Biji pruthvi books and stories free download online pdf in Gujarati

બીજી પૃથ્વી

2150 નો સમય
મી.રંગનાથન એમની લેબમાં બેઠા છે.મેડીકલ સાયન્સ પર કામ કરતાં એમણે પૃથ્વી પરના મોટા ભાગના રોગોને સાધ્ય કરી લીધા છે.હવે તેઓ નવા જન્મતા બાળકના શરીરને અભેદ કવચ બનાવવા મથી રહ્યાં છે.જેનાથી એના પર કોઈ રોગના જીવાણું હુમલો કરે તો પણ તેનું શરીર જ સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે.રોગ જ લાગુ ન પડે.રોગ નામના શત્રુને કાયમ સમાપ્ત કરી દેવાની એમની ઈચ્છા છે,એમણે એમના એ મિશનને'મિશન શરીર સુરક્ષા'નામ આપ્યું છે.મેડીકલ સંશોધન ક્ષેત્રે ભારતનું નામ એમને રોશન કર્યું છે.વિશ્વ આખામાં એમના નામનો ડંકો વાગે છે.સમગ્ર માનવ જાત માટે એ દેવદૂતથી કમ નથી.
એમનો એક દીકરો એમનાથી પાંચેક કિમી દૂર એક બીજી લેબમાં કામ કરે છે.'મોરના ઈંડા ચિતરવા ન પડે'
લોકો એમને લિટલ રંગનાથન તરીકે ઓળખે છે,પણ બંનેના સંશોધનના વિષયો જુદા છે.લીટલ રંગનાથન બીજા ગ્રહ પર માનવજીવનની શકયતા વિશે સંશોધન કરે છે પણ એમાં કંઈ વિશેષ પરિણામ પ્રાપ્ત થયું નથી.
રોબોટસ્ ની મદદ વડે ચાલતી એમની એ લેબમાં એક પંતગિયું છેલ્લા બે દિવસથી ઉડાઉડ કરતું હતું.એ પતંગિયું જોઈને લિટલ રંગનાથનને એ અસામાન્ય પતંગિયું લાગ્યું.એમણે તરત જ રીમોટથી લેબના તમામ બારી બારણા દરવાજા બંધ કરી દીધા.એમની કેબિનમાં હવે એ અને પતંગિયું બંને હતાં.એમના ચેમ્બરમાં રહેલા રોબોટની મદદથી લીટલ રંગનાથને પતંગિયાને પકડી લીધું.પકડાયેલાં પતંગિયાને સ્પર્શ કરતાંની સાથે જ એમને ખ્યાલ આવી ગયો કે એ સજીવ નથી,આર્ટીફિશયલ છે.સૂક્ષ્મ રીતે અવલોકન કરતાં એના પર બેસાડેલા કેમેરા એમની નજરે પડ્યાં.હાઈ રીઝોલ્યુશનવાળા કેમેરાની મદદથી કોઈ એમની આસપાસ બહુ બારીકાઈથી નજર રાખી રહ્યું હોય એવું એમણે લાગ્યું. કેમેરાની બનાવટ એમને પૃથ્વી પરના કોઈ સ્થળની ન હોય એવી લાગી.પૃથ્વીથી કેટલાય પ્રકાશ વર્ષ દૂરથી આ કેમેરા જાણે પૃથ્વી પર નજર રાખી રહ્યાં હતાં.એમણે તરત જ એના પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું.ત્યાં તો એ પતંગિયા મારફત એક માઈક્રોફોનથી કોઈ અવાજ આવતો એમને સંભળાયો.એ અવાજમાં વિવિધ શબ્દો એમને સંભળાયા.એમણે એ અવાજના તરંગોને એમના ડેટા એનેલાઈઝર સાથે કનેકટ કરતાંની સાથે જ એમના ડેટા એનેલાઈઝર કેટલે દૂરથી એ અવાજ આવી રહ્યો છે તે ન બતાવી શક્યું.એરર અકર્ડ એવું જોઈ મી.લીટલ રંગનાથન સમજી ગયા કે આ અવાજ સૂર્યમંડળ બહારનો અવાજ છે.ડેટા એનેલાઈઝરમાં એક બીજી એરર આવી.એણે કોઈ સજીવનો અવાજ છે એવું તો બતાવ્યું પણ અવાજનું ટ્રાન્સલેશન કરવામાં નિષ્ફળ નિવડ્યું.લિટલ રંગનાથને તરત જ સામે 'હેલો,હુ આર યુ?'એવો પ્રશ્ન કર્યો.સામે અવાજ પહોંચ્યો ખરો પણ એ અવાજના શબ્દો સામેની બાજુ ના સમજાયાં એવું લાગ્યું.પેલી બાજુથી આવતો અવાજ એકદમ રોમાચિંત થઈ ઊઠ્યો હોય એવું લાગ્યું.લીટલ રંગનાથનનો અવાજ પહેલી બાજુ પહોંચ્યો છે એની અસર સામેની બાજુથી આવતાં અવાજથી અનુભવાઈ.એમના એક રોબોટે એક બીજા કેમેરા તરફ એમનું ધ્યાન દોર્યું.તરત જ એમણે એ કેમેરાને પોતાની લેબમાં રહેલા પીકચર વ્યુઅર સાથે જોડ્યો કે તરત જ સામેની બાજુથી અલગ અલગ પીકચર એના પર વ્યુ થવા લાગ્યાં.એ પીકચરની કલિયારિટી ઓછી જણાઈ પણ લિટલ રંગનાથન એટલું જરુર જાણી શક્યાં કે તેમના જેવી જ કોઈ લેબ સામેની બાજુ છે.એક લેડીની તસ્વીર પણ વારંવાર વ્યુ થતી હતી.એ ખૂબ ઉત્સાહિત જણાતી હતી,પણ એનો પહેરવેશ સાવ અલગ હતો.માથાથી કરીને પગને ઢાંકતું એક જ વસ્ત્ર એણે પહેર્યું હોય એવું લાગ્યું.થોડી વાર પછીના ફોટા લીટલ રંગનાથનની લેબમાં પડેલાં પતંગિયાની રચના બતાવવા લાગ્યાં.અનેક ડાયાગ્રામ દ્વારા એ પતંગિયાની રચના એના પર ફીટ કરેલા ઊપકરણ બતાવતાં હતાં.
લીટલ રંગનાથન અને એમનો રોબોટ મંગલે એ ડાયાગ્રામના આધારે એક ઊપકરણ શોધ્યું,તરત જ એ એક મોટા બોર્ડમાં ફેરવાયું. વિડીયો કૉલિંગની સુવિધા હતી એમાં.તરત જ વિડીયો કોલિંગ શરુ થયું.લીટલ રંગનાથને કોઈ બટન દબાવતા પેલી લેબ અને તેમાં રહેલી સ્ત્રી સ્પષ્ટ દેખાતાં હતાં.એણે લિટલ રંગનાથનને હાથ હલાવી અભિવાદન કર્યું.સામે રંગનાથને પણ પ્રતિભાવ આપ્યો.બંનેના ચહેરા પર ખુશી વ્યાપેલી જોવા મળી.
લિટલ રંગનાથન બહુ જ ખુશ હતાં.એમને તો વગર મહેનતે પોતાની પૃથ્વી જેવી જ સજીવ સૃષ્ટિધરાવતી એક બીજી પૃથ્વી અનાયાસે મળી આવી હતી.એ પૃથ્વી પરની લિટલ રંગનાથન જેવી જ કોઈ લેડી સાયન્ટીસ્ટ બીજા ગ્રહ પર જીવન હોવા અંગેની શોધ માટે આપણી પૃથ્વી પર પતંગિયું મોકલવામાં સફળ રહી હતી. લિટલ રંગનાથન સાથે થયેલું કોમ્યુનિકેશન સફળ રહ્યું.એ પતંગિયા દ્વારા અપાયેલ માહિતી દ્વારા,તસ્વીરો દ્વારા પેલી લેડીને તો ખ્યાલ આવી ગયો હતો,કે એમના સિવાયના ગ્રહ પર
પણ જીવન છે.લિટલ રંગનાથનને તો બગાસું ખાતાં પતાસું મળી ગયું.પૃથ્વી સિવાયના ગ્રહ પર માનવજીવન.
રાત થઈ ગઈ.રોબોટ છેલ્લા ચૌદ કલાકથી કામ કરતો હતો.થાક અનુભવાતો હતો મંગલને.લિટલ રંગનાથને પણ વિશ્રામ લેવાનું નકકી કર્યું.
બીજા દિવસે સવારે લિટલ રંગનાથને ફરી પંતગિયા તરફ વળી એની કૉમ્યુનિકેશન સિસ્ટમ કાર્યરત કરી.સામે અંધકાર સિવાય કંઈ ન દેખાયું.લિટલ રંગનાથને ગઈકાલે મળેલાં ડેટાનું વિશ્લેષણ કરતાં ખ્યાલ આવ્યો કે સજીવ સૃષ્ટિ ધરાવતો પેલો ગ્રહ પૃથ્વીથી ખૂબ જ દૂર બીજા સૂર્યમંડળમાં આવેલો છે.એમણે એ ગ્રહને પાર્થિવ નામ આપ્યું.આશરે બે વર્ષની મુસાફરીથી ત્યાંથી અહીં કે અહીંથી ત્યાં પહોંચી શકાય.તમામ ડેટા એનાલિસિસ થઈ ગયો.લગભગ સાતેક કલાક થયાં હશે.પતંગિયાની કૉમ્યુનિકેશન સિસ્ટમ બંને તરફ એકટીવ થઈ.પણ ભાષા અડચણ રુપ સાબિત થઈ.પતંગિયાના એક પાંખમાં રહેલા સ્ક્રીન દ્વારા પેલી લેડી કે જેનુ નામ લિટલ રંગનાથને એલિના રાખેલું.એણે એક ડીવાઈસનો વિડીયો બતાવ્યો.એ ડીવાઈસ પંતગિયાની પાંખમાં જ હતું.એ ભાષા સાથે સંબંધ ધરાવતું ડીવાઈસ હતું.લિટલ રંગનાથનના મગજમાં બધી વાત આવી ગઈ.રોબોટ દ્વારા એમણે એલિનાની ભાષાને કોઈ એક ભાષામાં કોડીંગ કરાવવાનું શરુ કર્યું.સંસ્કૃત ભાષા સાથે એ ભાષા વધુ સારી રીતે કામ આપી શકે એમ હતી.લિટલ રંગનાથનને સંસ્કૃત ન હોતું ફાવતું પણ એમના રોબોટ પૃથ્વી પરની કોઈ પણ ભાષાને ટ્રાન્સલેટ કરી શકતાં હતાં એટલે વાંધો ન હતો.એમણે એલિનાની ભાષા સમજીને લિટલ રંગનાથનની ભાષા એલિનાને સમજાવી શકે એવુ પ્રોગામીંગ કર્યું.
પછી તો એલિના અને લિટલ રંગનાથન વચ્ચે વાતચીત શરુ થઈ.સજીવ સૃષ્ટિ ધરાવતા બે ગ્રહો વચ્ચેના સજીવ વચ્ચેની આ પ્રથમ વાતચીત હતી.
એકબીજાથી અબજો કિમી દૂર આવેલા બે જીવસૃષ્ટિ ધરાવતાં ગ્રહો પર વસતા માનવીઓમાં તો એકસરખાપણું જણાતું હતું.એલિના અને લિટલ રંગનાથન બંનેને હવે એકબીજાના ગ્રહ વિષે જાણવાની ઉત્સુકતા હતી.બંનેએ જાણવાનું અને જણાવવાનું શરુ કર્યું.એલિના અને લિટલ રંગનાથન,બંનેએ એકબીજાના ગ્રહની મુલાકાત લેવાનું નકકી કર્યું.એકબીજાના સતત સંપર્કમાં લિટલ રંગનાથન અને એલિના રહેવા લાગ્યાં.બંનેએ સાથે મળીને એકબીજાના ગ્રહ પર જવા માટે એક અત્યાધુનિક માનવયાન બનાવવાનું શરુ કર્યુ.
આખરે પાંચ વર્ષની મહેનત બાદ બંનેએ એમના મિશનમાં સકસેસ મેળવી લીધી.બે વ્યક્તિ એક સાથે અવર જવર કરી શકે એવુ યાન એલિનાએ એના ગ્રહ પાર્થિવ પર બનાવ્યું અને એ આખા પ્રોજેકટમાં લિટલ રંગનાથને ભરપુર સહયોગ આપ્યો.એલિનાએ સૌપ્રથમ પૃથ્વીની મુલાકાત લેવી અને ત્યારબાદ લિટલ રંગનાથન ત્યાં જાય એવુ નકકી થયું.
સાતેક વર્ષનો સમય વિતી ગયો.
એક દિવસ લિટલ રંગનાથને પ્રેસ કૉન્ફરસ યોજી આ સમગ્ર ઘટનાને વિશ્વ સમક્ષ મૂકી.'પર ગ્રહવાસી એલિના આ પૃથ્વીની મુલાકાતે આવવા નીકળી ગયા છે.થોડાંક સમય બાદ એ આપણા સૂર્યમંડળમાં પ્રવેશશે.એ 7,સપ્ટેબર,2157 ના રોજ મારી લેબના ટેરેસ પર ઉતરાણ કરશે.'એ પછી એમણે વિગતવાર માહિતિ પત્રકારોને આપી.એમને એ પ્રેસ કૉન્ફરસમાં એક કલાક બોલ્યાં બાદ લિટલ રંગનાથને પત્રકારોના પ્રશ્નના જવાબ પણ આપ્યા અને એલિના,એલિનાની પાર્થિવ ગ્રહ પર આવેલી લેબ,એલિનાના માનવયાન તસ્વીરો પ્રગટ કરી અને એલિનાના આવ્યા બાદ પોતે પણ એ પરગ્રહની મુલાકાતે જવાના છે એમ જણાવ્યું.
આખી દુનિયા પણ એલિનાનો ઇંતજાર કરવા લાગી.લિટલ રંગનાથન અચાનક લાઈમ લાઈટમાં આવી ગયાં. એમના એક પછી એક ઈન્ટરવ્યુ અખબારોમાં,ટેલિવિઝન પર પ્રસારિત થવા લાગ્યા.
આખરે એ દિવસ આવી ગયો.ભારત સરકારે લિટલ રંગનાથનની લેબ પર સખત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી હતી.જેવું પરગ્રહવાસી એલિનાનું યાન પૃથ્વીમાં પ્રવેશ્યું ત્યારથી એની એક એક પળનું પ્રસારણ પણ રાષ્ટ્રીય ટેલિવિઝન પર કરવામાં આવી રહ્યું હતું.એલિનાનું યાન ઉતરાણના નિર્ધારિત સમયે લિટલ રંગનાથનની લેબ પર ઉતર્યું.એલિનાને તરત જ લેબમાં લઈ જઈ એમનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું.સતત બે વર્ષથી એમણે કરેલ પ્રવાસની અસર એમના પર વર્તાતી હતી.દસ દિવસ માટે એલિનાને લેબમાં બનાવેલા ખાસ સ્યુટમાં રાખવામાં આવ્યાં.એમનું શરીર પૃથ્વીના વાતાવરણ સાથે સેટ થઈ ગયું.ત્યારબાદ એમણે લિટલ રંગનાથનને સાથે રાખીને પૃથ્વી અને એની સજીવસૃષ્ટિની જાણકારી મેળવવાનું શરુ કર્યું.લગભગ બે વર્ષ જેવા એ અહીં પૃથ્વી પર રોકાયાં.પોતાના ગ્રહ,ત્યાંના વાતાવરણ,ત્યાંની પ્રજા વગેરે બાબતો પર પૃથ્વીવાસીઓને ખાસા માહિતીગાર કર્યા.
લિટલ રંગનાથન સાથેના સહવાસના કારણે એલિના અને લિટલ રંગનાથન વચ્ચે પ્રેમાકુંર ફૂટ્યાં.બંને એકબીજાને ચાહવા લાગ્યાં,પણ બંને પરગ્રહવાસી પોતાના ગ્રહ બાબતે પોતાની ફરજોથી વાકેફ હતાં.
લિટલ રંગનાથન હવે વધુ સંશોધન માટે એલિનાના ગ્રહ પર જવા રવાના થયાં.બીજા ગ્રહ પર પોતાનો પ્રતિનિધિ મોકલવા માટે પૃથ્વીવાસીઓ અતિ રોમાચિંત હતા.આખરે 30,ઑકટોબર,2159ના રોજ બંનેના યાને પૃથ્વી પરથી પાર્થિવ ગ્રહ પર જવા ટેક ઓન કર્યુ.લિટલ રંગનાથનનો સિનિયર આસિસ્ટન્ટ એસ.એમ.કુંવર હવે પૃથ્વી પરની લિટલ રંગનાથનની લેબનો વડો બન્યો.બરાબર સવા બે વર્ષ પછી લિટલ રંગનાથન પાર્થિવ ગ્રહ પર મૂકે ત્યારે ઈતિહાસ રચાવાનો હતો.બે વર્ષ જેટલો સમય વિતી ગયો.લિટલ રંગનાથનને પાર્થિવ પર પગ મૂકવાને હવે ગણીને ત્રણમાસ જેટલો સમય રહ્યો હતો.
અચાનક પૃથ્વી પરની લિટલ રંગનાથનની લેબના અત્યાંધુનિક ડીવાઈસિસ સાથેનો યાનનો સંપર્ક તૂટી ગયો.રોબોટ મંગલ માથું ખંજવાળતો એસ.એમ.કુંવર સામે ઉભો હતો.લિટલ રંગનાથનનો સંપર્ક થઈ ન હોતો રહ્યો.
લિટલ રંગનાથન અને એલિના નામના અલગ અલગ ગ્રહના રહેવાસીઓ અને પછી પ્રેમી બનેલા એમના નિર્ધારિત સ્થળે ન પહોંચી શક્યાં.લિટલ રંગનાથનનું શરીર પંચમહાભૂતમાં ભળવાના બદલે બ્રહ્માંડમાં ભળી ગયું.
એસ.એમ.કુંવરે પ્રેસ રીલિઝ કરી લિટલ રંગનાથન અને એલિનાનાનું યાન બ્રહ્માંડમાં લાપત્તા થયાની ખબરની પુષ્ટિ કરી.લિટલ રંગનાથનના પિતા ભારતરત્ન ડૉ.રંગનાથને એ જ દિવસે છેલ્લા શ્વાસ લીધાં.
26,જાન્યુઆરી,2160 ભારત સરકારે એસ.એમ.કુંવરની અઘ્યક્ષતામાં મિશન પાર્થિવ 2 ની જાહેરાત કરી.જે પાર્થિવ ગ્રહ પર પૃથ્વીવાસીને મોકલવા માટે કાર્ય કરશે.

શરદ ત્રિવેદી