યુ રિકવાયરમેન્ટના લીધે અમે લોકોએ ઘણા બધા ફ્રેશરસને હાયર કરેલા જેમનો જોઇનિંગનો આજે પહેલો દિવસ હતો એટલે મારે પણ થોડું જલ્દી પહોંચવાનું હતું. હું ફટાફટ મારુ પલ્સર ૧૫૦ લઈને સીજી રોડ પહોંચ્યો જ્યાં મારી ઓફીસ હતી. મેં મારું બાઇક પાર્કિંગમાં મૂક્યું અને હું બહાર નીકળવા જતો હતો એટલામાં મારી નજર ત્યાં પાર્ક થયેલા એક એક્ટિવા પર પડી. એની નંબરપ્લેટ જોતાજ મને થોડીવાર માટે ઝાટકો લાગ્યો કારણકે થોડા સમય પહેલા મને જે એક્ટિવાવાળી પ્રત્યે આકર્ષણ થયેલું આ એજ એક્ટિવા હતી. હું મનોમન ખૂબ ખુશ થયો કે આજે ખૂબ જ સારો દિવસ છે મારા માટે કારણકે સવારમાં થયેલી કાતિલ આંખોવાળી છોકરીનું એડ્રેસ મને અમારી જ ઓફિસના પાર્કિંગમાંથી મળી ગયું હતું. આજે મેં પહેલીવાર આ નંબરનું એક્ટિવા અહીંયા જોયું હતું એટલે મને લાગતું હતું કે આ છોકરી પણ અમારીજ ઓફિસમાં ન્યુ જોઇનિંગ હશે અને એવું વિચારીને ખૂબ ખુશ થયો. હું ફટાફટ લિફ્ટની જગ્યાએ સીડીઓ ચડીને ઉપર ગયો અને ઉપર જઈને આખી ઓફિસમાં ફરી વળ્યો પણ મને ક્યાંય એ છોકરી દેખાઈ નહિ. થોડીવારમાં મારા બોસ મારી કેબિનમાં આવ્યા અને મને જણાવ્યું કે ફ્રેશર્સ સાથે એક મિટિંગ કરવાની છે 30 મિનિટમાં અને તેમને આપડા કામ વિશે સમજાવીને બફ કરવાના છે. મેં એમને ઠીક છે કહ્યું અને હું પ્રેઝન્ટેશનની તૈયારીમાં લાગી પડ્યો પણ મારા મગજમાં હજી પણ એ કાતિલ આંખોવાળી છોકરીજ ભમી રહી હતી. હું પહેલીવાર કોઈ છોકરી પ્રત્યે આટલું આકર્ષણ અનુભવી રહ્યો હતો. મારા મનમાં પણ ઘણા વિચારો ફરી રહ્યા હતા કે દુનિયામાં ઘણી બધી છોકરીઓ છે પણ એમને છોડીને આજ છોકરી કેમ મારા માટે આકર્ષણરૂપ બની જેનું મેં અત્યાર સુધી ફેસ પણ નથી જોયું અને ફક્ત એની આંખો પાછળ દિવાનો થયો હતો. 30 મિનિટ પુરી થઈ ગઈ અને મારો મિટિંગરૂમમાં જવાનો સમય થઇ ગયો.
મિટિંગરૂમમાં એન્ટર થયો જ્યાં 10 જુનિયર ફ્રેશર્સ મારી રાહ જોઇને બેઠા હતા. મારા અંદર જતાજ એ લોકોએ મને ગૂડમોર્નિંગ ગ્રીટ કર્યું અને એ સાથેજ મેં પહેલા મારુ ઇન્ટ્રોડક્શન આપીને આગળનું સમજાવવાનું વિચાર્યું.
“ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. માય સેલ્ફ રુદ્ર ગજ્જર. આઈ એમ યોર સિનિયર. સોફ્ટવેર એન્જીનીયરની ફિલ્ડમાં તમારું સ્વાગત છે. તમે લોકો કોલેજ લાઈફમાં જે કાંઈ શીખ્યા છો એના કરતાં આ ફિલ્ડમાં થોડું આગળનું ડગલું ભરવાનું છે. સૌથી પહેલાતો હું તમને જણાવી દઉં કે આપણું કામ અહીંયા ક્લાયન્ટની રિકવાયરમેન્ટ પ્રમાણે સોફ્ટવેર ડેવલોપિંગ કરવાનું અને એને ક્લાયન્ટ સુધી પહોંચાડવાનું છે. જેમાં ઘણીવાર નાના એવા ગોટાળા કે ભૂલના કારણે ક્લાયન્ટની ગાળો પણ સાંભળવી પડે છે. સૌથી પહેલાતો તમારું શરૂઆતનું ડગલું એ રહેશે કે આવી ભૂલ શેના કારણે થાય છે અને કેમ ના થવી જોઈએ જેના કારણે આપણી કમ્પનીની માર્કેટમાં વેલ્યુ ડાઉન થાય અને આપણે લોકોએ નીચું જોવાનું થાય એના પછી તમને ડેવલોપિંગના પ્રોગ્રામમાં આગળ બ્રીફ કરવામાં આવશે. આના માટે કાલથી તમારી લોકોની ટ્રેનિંગ શરૂ થશે જેનો પિરિયડ ૧૫ દિવસ સુધીનો રહેશે અને પછી તમને લોકોને આગળનો ચાર્જ આપવામાં આવશે. તમને લોકોને કોઈપણ પ્રોબ્લેમ હોય તો તમે મને જણાવી શકો છો. હું તમને લોકોને હેલ્પ કરીશ.”
મે મારુ ઇન્ટ્રોડક્શન પૂરું કર્યું અને ફરીવાર એક નજર ત્યાં બેઠેલા ફ્રેસર્સ પર નાખી દીધી જેમાંથી ૩ છોકરાઓ અને ૭ છોકરીઓ હતી પણ એ લોકોમાંથી કોઈપણ એ છોકરી નહોતી જેને મેં જોઈ હતી. બેશક મેં એનો ફેસ નહોતો જોયો પણ હું એને આંખો પરથીજ ઓળખવા માટે કરેક્ટ હતો કારણકે હવે એ આંખો હું ભૂલી શકું એમ નહોતો. એ આંખો મારા દિલમાં વસી ગઈ હતી.
આંખો દિવસ નવા ફ્રેશર્સને સમજાવવામાં અને તમને લોકોને ટિપ્સ આપવામાં જતો રહ્યો હતો અને મારે હજી ૧૫ દિવસ સુધી એમની સાથે માથું કૂટવાનું હતું. સાંજે જ્યારે હું જોબ પરથી ઘરે જવા માટે નીકળ્યો ત્યારે સીધો પાર્કિંગમાં ગયો પણ અફસોસ કે એ એક્ટિવા ત્યાં નહોતું. હું વિચારમાં પડી ગયો કે આખરે ક્યાં ગયું એ એક્ટિવા જેની હું રાહ જોઇને બેઠો હતો. મને લાગ્યું કે કદાચ એ મારી નવી ફ્રેશર્સ હશે અને મારાજ સ્ટાફમાં હશે એ આશા સાથે હું સવારે ખુશ થતો થતો ઓફીસ ગયો હતો અને સાંજે જ્યારે બહાર આવ્યો ત્યારે મુરઝાયેલા ચહેરા સાથે બહાર આવ્યો હતો. મેં મારા બાઇકમાં ચાવી લગાવી અને ત્યાંથી નીકળીને સીધુ વસ્ત્રાપુર તરફ જવા દીધું જ્યાં અમારું ઘર હતું. અમારું ઘર એટલે મારુ,વિકી અને અવિનું ઘર. અમે ત્રણેય ખાસ મિત્રો હતા જે એકસાથે રહેતા હતા. કોલેજમાં સાથે મળેલા એ પણ એક અલગ-અલગ ફિલ્ડમાં અને એ મિત્રતા કાયમી રીતે એક સંબંધ બાંધી ગઈ હતી. અવી અને વિકી બંને ઇલેક્ટ્રિકલ એન્જીનીયર હતા અને હું એક સોફ્ટવેર એન્જીનીયર હતો. કોલેજના ગ્રેજ્યુએશનમાં એમે ત્રણેય લોકો સાથે હતા જ્યાં અમારી મિત્રતાની શરૂઆત થઈ હતી અને આજે અમે ત્રણેય એકબીજા માટે પોતાના પરિવાર સમાન બની ગયા હતા કારણકે અમારા ત્રણેયમાં એક વાત કોમન હતી કે અમારા ત્રણેય મિત્રોની નાનપણથી અત્યાર સુધીના જીવનની સફર એક સરખીજ હતી અને અમે ત્રણેય લોકો અનાથ હતા. અમે ત્રણેય નાનપણથી અનાથ આશ્રમમાં મોટા થયા હતા. નાનપણથી માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યા હોવાથી મા-બાપના પ્રેમથી અજાણ હતા પણ ઉપરવાળાએ હાથ પકડીને અનાથ આશ્રમ સુધીનો રસ્તો બતાવ્યો અને દરવાજા સુધી પહોંચાડ્યા હતા. ત્યાં મોટા થઈને કોલેજ શરૂ કરી જ્યાં અમે ત્રણેય મિત્રો મળ્યા અને ધીરે-ધીરે એકબીજાને સાથ આપતા પોતાના જીવનમાં આગળ વધતા ગયા અને આજે ત્રણેય એક સારી જોબ મેળવીને પોતાની લાઈફ એન્જોય કરી રહ્યા હતા. ઘણા વર્ષોની મહેનત પછી અમે લોકોએ વસ્ત્રાપુરમાં પોતાનું ઘર લઈ લીધું હતું અને બે બાઇક સાથે પાર્કિંગમાં એક કાર પણ હાજર રહેતી હતી જેનો વપરાશ અમારે બાઈકના પ્રમાણમાં ઓછો થતો હતો. ટૂંકમાં કહીએ તો અમે લોકો એક ઓનેસ્ટ લાઈફ જીવી રહ્યા હતા. પણ અમારા ત્રણેયનો નિયમ હતો કે અમે આજે પણ જ્યારે અમને રવિવારનો સમય મળે ત્યારે અમે લોકો પોતાનો સમય અનાથ આશ્રમમાં વિતાવતા હતા.
જેવો હું છૂટીને સાંજે ઘરે ગયો કે આજે મારો મૂડ કાંઈક અલગજ દેખાતો હતો. મેં ઘરે જઈને તાળું ખોલ્યું. મોટેભાગે અમારા તાળાની ત્રણ ચાવીઓ હતી જે દરેક પાસે રહેતી હતી. વિકી અને અવી હજુ સુધી નહોતા આવ્યા. એ બંને બાવળા હાઇવે પર જોબ કરતા હતા એટલે એ લોકોને દરરોજ ઘરે આવવામાં થોડું મોડું થતું હતું અને હું એમના કરતા ૪૦ મિનિટ જેવું વહેલો ઘરે આવી જતો. અમારું જમવાનું દરરોજ નીચેના ફ્લેટવાળા આંટી આપી જતા હતા જેમની પાસે અમે ટિફિન બંધાવેલું હતું એટલે એનું કોઈજ ટેંશન રહેતું નહોતું અને રહ્યું ઘર કામ તો એ દરરોજ એક સમયે કામવાળા આંટી આવીને કરી જતા હતા જેના કારણે અમારી લોકો પાસે પુરતો સમય બચતો હતો. હું કિચનમાં દાખલ થયો અને ફ્રીઝમાંથી ઠંડી પાણીની બોટલ કાઢી અને પીધું. લાઈફમાં પહેલીવાર કોઈ છોકરીએ આવો જાદુ કર્યો હતો કે મને આટલી બધી ગમી ગઈ હતી. મને એની આંખોજ દેખાતી હતી. મને હવે તલાશ હતી તો ફકતએ ચહેરાની જેને હું જોવા માંગતો હતો. અંતે હું બોટલ ફ્રિઝમાં પાછી મૂકીને પોતાના બેડ પર જઈને સૂતો અને પોતાની આંખો બંધ કરી. થોડીવાર થઈ ત્યારે ઘરનો દરવાજો ખુલ્યો અને મારી નજર એ તરફ પડી. વિકી અને અવી ઘરમાં દાખલ થયા. મને સૂતો જોઈને એ લોકો રૂમમાં આવ્યા કારણકે હું જ્યારે કોઈ વિચારોમાં ખોવાયેલો હોય ત્યારેજ આવી રીતે સૂતો હતો મારી આ આદત એમને લોકોને સારી રીતે ખબર હતી.

To be Continued.....

Rate & Review

Keval

Keval 2 years ago

Rakesh

Rakesh 3 years ago

Nehal

Nehal 3 years ago

nihi honey

nihi honey 3 years ago

Heena Thakar

Heena Thakar 3 years ago