Darek khetrama safdata - 7 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 7

સારી ઈમેજ વિકસાવો

એક ગામ હતુ. તેમા એક છોકરો દરરોજ ઘેટા બકરા ચરાવવા જંગલમા જતો હતો. એક દિવસ કોણ જાણે તેને શું સુઝ્યુ તે ગામના લોકોની મશ્કરી કરવાનો તેને વિચાર આવ્યો. તેણે ઘણો વિચાર કર્યો કે કઈ રીતે ગામના લોકોની મશ્કરી કરી શકાય! અચાનકથી તેને એક યુક્તી સુઝી એટલે તે જ્યાં ઘેટા બકરા ચરતા હતા ત્યાં એક ઝાડ પર બેસી "વાઘ આવ્યો વાઘ આવ્યો, બચાવો બચાવો તેવી બુમો પાડવા લાગ્યો. છોકરાની આવી બુમો સાંભળીને ગામના લોકોતો લાકડી, ધારીયા જે હાથમા આવે તે હથીયાર લઈને પેલા વાઘને ભગાળવા માટે દોડ્યા. પણ આ શું ? પેલા છોકરા પાસે જઈને જુએ છે તો વાઘ ક્યાંય દેખાતોજ નથી. આ જોઇ ગામના લોકો તે છોકરાને પુછવા લાગ્યા, ક્યાં છે વાઘ, ક્યાં છે વાઘ ? આ સાંભળી છોકરો જોર જોરથી હસવા લાગ્યો અને બોલ્યો કે વાઘતો ક્યાંય છે જ નહિ. હુતો ખાલી મજાક કરતો હતો. છોકરાની આવી વાતો સાંભળીને ગામના લોકો ખુબ ગુસ્સે ભરાણા અને ફરી પાછુ આવુ ન કરવાની ચેતવણી આપી ત્યાંથી ચાલતા થયા.

હવે બીજો દિવસ થયો. આ છોકરો ફરી પાછા પોતાના ઘેટાં બકરા લઈ જંગલમા ચરાવવા ગયો. ફરી પાછી તેને પહેલા જેવીજ મજાક કરવાની ઈચ્છા થઈ એટલે તે જોર જોરથી "વાઘ આવ્યો વાઘ આવ્યો, તે મારા ઘેટાં બકરાને મારી નાખશે તેવી બુમો પાડવા લાગ્યો. છોકરાની બુમો સાંભળી ગામના લોકો વિચારવા લાગ્યા કે ખરેખર વાઘ આવ્યો હશે કે શું ? તેમ વિચારી તેઓ જડપથી દોડીને પેલા છોકરા પાસે પહોચી ગયા અને પુછવા લાગ્યા કે ક્યાં છે વાઘ, બતાવ અમને. આ સાભળી પેલો છોકરોતો ફરી પાછો હસવા લાગ્યો અને એવુ બોલ્યો કે વાઘતો ક્યાંય છેજ નહી, એ તો હું મજાક કરતો હતો. આ સાંભળી ફરી પાછા ગામના લોકો ગુસ્સે ભરાણા અને બબડતા બબડતા ત્યાંથી ચાલ્યા ગયા.
હવે ત્રીજો દિવસ થયો.

પેલો છોકરો ફરી પાછો પોતાના ઘેટાં બકરા લઈ જંગલમા ચરાવવા ગયો. તે જ્યારે બકરા ચરાવી રહ્યો હતો ત્યારે અચાનક મોટો ખૂંખાર વાઘ આવી ચઢ્યો અને તેના ઘેટાં બકરાને પકડીને મારવા લાગ્યો. આ બધુ જોઈ છોકરોતો ખુબ ડરી ગયો અને જોર જોરથી વાઘ આવ્યો વાઘ આવ્યો તેવી બુમો પાડવા લાગ્યો. પણ છોકરાની આવી બુમો સાંભળી ગામના લોકો તેને બચાવવા આવ્યા નહી કારણકે તેમને એમ લાગતુ હતુ કે આ છોકરો આજે પણ મજાકજ કરી રહ્યો છે. આમ ગામના લોકો તેને બચાવવા ન આવ્યા અને વાઘે ઘણાબધા ઘેટાં બકરા મારી નાખ્યા.

હવે અહી સવાલ એ થાય છે કે શા માટે લોકો પેલા છોકરાને બચાવવા ન આવ્યા? શા માટે લોકો છોકરાની વાતનો વિશ્વાસ નથી કરતા ? તો તેનો જવાબ એ છે કે લોકોના મનમા પેલો વ્યક્તી ખોટો છે, અફવાબાજ છે તેવી છાપ પડી ગઈ છે. તેની આવી છાપને કારણેજ લોકો તેનો વિશ્વાસ કરવા કે મદદ કરવા તૈયાર થતા નથી. જો તેની આવી છાપ ન પડી હોત તો લોકો જરૂર તેને પહેલાની જેમ મદદ કરવા દોડી આવેત. આમ ઘણી વખતતો વ્યક્તીની છાપજ તેની સફળતા-નિષ્ફળતા કે ફાયદા-નુક્શાનનુ કારણ બનતી હોય છે. માટે ગમે તે થઈ જાય પણ આપણે ખોટા માણસ છીએ, નકામા, આળસુ, બેપરવાહ, બેપડિયા, અપ્રામાણિક કે નુક્શાનકારક છીએ તેવી છાપ ક્યારેય પડવા દેવી જોઇએ નહી. જે વ્યક્તી પર આવુ લેબલ લાગી જતુ હોય છે તેઓને પછી કોઇ સાથ સહકાર આપવા તૈયાર થતુ હોતુ નથી.

અર્થ

"તમે કેવા માણસ છો તેવો પ્રશ્ન પુછતા લોકોના મનમા સૌથી પહેલો જે વિચાર આવે તે છે તમારી ઇમેજ". મોટા ભાગના લોકો આવી ઇમેજને આધારેજ કોઈને સાથ આપવા કે તેનો વિરોધ કરવા પ્રેરાતા હોય છે.