darek kshetrama safadta - 2 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 2

સ્ટેપ ૧
પોતાના પર કાબુ મેળવો

આ સ્ટેપ એ સફળતા મેળવવા માટેની નીતિઓનુ ઘડતર છે. સફળતા મેળવવા માટેની લડાઇ શરૂ કરતા પહેલા યુદ્ધ મેદાનમા કેવી માનસીક પરિસ્થિતિઓ ઉત્પન થશે અને કેવી રીતે તેને પહોચી વળશુ કે કેવી રીતે તેનાથી બચી શકશુ તેના માટેની વર્તન નીતિઓની સ્પષ્ટતા કરવાનો આ સ્ટેપનો હેતુ છે. સફળતા મેળવવા માટે કેવુ વર્તન દાખવવુ તેને લગતી નીતિઓ સ્પષ્ટ હોવી ખુબ જરૂરી બને છે કારણ કે જ્યાં સુધી આવી નીતિઓ સ્પષ્ટ નથી થતી હોતી ત્યાં સુધી સફળતા મેળવવા માટેની બેસ્ટ ટેક્નીક કે કાર્ય પદ્ધતી નક્કી નથી કરી શકાતી હોતી. માટે વ્યક્તીએ કેવુ વર્તન રાખવુ જોઇએ તેમજ શું કરવુ જોઇએ અને શું ન કરવુ જોઇએ તેની સ્પષ્ટતા આ સ્ટેપમા કરવામા આવી છે.

તમે સફળતા મેળવવા માટે કટીબદ્ધ હોય તેવા વ્યક્તીનો ધ્યાનથી અભ્યાસ કરશો તો જણાશે કે તેઓ પોતાના કાર્ય પ્રત્યે ખુબજ સતર્ક થઇ ગયા હશે, તેઓ દરેક બાબતની કાળજી રાખતા હશે, તેઓ પોતની જવાબદારીથી ભાગવાને બદલે તમામે તમામ જવાબદારીઓ, ફરજો કે કાર્યો વગર ફર્યાદે પુરા દિલથી નીભાવતા જોવા મળશે. તે ઉપરાંત તેઓ ખુબજ શીસ્ત અને નીતિ-નિયમોથી જીવન જીવતા હશે કારણકે તેઓ પોતાના કાર્ય પ્રત્યે ખુબજ ગંભીરતા અનુભવી રહયા હોવાથી તેમા કોઇ પણ પ્રકારની સ્વનીર્મીત સમસ્યા ઉત્પન્ન ન થાય તેની કાળજી રાખતા હશે. આમ સફળતા મેળવવા માટે ઉત્સાહ, આત્મવિશ્વાસ, મહત્વાકાંક્ષા એ બધુતો હોવુજ જોઇએ પણ તેનાથીએ પહેલા પોતાના જીવનમા પોતાના કાર્ય પ્રત્યેની ગંભીરતા, અનુશાસન, શીસ્ત, નીતિ નિયમો વગેરે હોવા જોઇએ કારણકે વ્યક્તી ગમે તેટલો ઉત્સાહી હોય પણ તેને પોતની ફરજો, કાર્યો કે જવાબદારીઓ પ્રત્યે સમજ કે ગંભીરતા ન ધરાવતો હોય તો તે ક્યારેય ગુણવત્તાયુક્ત કાર્ય કરી શકે નહી અને આમ તેના કાર્યોમા ખામી રહી જવાથી તે વ્યક્તી નિષ્ફળ જતો હોય છે.
કોઇ પણ વાહનને ફુલ જડપે ચલાવતા પહેલા તેને કાબુમા કેમ રાખવુ તે ખાસ શીખી લેવુ જોઇએ, તમે ૧૦૦કિ.મી.ની જડપે વાહન ચલાવતા હોવ પણ તેને કાબુમા કેમ રાખવુ તે ન આવળતુ હોય તો ગમે ત્યારે અકસ્માત થઈ શકતો હોય છે. સફળતા મેળવવા માટે આવી સુરક્ષાને લગતી બાબતો ધ્યાનમા રાખવી ખુબ જરૂરી બનતી હોય છે કારણકે તમે જયારે ફુલ જડપે પ્રયત્નો કરવાનુ શરુ કરશો ત્યારે આળસ, નિરાશા, લાલચ, બેશીસ્ત, ગુસ્સા જેવી અનેક બાબતો તમારી સામે અડચણો બનીને ઉભી રહી જશે. તો આવા સમયે જો તમને તમારા પ્રયત્નોને કાબુમા રાખતા આવળતુ હશે, નકામી બાબતોથી બચતા રહી પોતાના પ્રયત્નોની દિશા જાળવી રાખતા આવળતુ હશે તોજ તમે સર્વવ્યાપી સફળતા મેળવી શકતા હોવ છો. આમ દરેક વ્યક્તીએ સૌથી પહેલા પોતાના પર કાબુ કેવી રીતે મેળવવો તે બરોબર શીખી લેવુ જોઈએ કારણકે તેમ કરવાથીજ ચોક્ક્સાઇ પુર્વક સફળતા મેળવી શકાતી હોય છે. તો ચાલો હવે પોતાના પર કાબુ કેવી રીતે મેળવવો તેના વિશે માહિતી મેળવીએ.


1) શરમ સંકોચ છોળો

૧૨ મા ધોરણમા અભ્યાસ કરતો એક વિદ્યાર્થી ખુબજ શરમાળ હતો. તે આખો દિવસ ચુપચાપ બેઠો રહેતો અને કોઈની સાથે વાત કરતો નહિ. અરે ! વાત કરવાનુતો દુર તેતો કોઈની આંખોમા આંખ પણ નહતો મીલાવી શકતો. પોતાના વિદ્યાર્થીની આવી હાલત જોઈ એક શીક્ષકને ઘણુ દુ:ખ થતુ. એક દિવસ તેમણે નક્કી કરી લીધુ કે ગમે તેમ કરીને હું આ વિદ્યાર્થીના મનમાથી શરમાળપણુ દુર કરીનેજ રહીશ.
હવે ગાંધી જયંતીનો દિવસ હતો. ત્યારે શાળામા ગાંધી જયંતી પર વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ તક જોઈ શીક્ષકે તરતજ પેલા શરમાળ વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવી વક્તૃત્વ સ્પર્ધામા ભાગ લેવાનુ સુચન કર્યુ. વક્તૃત્વ સ્પર્ધાનુ નામ સાંભળતાજ પેલો વિદ્યાર્થી ડઘાઈ ગયો અને થરથર કાંપવા લાગ્યો. તેણે તરતજ શીક્ષકને ના પાડી દીધી કે સર મનેતો લોકો સાથે વાત કરતા પણ શરમ આવે છે તો બધા વચ્ચે ઉભો થઈને હું કેવી રીતે બોલી શકુ ? ક્યાંક હું બધુ ભુલી જઈશ તો ? કયાંક બધા મારા પર હસશે તો ?
ઓકે, તો તને લોકો તારા પર હસશે તેવી બીક લાગે છે એમને !
વિદ્યાર્થી : હા,

શીક્ષક : તો જો લોકો તારી વાત સાંભળીને ખુશીથી તાળીઓ પાળે તો તને ગમશે ?

વિદ્યાર્થી : હા, જરુર.

શીક્ષક : ઓકે તો હવે જ્યારે પણ બધા સ્પર્ધકો પોતાની વાત પુરી કરી લે ત્યારે તારે સ્ટેજ પર આવી એટલુજ બોલવાનુ કે સ્પર્ધામા ભાગ લેનાર બધાજ વિદ્યાર્થીઓને મારા વંદન. તમારી વક્તૃત્વ કળા ખુબજ પ્રસંશાને પાત્ર છે. હું શાળા વતી આ બધાજ વિદ્યાર્થીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરુ છુ.
આ સાંભળી પેલા વ્યક્તીએ ફરી પાછી ના પાડી દીધી કે નહી સર હું નહી બોલી શકુ.

પણ તુ ક્યારેય સ્ટેજ પર આવી, બધા વચ્ચે બોલીશ નહી તો કેવી રીતે તારો ડર દુર થશે ? શીક્ષકે દલીલ કરી. હું જ્યારે નાનો હતો ત્યારે મને પણ તારી જેમ ખુબજ ડર લાગતો હતો તેમ છતા પણ મને જ્યારે મારા શીક્ષકે સ્ટેજ પર આવી બોલવા ઉભો કર્યો હતો ત્યારે મે તેમની વાતનુ માન રાખી બોલવાની શરુઆત કરી હતી. આ રીતેજ મારો ડર દુર થયો હતો. જો તારે તારો બોલવાનો ડર દુર કરવો હોય તો તારે પણ મારી જેમ હિંમત કરી, મારી વાતનુ માન રાખી બોલવા ઉભા થવુ જોઈએ. અહી તારે કયાં એક કલાક ભાષણ આપવાનુ છે ? તારેતો માત્ર ત્રણ લીટીજ બોલવાની છે જે તુ ચોક્કસથી બોલી શકે તેમ છે તેવો મને સંપુર્ણ વિશ્વાસ છે.
શીક્ષકની આવી વાતો સાંભળી પેલા વિદ્યાર્થીએ ડરતા ડરતા પણ હા પાડી દીધી.

હવે વક્તૃત્વ સ્પર્ધાનો સમય હતો. બધા વિદ્યાર્થીઓ એક પછી એક ઉભા થઈ પોતાની વાત રજુ કરતા હતા અને આ બાજુ આ વિદ્યાર્થીનો ડર વધતોજ જતો હતો. હવે બધા વિદ્યાર્થીઓએ બોલવાનુ પુરુ કર્યુ એટલે શીક્ષકે તરતજ પેલા વિદ્યાર્થીને મંચ પર આવી આભાર વિધિ કરવા માટે આમંત્રણ આપ્યુ. આ વિદ્યાર્થી ડરતો ડરતો સ્ટેજ પર પહોચ્યો અને ખુબ શરમાતા શરમાતા એટલુ બોલ્યો કે...
- સ્પર્ધામા ભાગ લેનાર બધાજ વિદ્યાર્થીઓને મારા વંદન.
- તમારી વક્તૃત્વકળા ખુબજ પ્રસંશાને પાત્ર છે.
- હું શાળા વતી આ બધાજ વિદ્યાર્થીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરુ છુ. તેમ કહી જેવી તેણે પોતાની વાત પુરી કરી કે તરતજ આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. પેલા શીક્ષક પણ તેની સામે જોઈ તાળીઓ પાળવા લાગ્યા.
આ ભાઈનેતો એમ હતુ કે લોકો તેની હાંસી ઉડાવશે પણ તેમ થવાને બદલે લોકોતો તાળીઓ પાડવા લાગ્યા અને પોતાની બેઠક પરથી ઉભા પણ થઈ ગયા. આવુ વાતાવરણ જોઈ પેલા વિદ્યાર્થીની આંખમાથી આંસુ સરી પડ્યા, તેને ઘણુ પ્રોત્સાહન મળ્યુ, તેનો આત્મવિશ્વાસ સાતમા આકાશે પહોચી ગયો અને કાયમને માટે તેનો સ્ટેજ ફીયર કે શરમાળપણું દુર થઈ ગયુ.

અહિ શીક્ષકે એવી યુક્તી કરી હતી કે જ્યારે પણ આવા ભાષણને લગતા પ્રોગ્રામ પુરા થતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ઉત્સાહમા આવી જતા હોય છે અને સહજ રીતે ખુશીથી તાળીઓ પાળતા હોય છે. એટલે આ વિદ્યાર્થીને છેલ્લે આભારવીધી માટે ઉભો કરવાથી તેણે ખાસ કંઈ તૈયારી પણ કરવી પડે નહી અને બે ત્રણ લીટી બોલતાજ લોકો તાળીઓ પાડવા લાગે જેથી વાતાવરણ હળવુ બની જાય.
આ યુક્તી આબાદ રીતે સફળ થઈ અને પેલા વિદ્યાર્થીની શરમ કાયમને માટે દુર થઈ ગઈ. પછીતો તે કોઈ પણ સ્પર્ધા કરવાની નોટીસ ક્લાસમા આવે કે તરતજ સૌથી પહેલો હાથ ઉંચો કરતો અને કહેતો કે સર મારુ નામ સૌથી પહેલા લખજો. " I am always ready "...

આ વાત પરથી આપણે શીખવાનુ માત્ર એટલુજ છે કે કોઈ પણ પ્રકારના કાર્યમા સફળતા મેળવવા માટે ડર કે શરમ સંકોચ દુર કરવો જરુરી બનતો હોય છે તો આવા સંકોચને દુર કરવા માટે એક વખત તેનો સામનો કરવો જોઈએ. એક વખત તમે આ રીતે પરીસ્થીતિઓનો સામનો કરવાનો સંકલ્પ કરી લેશો તો તમારુ મન આપોઆપ તે કામ કરવા પ્રોત્સાહીત થવા લાગશે, પછી તમને બાહ્ય પરીબળો એટલા બધા નડતરરૂપ થશે નહી.

આમ શરમ, સંકોચ એ એક પ્રકારનો ડર છે, ખચકાટ હોય છે કે જેમા સામેનો વ્યક્તી મારા વિશે શું વિચારશે, તે કેવુ રીએક્શન આપશે, ક્યાંક તે મારા પર હસશેતો નહીને તેવો વિચાર કરવા આપણે પ્રેરાતા હોઈએ છીએ. સફળ થવા માટે આવા શરમ સંકોચ છોળવા જરૂરી બનતા હોય છે. તેના વગર આત્મવિશ્વાસથી પ્રયત્નો કરી શકાતા હોતા નથી. જરા વિચારો જોઇએ કે તમને કોઇ એક વ્યક્તી સાથે વાત કરતા પણ શરમ આવતી હોય, તમે લોકોની આંખોમા આંખ પરોવી પોતાની વાત પણ સમજાવી શકતા ન હોવ તો નેતા બનીને હજારો લોકોની મેદનીને કેવી રીતે સંબોધી શકો ? સ્ત્રીઓ જયાં કામ કરે છે ત્યાંના પુરુષ કર્મચારીઓ સાથે વ્યવસ્થીત રીતે વ્યવહારુ વાતો કરતા પણ શરમ આવતી હોય તો પછી તેઓ એક બીજા સાથે ટીમવર્ક કે તાલમેલથી કાર્ય કેવી રીતે કરી શકે ? તમને ઘરની બહાર નિકળતાજ શરમ આવતી હોય, ક્યાંક મારાથી ભુલ થઈ જશે તો, લોકો મારા પર હસશે તો કે તેઓ મારા વિશે ખરાબ વાતો કરશે તો તેવા વિચારો કરી કરીને શરમ આવતી હોય તો પછી તમે સમાજ સાથે કેવી રીતે હળી મળી શકો ? આ રીતે તો ક્યારેય તમે સફળ નજ થઈ શકો. આમ કારણ વગરના શરમ સંકોચ માણસને આગળ વધતા રોકતા હોય છે, તેને સંપુર્ણ રીતે ખીલતા અટકાવતા હોય છે. જે દિવસે તમે આવા નકામા શરમ સંકોચ મુકી દેતા હોવ છો તેજ દિવસથી તમે એક કળીમાથી સંપુર્ણ ફુલની જેમ ખીલી ઉઠી આગળ વધવા લાગતા હોવ છો, પછી તમારે પાછુ વળીને જોવુ પડતુ હોતુ નથી.
દરેકના જીવનમા થોડુ ઘણુ શરમાળપણુ હોયજ છે. કોઈનામા વધારે હોય છે તો કોઈનામા ઓછુ. કોઈને પ્રેક્ષકો સામે ઉભા રહી બોલતા શરમ આવતી હોય છે તો કોઈને વિજાતીય વ્યક્તીઓ સાથે વાત કરતા શરમ આવતી હોય છે. આવા શરમાળપણાને કારણેજ તેઓ લોકો સાથે હળી મળી પોતાની વાત કે આવળત પ્રદર્શીત કરી શકતા હોતા નથી જેથી તેઓ ધીરે ધીરે એકલા પડવા લાગતા હોય છે, મૂંજાવા લાગતા હોય છે અને છેવટે નિષ્ફળતાના શીકાર બનતા હોય છે. જો તમે આવી પરીસ્થીતિઓનો સામનો કરવા ન માગતા હોવ તો તમારે પોતાના મનમાથી તમામ પ્રકારના ડર, શરમ, સંકોચ દુર કરી દેવા જોઈએ. તેમ કરવાથીજ તમે અસરકારક રીતે પોતાની વાત કે આવળત રજુ કરી લોકોને પ્રભાવીત કરે તેવી સફળતા મેળવી શકતા હોવ છો.
અહી શરમ સંકોચ છોળી દેવો એટલે બધીજ મર્યાદાઓ છોળી દેવી એવો અર્થ ક્યારેય થતો હોતો નથી. ઘણા લોકો શરમ સંકોચ છોળવાને બહાને તમામ પ્રકારની સામાજીક મર્યાદાઓ પાર કરી મન પડે તેમ જીવવા લાગતા હોય છે, પછી તેઓ પોતેતો અવળા રસ્તે જતાજ હોય છે પણ સમાજને પણ ખોટા રસ્તે વાળવાના કે ભ્રમીત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આ વાત વ્યાજબી કહેવાય નહી કારણકે શરમ સંકોચ છોળવા અને સામાજીક મર્યાદાઓ પાર કરવી એ બન્ને અલગ બાબત છે. શરમ સંકોચ છોળવાથી માણસ સમાજ સાથે જડપથી હળી મળી જતા હોય છે, તેનામા આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંચાર થતો હોય છે જ્યારે સામાજીક મર્યાદાઓ પાર કરી નાખવાથી એક બીજાનુ અપમાન થતુ હોય છે, સમાજમા બદીઓ ફેલાતી હોય છે અને આખરે વ્યક્તી સમાજથી અલગ પડી જતો હોય છે, ફેંકાઇ જતો હોય છે. જો વ્યક્તી આવી બધી ભુલો કરવાને બદલે માત્ર મર્યાદામા રહીને લોકો સાથે હળી મળી જવાનો સંકોચ છોળી દે તો પણ તેઓ સમાજમા સમ્માન અને સાથ સહકાર બન્ને પ્રાપ્ત કરી શકતા હોય છે.

આમ શરમ સંકોચ છોળવા એટલે એક મર્યાદામા રહીને સામેની વ્યક્તીનુ સમ્માન જળવાઇ રહે એ રીતે આત્મવિશ્વાસ કે સેલ્ફ રીસ્પેક્ટથી લોકો સાથે વ્યવહાર કરવો તેવો તેનો સંદેશ હોય છે પણ ઘણા લોકો આવો તફાવત સમજતા હોતા નથી અને તેઓ મન પડે તેમ બોલી લોકોનુ અપમાન કરવા કે અશ્લીલતાઓ ફેલાવા લાગી જતા હોય છે. આ રીતેતો મનદુ:ખ, અપમાન અને જઘડાઓ વધી જતા હોય છે જેની નુક્શાની ફરી પાછી આપણેજ ભોગવવી પડતી હોય છે. માટે સફળ થવા માટે એક મર્યાદામા રહીને શરમ સંકોચ દુર કરવો જોઇએ, એક મર્યાદામા રહી, લોકોનુ સમ્માન જળવાઇ રહે એ રીતે આત્મવિશ્વાસ દર્શાવી વાત કરતા શીખવુ જોઇએ. આ રીતે આપણા આત્મવિશ્વાસ અને સમાજમા સ્વીકૃતી એમ બન્નેમા વધારો પ્રાપ્ત કરી શકાતો હોય છે. માટે લોકો શું વિચારશેને શું નહી તેનો વિચાર કરી શરમાવાને બદલે તેઓની આંખોમા આંખ પરોવીને કે તેઓ સાથે આત્મીયતા કેળવીને આત્મવિશ્વાસથી વાત કરતા શીખવુ જોઈએ. આ રીતે તમે સમાજ પાસેથી એ બધુજ પ્રાપ્ત કરી શકતા હોવ છો કે જેની તમે મોટેભાગે અપેક્ષા કરતા હોવ છો.

છેલ્લેતો એટલુજ કહીશ કે આ દુનિયામા બઈમાન, ભ્રષ્ટાચારી, દેશદ્રોહી, ડોન, માફીયા અને ઇવન આતંકવાદીઓ પણ કોઇનાથી શરમાતા નથી અને ખુલે આમ ફરી રહ્યા છે તો આપણે એવો ક્યો ગુનો કરી નાખ્યો છે તે આપણે શરમાવુ પડે ? આપણે કોઇ ખરાબ કામ નથી કર્યુ તો આપણેજ શા માટે પાછા પડીએ? આપણેજ શા માટે નિષ્ફળ થઈએ ? આ તો બરોબર ન જ કહેવાયને ! આપણે સારુ કામ કરીએ છીએ, લોકોનુ ભલુ ઇચ્છીએ છીએ, આપણે સાચા છીએ તો પછી લોકોની સામે વિશ્વાસથી આંખોમા આંખ પરોવીને વાત કરવાનો આપણો અધીકાર બને છે. જો આપણે કોઇ ખોટુ કામ ન કર્યુ હોય તો પછી આપણે ખોટી શરમ રાખી પાછા પડવાનોતો પ્રશ્નજ ઉદ્ભવતો નથીને ! આમ શરમતો ગુનેગારો કે ખોટા માણસોને આવવી જોઇએ, આપણે શા માટે વગર કારણે શરમાવુ પડે એવો વિચાર કરવાથી મનમા રહેલા નકામા શરમ સંકોચ દુર કરી આત્મવિશ્વાસથી પ્રયત્નો કરી શકાતા હોય છે.
શરમ સંકોચ કેવી રીતે દુર કરી શકાય ?

૧) સૌથી પહેલાતો તમને જે વ્યક્તી, પ્રેક્ષક સામે ઉભા રહેતા કે વાત કરતા શરમ આવતી હોય તે બધાજ લોકો મારી જેમ એક માણસજ છે, તેમનાથી પણ ભુલો થઈ શકે છે તો પછી શા માટે મારે તેમનાથી વગર કારણે ડરવુ જોઈએ તે વાતનો સ્વીકાર કરો. તે ઉપરાંત તે બધાને પોતાના જીગરી મીત્રો, શુભ ચિંતકો સમજો અને તેઓ મારી પાસેથી અમુક ટોપીક પર સલાહ સુચન કે માર્ગદર્શન મેળવવા માટે આવ્યા છે તેમ વિચારી પોતાની વાત રજુ કરો. આ રીતે તમારા મનમા એક પ્રકારનો ગૌરવભાવ ઉત્પન્ન થશે જે તમને બધા સાથે જડપથી કંફર્ટેબલ બનાવી આપશે.

૨) અભ્યાસુ સ્વભાવ કેળવો. દરેક ઘટનાને જેમ બને છે તેમ જોઈ ડર અનુભવવાને બદલે તેમાથી કોઈ નવો બોધપાઠ, સલાહ સુચન કે કોઈ ઉપયોગી ટીપ્સ મેળવવાનો પ્રયત્ન કરો. આ રીતે તમારુ મન કોઈ ઘટનાથી ડરવાને બદલે અભ્યાસ કરવાના કે તેમાથી કોઈ લાભ મેળવવાના દ્રષ્ટીકોણથી કામ કરતુ થઈ જશે જેથી તમારા માટે ડરવાનુ કોઈ કારણ બચશે નહી.

૩) હું શરમાળ નહિ પણ એક નિડર અને બાહોશ વ્યક્તી છુ એ વાતનો સ્વિકાર કરો. આ રીતે પોતાને શરમાળ કહેવાનુ બંધ કરી પોતે બીજાઓ કરતા વધારે નિડર છીએ તે વાતનો સ્વિકાર કરવાથી તરતજ તે બધુ આપણા વિચાર, વાણી અને વર્તનમા દેખાવા લાગતુ હોય છે. પછી આપણે નિડર બની શરમાળપણુ દુર કરવા માટે વધારે મહેનત કરવી પડતી હોતી નથી.

૪) મે કોઈ ગુનો કર્યો નથી એટલે મારે કોઈનાથીય શરમાવાની કે પાછા પડવાની જરૂર નથી એ વાત ગળે બાંધી લ્યો.

૫) જો તમને જાહેરમા બોલવાથી લોકો મારા પર હસશે કે ક્યાંક મારાથી ભુલ થઈ જશે તો એવો ડર લાગતો હોય તો આવા સમયે તમારે એમ વિચાર કરવો જોઈએ કે ભુલોતો દરેક વ્યક્તીથી થતીજ હોય છે તેમા નવું શું છે, આવી ભુલોના ઈલાજ કરીનેજતો સફળ બની જવાનું હોય છે. બધા મહાન લોકો આવી ભુલો કરીનેજ આગળ આવ્યા હોય છે અને ભુલો સુધારવાથીજ નવુ વિશીષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી શકાતુ હોય છે. આમ જે કામ કરતા આપણને ડર લાગતો હોય છે તે કામ કરવાની દિશામા એક નાનુ એવુ પણ પગલુ ભરવાથી કે પોતાની ભુલોનો એક સીડીની માફક ઉપયોગ કરતા શીખવાથી શરમ સંકોચ દુર કરી શકાતો હોય છે.

૬) લઘુતાગ્રંથી એટલેકે અન્યોથી પોતાને નીચા કે નાના સમજવાનુ બંધ કરો કારણકે બધાજ લોકો કંઈ સરખા નથી હોતા, દરેકમા કંઈકને કંઈક કે અલગ અલગ ખાસીયત હોયજ છે તેવીજ રીતે મારામા પણ કંઈક ખાસીયત છે જેને મારે ઓળખી તેનો વિકાસ કરવો જોઈએ. આ રીતે પોતાની આવળતો કે ખાસીયતોનો વિકાસ કરવાથી શરમાળપણુ દુર કરી શકાતુ હોય છે.

૭) તમે જે કંઈ પણ વાત કહેવા માગો છો તેને બરોબર સમજો, તેનુ ચીત્ર મનમા સ્પષ્ટ બનાવો. આ રીતે માહિતીની સ્પષ્ટતા હોવાથી દ્રઢ્તાથી તેને રજુ કરી શકાતી હોય છે કારણકે તેના થકી આપણા મનમા એવો ભાવ ઉત્પન્ન થતો હોય છે કે હું સાચો છુ, સાચી વાતની મને ખબર છે તો મારે પોતાને સાચા સાબીત કરવા તેને કહેવીજ જોઈએ. આમ જ્ઞાન અને સ્પષ્ટતા દ્વારા ખુબ પ્રબળતા, અસરકારકતાથી શરમાયા વગર પોતાની વાત રજુ કરી શકાતી હોય છે.

૮) દરેક વ્યક્તીમાથી કંઈક નવુ શીખવાનો પ્રયત્ન કરો, કંઈક નવુ શીખવાના ઈરાદાથી તેમની સાથે વાત કરો. આ રીતે તમને સામેથીજ લોકો સાથે વાતચીત કરવાનો કે તેમની સાથે હળીમળી જવાનો ઉત્સાહ જાગૃત થશે અને તમારુ ધ્યાન શરમ સંકોચ પરથી આત્મવિકાસ પર કેન્દ્રીત થઈ જશે. પછી તમને લોકોથી ડર લાગશે નહી.

૯) બીજા લોકો સાથે પોતાની તુલનાઓ ન કરો. જો તુલનાઓ કરશો તો ઉચ નીચનો ભાવ ઉત્પન્ન થશે જે તમારો આત્મવિશ્વાસ છીનવી લેશે. તેના કરતા જો તમે પોતાની પોતાના ભુતકાળ સાથે તુલના કરી એ વાત જાણવાનો પ્રયત્ન કરો કે ભુતકાળમા આપણને શું આવળતુ હતુ અને હવે આપણને કેટલુ આવળે છે તો તમને તમારામા ચોક્કસથી સુધારો જોવા મળશે જે તમને હજુ વધારે આગળ વધવાની પ્રેરણા પુરી પાળશે.

૧૦) જો ભુતકાળમા કોઈ કામમા ભુલ કરી હોય અને તેવુજ કામ ફરી પાછુ કરવાનુ આવી પડે તો ત્યારે ગભરાઈ જવાને બદલે મને ભુતકાળની ભુલોને દુર કરવા માટે ભગવાને બીજી તક આપી છે તેમ કહી પોતાને ભાગ્યશાળી સમજવા જોઈએ. આ રીતે તક પારખુ નજર વિકસાવી પોતાને ભાગ્યશાળી સમજવાથી પરીસ્થિતિઓનો દ્રઢતાથી સામનો કરી શકાતો હોય છે.

૧૧) લોકો શું કહેશે તેમ વિચારી ડરવાને બદલે લોકો જે કંઈ પણ કહેશે તેમાથી મને શું લાભ મળશે, મને શું નવુ શીખવા સમજવા કે માર્ગદર્શન મળશે તે સમજવાનો પ્રયત્ન કરો. આ રીતે પોતાને કંઈક નવુ માર્ગદર્શન કે ટીપ્સ મળશે જે આપણા શરમ સંકોચ દુર કરવા મદદરૂપ થશે.
ક્રમશઃ