avykt books and stories free download online pdf in Gujarati

અવ્યક્ત

----------------------------------------। અવ્યક્ત ।-----------------------------

--- અર્જુનસિંહ.કે.રાઉલજી.

જજશ્રી જોરૂભા ઝાલા અચાનક જ અવ્યક્ત થઇ ગયા ..માત્ર અવ્યક્ત ..! કોઇ અદશ્ય કે અલોપ ના સમજે ..! નથી તો તે ગાયબ થઇ ગયા , માત્ર અવ્યક્ત . તેમણે પોતાના અસ્તિત્વનો એક ટુકડો આખા જગતના મોટા ટુકડાથી અલગ કરી દીધો , એક નાના અતિસૂક્ષ્મ ટુકડામાં તેઓ સંકોચાઇ ગયા , ક્યાં ગયા હતા ?બધાંને નવાઇ લાગતી હતી . જોરૂભા એટલે જોરૂભા –એક સમાસ બની ગયા હતા , બધાં માટે ઉદાહરણ . કદાચ કલિકાળના ગાંધી કહીએ તો પણ ચાલે .ઘડીયાળના કાંટે ચાલનારા . લોકો તો કહેતા –તમારે ઘડીયાળમાં ટાઇમ મેળવવો હોય - ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ , તો જોરૂભાના પગલે પગલે મેળવવો .મળસ્કે બરાબર ચાર વાગે ઉઠી જનારા . કદાચ ઘડીયાળ પણ તે ઉઠે ત્યારે જ ચાર વગાડતી હશે ..! બધીજ વિધિ અને બધીજ ક્રિયાઓ તેમની નિયમિત .બગાસાંને પણ તેમના સૂતા પહેલાં સાડા નવ વાગ્યે આવવાની છૂટ નહીં ..! બરાબર દસ વાગ્યે તો તેઓ પલંગમાં આડા પડે ,અને બસ પાંચ જ મિનિટમાં તેમનાં નસકોરાં બોલવા માંડે . તેમનાં ઘરવાળાં રંજનબા તો કાયમ કહેતાં –કે-આપણને લાગે કે જજસાહેબ જાગે છે ,આપણી સાથે વાતો કરતા હોય , અને બીજી જ મિનિટે તો તેમનાં નાકનાં નસકોરાં બોલતાં હોય ..!

માત્ર એટલું જ નહીં પણ પોતાના સામાજિક જીવનમાં પણ તેઓ સિધ્ધાંતોનું પૂછડું . !ક્યારેય ખોટું ના કરે , કોઇ તેમણે ખોટું કર્યું છે –એવું કહે તો પણ માને નહીં .અરે ..! જો તેઓ ખુદ કહે –મેં ખોટું કર્યું છે તો પણ કોઇ માને નહીં ..! વકીલાત કરતા હતા તે જમાનામાં પણ તેઓ ક્યારેય ખોટી રીતે , ખોટા પુરાવાઓ ભેગા કરી કે ખોટા સાક્ષીઓ ઉભા કરી કેસ જીત્યા નહોતા ,કે કેસ જીતવાનો પ્રયાસ પણ કર્યો નહોતો . આથી જ તેમને તકલીફ પડતી . તેઓ તો કાયમ કહેતા –મને ખોટા પુરાવા ઉભા કરતાં આવડતું નથી ,ખોટા સાક્ષીઓ ઉભા કરતાં આવડતું નથી ,સત્ય તો હંમેશાં છાપરે ચઢીને પોકારે ..અને હું સત્યની એ પોકાર જજસાહેબના બહેરા કાન સુધી લઇ જવાનો જ પ્રયત્ન કરૂં છૂં , ... પછી ડગલેને પગલે જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય , સત્ય વેશ્યાના કોઠા ઉપર વેચાતું હોય ત્યાં તેઓ કેસ કેવી રીતે જીતી શકે ? તેમને કેસ ક્યાંથી મળે ? અને એમાં મરો થતો બિચારાં રંજનબાનો ..! ઘરમાં હાંડલાં કુસ્તી કરતાં હોય , કોઠીમાં તળિયું દેખાતું હોય તો પણ જોરૂભા ઝાલાનું તો રૂંવાડુંયે ના ફરકે . તેમાં વળી જજની પરીક્ષા આપી અને નસીબ વળી પાધરાં તે કોઇની કોઇપણ પ્રકારની સિફારીશ વગર જ સિલેક્ટ થઇ ગયા . આથી રંજનબાનું તો નસીબ જ ફરી ગયું . ઘરમાંથી ખર્ચનો કકળાટ તો કાયમ માટે દૂર થઇ ગયો . નકામી કાલની ચિંતા કરવાનું તો ટળ્યું .ઉપરથી રંજનબાનાં માનપાન વધી ગયાં તે છોગામાં . ઘર પાંચમાં પૂછાતું થઇ ગયું .પણ ... કોઇ તેમની પાસેથી મદદની આશા રાખી શકે નહીં .સાચું હોય તો પણ ..! જોરૂભાનો એક જ જવાબ હોય –સાચું હોય તો ચિંતા કરવાની જરૂર નથી ,સત્યનો તો હંમેશાં વિજય જ થવાનો છે ..! એ જોરૂભા અવ્યક્ત થઇ ગયા ..! ક્યાં ગયા હશે ?એ પ્રશ્ન કરતાં શા માટે ? એ પ્રશ્ન વધારે નવાઇનો હતો –સાંભળનારાં દરેક માટે ..! કેમ ?! જોરૂભા ક્યારેય જીવનમાં પલાયનવાદી નહોતા – તો પછી શા માટે અવ્યક્ત થઇ ગયા ? પોતાની આસપાસ નાના અમથા કોચલામાં શા માટે પુરાઇ ગયા ..! સાંભળનારાં બધાં માટે તેઓ પોતે જ એક આશ્ચર્યચિન્હ કેમ બની ગયા ? કોઇપણ વ્યક્તિ જજસાહેબને શોધતી આવે તો તેમના બંગલેથી માત્ર એક જ જવાબ મળતો – જય માતાજી , પણ જોરૂભા બાપુ નહીં મળે ..! ક્યાં ગયા –એવું પૂછો તો તેનો માત્ર એક જ જવાબ – ખબર નથી ,ક્યારે મળશે ? તો પણ એજ યુનિવર્સલ જવાબ- ખબર નથી ..! બંગલાના બધાજ નોકરો , તેમનો સેક્રેટરી –કોઇ કરતાં કોઇને કશીજ ખબર નહોતી કે જોરૂભા બાપુ ક્યાં ગયા છે ? ક્યારે આવશે ? શા માટે ગયા છે ? કોઇ પ્રશ્નોનો જવાબ કોઇ પાસે નહોતો – ન તો ઘરનાં પાસે , ના કોર્ટનાં પાસે ..!

આ ઘટનાની શરૂઆત તો એક અઠવાડિયા પહેલાં થઇ હતી .તે રાત્રે – જોરૂભા ઘસઘસાટ નીંદરમાં હતા ,રાતના અગિયારેક વાગ્યાનો સમય થયો હતો અને તેમના બંગલાનો લેન્ડ લાઇન ફોન રણકી ઉઠ્યો . વોચમેને તે ઉપાડયો –“ હલો ,મી સખારામ ..” સામેનો છેડો તો લગભગ ગર્જ્યો જ, “સખારામકી ઐસીકી તૈસી .. જોરૂભા બાપુને ફોન આપ ..’ “ બાપુ તો ઉંઘે છે ,અને મને તેમને ઉઠાડવાની આજ્ઞા નથી .’ તેના જવાબમાં ફોનમાંથી જાણેકે ગુસ્સો જ બહાર આવ્યો ,” આજ્ઞાની પૂંછડી .. કહી દેજે કે તમારા જમાઇનો ફોન છે એટલે ઉઠાડ્યા છે ..”

સખારામે બીતાં બીતાં સાહેબને ઉઠાડ્યા અને ફોનનું રિસીવર તેમના હાથમાં આપ્યું . જેવો તેમણે ફોન કાને માંડી “ હલ્લો “ કર્યું તે સાથે જ જાણેકે રિસીવરમાંથી વિસ્ફોટ થયો – “ આ તમારા પી.આઇ.એ મને એરેસ્ટ કર્યો હતો ,તેને મોં બંધ કરવાની કિંમત આપી હું છૂટી તો ગયો છું ,પણ મારો કેસ તમારી કોર્ટમાં જ આવવાનો છે , અને હું તમારો જમાઇ છું – સોલંકી ..ઓળખો તો છોને ? નામ તો સાંભળ્યું જ હશેને ? તમારે કશું કરવાનું નથી પણ મને નિર્દોષ છોડવાનો છે –તમે જે ડોક્યુમેન્ટ માગશો તે મળી જશે ..’ જોરૂભા ફફડી ઉઠ્યા. આટલાં વરસ પછી સોલંકી ..? તેમનો જમાઇ ? તેમની એકની એક દિકરી રીનાનો સુહાગ ..! રીનાએ તેમની અને રંજનબાની મરજી અને આજ્ઞા વિરૂધ્ધ ભાગી જઇને આ સોલંકી સાથે રજિસ્ટર મેરેજ કર્યાં હતાં – મેરેજ રજિસ્ટર થયા પછી રીનાનો ફોન આવ્યો હતો કે એ લોકોને જો આ લગ્ન મંજૂર હોય તો જ આશીર્વાદ લેવા બંગલે આવે . તેઓ કાંઇ કહે તે પહેલાં જ રંજનબાએ તેને કહી દીધું હતું કે તેમણે બંગલે આવવાની કોઇ જરૂર નથી ,તેમના માટે તે મરી ચૂકી છે અને તેમણે બંનેએ તેના નામનું નાહી નાખ્યું છે .રંજનબા જુસ્સામાંને જુસ્સામાં બોલી તો ગયાં હતાં આવું પણ તેમને તેનો ઘણો મોટો આઘાત લાગ્યો હતો ,એ આઘાતના કારણે જ તે રાતે તેમને એટેક આવ્યો અને જોરૂભા ઝાલા જીવનમાં એકલા પડી ગયા .એ રીનાનો ઘરવાળો તેમને ફોન કરતો હતો .તે ડોન છે ,આંતર રાષ્ટ્રીય ગુનેગાર છે ,ખૂની અને દાણચોર છે –એવી બધી વાતો તેમણે સાંભળી હતી ,આજે પહેલીવાર તેની સાથે વાત કરી .તે વાત કરતો હતો –તે પણ ધમકીની ભાષામાં . જાણેકે તેઓ તેના સસરા નહીં પણ ગુલામ હોય તે રીતે હુકમ કરતો હતો . જોરૂભા બાપુ ગુસ્સાથી થરથર ધ્રૂજ્તા હતા .તેમની નોકરી પૂરી થવા આવી હતી ,માંડ સાત મહિના બાકી હતા પણ તેમની આ નોકરી દરમ્યાન કોઇએ આ રીતે તેમની સાથે વાત કરવાની હિંમત કરી નહોતી –અને તે પણ અડધી રાતે..!આજે આટલાં વરસો પછી તેમની એકની એક દિકરી રીનાના સમાચાર મળ્યા હતા તે પણ કેવા ? રંજનબા તો દિકરીના આઘાતમાં જ જતાં રહ્યાં હતાં ,અને તેનો આઘાત જોરૂભાને પણ ઓછો લાગ્યો નહોતો ..! રંજનબા તેમનો જીવન આધાર હતાં , તેમનો શ્વાસ અને પ્રાણ હતાં , તેમના દિલની ધડકનો હતાં , અને એ ધડકનો અચાનક બંધ થઇ ગઇ હતી –દિકરી રીનાના આઘાતે ..! અને એટલેજ જોરૂભાને પણ નફરત થઇ ગઇ હતી –દિકરી રીના પ્રત્યે ..! તેઓ તેનું કે જમાઇ સોલંકીનું મોં પણ જોવા માગતા નહોતા-મરતાં સુધી ..! પણ ઢળતી ઉંમરે આ જમાઇ પ્રગટ થઇ ગયો હતો અચાનક ..! ક્યાંથી ? શા માટે? તેમનું મોત બગાડવા. તેઓ તેને મદદ કરવાની કે આશ્રય આપવાની વાત તો પછી આવે –પહેલાં તો તેનું મોં પણ જોવા માંગતા નહોતા –રંજનબાએ તો મરતાં પહેલાં જ એ લોકોને કહી દીધું હતું કે તેઓ એ લોકોનું મોં પણ જોવા માગતાં નથી ... તો પણ .. આ સોલંકીએ શા માટે ફોન કર્યો હશે ? હવે શું કરવું-એવો પ્રશ્ન ઉપસ્થિત થાય તે પહેલાં જ જોરૂભાએ ફોનમાં જ સોલંકીને બહારનો રસ્તો બતાવી દીધો –મારાથી કશું જ બનશે નહીં ,હું તને ઓળખતો નથી ,મારેને તમારે કોઇ સબંધ નથી .. તમારા લોકોના નામનું અમે નાહી નાંખ્યું છે –માટે હવે પછી મને ફોન કરતો નહીં ..! જવાબમાં સોલંકી “હા..હા..” કરતાં ખડખડાટ હસ્યો હતો – “ ડોસાની સાઠે બુધ્ધિ નાઠી ..” અને ફોન મૂકાઇ ગયો હતો .

જોરૂભા આ વાત તો ભૂલી પણ ગયા હતા –પોતાના રોજિંદા જીવનક્રમમાં જોડાઇ ગયા હતા –પણ અચાનક .. તેમની કોર્ટમાં આવનારા કેસોની યાદી આવી –તેમાં સોલંકીનો પણ કેસ હતો – એક મોટા બિલ્ડરનું તેણે ખૂન કર્યું હતું , પ્રથમ દર્શનિય પુરાવા તેની વિરુધ્ધ હતા –સોલંકી નામ વાંચ્યું એટલે બાપુએ કેસની વિગતો વાંચી અને તેઓ ફફડી ઉઠ્યા – અરે ..! આ તો ચોખ્ખો જ કેસ હતો ,કોઇપણ જાતના વાંધા સિવાય ફાંસી થાય તેવો કેસ ..! અને આરોપી કહેતો હતો કે મને નિર્દોષ છોડવાનો છે –જે કોઇ કાળે કોઇ પણ જજથી બની શકે તેવું કામ નહોતું ..જ...! જોરૂભા બાપુ મનોમન મલકાયા . એ સોલંકીનો બચ્ચો તેમનું શું બગાડી લેવાનો હતો ? તે શું કરવાનો હતો ? બાપુ નિરાંતે ફરતા હતા અને ઘસઘસાટ ઉંઘતા હતા અને તેમને કોઇ ચિંતા નહોતી પણ ..! તે દિવસે વહેલી સવારે તેમના મોબાઇલ ઉપર સોલંકીનો ફોન આવ્યો – તારે મારી સાથે તો કોઇ સબંધ નથીને ડોસા ? પણ તને ખબર નથી કે તારી વડીલોપાર્જિત મિલ્કતની વારસદાર તો તારી પુત્રી જ છે ને ? હું તેનો એકનો એક પતિ છું .રીના સાથે તો તારે લોહીનો સબંધ છેને ?તને ખબર પણ છે કે હું તારી દિકરી સાથે શું કરી શકું છું ? તેં જો મારી તરફેણમાં ચૂકાદો ના આપ્યો’તો યાદ રાખજે... હું તારી દિકરીને મારી નાખીશ –પણ એક જ ઝાટકે નહીં..! તડપાવી તડપાવીને મારીશ..હું તેને એવો ત્રાસ આપીશ કે તારૂં હૈયું પણ પોકારી પોકારીને કહેશે કે –આના કરતાં તો સોલંકી રીનાને મારી નાખતો હોય તો સારૂં .હું તેને દરરોજ ઉંધી લટકાવીશ , નીચે તાપણું કરીશ પણ એવું કે તે સળગીને બળી ના મરે ..માત્ર જલતી રહે ,ચાબુકે ચાબુકે ફટકારીશ ..અને એનો વિડિયો ઉતારીને તને મોકલીશ દરરોજ ..! આમેય મને ફાંસી જ થવાની છેને ? આ ગુનો સાબિત થશે તો પણ કાંઇ ડબલ ફાંસી થોડી થવાની છે ? જોરૂભા બાપુ હાલ્યા-ચાલ્યા વિના તેની વાત સાંભળી રહ્યા –રાજપુત લોહી ઉછાળા મારતું હતું – તો પણ તેમને પોતાની તો કોઇ ચિંતા નહોતી ,પણ ઉપર ગયા પછી રંજનબાને શું જવાબ આપીશ –એ ચિંતા જ સતાવતી હતી ,ઠકરાણાં તો કહેશે કે તમને બીજા કોઇની તો ચિંતા ના થાય પણ રીનાડી ..! આપણી એકની એક લાડકવાયી –કેટલી વહાલી હતી આપણને બંનેને ?! તેને દુ:ખ ..! તમે લગીરે ય વિચાર ના કર્યો ?

આમ છતાં પણ આ ગમ ભૂલી જવાય એવો હતો તો પણ બાપુ અવ્યક્ત થઇ ગયા .. જે દિવસે કોર્ટમાં સોલંકીનો કેસ આવશે તે દિવસે હાજર થઇ જઇશ એવો મનોમન નિર્ણય પણ તેમણે કર્યો હતો પણ ..!

જે દિવસે સોલંકીનો કેસ આવવાનો હતો , પહેલી જ તારીખ હતી તે દિવસના આગલા દિવસે અવ્યક્ત જોરૂભાની કારને અજાણ્યા ટેન્કરે અડફેટમાં લીધી –ભયાનક એક્સીડંટ થયો- કારના ફુરચે ફુરચા ઉડી ગયા અને બાપુનો દેહ તો એ બે વાહનોની વચ્ચે સેન્ડવીચ થઇ ગયો –બધાં એને અકસ્માત ગણાવે છે પણ અંદરનાં વર્તુળો તો કહે છે કે –તે દિવસે પણ બાપુ ઉપર સોલંકીનો ફોન આવ્યો હતો પણ દિકરી રીનાએ રડતાં રડતાં વાત કરી હતી કે તમારા જમાઇ મને ખૂબ જ ત્રાસ આપે છે , ઉંધી લટકાવીને કોરડે કોરડે મારે છે , મારા બરડા ઉપર ચકામાં પડી ગયાં છે –મને બચાવો ..અને તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી હતી અને બાપુ અવ્યક્તમાંથી વ્યક્ત થવાના બદલે અદ્શ્ય થઇ ગયા હતા ..!

--- અર્જુનસિંહ.કે.રાઉલજી.

42 , ક્રુષ્ણશાંતિ સોસાયટી-2 , મુજમહુડા , અકોટા રોડ ,

વડોદરા-390020.(મો) 9974064991. E.Mail: a.k.raulji@gmail.com