Uparu books and stories free download online pdf in Gujarati

ઉપારુ : To Travel is the better than to Arrive

હું બસ સ્ટોપે આવીને બસની રાહ જોઇને ઉભી હતી.અડધો કલાક વેઇટ કર્યા બાદ બસ આવી,બસમાં ચડ્યા પછી ડ્રાઇવરે બસ ચલાવી મૂકી. ગુજરાત યુનિવર્સિટીથી બસમાં ચઢેલા લગભગ બધા જ વિદ્યાર્થીઓના ટોળા હતા. જે બસમાં જગ્યા હોવાથી પોતપોતાની સીટ પર ગોઠવાઈ ગયા. હુ પણ બારી પાસે બેઠેલ છોકરીની બાજુની સીટ પર બેસી ગઈ. બસમા સારી એવી સીટો ખાલી હોવાના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ સીટ પર ગોઠવાઈ ગયા હતા.
- ટિકિટ ટિકિટ કોઈને ટિકિટ લેવાની હોય તો બોલોઃ
- મને નરોડાની ટિકિટ આપજોને.
ટિકિટ લીધા બાદ હું બારીમાંથી બહાર નિહાળી રહી હતી. બારી તરફ જોતાં મારી પાસે બેઠેલી છોકરી પોતાના મોબાઈલમાં કોઈ વિડિયો જોઈ રહી હતી, મે પછી બહાર જવાનું શરૂ કર્યું . આગળના બસ સ્ટોપ પરથી અન્ય લોકો આ બસમાં ચઢ્યા. પહેલા કરતા ભીડ વધુ થઈ ગઈ હતી. બધા યુવાનો જ હતા. છોકરા છોકરીઓ પોતાના ખભે બેગ ભરાવીને એક હાથમાં સ્માર્ટ ફોન અને બીજા હાથે થી બસમાં રહેલો હોલ્ડર પકડીને ઊભા હતા અને મે તે બધા સામે એક પછી એક જોયું, બધા યુવાનો પોતાનું ડોકું નીચું વાળીને ફોન માં ડૂબેલા જણાયા. મેં ફરી બારી બહાર જોવાની શરૂઆત કરી દીધી. બસ તેની ગતિએ આગળ ચાલતી જતી હતી. આવા જ એક અન્ય સ્ટોપ પર હવે તે ઊભી રહી.
બસના પાછળના દરવાજા થી એક વૃદ્ધા ધીમે ધીમે ચઢી રહ્યા હતા. તે દરવાજા પાસે પહેલી સીડી ચઢીને ત્યાં જ અટકી ગયા. કદાચ તેમનો પગ ઊંચકાતો ન હતો. બસના ડ્રાઈવરે ગાડી ચલાવવાની શરૂ કરી દીધી. તે વૃદ્ધા દરવાજા પાસે આવેલા હેન્ડલને પકડીને બીજું પગથિયું ચડવાની મથામણ કરી રહ્યા હતા, કદાચ તેમના પગમાં કોઈ તકલીફ હશે એવું જણાય આવ્યું. ત્યાં ઊભેલા બધા કોલેજીયનો યુવાનો ફોનમાં એટલા મશગુલ હતા કે તેમને આજુબાજુની પણ કશી ગતાગમ જ ન હતી હું દરવાજાની સામેની સીટ પર બેઠેલી હોવાથી આ દ્રશ્ય જોઈ રહી હતી
મે મારો હાથ લંબાવ્યો અને તે વૃદ્ધાને પકડીને દરવાજામાંથી ઉપર ચડાવી. તેઓ મને એક અલગ જ નજરે જોઈ રહ્યા હતા હું જે સીટ પર બેઠી હતી ત્યાં મેં તેમને બેસવા કહ્યું .
તેમણે મને પૂછ્યુંઃ તારે ઉતરવાનું છે?
- ના મારે હજી ઉતારવાની વાત છે, તમે બેસો એમ કહીને હું બસની આગળના ભાગે સીટ પકડીને ઊભી રહી ગઈ.
એક પછી એક આવતા જતા સ્ટોપેજ પરથી પબ્લિક ચડતી અને ઊતરતી જતી હતી. હું સીટ પકડીને ઊભી હતી તે ખાલી થતાં હું ફરીથી બેસી ગઈ કેમ કે મારું બસ સ્ટોપ આવવામાં હજુ ખાસ્સી વાર હતી.
હું ફરી બારીમાંથી બહારની દુનિયાને જોવામાં લીન થવા લાગી પછી આગળ આવેલા એક બસ સ્ટોપ પર મેં એક પ્રજ્ઞાચક્ષુ ને જોયા. બસ સ્ટોપ પર ઊભેલા એક વ્યક્તિએ તેમને ડ્રાઈવર સાઈડ આવેલા દરવાજા તરફથી બસની અંદર ચડાવી દીધા. એ જોઈ ન હતા શકતા,તેમના હાથમાં બ્લાઇન્ડ સ્ટીક હતી. ડ્રાઇવરે તેમને પૂછ્યું તમારે ક્યાં ઊતરવાનું છે એ કહી દો.
તે પ્રજ્ઞાચક્ષુ ભાઈએ તેમને આગળના બીજા બસ સ્ટોપે ઊતરવાનુ જણાવ્યું. બસમાં ભીડ હતી અને તે ભાઈ ડ્રાઇવર પાછળ બસમાં આવેલા થાંભલાઓ પકડીને ઊભા હતા. આગળની સીટ પર બેઠેલી કે ઊભેલી એક પણ વ્યક્તિએ તેમને પકડવાની-બેસાડવાની જરાય તસદી કે રૂચિ ન બતાવી. હું ઊભી થતાં તેમને હાથેથી પકડીને બોલી કે કાકા અહીં બેસી જાવ.
ત્યારે બસમાં જાણે મેં બોમ્બ માયોૅ હોય એવા હાવભાવ સાથે બધા મને એકીટસે જોઈ રહ્યા હતા. મને થોડુંક વિચિત્ર લાગ્યું પણ મને પરવા ન હતી કેમકે હું એક નિઃસહાય વ્યક્તિને સહેજ પણ સહાય કરી શકું તે માટે પ્રયત્નશીલ હતી.
મેં જ્યારે તેમને મારી સીટ પર બેસાડ્યા ત્યારે બધા વિચિત્ર રીતે મને નિહાળી રહ્યા હતા, પરંતુ અચાનક જ જાણે બધાને સમજાઈ ગયું હોય તેમ તે કાકાને ઉતારવા માટે ત્યાં ઊભેલા અન્ય યુવાનો એ પણ પછી પોતાનો હાથ લંબાવ્યો તેમનો હાથ પકડી ને તેમને સાવધાનીપૂર્વક બસની નીચે ઉતાર્યા.
મને આ જોઈ થોડી નવાઈ પણ લાગી અને ખુશી પણ થઇ. ખુશી એ વાતને લઈને થઈ કે આજે મેં એક જ દિવસમાં બે વાર, બે વ્યક્તિઓની નિ:સ્વાર્થ ભાવે મદદ કરી સાથોસાથ મારા આવા વર્તનને લીધે અન્ય યુવાનોની પણ થોડી ઘણી આંખો ખોલી. મોબાઇલમાં આંખો ચીપકાવીને ઉભેલા યુવાનોને કમસેકમ એટલો ખ્યાલ તો આવ્યો કે આ રમકડાની બહારની દુનિયા અસલી દુનિયામાં ખરેખર તમારી કોને કેટલી જરૂર છે વેલ... હું પછી ત્યાં જ બસમાં ઉભી રહી અને થોડીકવાર પછી મારું બસ સ્ટોપ આવતા હું પણ મારા માનસમાં આ સ્મૃતિઓ લઇને બસમાંથી નીચે ઊતરી ગઈ ને પોતાના ઘર ની દિશા તરફ આગળ ચાલવા લાગી.
(સત્ય ઘટના)