Right Angle - 20 books and stories free download online pdf in Gujarati

રાઈટ એંગલ - 20

રાઈટ એંગલ

પ્રકરણ–૨૦

રાહુલ જો કે એને કેસ વિશે બ્રીફ કરતો જ હશે તો ય એકવાર એની સાથે વાત તો કરવી જોઇએ. કોફી હાઉસની સાઈટ પર પણ લઇ જવો જોઇએ. આફટરઓલ એના મેન્ટલ સપોર્ટના કારણે જ એ અહીં સુધી પહોંચી શકી છે. ઘરે પહોંચીને કશિશે પહેલું કામ ધ્યેયને ફોન કરવાનું કર્યું,

‘હેય, ક્યાં ગુમ થઇ ગયા છો વકીલ સાહેબ?‘ કશિશે જરા ટોળમાં પૂછયું અટલે સામે ધ્યેય બોલ્યો,

‘મેડમ, વકીલ ધારે તો ય ગુમ નથી થઇ શકતા. અસીલ તરત શોધતા આવી જાય. આ જુઓને તમારો ફોન આવી ગયો ને?‘

ધ્યેયની વાત સાંભળીને કશિશ તરત બોલી પડી.

‘બાય ધ વે, ધ્યેય સુચક મેં તમને તમારા અસીલ તરીકે ફોન નથી કર્યો કારણ કે તમે મારા વકીલ છો જ નહીં.‘ અને કશિશ ખડખડાટ હસી પડી.

‘હસો..હસો..વકીલની ભૂલ થાય ત્યારે કોર્ટમાં બીજા વકીલો આમ જ હસે છે.‘ ધ્યેયએ પોતાની જ મજાક ઉડાવી. એટલે બન્ને હસ્યાં,

‘આજે ડિનર પર આવ....તને કશુંક દેખાડવાનું છે. કૌશલ પણ ઘરે જ છે.‘ કશિશે કહ્યું.

‘સ્યોર..આઠ વાગે?‘

‘ડન.‘ કશિશે ફોન મૂકયો અને પછી કૌશલને ફોન કરીને જણાવી દીધું કે એણે ધ્યેયને ડિનર માટે ઇન્વાઈટ કર્યો છે એટલે સમયસર ઘરે આવી જાય. કૌશલે સાડાસાતે ઘરે આવી જવાનું કહ્યું પણ એ તે પહેલાં જ આવી ગયો. ફ્રેશ થઇને એ ફેમિલિરુમમાં કશિશ સાથે બેઠો.

‘આપણે જમીને ધ્યેયને કોફી હાઉસની સાઇટ પર લઇ જઇએ?‘

‘હજુ તો કામ ચાલે છે ને! પુરું થાય પછી જઇએ તો?‘ કૌશલે એકદમ સ્વભાવિક રીતે કહ્યું.

‘મારી ઇચ્છા છે કે ધ્યેયને આપણે દેખાડીએ. એણે મને ખૂબ હેલ્પ કરી છે. ઇનફેક્ટ હું કશું કામ કરવા ઇચ્છતી હતી ત્યારે એણે જ મને સજેશન્સ આપ્યાં હતા....મેં ઓલરેડી આ પ્રોજેક્ટ વિશે કહેવાનું મોડું કર્યું છે, તો હવે ન દેખાડું તો હું સેલ્ફિશ કહેવાઉ!‘ કશિશે કહ્યું એટલે કૌશલ આશ્ચર્યથી એને જોઇ રહ્યો. એને તો ખ્યાલ જ ન હતો કે કશિશ જે કોફી હાઉસ બનાવી રહી છે તેમાં ધ્યેય કોઇ રીતે સંકળાયેલો છે.

‘ધ્યેયએ તને આ બાબતમાં મદદ કરી છે! યુ ડીડન્ટ ટેલ મી ધેટ!‘ એ માત્ર આટલું જ બોલ્યો.

‘ઓહ....મારા ધ્યાન બહાર રહ્યું.‘ આખી ય વાતમાં કશું ખૂંચે તેવું કે ન ગમે તેવું ન હતું. છતાં કૌશલને એ વાત ન ગમી કે ધ્યેય કોઈક રીતે આ પ્રોજેક્ટમાં જોડાયેલો છે. બન્ને આ વિશે કોઈ વાતચીત કરે તે પહેલાં ધ્યેય આવી ગયો.

‘હાય...‘એણે કૌશલ અને કશિશ સાથે હાથ મિલાવ્યા. કૌશલે પહેલીવાર ધ્યેયનું અલગ રીતે નિરીક્ષણ કર્યું. ધ્યેય પોતાના કરતા ખાસ્સો ઊંચો છે. ફેર સ્કીન, સ્ટાલિશ હેરકટ અને આંખ પર કટફ્રેમના ગ્લાસિસ. ખાખી જીન્સ અને સ્કાય બ્લુ શર્ટમાં એ બહુ હેન્ડસમ લાગતો હતો.

‘ધ્યેય મારા કરતાં ક્યાંય વધુ સારો દેખાય છે.‘ કૌશલના આ વિચારમાં ઇર્ષા હતી કે અફસોસ તેની એને ખુદને જ ખબર ન હતી. પણ ધ્યેય એના કરતાં વધુ હેન્ડસમ દેખાય છે તે વાત એને ન ગમી.

‘લે આ તારા માટે!‘ ધ્યેયએ કશિશને રજનીગંધા ફૂલનો બૂકે આપ્યો. એ જોઇને કશિશ ખુશ થઈ ગઇ,

‘વાઉ...થેન્કસ યાર. બહુ સમય પછી રજનીગંધાના ફૂલ જોયા.‘ કશિશે ફૂલ નાક નજીક લઇને ઊંડા ઊંડા શ્વાસ લીધા. એને મમ્મી યાદ આવી ગઇ. મમ્મીની સાથે આ સુવાસ કેટલી જોડાયેલી હતી. મમ્મીએ ઘરની આસપાસ અનેક ફૂલછોડ ઉગાડ્યા હતા. પણ મમ્મીને બધાં ફૂલોમાં રજનીગંધા બહુ પ્રિય હતા. સિઝન હોય ત્યારે અચુક રોજ સાંજે રજનીગંધાના ફૂલ ડ્રોઇંગરુમના ફલાવરવાઝમાં ગોઠવાતા. એની મહેંકથી રાત આખી ઘર મહેકતું. આહ! કશિશે બહુ લગાવથી ફૂલોને ડાઇનિંગરુમના ફલાવરવાઝમાં ગોઠવ્યા. પછી ધ્યેયની નજીક આવીને એને સહેજ રીતે ભેંટી અને બોલી,

‘વન્સ અગેઇન થેન્કસ ડિયર! આજકાલ મમ્મી બહુ યાદ આવે છે. અને તે મને આ ફૂલો આપીને એને મારી નજીક લાવી દીધી!‘

કશિશ લાગણીશીલ બની ગઇ હતી પણ એમાં મમ્મી ન હોવાનું દુ:ખ ન હતું. પણ મમ્મી નજીક હોવાની અનૂભિતિનો આનંદ હતો. ધ્યેયએ એનો ખભ્ભો વહાલથી થપથપાવ્યો. દરેક વખતે મિત્રનો આભાર માનવા માટે શબ્દો જરુરી નથી હોતા. માત્ર આંખમાં છલકાતી લાગણીઓ અને સ્પર્શ દરેકભાવને બયાં કરી દે છે જે શબ્દો કરવા સમર્થ નથી હોતા.

કૌશલ એ બન્નેને જોઇ રહ્યો. બન્ને વચ્ચે કેવી અતૂટ મિત્રતા છે જેને જોઇને કોઇને પણ થાય કે કાશ પોતાને એક આવો મિત્ર હોય! બસ આવું જ અત્યારે કૌશલને થતું હતું. હા, એને ઇર્ષા થતી હતી કે પોતાના જીવનમાં કોઇ આવો મિત્ર નથી.

‘ઓ હલો, મને ભૂખ લાગી છે, અને મને લાગે છે કે આપણે ધ્યેયને જમવા જ ઇન્વાઈટ કર્યો છે.‘ કૌશલ બોલ્યો એટલે કશિશ અને ધ્યેય એકબીજાની સામે જોઈને મુસ્કુરાયા.

‘યસ ડિયર, બધું તૈયાર છે હું કિચનમાં સર્વ કરવાનું કહું છું.‘

ત્રણેય જણાં વાતો કરતાં કરતાં જમ્યાં. ધ્યેય જે રીતે મજાક મસ્તી કરતો હતો તે કૌશલ જોઇ રહ્યો. એકાએક એને ઇન્ફિરિઓરિટી કોમ્પલેક્ષ થઇ આવ્યો. પોતે પતિ તરીકે બધું સુખ કશિશને આપવાનો પ્રયત્ન કર્યો છે પણ એનો મિત્ર નથી બની શક્યો. જ્યારે ધ્યેય એનો બેસ્ટ ફ્રેન્ડ બની રહ્યોં છે. આખરે ધ્યેયમાં એવું શું છે? એ વિચાર એની જાણ બહાર કૌશલને પરેશાન કરવા લાગ્યો હતો.

જમીને બધાં થોડીવાર પછી કોફી હાઉસની સાઇટ પર ગયા. કશિશે ત્યાં બધી વસ્તુ ઝિણવટથી ધ્યેયને દેખાડી. ધ્યેયએ એક બે સજેશન આપ્યા,

‘કિશુ, તું રેટ્રો યુરોપિયન થીમ પર કોફી હાઉસ ડિઝાઇન કરી રહી છે તો તે સમયના ફેમસ કવિ–લેખક–ચિત્રકારના થોડા પોટ્રેટ કે ફોટો મુકાવે તો કોફી હાઉસને વધુ સારો રેટ્રો લુક મળે હો!‘

‘વાઉ...નાઇસ સજેશન. હું મારા ઇન્ટિરિયર ડિઇઝાઇનરને કહીશ.‘

‘પણ એથી તો કોફી હાઉસ મ્યુઝિયમ જેવું લાગશે...કિશુ..મને નથી લાગતું કે આવા ફોટા મુકવા જોઇએ.‘ ધ્યેયના સજેશન્સનો વિરોધ કરતાં કૌશલ બોલ્યો. એનો અવાજ જરાં પણ સ્વાભાવિક ન હતો. એમાં ચોખ્ખું દેખાય આવતું હતું કે એને ધ્યેય કોફી હાઉસમાં ચંચૂપાત કરે છે તે ગમતું નથી. કશિશ અને ધ્યેયની આંખ મળી. જે શબ્દો ન કહી શકે તે આંખોએ કહી દીધું.

‘હમમ...વીલ સી..‘ કશિશે માથાકૂટ કરવાનું ટાળ્યું. એને ખ્યાલ આવી ગયો કે કૌશલને કોઈક રીતે ધ્યેયનું સજેશન નથી ગમ્યું. અટલે અત્યારે ચર્ચા કરવા કરતાં પછી તે વિશે નિર્ણય કરવો વધુ યોગ્ય રહેશે.

‘કૌશલ, આપણે એવું કરી શકાય કે જે જગ્યા પર બાંધકામ થઇ ગયું છે ત્યાં ઇન્ટિરિયર કામ ચાલુ કરી દઇએ? જેથી ઝડપથી આ કામ પૂરું થાય?‘

કશિશે પોતાને મહત્વ આપ્યું તે કૌશલને ગમ્યું,

‘યસ સ્યોર...અમે મોટાભાગે તેમ જ કરતાં હોઇએ છીએ. જેથી સમયસર કામ પૂરું થાય. મારી ઈન્ટિરિયર સાથે વાત થઇ ગઇ છે.‘

‘ઓહ ગ્રેટ! થેન્કસ ડિયર!‘ કશિશ બોલી તે કૌશલને ગમ્યું. આમ તો પતિ–પત્ની વચ્ચે બહુ ફોર્માલિટિની જરુર નથી હોતી. પણ કશિશે એનો આભાર માન્યો તે કૌશલને કશિશના પતિ હોવાનો ઇગો પંપાળાયો તેથી એને ખૂબ ગમ્યું. એ કશિશની નજીક આવીને એના ખભ્ભે હાથ વિંટાળતા બોલ્યો,

‘ચલો ઘરે જઇએ? આઇ એમ ટાયર્ડ!‘

ત્રણેય જણાં કોફી હાઉસ જોઇને ઘરે આવ્યા ત્યારે અગિયાર વાગવા આવ્યા હતા. ધ્યેય થોડીવારમાં બન્નેની રજા લઇને ઘરે જવા નીકળી ગયો. કૌશલ અને કશિશ બેડરુમમાં આવ્યા. કશિશ ફ્રેશ થઈને આવી ત્યારે કોશલ બેડ પર તકિયાને અઢેલીને બેઠો હતો. કશિશે સાઈડ ટેબલ પર પોતાનો મોબાઈલ તથા હાથની અસેસરીઝ કાઢીને મૂકી અને પછી નાઈટક્રીમ ચહેરા તથા હાથ–પગ પર લગાવતી હતી તે કૌશલ તકિયાને હાથથી ઉલટસુલટ કરતાં એને જોઇ રહ્યોં. પછી બોલ્યો,

‘કિશુ એકવાત પૂછું?‘

‘હા...પૂછ ને!‘

‘તે મને કેમ કદી કહ્યું નહીં કે તને રજનીગંધાના ફૂલ બહુ ગમે છે?‘

‘આઈ ડોન્ટ નો...કદાચ કદી એવી કોઇ વાત નથી થઇ. ઇનફેક્ટ મમ્મી વિશે જ કોઇ ઝાઝી વાત આપણાં વચ્ચે થઇ નથી.‘

‘તારે તારી મમ્મી વિશે મને કહેવું જોઇએ ને!‘ કૌશલ બોલ્યો અને કશિશ ક્રીમ લગાવતી અટકી ગઇ. એના તરફ આશ્ચર્યથી જોઇ રહી. આજે કૌશલ આવું કેમ વર્તન કરે છે?

‘અરે તે કદી પૂછયું જ નથી તો હું કેમ કહુ?‘ કશિશે પોતાનો બચાવ કર્યો.

‘ધ્યેય જાણે છે તારી મમ્મી વિશે ને હું જ જાણતો નથી...ઇટસ એમ્બ્રેસિંગ!‘

કશિશને સમજ ન હતી પડતી કે રાતોરાત કૌશલને આટલી નાની વાતમાં કેમ વાંધો પડી રહ્યોં છે. આટલાં વર્ષોથી એની અને ધ્યેયની મિત્રતા રહી છે. બન્ને સાથે હરેફરે છે, મૂવી જોવા જાય છે, શોપિંગ કરે છે, કલબમાં પૂલ રમે છે. કદી કોઇ બાબતમાં કૌશલે વાંધો નથી લીધો. તો હવે કેમ એ આટલું ઓવરરિએકટ કરી રહ્યોં છે? ધ્યેય મને વધુ જાણે છે તે વાતથી કૌશલને ઇર્ષા શું કામ થવી જોઇએ?‘

‘લુક...હું અને ધ્યેય નાનપણથી એકબીજાને જાણીએ છીએ. એટલે ઇટસ નોર્મલ કે મારા વિશે એ વધુ જાણતો હોય. તેમાં ઈસ્યુ શું છે?‘

કશિશના જવાબથી કૌશલનું માનસિક સમાધાન થઇ જવું જોઇતું હતું. પણ એવું થયું નહીં.

‘મારી વાઇફ વિશે હું જાણતો હોઉં તે કરતાં બીજી કોઇ વ્યક્તિ વધુ જાણે તે મને ન ગમે!‘ કૌશલ આટલું બોલીને વોશરુમમાં જતો રહ્યો.

કશિશ અસંમંજસમાં કૌશલ સામે જોઇ રહી. ‘અરે યાર,આને થયું છે શું?‘

‘કિશુ મારે આજે મારે ઓફિસ મોડું જવાનું છે, તો આપણે સાથે કોફી હાઉસ જઇએ?‘

એકાદ વીક પછી એક સવારે કશિશ કોફી હાઉસની સાઈટ પર જવા તૈયાર થઇ ત્યારે અચાનક કૌશલે કહ્યું.

‘ઓ.કે.‘ કશિશ બોલી અને બન્ને કારમાં બેઠાં કે તરત કૌશલે પૂછયું,

‘તારો કેસ કેટલો પહોંચ્યો?‘ કશિશને આ સવાલથી એકદમ આશ્ચર્ય થયું. આને રાતોરાત કેમ કેસમાં રસ પડવા લાગ્યો? હજુ કાલસુધી તો એ કેસના નામ માત્રથી ગુસ્સે થતો હતો.

‘બસ ચાલે છે, ઉદયે સેશન્સમાં રિવિઝન અરજી આપી છે, જોઇએ શું થાય છે.‘ કશિશે ટૂંકમાં માહિતી આપી.

‘એટલે?‘ કૌશલે પૂછયું એટલે કશિશે ડ્રાઇવ કરતાં કરતાં રિવિઝન અરજી શું હોય છે તે બધું કહ્યું અને કૌશલ તે બધું ધ્યાનથી સાંભળતો રહ્યો.

‘હમ્મ...તો હજુ કદાચ કેસ અહિં જ અટકી જાય તેમ બને..રાઇટ?‘

‘હા...તેવું થઇ શકે.પણ ધ્યેય કહેતો હતો કે આગળ સુપ્રિમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં આવો કોઇ કેસ આવ્યો હોય તો એના ચુકાદાને ધ્યાનમાં લઇને પણ સેશન્સ જજ ફેંસલોં આપે. લેટસ સી...મારા કેસમાં શું થાય છે!‘ કશિશે કહ્યું. બન્ને સાઇટ પર બન્ને પહોચ્યાં, સાથે સાઈટ પર ફરતા ફરતાં બધું જોતા હતાં ત્યાં કશિશનું ધ્યાન એક વોલ પર ગયું ત્યાં દોરેલા પેઈન્ટિંગને જોઇને બોલી ઊઠી,

‘વાઉ...!‘

કૌશલ એ જોઇને પેલા ચિત્ર સામે જોઇ રહ્યો. એને આમા વાઉ કહેવા જેવું કશું લાગ્યું નહી. એટલે એને પૂછયું,

‘આ શું છે?‘

‘એ ફેમસ પાબ્લો પિકાસાના પેઇન્ટિંગની રેપ્લિકા છે.‘ કશિશે જવાબ આપ્યો.

‘આમાં એવું શું આકર્ષક છે?‘

કૌશલે પૂછયું અને એ પેઇન્ટિંગ સામે જોઇ રહ્યો. એક નાનકડી છોકરીને એક સ્ત્રી સુપનું બાઉલ આપતી હોય તેવું ચિત્ર હતું. કશિશને એનો સવાલ સાંભળીને સહેજ રમૂજ થઇ. પણ એની ઉત્સુકતા જોઇને બહુ ઉત્સાહથી એને પેઇન્ટિંગનો અર્થ સમજાવ્યો.

‘પાબ્લો ત્યારે એટલો ગરીબ હતો કે ખુદને ખાવાના ફાંફા હતા. એણે જેલમાં તથા ગલીઓમાં ભીખ માંગતી સ્ત્રીઓને જોઇ હતી. બસ પોતાના ભૂખમરાને એણે પોતાની કલામાં વણી લીધી. કલાકારની કલાકૃત્તિમાં ઘણીવાર એના જીવનનું પ્રતિબિંબત પડતું હોય છે. વળી આ પેઇન્ટિંગની ખૂબી એ છે કે આમાં છોકરી સુપ સ્ત્રીને આપી રહી છે કે સ્ત્રી છોકરીને સુપ આપી રહી છે તે તમે નક્કી ન કરી શકો.‘ કશિશ બધું વિગતવાર કહેતી હતી તે કૌશલ બધું સાંભળતો રહ્યોં.

‘ગુડ!‘ એ સાંભળીને બોલ્યો. એટલે કશિશએ સ્માઇલ કરીને એની તરફ જોયું,

‘ધ્યેયનો આઇડિયા સરસ જ હોય!‘

અને કૌશલના ચહેરા પર વિચિત્ર પ્રકારના ભાવ આવી ગયા. એના મનમાં પડઘો પડ્યો,

‘અચ્છા તો આ બધુ ધ્યેયના કહેવા મુજબ થયું?‘ થોડીવાર પહેલાં જે પેઇન્ટિંગ એને ગમ્યું હતું તે હવે અણગમતું લાગ્યું. કૌશલનો મૂડ આઉટ થઇ ગયો.

‘ચલ જલદી મારે ઓફિસ જવાનું લેઇટ થાય છે. તને ઘરે મૂકીને હું જાવ..‘ કૌશલ આટલું બોલીને કોફી શોપની બહાર નીકળી ગયો અને કશિશ એ જોઇને વિચારમાં પડી ગઇ,

‘હજુ બે મિનિટ પહેલાં તો બધું શાંતિથી જોવાની વાત કરતો હતો અને હવે આટલીવારમાં તો એને ઓફિસ જવાનું લેઈટ થવા માંડ્યુ? આને થયું છે શું?‘

કામિની સંઘવી

(ક્રમશ:)