Aatanakvaadii books and stories free download online pdf in Gujarati

આતંકવાદી

--------------------------------। આતંકવાદી ।------------------------------------------------------------

---- અર્જુનસિંહ.કે.રાઉલજી.

અમીએ જે વાત કરી તે સાંભળીને તો રાજબા ફફડી ઉઠ્યાં , તેમનો એકનો એક દિકરો , ઠાકોર વિરેંદ્રસિંહનો વારસ અને તે પણ આતંકવાદી ...! ઠાકોર વિરેંદ્રસિંહે દુશ્મન રાષ્ટ્રમાં ઘૂસીને , પોતાનું ફાઇટર પ્લેન ઘુસાડીને દુશ્મનના છક્કા છોડાવી દીધા હતા , દુશ્મનનાં કેટલાય અગત્યનાં સ્થાનો જમીનદોસ્ત કરી નાખ્યાં હતાં અને એ આરપારની લડાઇમાં તેમણે શહીદી વહોરી લીધી હતી , તેમને ખબર હતી કે એક વખત દુશ્મનના પ્રદેશમાં પોતાનું ફાઇટર પ્લેન ઘૂસાડ્યા પછી તેમાંથી બચીને હેમખેમ પાછા નીકળવું તેમના માટે અશક્ય હતું , છતાં તેમણે આ સાહસ કર્યું હતું ,અને સામે ચાલીને શહીદ થયા હતા . .. અરે ...! એટલું જ નહીં ,પણ પોતાના કુટુંબની આર્થિક હાલતથી તેઓ ક્યાં અજાણ હતા ?! તેમને ખબર હતી કે તેમના મ્રુત્યુ પછી તેમની પત્ની અને એકના એક પુત્રને આર્થિક સંકડામણનો સામનો કરવો પડશે , પાઇ પાઇ માટે પણ તેમણે ઓશિયાળા થવું પડશે ...! તો પણ તેમણે આ શહીદી વહોરી લીધી હતી . તેમણે કુટુંબની સરખામણીમાં રાષ્ટ્રને વધારે મહત્ત્વ આપ્યું હતું . એવા શહીદ વિરેંદ્રસિંહનો ;લાડકો યજેન્દ્ર આતંકવાદી ...! પોતાના બાપના આત્માને પણ શાંતિ નહીં મળે – એટલો પણ તેણે વિચાર ના કર્યો ...! રાજબા મનોમન પોતાના દિકરા યજેંદ્ર ઉપર ફિટકાર વરસાવતાં હતાં ,અને પોતાની કૂખ લજાવનાર એ દિકરાને ગાળો દેતાં હતાં , સાથે સાથે ભગવાનને એવી પણ વિનંતી કરતાં હતાં કે – ભગવાન કરેને આ સમાચાર ખોટા પડે ...! પણ થાય શું ? જે સમાચાર અમી લાવી હતી તે સાચા જ હતા , અમી કહેતી હતી કે તેણે યજેંદ્રને કોઇક આતંકવાદી સંગઠન આઇ.એસ. આઇ. કે એવુંજ કાંઇક સાંભળ્યું હતું તેના માણસ સાથે મોબાઇલ ઉપર વાત કરતો સાંભળ્યો હતો ... ક્યાંક કોઇક જગ્યાએ બોમ્બ મૂકવાની વાત હતી અને બદલામાં તેને કાંઇક લાખ કે બે લાખ રૂપિયા આપવાની વાત પણ થતી હતી ,તેમાં અડધા પૈસા પહેલાં અને અડધા પૈસા પછી ..! તેણે છૂપાઇને આ વાત સાંભળી હતી .અમી યજેંદ્રની મંગેતર હતી ,રાજબાએ યજેંદ્રનો વિવાહ અમી સાથે કર્યો હતો ,અને યજેંદ્ર નોકરીએ લાગે પછી તરત જ લગ્ન પણ કરી નાખવાનાં હતાં . જો કે રાજબાએ તો તાત્કાલિક લગ્ન કરી નાખવાનું જ કહ્યું હતું – કારણ તેમની તબીયતનું ઠેકાણું નહોતું , તેમને આંતરડાનું કેન્સર થયું હતું અને ડોક્ટરનું કહેવું હતું કે જો વહેલી તકે ઓપરેશન કરાવવામાં નહીં આવે તો કેન્સર આખા આંતરડામાં ફેલાઇને આંતરડાને નકામું બનાવી દેશે ,એવા સંજોગોમાં પછી રાજબાનું બચવું મુશ્કેલ બની જશે , અને ઓપરેશનનો ખર્ચો સાંભળીને જ રાજબાનાં છાતીનાં પાટીયાં બેસી ગયાં હતાં – દોઢથી બે લાખ રૂપિયા ...! આટલા બધા પૈસા કાઢવા ક્યાંથી ? ઠાકોર વિરેન્દ્રસિંહ શહીદ થયા ત્યારે આવેલા બધા જ પૈસા – તેમના ફંડ, ,ગ્રેજ્યુએટી ,સરકાર તરફથી શહીદ તરીકે મળેલી મદદ ,એ બધી રકમ તો તેમની દિકરી રમાબાને પરણાવવામાં જ વપરાઇ ગઇ હતી . ઠાકોરસાહેબને શહીદ થયે પણ ખાસ્સાં બાર-તેર વર્ષ વીતી ગયાં હતાં , એટલે તેમાંથી તો એકપણ પૈસો બચાવેલો નહોતો. વિરેંદ્રસિંહનું જે પેન્શન આવતું તેમાં જ ઘરના બધા ખર્ચા કાઢવાના ...!બીજી કોઇ મિલ્કત , જમીન કે રોકડ રકમ તો ઠાકોર મૂકી ગયા નહોતા કે જેના સહારે રાજબા પોતાનાં સંતાનો સાથે સુખેથી જીવી શકે ,એ તો સારૂં હતું કે ઠાકોરસાહેબનું પેન્શન આવતું હતું એટલે તેમાંથી ઘરખર્ચ જેટલી રકમ મળી રહેતી હતી .પણ .... રમાબાને પરણાવ્યા પછી તો તેમના લગ્નમાં જે થોડું ઘણું દેવું થયું હતું તે પાછું વાળતાં વાળતાં તો રાજબાને નાકે દમ આવી ગયો હતો ...! અને તેમાં ય યજેંદ્રના ભણવાનો ખર્ચ ,હવે તો આ જમાનામાં ભણતર ખૂબ મોંઘું થઇ ગયું હતું છતાંય રાજબાએ યજેંદ્રને ક્યારેય એવું લાગવા દીધું નહોતું કે તેને ભણાવવામાં તેમને કેટલી તકલીફ પડે છે ...?! તેને એન્જીનીયર થવું હતું ,સરકારી કોલેજમાં તો તેને એડમીશન ના મળ્યું એટલે રાજબાએ તેને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જંગી ફી ભરીને પણ ભણવા મૂક્યો , ભલે દેવું થતું , પણ દિકરાની ઇચ્છા તેમના માટે મહત્ત્વની હતી ,તેમણે બાપદાદાનું આ મકાન ગીરો મૂકી દીધું અને યજેંદ્રને ભણાવ્યો .તે ભણતો હતો ત્યાં સુધી તો રાજબાએ તેને ખબર પડવા દીધી નહોતી કે તેમણે આ ઘર તેને ભણાવવા ગીરો મૂક્યું છે ,તેમના પોતાના દાગીના વેચી દીધા છે ...પણ તે ભણી રહ્યો ... પછી નોકરી માટે દોડાદોડી કરવા માંડ્યો , પણ હાય રે નસીબ....! બેકારી એટલી બધી હતી કે એક જગ્યા પડી હોય ત્યાં પચાસ ઉમેદવારો આવીને ઉભા રહે . યજેંદ્ર પ્રયત્ન કરતો જ રહ્યો ,અને તેને નિષ્ફળતા મળતી જ રહી ... બિચારો યજેંદ્ર કરે તો પણ શું કરે ? તેને ધીરે ધીરે માએ કરેલા દેવાની ખબર પડી ,તેનો પોતાનો અંતરાત્મા તેને જ ડંખવા માંડ્યો... આટલો યુવાન દિકરો કામધંધા વિના ઘરમાં બેસી રહે તે ક્યાંથી ચાલે ? માથે દેવું હતું , વ્યાજનું ચક્ર ચાલતું જ હતું ,પણ એ વિષચક્રમાંથી છૂટવાનો કોઇ ઉપાય યજેંદ્રને મળતો નહોતો...!

રાજબા પોતાના પુત્રની માનસિક હાલતથી પૂરેપૂરાં માહિતગાર હતાં ,તે મૂંઝાતો હશે ... શું કરવું ? તેનો કોઇ ઉપાય તેને મળતો નહીં હોય ,અને એવામાં રાજબાને કેન્સર થયું , તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે તેવી હાલત હતી ,આથી બિચારો યજેંદ્ર ભાગી પડ્યો હશે , તે કરે તો પણ શું કરે ? એવા સંજોગોમાં તેને કદાચ આવા કોઇક આતંકવાદી સંગઠન તરફથી ઓફર મળી હશે ... આવાં સંગઠનો તો આવા યુવાનોની શોધમાં જ હોય છેને ? અને એમાંય આ તો એન્જીનીયર થયેલો ,પછી તેને ખરીદી જ લેને ?એમાં જ તેમનો યજેંદ્ર ફસાઇ ગયો હશે ...?!

શું કરવું ? તેની રાજબાને કશી જ સમજ પડતી નહોતી ..! તેમને એક વિચાર આવ્યો અને તેનો તેમણે તરત જ અમલ કર્યો . અમીને પૂછીને કયા સમયે પેલો ફોન આવ્યો હતો તે જાણીને રાતે જ્યારે યજેંદ્ર ઉંઘતો હોય ત્યારે તેના મોબાઇલમાંથી એ નંબર કાઢી તેણે જેની સાથે વાત કરી હોય તેની સાથે પોતે વાત કરવી એટલે કદાચ સાચી વાત જાણવા મળે ...! તેમણે અમીને ફોન કરીને આ વાત કરી તો તે હસવા લાગી – મમ્મીજી ,આ લોકો બહુ હોંશિયાર હોય છે , યજેંદ્રએ પણ ફોન કરીને તરત જ પોતાના મોબાઇલમાંથી સીમકાર્ડ કાઢી લીધું હતું ., એટલે તમારો આ પ્રયત્ન નિષ્ફળ જ થશે ..! રાજબા નિરાશ થઇ ગયાં , એક આશા હતી તે પણ નિષ્ફળ નીવડી .રાજબાને સમજ નહોતી પડતી કે આવા સંજોગોમાં શું કરવું ? દિકરાને વિનાશના માર્ગેથી ,રાષ્ટ્ર્દ્રોહના માર્ગેથી કેવી રીતે પાછો વાળવો ? એક બાજુ નોકરી મળતી નહોતી – બી.ઇ. થયો છતાં ,બીજી બાજુ માના ઓપરેશનનો ખર્ચ ... બાપ તો ગુમાવેલો જ હતો આથી હવે તે મા ગુમાવવા માગતો નહીં હોય એટલે જ તેણે આ શોર્ટકટનો માર્ગ અપનાવ્યો હશેને ?પણ તેને કેવી રીતે સમજાવવો કે – દિકરા તેં જે માર્ગ અપનાવ્યો છે તેમાં તો માત્ર વિનાશ જ છે , તારો પોતાનો વિનાશ ,કુટુંબનો વિનાશ અને સૌથી વધારે તો દેશનો વિનાશ ...?! એક શહીદ થયેલા સૈનિકને તું આ રીતે શ્રધ્ધાંજલિ આપવા માગે છે ? તારા બાપના આત્માને તારા આ ક્રુત્યથી કેટલું દુ:ખ થશે –તેનો વિચાર કર્યો છે ખરો ? પણ આ વાત યજેંદ્રને કેવી રીતે કહેવી - તેણે તેમને ક્યાં કહ્યું હતું કે તે પૈસા માટે આતંકવાદી બનવા તૈયાર થયો છે ...! આ તો અમીએ સાંભળેલી વાત છે અને તેના ઉપરથી એ સાસુ-વહુએ કરેલું અનુમાન છે ...! યજેંદ્રએ તો તેમને માત્ર એટલું જ કહ્યું હતું કે – તેને એક સારી નોકરીની ઓફર મળી છે અને તે કાલે વહેલી સવારે જવાનો છે , જો આ નોકરીમાં તેને સફળતા મળશે તો તેમનો અને તેમના ઘરનો આર્થિક ઉધ્ધાર થઇ જશે , બધું દેવું ચૂકવાઇ જશે ..! રાજબાએ ઘણો પ્રયત્ન કર્યો કે ક્યાં નોકરી મળી છે ? શું કામ કરવાનું છે ? કામ કેવું છે ?પણ યજેંદ્રએ આ બધા જ પ્રશ્નોનો માત્ર એક જ ઉત્તર આપ્યો હતો – હું આવીને તમને બધી જ માહિતી આપી દઇશ ... તમારા બધા જ પ્રશ્નોના જવાબ પણ આપીશ . .... આવું કહીને માને અધ્ધર વિચારોમાં અટવાતી છોડી ,બીજા દિવસે તે તો ચાલ્યો ગયો – રાજબાએ તેને કાલાવાલા કરીને કહ્યું પણ ખરૂં કે નોકરી ના મળે તો કાંઇ નહીં ,ઓપરેશન વગર હું કાંઇ મરી જવાની નથી અને આપણે ભૂખે પણ મરવાનાં નથી ,માટે તારા બાપાના આત્માને દુ:ખ થાય એવું દેશદ્રોહનું કોઇ કામ તું ના કરતો પણ ...! યજેંદ્રએ તેમની એ વાતનો પણ કોઇ ઉત્તર ના આપ્યો ...! અને બીજા દિવસે સવારમાં તો તે રાજબાના આશીર્વાદ લઇને નીકળી ગયો .

-----------------------------------------*------------------------------------------*------------------

યજેંદ્ર તો માના આશીર્વાદ લઇને ગયો તે ગયો ... બે દિવસ ... ચાર દિવસ ... દસ દસ દિવસ વીતી ગયા પણ યજેંદ્રનો કોઇ પત્તો કે સમાચાર નહીં , દિકરાની ચિંતામાં રાજબા પોતાનું કેન્સરનું દર્દ પણ ભૂલી ગયાં . તેમને હવે એમ લાગવા માંડ્યું કે આ કેન્સરથી બચી શકાય એમ નથી ,તેનું ઓપરેશન થઇ શકે તેવી તો કોઇ જ શક્યતા નથી પણ આ કેન્સરના કારણે કદાચ તેમણે દિકરો ગુમાવવાનો વારો ના આવે તો સારૂં...! કારણકે તે જે કામે ગયો છે તે કામમાં જીવનું જોખમ પૂરેપૂરૂં છે .અમી કહેતી હતી તે પ્રમાણે તો જો તે બોંબ મૂકવાના કામે ગયો હોય અને બોંબ ફાટી જાય તો પણ તેનો જીવ જોખમમાં અને પોલિસના હાથે પકડાઇ જાય તો જેલમાં જિંદગીભર સડ્યા કરે , ક્યાંક સામાસામા ગોળીબાર થાય અને તેમાં પણ જો તેને ગોળી વાગી જાય તો મ્રુત્યુ પણ પામે ,અથવા ઘાયલ થાય ...! રાજબાનો જીવ ફફડતો હતો .તેમને હવે યજેંદ્રના પાછા આવવાની આશા જ રહી નહોતી . તેઓ રાતે ઉંઘી પણ શકતાં નહોતાં ,અચાનક ઉંઘમાંથી જાગી જતાં – કોઇક બારણું ખખડાવતું હોય અથવા ડૉરબેલ વાગતો હોય તેવો તેમને ભાસ થતો .અરે ! આખો દિવસ પણ બેચેનીમાં જ વિતાવતાં ,ના ખાવાનું ભાવે ,ના પીવાનું ... ચિત્ત પણ બેચેન બની ગયું હતું , કોઇ કામમાં દિલ લાગતું નહોતું , અડધાં પાગલ જેવાં થઇ ગયાં હતાં રાજબા , તેમને તો મનમાં તો એમ જ થઇ ગયું હતું કે કદાચ મરતાં પહેલાં યજેંદ્રનું મોં પણ જોવા નહીં મળે , તેઓ ક્યારેય પોતાનો મોબાઇલ સાથે લઇને ફરતાં નહોતાં , મોબાઇલ તો ટેબલ ઉપર જ પડી રહેતો તેઓ હવે મોબાઇલ હાથમાંથી મૂકતાં નહોતાં , અરે ..! એટલું જ નહીં વારંવાર મોબાઇલને સ્ક્રીન ચેક કરતાં રહેતાં હતાં ,મોબાઇલ સાયલન્ટ મોડમાં તો જતો રહ્યો નથીને તે તો દિવસમાં કેટલીય વાર અડધા અડધા કલાકે ચેક કરતાં હતાં ,ક્યાંક મારા યજેંદ્રનો ફોન મીસ ના થઇ જાય ...! એ વિચારે જ તેઓ ગભરાઇ ઉઠતાં .ક્યારેય ટી.વી. ઉપર સમાચાર ના જોનારાં રાજબા આખો દિવસ ન્યુઝ ચેનલો જ જોયા કરતાં હતાં ક્યાંક બોંબ બ્લાસ્ટ તો નથી થયોને ? રાતે પણ મોડા સુધી સમાચાર જોયા કરતાં હતાં . દિવસે દિવસે તેમનું દર્દ પણ વધતું જતું હતું ,હવે તો ખોરાક પણ લેવાતો નહોતો ... પ્રવાહી પણ લઇ શકાતું નહોતું . તો પણ તેમને પોતાના દુ:ખ કરતાં યજેંદ્રની ચિંતા વધારે હતી . તેમને મનમાં એવું ઠસી ગયું હતું કે પોતાના લાડકવાયા યજેંદ્રની આ હાલત માટે તેઓ પોતે જ જવાબદાર હતાં . તેમનો દિકરો માત્ર અને માત્ર માના માટે જ, માના કેન્સરને મટાડવા જ ,ઓપરેશનનો ખર્ચ કાઢવા જ આતંકવાદના શરણે ગયો છે , પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે . પણ હવે આ બાબતમાં તેમનાથી કાંઇ થઇ શકે તેમ નહોતું , તીર કમાનમાંથી નીકળી ચૂક્યું હતું ,અને હવે તે તેમના યજેંદ્રને નુકશાન પહોંચાડ્યા સિવાય પાછું આવવાનું નથી . રાજબાને પોતાને પોતાની જાત ઉપર જ નફરત થતી હતી . આવી પરિસ્થિતિનું નિર્માણ થયું એના કરતાં તો પોતાનું મોત આવી ગયું હોત તો સારૂં ...! તેમને પોતાની જાત ઉપર , પોતાના અસ્તિત્વ ઉપર જ ધ્રુણા થવા માંડી હતી . છેવટે તે દિવસે રાત્રે એક વાગ્યે ... તેમનો મોબાઇલ રણકી ઉઠ્યો , તેઓ અર્ધજાગ્રુત અવસ્થામાં જ હતાં , તરત જ મોબાઇલ ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો –“ કોણ રાજબા ભાભીસાબ બોલો છો ? “

“હા..”ઉચક જીવે જ તેમણે જવાબ આપ્યો . મન તો ઠેકાણે નહોતું – કોનો ફોન હશે , શું સમાચાર હશે ?

“ ભાભીસાબ ...હું જોરાવરસિંહ બોલું છું ,ઠાકોર વિરેંદ્રસિંહના મદદનીશ તરીકે મેં ચાર વરસ કામ કર્યું હતું , એકાદ વખત તમારા કવાર્ટર ઉપર પણ આવ્યો હતો ,જો તમને યાદ હોય તો ... મૂછોવાળો , કરડાક ચહેરો , ડાબા ગાલ ઉપર કપાવાનું નિશાન , માંજરી ખતરનાક આંખો ...ચાલો એ વાત છોડો ,એ તો હું તમને રૂબરૂ મળીશ એટલે ઓળખી કાઢશો ...પણ આપને એક શુભ સમાચાર આપવાના છે ,મેં રિટાયર્ડ થયા પછી એક સંસ્થા સ્થાપી છે – ઇન્ટરનલ સિક્યોરિટી ઇન્ટરનેશનલ... જેના દ્વારા હું રાષ્ટ્રની આંતરીક સુરક્ષા ચકાસવાનું કાર્ય કરૂં છું ,તમારા યજેંદ્રને મેં એક ખૂબ જ મહત્વનું કાર્ય સોંપ્યું હતું અને તે પણ તેના બાપાની માફક જ આતંકવાદી ટોળીમાં સામેલ થઇ આતંકવાદીના એકસાથે પંદર જણને પકડાવ્યા છે , તેને આ બદલ મોટું ઇનામ પણ મળ્યું છે , અને સરકારે તેના આ કામના બદલામાં ભૂમિદળના ટેકનીકલ ઓફિસર તરીકે નિમણુંક પણ આપી છે , સવારે અમે આવીએ છીએ તમને લેવા અને તમારો ઇલાજ કરાવવા ,આ તો યજેંદ્રને તમારી બહુ ચિંતા થતી હતી એટલે પ્રોજેક્ટપૂરો થયો તે સાથે જ તમને ફોન કર્યો ..”

“ સાચી વાત છે ભાઇસાબ ... સિંહની ગુફામાં સિંહ જ પેદા થાય .. ઉંદર નહીં ..’ અને તેઓ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યાં .

----- અર્જુનસિંહ.કે.રાઉલજી.

42 , ક્રુષ્ણશાંતિ સોસાયટી-2 , મુજમહુડા , અકોટા રોડ ,

વડોદરા-390020 (મો) 9974064991