Priyanshi - 6 books and stories free download online pdf in Gujarati

પ્રિયાંશી - 6

" પ્રિયાંશી " ભાગ-6
હિંમત કરીને તેણે પ્રિયાંશીની બુક ઉપર ચીઠ્ઠી મૂકી દીધી અને પોતે ત્યાંથી નીકળી ગયો.

પ્રિયાંશીએ ચીઠ્ઠી ખોલીને જોયું તો તેમાં,
" આઈ લવ યુ પ્રિયાંશી, હું તને ખૂબજ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગું છું. " તેવું લખેલું હતું.

પ્રિયાંશી તો વાંચીને વિચારમાં જ પડી ગઇ. બીજુ લખ્યું હતું કે, " મારી વાતનો જવાબ શાંતિથી વિચારીને આપજે, મને કોઈ ઉતાવળ નથી પણ, જવાબ 'ના' ન આપતી. કારણ કે હું તારા વગર જિંદગી જીવી નહિ શકું. "

પ્રિયાંશીને તો શું કરવું?? એજ કંઇ સમજણ પડતી ન હતી. થોડો ગુસ્સો પણ આવતો હતો. અને કંઈ સૂઝતું પણ ન હતુ. તેણે ચીઠ્ઠી ફાડીને ફેંકી દીધી અને નક્કી કરી લીધું કે હું મિલાપને 'ના' જ પાડી દઇશ અને હવે હું તેની સાથે વાત પણ નહિ કરું.

બીજા દિવસથી તેણે તો મિલાપની સામે જોવાનું પણ બંધ કરી દીધું હતું. મિલાપ ખૂબજ દુઃખી થઇ ગયો હતો, તેને થયું કે મેં પ્રિયાંશીને કશું જ ન કહ્યું હોત તો સારું હતું. તે મારી સાથે વાત તો કરતી હોત ને...!પણ હવે કશુંજ થાય તેમ ન હતું. બાજી બગડી ગઇ હતી.

તેણે એક દિવસ આર્યાને કહીને પ્રિયાંશીને મળવા માટે કહ્યું કે મારે એકવાર પ્રિયાંશીને મળવું છે. તેણે નક્કી કર્યું કે પછી તેની ઇચ્છા નહિ હોય તો, હું તેની સાથે કોઈ દિવસ વાત પણ નહિ કરું.

પ્રિયાંશીએ મળવા માટે 'હા' પાડી. મિલાપને થોડી હાંશ થઇ. હવે શું એને સમજાવીશ તો પ્રિયાંશી હા પાડશે કે નહિ. કેવી રીતે તેને સમજાવું ? વિચારોમાં ને વિચારોમાં મિલાપને આખી રાત ઊંઘ આવી નહિ. આખી રાત કરવટ બદલી બદલીને તેણે પસાર કરી.

હજી તો સાંજે મળવા જવાનું હતું આખો દિવસ કઇ રીતે પસાર કરવો તે સવાલ હતો. મમ્મીએ દશ વાર જમવા બેસવા કહ્યું પણ આજે જાણે મિલાપને ભૂખ પણ લાગી ન હતી. સવારથી ખાલી બસ ચ્હા જ પીધી હતી. બસ,આજે જમવાની કંઇ ઇચ્છા નથી, તેમ મમ્મીને કહી દીધુ હતુ.

શહેરની બેસ્ટમાં બેસ્ટ રેસ્ટોરન્ટમાં મિલાપે પ્રિયાંશી ને મળવા બોલાવી હતી. કોર્નર વાળું એક ટેબલ મિલાપે બુક કરાવી દીધુ હતુ. બસ હવે દર્પણમાં જોઈને તૈયાર થઇ રહ્યો હતો. વારંવાર જાણે દર્પણને પૂછી રહ્યો હતો કે "હું હેન્ડસમ તો લાગું છું ને ??" " પ્રિયાંશીને ગમીશને? અને એ આવશે તો ખરીને ??" આવા અનેક પ્રશ્નો તેના મનમાં નોનસ્ટોપ ચાલી રહ્યા હતા.

બાજુમાં પ્રિયાંશી ઊભી છે તેવી કલ્પના કરી રહ્યો હતો. અને કલ્પના માત્રથી હરખાઇ રહ્યો હતો. ચારથી પાંચ વાર કપડા બદલી ચૂક્યો હતો. કયુ શર્ટ પહેરું કે પછી ટી-શર્ટ પહેરું પ્રિયાંશીને શું ગમશે??

પોતાની જાતને પ્રશ્ન પૂછી રહ્યો હતો. વોર્ડડ્રોબમાંથી કાઢી કાઢી ટ્રાય કરી કરી બહાર કપડાનો ઢગલો કર્યો હતો. છેવટે જીન્સ અને ટી-શર્ટ પહેરીને તૈયાર થઇ ગયો.

આજે પોતાના જીવનનો કંઇ મહત્વનો નિર્ણય લેવાઇ રહ્યો છે. એ વિચારીને થોડો સીરીયસ થઇ ગયો હતો.

એટલામાં અંજુબેને બારણું ખખડાવ્યું, બારણું ખૂલતાની સાથે જ અંજુબેન કપડાનો ઢગલો જોઇ બોલી ઉઠ્યા, " કેમ આટલા બધા કપડા ઉકેલી ઉકેલી ને મૂક્યા છે. અને ક્યાં જઇ રહ્યો છે તૈયાર થઇ ને?
જમ્યો પણ નથી બપોરે ,કંઇ તબિયત બરાબર ન હતી કે?"

મિલાપ એકદમ બોલી ઉઠ્યો, "તું જા એતો રામજી કાકા કપડા ગોઠવી દેશે અને બૂમો નહિ પાડ, મારી તબિયત સારી જ છે. એક ફ્રેન્ડની બર્થ ડે પાર્ટી માં જવું છું. કદાચ થોડું લેઈટ થાય તો ચિંતા ન કરતી અને ફોન ઉપર ફોન ન કર્યા કરતી "

રામજી કાકા એટલે આ ઘરના બહુ જૂના નોકર તેમણે જ મિલાપને તેડી તેડીને રમાડી ને મોટો કરેલો. આ ઘરની દરેક વાત તેમને ખબર હોય, હવે જાણે તે ઘરના સભ્ય જ બની ગયા હતા.

અંજુબેનને કંઇ સમજાતું ન હતું કે આ બર્થ ડે પાર્ટી માં જઇ રહ્યો છે કે ક્યાંય બીજે ? પણ, તેમણે પ્રશ્ન ન પૂછ્યો અને કહ્યું, "સારું સારું બેટા, બહુ મોડુ ન કરતો નહિ તો તારા પપ્પા બોલશે અને ફાઇનલની તૈયારીપણ કરવાની છે એટલે ખોટો ટાઇમ ન બગાડીશ. "

" હા, મારી મા તું જા અહીંથી એતો હું વહેલો જ આવી જઇશ, પહેલા મને જવા તો દે "

અને ગાડીની ચાવી લઇને મિલાપ નીકળી ગયો. હાઇટ બોડીમાં એકદમ પરફેક્ટ દેખાવમાં એકદમ રૂપાળો, જાણે રાજકુંવર જોઈ લો. કોલેજની સારી સારી છોકરીઓ તેની સાથે ફ્રેન્ડશીપ કરવા પડાપડી કરે. પણ તેને પ્રિયાંશી સિવાય કોઈનામાં રસ ન પડે. પ્રિયાંશી એને દિલથી ગમી ગઈ હતી.

જાણે તેને જોઈને મિલાપના દિલમાં ઘંટી વાગતી હતી. ધડકન વધી જતી હતી. કંઇક અલગ જ ખુશીનો અહેસાસ થતો હતો. મનથી નક્કી કરી લીધું હતું કે, ગમે તે થાય લગ્ન કરીશ તો પ્રિયાંશી સાથે. એને ભગવાને મારા માટે જ બનાવી છે.

મળવાનો સમય સાંજના સાત વાગ્યનો નક્કી કર્યો હતો. પણ પોતે અડધો કલાક વહેલા જઇને બેસી ગયો હતો. વેઇટરને બોલાવીને કહી દીધું હતું કે ડબલ ટીપ આપીશ પણ અમને બિલકુલ ડિસ્ટર્બ નહીં કરવાના.

વેઇટર પણ સમજી ગયો હતો કે કંઇક પ્રેમ-બ્રેમનો મામલો લાગે છે. ટેબલ ઉપર ખૂબજ સુંદર ફૂલોથી ડેકોરેશન કરાવ્યું હતું. પ્રિયાંશીને એવું લાગવું જોઈએ કે જાણે તે સ્વર્ગમાં છે. એવો માહોલ ઊભો કરાવ્યો હતો.

પોતાને ગમતું સ્લોવ મ્યુઝિક મૂકાવ્યુ હતુ ,આજે તો જાણે કંઈક ખાસ દિવસ હતો. પોતાને ગમતી વ્યક્તિ મળવા આવવાની હોય અને એ પણ પહેલી વાર...ત્યારે શું હાલત થાય એ તો કોઈ મિલાપને જ પૂછે?

આ બધી વાત ની વચ્ચે એક જ વાત મહત્વની હતી કે, "પ્રિયાંશી, હા તો પાડશે ને?"

ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જૂએ તેમ મિલાપ પ્રિયાંશીની રાહ જોઇ રહ્યો હતો. રાહ જોવી આટલું અઘરું કામ છે તેની તો તેને આજે જ ખબર પડી હતી. એક એક મિનિટ એક એક કલાક જેવી લાગી રહી હતી.

પોતે પહેરેલા ગોલ્ડન ઘડિયાળમાં એક એક સેકન્ડે જોયા કરતો હતો. જાણે આજે સમય પણ થંભી ગયો હતો. નજર બસ રેસ્ટોરન્ટના ડોર ઉપર અટકેલી હતી.