nasib books and stories free download online pdf in Gujarati

નસીબ

મમ્મી ! જલ્દી થી જમવાનું આપ, મારે ક્લાસ જવાનું મોડું થાય છે. બસ છૂટી જશે. - સિદ્ધાર્થે કપડાં પહેરતા જ બૂમ પાડી.
સિદ્ધાર્થ પંચમહાલ જિલ્લાના મુખ્યમથક એવા ગોધરામાં એક જાણીતા કોચિંગ ક્લાસમાં કોન્સ્ટેબલની તૈયારી કરતો હતો. તેનું ધ્યેય ફક્ત કોન્સ્ટેબલ બનવાનું જ હતું. તે કોલેજ ના પહેલા વર્ષમાં હતો. તેના પિતા છૂટક મજુરી કામ કરતા અને માતા દરજી કામ. એકજ બહેન હતી. જેના લગ્ન તેમના ગામથી થોડેક દૂર આવેલ ગામમાં સુખી કુટુંબમાં થયા હતા.
કોન્સ્ટેબલની તૈયારી કરતા સિદ્ધાર્થને ફક્ત વરદીની જ ચાહ હતી. તે વહેલી સવારે જઈને દોડવાની પ્રેકટીસ કરી આવતો. તેનો શરીરનો બાંધો પણ સારો હતો.
તેની મમ્મીએ જમવાનું પીરસી આપતા જમી ને તે સીધો જ બસથી કલાસ પહોંચ્યો. તેના દોસ્તો કલાસ નીચે તેની રાહ જોઇને જ ઉભા હતા. કલાસમાં લેક્ચરની શરૂઆતમાં ટેસ્ટ લેવાતો. જેમાં સિદ્ધાર્થના સારા માર્ક્સ આવતા. હવે કોન્સ્ટેબલ ની પરીક્ષાને થોડા જ દિવસો બાકી હતા. સિદ્ધાર્થ સહિત બધા મિત્રો ખૂબ જ સરસ અને બહુ સખત મહેનત કરી રહ્યા હતા. સિદ્ધાર્થ રાતના 2-3 વાગ્યા સુધી વાંચ્યા કરતો.
એક દિવસ તેણે મમ્મી ને પુછ્યું, “મમ્મી હું કોન્સ્ટેબલ બની તો જઈશ ને ? શુ મને ખાખી વરદી મળશે?”
“આવું બધું વિચારવાનું છોડી દે અને મહેનત કર, બધું જ મળશે. કર્મ કર.. ફળની ચિંતા છોડી દે.. ફળ આપવું એની ચિંતા ઉપર વાળાને છે." મમ્મી સિવતા જઈને બોલી.
મમ્મીએ કિધેલી વાત સિધ્ધાર્થને બહુ ગમી.
એક દિવસ સિદ્ધાર્થ રોજની જેમ બસ સ્ટેન્ડ પહોંચ્યો. પણ ત્યાં આજે થોડી વધારે ભીડ હતી. તેણે એક બસ જવા દીધી. પણ ભીડ ઓછી ન થઈ. કલાસ નો સમય પણ થવા આવ્યો હતો. તેથી બીજી બસમાં ચડવું પડે તેમ જ હતું.
“ચાલો ગોધરા”, બસ ઉભી રહેતા જ અંદર રહેલા કન્ડક્ટરે બૂમ પાડી. ત્યાં ઉભેલી ભીડ એ બસ તરફ ધસી ગઈ. તેમાં સિધ્ધાર્થ પણ હતો. એટલામાં અચાનક જ કોઈક વ્યક્તિએ બુમ પાડી, “ચોર ! ચોરર !” અને સિધ્ધાર્થ સહિત બે-ત્રણ વ્યક્તિએ ચોરને પકડવા દોડ્યા. રસ્તામાં આવેલ એક નાના ખાડામાં સિધ્ધાર્થનો પગ પડ્યો. અને એક અસહ્ય દુઃખાવો ઉપડ્યો. તે ચોરને પકડીને લોકો એ પોલીસ સ્ટેશન પહોંચ્યાડયો. અને સિદ્ધાર્થના પપ્પાનો કોન્ટેક્ટ કરી સીધો તેને હોસ્પિટલમાં પહોંચાડાયો. ડૉક્ટરે એક્સ રે કર્યો. તો જે ધાર્યું ન હતું એ પરિણામ આવ્યું. તેનાથી બધા આશ્ચર્યચકિત થયા. સિધ્ધાર્થને પગમાં મલ્ટી ફ્રેક્ચર હતું.
સિધ્ધાર્થ ખૂબ ચિંતામાં હતો. પણ તેણે પરિસ્થિતિ સંભાળીને વાંચવાનું ચાલુ રાખ્યું. પરીક્ષાનો દિવસ આવ્યો. તેના દોસ્તો તેને બાઈક પર પરીક્ષા સ્થળ સુધી છોડી ગયા. ત્યાંથી તે સુપરવાઈઝરના સહારે પરીક્ષા ખંડમાં પહોંચી ગયો. અને તેનું પેપર પણ સારું ગયું.
એક જ મહિનામાં પરિણામ આવ્યુ. રીસલ્ટ જોઈને તે ખૂબ જ ખુશ થયો. તેના 100 માંથી 78 માર્ક્સ હતા. મમ્મી પપ્પા એ પણ આશીર્વાદ આપ્યા. અને હવે તો સિધ્ધાર્થ ચાલવા પણ લાગ્યો હતો. પણ તેનાથી દોડાય તેવી શક્યતા ન હતી. દોઢ જ મહિનામાં તેની ફિઝિકલની એક્ઝામ આવી. પણ તે બિચારો હજી તો ચાલતો થયો હતો, દોડવાની વાત તો દૂર રહી !
સિધ્ધાર્થથી રનિંગ ટેસ્ટ અપાયો નહિ. તેની એક નાનકડી ભૂલ આજે તેને ખૂબ જ દુઃખ આપી રહી હતી. આંખોમાંથી ગંગા-જમના વહી રહ્યા હતા. મમ્મી પપ્પા સમજાવી રહ્યા હતા કે જીવનમાં બીજી પણ પરીક્ષા આવશે. તું ચિંતા ના કર. પણ સિધ્ધાર્થને તો ફક્ત ખાખી વરદીમાં જ જીવ હતો.
આ વાતને 2 વર્ષ વીતી ગયા. ત્યાં સુધીમાં તો એની કોલેજ પણ પુરી થઇ ગઈ. અને તે ગ્રેજ્યુએટ થઈ ગયો. હવે સિધ્ધાર્થનું સપનું પણ મોટું થઇ ગયું હતું. હવે તેને કોન્સ્ટેબલની નહિ પણ પી.એસ.આઈ. (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ની પરીક્ષા આપવાનું વિચાર્યું. હારે એ સિધ્ધાર્થ શાનો!
સિદ્ધાર્થે ફરી ક્લાસ જોઈન કર્યા. બહુ મહેનત કરી. પહેલા જેવી કોઈ ભૂલ નહિ થાય તેની પણ તકેદારી રાખી. શરીર પણ હ્યશપુષ્ટ બનાવ્યું.
પરીક્ષાનો દિવસ આવ્યો. સિદ્ધાર્થ હોલ ટિકિટ અને પેન લઈને નીકળી રહ્યો છે.
“સિધ્ધાર્થ બેટા, એક જ મિનિટ”, મમ્મીએ રસોડામાંથી બુમ પાડી. સિદ્ધાર્થે જોયું કે મમ્મી દહીં-ખાંડ ખવડાવવા આવી રહી છે. આમ તો સિધ્ધાર્થને આમા દિલચષ્પી હતી નહિ. પણ મમ્મીના ખવડાવવાથી પ્રેમથી ખાઈ લીધુ. સિધ્ધાર્થને તો બસ હવે પરીક્ષા ખંડમાં જ પહોંચવું છે. ત્યાં જઈને ફટાફટ પરીક્ષા આપવી છે.
હોશિયાર સિદ્ધાર્થે પી.એસ.આઈ. ની પ્રિલીમ પાસ કરી લીધી. તે વાતથી બધા ખૂબ ખુશ થયા. પછી ફિઝિકલ ટેસ્ટ હતો. તેમાં પણ ચિત્તાની જેમ દોડી ને સિધ્ધાર્થ ઉત્તીર્ણ થયો. આજુબાજુ ઉભેલ પોલીસ સ્ટાફ પણ તેની ઝડપ જોઈને ખુશ થયા. પહેલાંની કોન્સ્ટેબલની ફિઝિકલ ટેસ્ટમાં એને જવા જ ન હતુ મળ્યું. તે સિદ્ધાર્થે આ વખતે ખૂબ ઝડપભેર દોડયું. પછી તેણે બાકીના ચાર પેપર્સ પણ બહુ ધ્યાનથી આપ્યાં અને સરસ રીતે પાસ થયો. તેના 400 માંથી 325 માર્ક્સ હતા.
મહાન વ્યક્તિત્વ ધરાવતા ગાંધીજી બાપુ ના નામ પરથી નામકરણ થયેલો જિલ્લો ગાંધીનગર. એ જિલ્લાના કરાઈ પોલીસ ટ્રેઇનિંગ અકાદમી ખાતે ચૌદ મહિનાની ટ્રેઇનિંગ લઇ તે વરદીમાં જ
સીધો ઘરે આવ્યો. કેડે રિવોલ્વર અને ખભે બે ચમકદાર સ્ટાર ! નજર નહીં હટાવી શકીયે એવો એ વરદી માં લાગતો હતો. જાણે કે આકાશના તારા સીધા જ એના ખભા પર અંકિત કરી દીધા હોય !
તેના પપ્પા થોડી વાર પહેલા જ મજૂરી કરીને ઘરે આવ્યા હતા. મમ્મી કપડાં સીવતી હતી. તેમણે દોડી જઈને સિધ્ધાર્થને બાથ ભરી લીધી. મમ્મી એ વ્હાલથી ચુમી લીધું.. કેટલો ગર્વ અનુભવ્યો હશે એ મમ્મી પપ્પા એ.. જેમનો દીકરો આજે દેશ સેવામાં જોડાયો હોય !!
ત્રણેયની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.. ખુશીના આંસુ હતા. જે બંધ થવાનું નામ નહોતા લેતા. બહેનનો પણ ફોન આવ્યો. તે પ્રેગનન્ટ હોવાથી આ ખુશીમાં સામેલ થવા આવી નહોતી શકી. એટલે તેણે ફોન પર જ અભિનંદન પાઠવ્યા. છૂટક મજુરી કામ કરતા વ્યક્તિનો દીકરો પી.એસ.આઈ. બન્યો હોવાની વાતો દરેક ગામમાં વાયુવેગે પ્રસરી ગઇ હતી. કેટલાયે વ્યક્તિના ફોન અભિનંદન પાઠવવા માટે આવી રહ્યા હતા.
હવે આજે સિધ્ધાર્થને કોન્સ્ટેબલ ન બન્યો હોવાનું યાદ આવ્યું. તેણે મનમાં વિચાર્યું, “ભગવાન તમે પણ કેવા કેવા સંજોગ રચો છો. તે દિવસે મને દુઃખ થતું હતું, અને આજે કોન્સ્ટેબલમાં ફેલ થયો હતો તેની ખુશી છે ! જો તે દિવસે પાસ થઈ ગયો હોત તો આજે કદાચ આ મુકામ પર નહી હોત !”

-વસંત

“हाथोंकी लकीरों पे मत जा ऐ ग़ालिब!
नसीब तो उनके भी होते है जिनके हाथ नही होते !”


આપનો કિંમતી પ્રતિભાવ જરૂર આપશો.. આભાર

હજી આનાથી પણ સારું શીર્ષક જણાવી શકો છો.