TRUE LOVE books and stories free download online pdf in Gujarati

હા, એ સાચ્ચો પ્યાર હતો

મુંબઇની એક પ્રખ્યાત એવી શાળામાં અભય અને અંજના ભણતા હતા. તેઓના ગુણ પણ નામ જેવા જ હતા. જેનામાં રાય માત્રનો પણ ભય ન હતો એવો એ ‛અભય’. અને જેને જોતા જ લોકોની આંખો અંજાઈ જાય એવી એ ‛અંજના’. તેની સુંદરતાના વખાણ કરતા કવિઓની કલમ ઘસાઈ જાય એટલી હદે તે દેખાવડી હતી. અભય પણ હેન્ડસમ હતો.
તેઓ બન્ને સુખી કુટુંબમાંથી આવતા હતા. અભયના પિતા બિલ્ડર હતા. તેઓ શહેરમાં નામાંકિત વ્યક્તિ હતા. અને અંજનાના પિતા શિક્ષક હતા. થોડે દુર આવેલી શાળામાં તેઓ નોકરી કરતા હતા. અભય અને અંજનાને કારણે બન્ને પરિવારના સભ્યો એકબીજાથી સારી રીતે જોડાયેલા હતા. તેથી ક્યારેક અભયના ઘરે અંજના દોસ્તો જોડે ગ્રુપ સ્ટડી માટે જતી. અભયને અંજના પ્રત્યે લાગણી હતી. તે મનમાં તેને ચાહતો હતો. તેણે ક્યારેય પણ આ વાતની તેના દોસ્તો કે અંજનાને ગંધ પણ નહોતી આવવા દીધી.
શનિવારનો દિવસ હતો. વરસાદ વરસી રહ્યો હતો. અભય સ્કુલ છૂટતા જ બાઈક લઇ ઘરે આવવા નીકળ્યો. રસ્તામાં વરસાદ ધોધમાર વરસીને તેનું કામ કરતો હતો. અચાનક જ ખાડો આવતા અભયનું ધ્યાન હોવા છતાં બાઈક સ્લીપ થઇ ગઈ. કઇ ખાસ વાગ્યું ન હોવાથી તે તરત જ ઉભો થઈને ઘરે પહોંચ્યો. અંજનાને તેના દોસ્તો દ્વારા આ વાતની જાણ થતાં જ તે ફટાફટ ચાલુ વરસાદમાં છત્રીના સહારે અભયના ઘરે પહોંચી.
અંજનાએ જોયું કે અભય સોફા પર બેસીને તેને પગમાં થયેલ ધાને જોઈ રહ્યો હતો. અંજનાએ ફટાફટ ફર્સ્ટ એઈડ બોક્સ લઈ ઘા પર મલમ લગાવવાનું શરૂ કર્યું. અને અભયને બાઈક ધીરે ચલાવવાની તેમજ સાચવીને ચલાવવાની સલાહ આપતી રહી. અભય તો તેની આ સાર સંભાળ લેવાની રીત જોઈ વધારે પ્યારમાં ગળા ડૂબ થઈ ગયો. બન્ને એકબીજાને મનમાં સાચા દિલથી ચાહતા હોવાથી આ દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એનું તેમને ભાન સુધ્ધાં ન રહ્યું. અભયના મમ્મી પપ્પા તેમના સંબંધીને ઘરે ગયા હતા. એટલે ઘરે કોઈ ન હતું. અંજના અને અભય સોફા પર બેસી વાતો કરવા લાગ્યા.
“અંજુ, હું તને છેલ્લા એક વર્ષથી પ્રેમનો પ્રસ્તાવ તારા આગળ મૂકવા ઈચ્છતો હતો. પરંતુ તું ક્યારેય એકલી ન પડી. આપણાં દોસ્તો હમેશા તારા સાથે રહેતા. અને તું પણ મને ચાહે છે એ મને ખબર જ ન હતી.” - કહેતા અભયે અંજનાનો હાથ પકડીને પોતાના હાથમાં લઈ લીધો.
“અભિ, હું તો તને કહેવાની જ હતી. પરંતુ હું એ પ્યારને હંમેશા માટે રાખવા માંગતી હતી. હું મારા પ્યારને ખોવા નહિ માંગતી. હું લગ્ન કરવા માગું છું. પરંતુ તારા પપ્પા શહેરના ટોપ બિલ્ડરોમાં છે. અને મારા પપ્પા તો માત્ર એક નોકરી કરે છે. એટલે આપણા લગ્ન શક્ય ન બનત અને એટલે જ મેં તને કહેવાનું ટાળ્યું. પણ હવે મને એની ચિંતા નથી. આપણે બન્ને થઈને એ લોકોને વાત કરીશું અને સમજાવીશુ. અને હજી ક્યાં આપણી લગ્નની ઉંમર થઈ છે. હજી તો આપણે આપણું કેરિયર બનાવવાનું છે.”- અંજના બોલી.
બન્ને પ્રેમથી એકબીજાને અંજુ-અભિ કહેતા હતા. તેઓએ આખું તેમનું બારમું ધોરણ સાથે કર્યું. તેઓએ ભણવાની સાથે સાથે પ્યારમાં પણ આગળ રહ્યા. અને ખૂબ જ સરસ માર્કિંગ સાથે પાસ થયા.
તેઓએ હજી સુધી તેમના અફેરની વાત કોઈને કરી ન હતી. તેઓ બન્ને કોલેજમાં ટોપ કરતા. એટલે તેઓને કોલેજમાં સહુ કોઈ ઓળખતા. અભયની ભણવામાં ખૂબ જ રુચિ હતી.
તેઓ કોલેજના ત્રીજા વર્ષમાં હતા. તેમણે ફરવા જવાનો પ્લાન બનાવ્યો. સ્થળમાં તેમણે બીચ પસંદ કર્યું. તેઓ બન્ને એકલા જ જવાના હતા પણ તેમણે ઘરે કોલેજના દોસ્તો જોડે જઈએ છીએ એવું કીધું.
નક્કી કરેલ તારીખે તેઓ સવારે અભયની બાઈક લઇ નીકળી ગયા. મુંબઈના બીચ પર થોડી ભીડ વધુ હોય છે. ક્યારેક અનિચ્છનીય બનાવો પણ આ બીચ પર બનતા હોય છે. ત્યાંનું દ્રશ્ય એકદમ રમણીય હોય છે. રવિવાર હોવાથી બાળકો અને યુવાનો તોફાન મસ્તી કરતા રમી રહ્યા હતાં. સુસવાટા સાથે પવન અંજનાના ગાલ પર અડકી ને જઈ રહ્યો હતો.
અંજના સ્વભાવમાં બહુ રમતિયાળ હતી. તેણે પણ બાળકો જોડે રમવાનું અને મસ્તી કરવાનું શરૂ કરી દીધું. અભય તો અંજનાના સ્વભાવનો દીવાનો હતો. થોડીવાર મસ્તી કર્યા પછી અંજના અને અભય બન્ને બીચ પર ટહેલવા લાગ્યા. અચાનક ત્યાં બીચ પર કોઈકની બચાવો બચાવોની બુમો સંભળાઈ. અભય તો તરવામાં કુશળ હતો. એટલે તેણે કશું પણ વિચાર્યા વગર પાણીમાં ઝંપલાવી દીધું. બધાંનું ધ્યાન ત્યાં ગયું. બધા એ જોયું કે અભય એ વ્યક્તિને બચાવવામાં સફળ રહ્યો છે.
અભયે બહાર આવીને જોયું તો અંજના ત્યાં હતી જ નહીં. તેણે બધાને પૂછ્યું કે મારી સાથે આવેલ અંજના ક્યાં છે? પણ બધાનો જવાબ નકારમાં આવ્યો. ઘણી શોધખોળ કરવા છતાં અંજનાનો કોઈ પત્તો લાગ્યો નહિ. જે વ્યક્તિને અભયે ડૂબતો બચાવ્યો હતો એ પણ ત્યાંથી ગાયબ હતો. હવે અભયને વાત સમજાઈ કે આ આખું નાટક અંજનાને કિડનેપ કરવા માટેનું હતું. તે આ ડરથી હેબતાઈ ગયો હતો. શુ કરે એની જ તેને ખબર નહોતી પડતી. તે ઘરે ગયો અને શરૂઆતથી બધું કીધું. અને એ પણ ઉમેર્યું કે તેઓ બન્ને ગાઢ પ્યારમાં હતા અને લગ્ન કરવા માંગતા હતા.
બન્ને પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાંજઈને એફ.આઈ.આર કરાવી અને ઘરે આવ્યા. પોલીસે કિડનેપિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. પણ કશું જ હાથમાં આવ્યું નહિ. પરિવારના સભ્યો વધુ ચિંતિત બન્યા.
આ તરફ અભયની યુ.પી.એસ.સી. ની પરીક્ષા આવવાની હતી. જેની તે છેલ્લા ત્રણ વર્ષથી તૈયારી કરી રહ્યો હતો. તેનું સપનું આઈ. પી.એસ. બનવાનું હતું. પરંતુ અંજનાની ચિંતામાં તેનું મન વાંચવામાં લાગતું ન હતું. પરંતુ તેણે પરિસ્થિતિ સંભાળીને ફટાફટ સિલેબસ પૂરો કરવાની તૈયારી કરી.
1 વર્ષ થવા આવ્યું પણ અંજનાના કોઈ સમાચાર હતા નહિ. પોલીસને ઇન્વેસ્ટિગેશન દરમ્યાન એટલી જ ખબર મળી કે આ રીતે અલગ અલગ શહેરોમાંથી દેખાવડી છોકરીઓની ઉઠાંતરી થાય છે.
અહીં અભયે પણ તેની પરીક્ષા પાસ કરી લીધી. અને તે આઈ.પી.એસ.ની ટ્રેઇનિંગ પતાવી ડ્યુટી જોઈન કરી લીધી. શરૂઆતમાં તેનું પોસ્ટિંગ ડી.વાય.એસ.પી. તરીકે દિલ્હીમાં થયું. તેણે હજી સુધી લગ્ન કર્યા ન હતા. તે ગાળામાં મોટા શહેરોમાં ક્રાઇમનું પ્રમાણ વધુ હતું.
“હેલો સર, દિલ્હી પોલીસની કેદમાંથી ભાગેલ એક કુખ્યાત કેદી નવી આવેલ ગણિકા(વેશ્યા) જોડે આજે સેવન સિઝ ફાઈવસ્ટાર હોટેલના રૂમ ન. 78માં રંગરેલિયા મનાવવાનો છે, ત્રણ મર્ડરના ગુના તેના પર લાગેલ છે." આટલું કહીને ફોન કટ થઈ ગયો. અભયે બાતમીના આધારે તપાસ કરાવતા બધી માહિતી મળી. આ તેનો પ્રથમ કેસ હતો. અભય અને તેનો સ્ટાફ પૂરેપૂરી તૈયારીઓ સાથે હોટેલની આસપાસ ગોઠવાઈ ગયા. હવે તેઓ ધીરે ધીરે હોટેલના ગેટથી અંદર પ્રવેશી રહ્યા હતા. તેમણે રૂમ નમ્બર 78 માં જવાનું હતું.
રૂમ ન. 78 નો દરવાજો તોડતા જ જોયું કે પેલો કેદી એક ગણિકા જોડે બળજબરી કરી રહ્યો હતો. અને ગણિકા રડી રહી હતી. એ ગણિકા બીજું કોઈ નહિ પરંતુ અભયની મહોબ્બત “અંજના” હતી ! અભય તો તેને જોતા જ રહી ગયો. ત્યાં સુધીમાં પેલા ખૂંખાર કેદીએ અભય પર એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. એ ગોળી સીધી અભયના ડાબા હાથ પર વાગી. ગોળીથી ઘાયલ સિંહ જેવા અભયે પેલા કેદીનું ત્યાં જ એન્કાઉન્ટર કરી નાખ્યું. તેના શરીરને પિત્તળની ગોળીઓથી ભરી દીધું. એન્કાઉન્ટરમાં કેદીને ભાગવાનો જરા પણ ચાન્સ ન મળ્યો.
ઘાયલ થયેલ અભય અને અંજના એકબીજાને ભેટીને ઉભા છે.
હા, અભયે તેને સ્વીકારી લીધી !
કેમ કે એ સાચ્ચો પ્યાર હતો !
ઇતિહાસના પ્રેમી પંખીડાઓ પણ આજે તેમની સામે ઝાંખા પડે એવો આ પ્યાર હતો. અભયનો આખો સ્ટાફ આ દ્રશ્ય નિહાળી રહ્યો છે. તેઓના મનમાં એક જ પ્રશ્ન ઉદભવે છે કે આપણા સર આ ગણિકાને ભેટીને કેમ ઉભા છે?
બન્ને ઘરે આવ્યા. આટલાં વર્ષો પછી તેમના પરિવારે અંજનાને જોતા જ રડવાનું ચાલુ થઈ ગયું.
“હું ગણિકા નથી. મને વેશ્યાના ધંધામાં મોકલવા માટે કિડનેપ કરીને વેચી દેવામાં આવી હતી. મારા જેવી ત્યાં બીજી પણ છોકરીઓ હતી. એકવાર મને તક મળતાં જ મેં આત્મહત્યા કરવાની કોશિશ કરી. પણ મરવાને બદલે હું લાંબા સમય માટે કોમામાં જતી રહી.”- રડતા રડતા અંજનાએ કીધું.
પોલીસે રેડ પાડીને બધી છોકરીઓને ત્યાંથી ઘરે મોકલી દીધી. અને કિડનેપરોને જેલમાં બંધ કર્યા.
ઘણા લાંબા સમય માટે કોમામાં રહેવાથી અંજનાનું શરીર એકદમ સુકાઈ ગયુ હતુ. તેનો પ્યાર અભય આજે પણ તેની રાહ જોઈને લગ્ન નથી કર્યા એ જોઈને તેનાં જીવમાં જીવ આવ્યો. અભય અને અંજનાએ ઘણી જલ્દી લગ્ન કરી લીધાં. લગ્નના દિવસે અભય અને અંજુના ચહેરા પર અલગ જ તેજ પથરાયું હતું. આ તેમનો સૌથી સુખદ દિવસ જો હતો !

પ્યાર-મહોબ્બત-પ્રેમ તો કોઈ પણ કરી શકે છે, પણ જે તેને નિભાવી જાણેને તે જ ‛સાચ્ચો પ્યાર'.

-વસંત

અભિપ્રાય જરુર આપશો.. ધન્યવાદ!