Hu Taari Yaad ma 2 - 11 books and stories free download online pdf in Gujarati

હું તારી યાદમાં 2 - (ભાગ-૧૧)

આજે પણ સવારે રૂટિન સમય મુજબ ૭ વાગ્યે મારા મોબાઈલનો એલાર્મ વાગવા લાગ્યો અને હું જાગીને ઉભો થયો. ફ્રેશ થયો અને ચા-નાસ્તો કરીને પોતાના રૂટિન સમય પર ઓફિસ જવા માટે નીકળી પડ્યો. આજે વધુ કામ ના હોવાના કારણે વહેલું ઓફિસ જવું જરૂરી નહોતું એટલે હું આરામથી ઘરેથી નીકળ્યો હતો. રસ્તામાં ટ્રાફિકનો સામનો કરતા-કરતા અને અમુક ટ્રાફિકને અમદાવાદની સ્ટાઇલમાં બાઈક ગમે ત્યાંથી કાઢીને નીકળતા-નીકળતા હું મારા રેગ્યુલર ટાઈમ પર ઓફિસ પહોંચી ગયો. આજે ઓફિસમાં બધા એમ્પ્લોયી આવી ગયા હતા અને હું છેલ્લે બાકી રહ્યો હતો. શિખા પણ પોતાના સમય પર આવી ગઈ હતી. હું એકજ આજે છેલ્લો હતો. ક્યારેક ક્યારેક લાગતું હતું કે હું કોણ છું એ મને જ ખબર નહોતી. હું એક એમ્પ્લોયી છું કે લીડર એ પોતે પણ નહોતો સમજી શકતો. હું મારી મરજી મુજબનું જીવન અહીંયા જીવી રહ્યો હતો. અહીંયા કોઈ મારા પર રોકટોક કરવા વાળું નહોતું. હું સીધો જઈને શિખાને મળ્યો અને એની પાસેથી બધા કામની ડિટેઇલ લઈ લીધી. એનું કામ ૨ થી ૩ કલાકમાં પૂરું થઈ જવાનું હતું. મારુ કામ કેટલા સમયમાં પૂરું થવાનું હતું એ હજી મને ખાસ ખ્યાલ નહોતો. શિખા સાથે થોડી વાત-ચિત કરીને હું મારી કેબિનમાં ગયો અને મારું કામ ચાલુ કરી દીધું અને હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. કામમાં વ્યસ્ત હોવાના કારણે ક્યારે લન્ચ ટાઈમ થઈ ગયો એની મને ખબરજ નહોતી રહી. શિખા મારા કેબિનમાં આવી કારણકે આજનું મારુ જમવાનું પણ શિખા સાથેજ ફિક્સ હતું જે એને ગઈ કાલેજ મને જણાવી દીધું હતું.
શિખા:- સર, જમવાનો વિચાર છે કે હું પણ તમારી સાથે ઉપવાસ કરું ?
હું :- અરે, તું ક્યારે આવી ?
શિખા :- લાગે છે તમે હવે પાગલ થઈ ગયા છો કામ પાછળ. ૨ મિનિટ ઉપરથી અહીંયા આવીને ઉભી છું તો પણ તમને ખ્યાલ નથી.
હું :- ઓહ, સોરી શિખા થોડું કોમ્પ્લિકેશન વાળું કામ છે એટલે મારુ ધ્યાન ન રહ્યું.
શિખા :- હા, તો ચાલો જમવા માટે હવે.
હું :- હા, જમવાનું છે ચાલો.
શિખા :- પૂછી રહ્યા છો કે જણાવી રહ્યા છો.
હું :- જણાવી રહ્યો છું. હમણાંથી તું બહુ તોફાની થતી જાય છે.
શિખા :- હા, અને તમે પાગલ થતા જાવ છો.
શિખા હસવા લાગે છે. મને ખબર છે કે શિખા મારી મજાક ઉડાવી રહી હતી છતાં પણ હું એના પર ગુસ્સે થવાને બદલે મારી મજાક વધુ બનાવતો હતો કારણકે જ્યારે પણ તે મારી મસ્તી કરતી એ સમયે એના ફેસ પર એક સ્માઈલ રહેતી હતી અને એ સમયે એવું લાગતું હતું કે જાણે એ ખૂબ ખુશ છે. એ સમય પર એનું દુઃખ ક્યાંક ગાયબ થઈ જતું હતું અને એ જોઈને મને પણ એક પ્રકારની ખુશી થતી હતી કે હું કોઈના ફેસપરની સ્માઇલનું કારણ બની રહ્યો હતો અને એમાં પણ શિખા મારા માટે એક સારી ફ્રેન્ડતો ખરી જ પણ નાની બેન જેવી હતી.
હું અને શિખા જમવા માટે બેઠા અને એ દરમ્યાન અમારા રૂટિન પ્રમાણે વર્ક ડિસ્કશન કરવા લાગ્યા. અચાનક શિખાએ ટોપિક બદલીને મને વંશિકા વિશે પૂછ્યું કે વંશિકા સાથે કોઈ વાત થઈ કે નહીં તમારી ?
હું :- ના, હજી કદાચ આજે રાતે વાત થશે કારણકે ૩ દિવસ થયા એનો મેસેજ આવશે.
શિખા:- સારું, લગે રહો રુદ્ર સર.
હું :- મારા કરતાં તને વધુ ઉતાવળ છે ?
શિખા :- હા.
હું:- ખૂબ સરસ. ચાલો હવે ઉભા થાવ અને કામ પર લાગી જાવ. આજ સાંજ પેલા તારું કામ પૂરું હોવું જોઈએ. આજે તારે નથી રોકાવાનું.
શિખા :- તમે ચિંતા ના કરો, મારે ૨ કલાકમાં કામ પૂરું થઈ જશે.
હું :- ઓકે. ઇન્ફોર્મ કરી દેજે મને અને એક્ટિવા સર્વિસમાંથી આવી ગયું કે આજે પણ રિક્ષામાં આવી છું તું ?
શિખા :- હા,આજે તો એક્ટિવા લઈને આવી છું. ગઈ કાલે રેડી થઈ ગયું હતું તો મારો ભાઈ જઈને લઈ આવ્યો હતો.
અમે બંને લન્ચ પૂરું કરીને ફરીવાર પોતપોતાના કામ પર લાગી ગયા. ૧ કલાકમાં શિખાના કહ્યા પ્રમાણે એને એનું કામ પતાવી આપ્યું અને મે રુલ્સ મુજબ એને એ સોફ્ટવેર પહેલાતો એક સીડીમાં કોપી કરવામાટે કહી દીધું. જેથી આગળ કરીને સીધીએ સીડીજ ડિસ્પેચ કરવાની રહે. હું મારા આગળના કામમાં લાગી ગયો. સાંજના સમયે બધા એમ્પ્લોયી ઓફિસ પરથી પોતાના સમય મુજબ ઘરે જવા લાગ્યા. શિખા મારા પાસે આવી અને કામ વિશે પૂછવા લાગી. જવાબમાં મેં શિખાને જણાવ્યું કે મારું કામ પૂરું થવા આવ્યું છે અને લગભગ ૨ કલાકમાં પૂરું પણ થઈ જશે. શિખા મને ગુડ બાય કહીને પોતાના ઘરે જવા માટે નીકળી. થોડીવારમાં આખી ઓફિસ ખાલી હતી અને હું એકલોજ હતો. ૦૭:૩૦ વાગતા મારુ સોફ્ટવેર રેડી હતું અને મે એને ખાતરીપૂર્વક રિચેક પણ કરી લીધું હતું. બધું જ ઓકે હોવાની ખાત્રી બાદ મૅ જ્યંત સરને કોલ કર્યો અને એમને ન્યુઝ આપી દીધા. એમને મને સોફ્ટવેર બ્લેન્ક સીડીમાં કોપી કરવામાટે જણાવ્યું અને હાલ લોન્ચ ના કરવા માટે કહ્યું. મેં તેમને કહ્યા પ્રમાણે કામ પતાવી નાખ્યું અને એક લાંબો શ્વાસ લીધો. મેં મારું ૧ વિકનું કામ ૩ દિવસમાં પૂરું કરી નાખ્યું હતું. એટલે હવે ૧ વિક સુધી આગળ મારી પાસે કોઈ કામ નહોતું આવવાનું અને આ ૧ વિક ફક્ત મારે ડાયરેક્શનજ આપવાનું હતું. મેં સીડી યોગ્ય જગ્યાએ મૂકી દીધી. હવે હું ઘરે જવા માટે નીકળવાનો હતો. મેં ઓફિસનો દરવાજો લોક કર્યો અને બાઈક પાર્કિંગમાં મારા બાઈક પાસે પહોંચ્યો. બાઈકપાસે જઈને મારી આદત મુજબ મારો મોબાઈલ કાઢ્યો અને અચાનક યાદ આવ્યું કે આજે ૩ દિવસ થઈ ગયા છે તો કદાચ વંશિકાનો મેસેજ આવ્યો હશે. મારો મોબાઈલ ડેટા બંધ હોવાના કારણે એનો મેસેજ કદાચ આવ્યો હોય તો પણ મને એની જાણ નહોતી થઈ. મેં મોબાઈલ ડેટા ઓન કર્યો અને એક પછી એક એમ ઘણા બધા નોટિફિકેશન ચાલુ થઈ ગયા. મેં મારું વોટ્સએપ ઓપન કર્યું જેમાં ઘણા બધા મેસેજ પડેલા હતા. મેં સ્લાઈડ કરીને ચેક કરી લીધું પણ વંશિકાનો હજુ સુધી એકપણ મેસેજ નહોતો. મેં એની પ્રોફાઈલ ચેક કરી પણ એમાં એનો લાસ્ટ સીન સાંજના ૦૫:૩૨ નો દેખાડતો હતો. મે અત્યારે એને મેસેજ કરવાનું ટાળ્યું અને મારા સ્ટેટ્સમાં ઘૂસ્યો જેમાં ઘણા બધા સ્ટેટ્સ અપલોડ થયેલા હતા. એમાં વંશિકાનું કોઈજ સ્ટેટ્સ અપલોડ નહોતું. આગળ જોતા વિકીનું સ્ટેટ્સ જોયું જેમાં એ બંને પોતાની એક સેલ્ફી મૂકી હતી અને લખ્યું હતું કે ફાઇનલી રિચ ટુ હોમ. મે તરત વિકીને કોલ કર્યો.
હું:- આવી ગયા તમે લોકો ?
વિકી:- હા, અમે આવી ગયા. તું ક્યાં છે ?
હું:- ઓફિસ પર છું.
વિકી:- ક્યારે આવવાનો છું ઘરે ?
હું:- બસ હમણાં આવું જ છું.
વિકી:- ઓકે, ચાલ આવ જલ્દી.
મે મારુ બાઈક સ્ટાર્ટ કર્યું અને ઘર તરફ જવા લાગ્યો. આજેતો અવી અને વિકી ઘરે આવી ગયા હતા એટલે એ વાતતો ફાઇનલ હતી કે મારે ઘરે જમવાનું પાર્સલ લઈને જવાનું નહોતું. હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે અવી અને વિકી મારી રાહ જોઇને બેઠા હતા. હું ફટાફટ ફ્રેશ થયો અને અમે ત્રણેય જણા એકજ બાઈક પર અનિલભાઈને ત્યાં જમવા માટે નીકળ્યા. મિત્રો સાથે એક બાઈક પર ત્રણ સવારીમાં જે રખડવાની મજા આવે છે એ મજા ક્યારેય કર્મ નથી આવતી. અમે લોકો વધુ પડતું કાર લઈને બહાર જવાનું હમેશા ટાળતા હતા કારણકે અમને ત્રણેયને બાઈક પર રખડવાનો શોખ વધુ હતો. અમે ત્રણેય ૦૯:૩૦ વાગતા અનિલભાઈને ત્યાં પહોંચ્યા. અનિલભાઈ પણ અવી અને વિકીને ઘણા દિવસ પછી મળીને ખૂબ ખુશ થયા. હું, અવી અને વિકી ત્રણેય જમવા માટે બેઠા. અનિલભાઈને ખાસ ખ્યાલજ હોય છે કે અમે ત્રણેય એકસાથે જમવા માટે આવીએ એટલે અમારો ઓર્ડર પંજાબીજ હોય છે. છતાં પણ એમને ઇશારાથી અમને પૂછયું અને અમે ઇશારામાં હાથ ઊંચો કરીને એમને ઓકે કહી દીધું અને તેઓ અમારો ઈશારો સમજી ગયા. થોડીવારમાં વેઈટર અમારો ઓર્ડર લઈને આવ્યો અને અમે લોકોએ જમવાની શરૂઆત કરી. જમતા જમતા અમે ત્રણેય અમારી રૂટિન લાઈફની વાતો કરવા લાગ્યા.
હું :- કેવો રહ્યો તમારો ત્યાં વડોદરાનો એક્સપિરિયન્સ ?
અવી:- અમારોતો ખૂબ સરસ રહ્યો.
વિકી:- અરે, ત્યાં એક છોકરી પણ ગમી ગઈ અવિને.
હું:- શું વાત કરે છે, કોણ છે અને કેવી છે ?
અવી:- એ નથી ખબર..
હું:- નથી ખબર એટલે તું ઓળખતો નથી ?
વિકી:- અરે રસ્તા પર જોઈ એને અને તે ગમી ગઈ એને. એના સિવાય બિચારાને કોઈ આઈડિયા નથી. (હું અને વિકી આ સાંભળીને હસવા લાગ્યા)
હું:- ક્યાં રસ્તા પર જોઈ હતી તમે ?
અવી:- ન્યુ સમા રોડ પર.
વિકી:- અરે અમારી પાસે ટાઈમ નહોતો શોધવાનો એટલે આગળ કાઈ કાર્યવાહી ન થઈ શકી. લાગે છે અવિની કિસ્મતમાં લખ્યું છે સિંગલ રહેવાનું. (ફરીવાર હું અને વિકી હસવા લાગીએ છીએ)
અવી:- તો તમે બેય ક્યાં અત્યાર સુધી રિલેશનશિપમાં ઘૂસીને બેઠા છો. તમે લોકો પણ સિંગલ જ છો અને મારી વાત છોડ તે શું કર્યું અત્યાર સુધી ?
હું:- (સ્પીચલેસ) કાઈ નહિ.
વિકી:- ટોપા, વાત કેટલે પહોંચી એમ પૂછે છે એ તને.
હું :- અરે કાંઈ નહિ, ત્રણ દિવસ થયા પણ આજે હજી મેસેજ નથી આવ્યો એનો કદાચ વ્યસ્ત હશે.
(આ વખતે અવી-વિકી હસવા લાગે છે)
હવે આ બંને મારી મજાક ઉડાવી રહ્યા હતા અને ખરેખર હજી વંશિકાનો કોઈ મેસેજ પણ નહોતો આવ્યો. અંતે જમવાનું પતાવીને અમે લોકોએ બિલ પે કર્યું અને પોતાના ઘરે જવા માટે નીકળ્યા. અમે ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં ૧૧:૦૦ વાગી ગયા હતા. આવતી કાલે રવિવવાર હતો એટલે ઓફિસની રજા હતી એટલે સવારે મોડે સુધી સુઈ રહેવાનું હતું. હું મારા બેડ પર જઈને સૂતો. આજે કામના લીધે કંટાળો આવ્યો હતો પણ અવી-વિકી સાથે સમય પસાર કરીને બધો કંટાળો ઉડી ગયો હતો. મેં મારા મોબાઈલનું વોટ્સએપ ઓપન કર્યું અને વંશિકાની પ્રોફાઈલ ઓપન કરી. હજી પણ એનો લાસ્ટ સીન ૦૫:૩૨ દેખાડતો હતો. મને લાગ્યું સાંજ પછી એ ઓનલાઇન આવીજ નહોતી. અંતે અત્યારે મેસેજ નથી કરવો હવે જો એનો મેસેજ નહિ આવે તો કાલે સાંજે મેસેજ કરીશ એવું વિચારીને મેં મારો મોબાઈલ સાઈડમાં મુક્યો અને હું સુઈ ગયો.
સવારે ૧૦:૦૦ વાગ્યાની આસપાસ મારા મોબાઇલની રિંગટોન વાગી જેણે મારી ઊંઘ ઉડાવી દીધી. મેં મોબાઈલ હાથમાં લીધો અને જોયા વગર મોબાઈલના લોકના બટન પર પ્રેસ કરીને એને સાઇલેન્ટ કરી દીધો અને ફરીવાર હું સુઈ ગયો. ૫ મિનિટ જેવો પણ સમય નહિ થયો હોય અને ફરીવાર મારા મોબાઇલની રિંગ વાગી. આ વખતે મેં મોબાઈલ હાથમાં લીધો અને ડિસ્પ્લે પર નજર કરીને એના પર રહેલું નામ વાંચ્યું.