Lockdown 2.0 books and stories free download online pdf in Gujarati

લોકડાઉન ૨.૦



મુંબઈની ગલીનાં વડાપાવની લારીએ ઊભી રહેલી ખુબસુરત ડોલની જેમ દેખાતી રુહી આજે શું યાદ કરતી હતી ભગવાન જાણે..!!


અરે રુહી શૉકેસમાં શો પીસ માટે ઊભી છે કે ? જલ્દી કામે લાગ.. માએ બૂમ મારતાં કહ્યું.


અરે આવી મા.”


રુહીએ સલવાર પરથી પોતાનો દુપટો હટાવ્યો અને એક બાજુ વ્યવસ્થિત ગોઠવીને મૂકી દીધો. સાથે જ એપ્રન પહેરવા લાગી પણ એનું ધ્યાન રસ્તા પર આવતા જતાં લોકો પર જ જઈ રહ્યું હતું. એનું મન બેચેન થઈ રહ્યું હતું. માએ રાખેલું ધકધકતું તેલ જેટલું જ એનું દિલ પણ ઉકળી રહ્યું હતું.


કમ્બક્ત..!! ગયો ક્યાં છે?? આ જ ટાઈમે તો અહીંયાંથી પસાર થાય છે..!! મનમાં જ ખીજ કાઢતી રુહી વડા બનાવતી બોલી રહી હતી.


અરે જલ્દી જલ્દી હાથ ચલાવ. માથે બધા કસ્ટમર આવી ચડશે. મા જાણે બેચેન રુહીના મનને પારખતી હોય તેમ ખુરશીઓ ગોઠવતાં કહ્યું.


અરે મા તારા વડા તૈયાર થઈ જશે. તું શાંત થા. એટલું કહેતાંની સાથે જ કડાઈમાંનું તેલ ઉડયું ને રુહીને દઝાડી ગયું.


સસસસસ... રુહીના મોંઢામાંથી સિસયારો નીકળ્યો.


બીજે ધ્યાનનાં બદલે કામમાં રાખતી હોય તો… મા બધું જ જાણતી હોય તેમ કહ્યું.


આવ્યો ઈડીયટ..!! મનમાં જ રુહી હાથ સાથે દિલને દઝાડતા કહેવા લાગી.


ચાર વડાપાવ..!!


તૈયાર હૈ..!!


પાર્સલ ચાહિયે.


રુહીએ વડાપાવને વ્યવસ્થિત રીતે પેક કરીને આપ્યું પણ દેવે રોજની જેમ આજે એના હાથને સ્પર્શ કર્યો નહીં. પાર્સલ લઈને એ ગુસ્સામાં જતો રહ્યો. રુહી વિચારવા લાગી 'કેવી રીતે મનાવું આ અક્કડું ને..'


બે વર્ષથી ચાલતી રુહી અને દેવની દોસ્તી પ્રેમ માં બદલી. પણ રુહીની મા બની બંને માટે વિલન..!! મા નું કહેવું છે કે, “ આ બાબુ રહ્યો મોટા હોદ્દા પર અને તું રહી વડાપાવનો ધંધો કરનાર ગરીબ મા બાપની દીકરી. હદથી વધારે સપના જોવાનું માંડી વાળ. દેખાવ પર તો બધા જ લઠું થાય. કાલે તને છોડી દેશે તો... એવાં ઘણાં કારણો માએ કેટલીવાર પણ કહ્યાં હશે...!!


પણ રુહીને પોતાનાં કરતાં પણ દેવ પર વિશ્વાસ હતો. એ જ દેવ જે એના લાઈફમાં જાણે લવનો દેવતા બનીને આવ્યો હોય. બે વર્ષમાં તો બંને એવી રીતે પ્રેમમાં પડ્યા કે હવે બંનેને એકમેક વગર જીવવાનું જ અસમર્થ લાગતું હતું.


પણ માએ કહી દીધું હતું, “ રુહી તારો આ દેવબાબુ જે દિવસે લગ્નનાં સાત ફેરા તારી સાથે લેશે એ દિવસે હું એને માનીશ કે એ ખરા અર્થમાં તને પ્રેમ કરે છે.


રુહી માને સમજાવતી, “ દેવ મારા દેખાવના લીધે પ્રભાવિત નથી થયો. ભણીગણેલી છું પણ જોબ પછી પણ લારીએ આવીને તને મદદ કરું છું. હું કોઈ કામને નાનું નથી ગણતી એ જ મારા વિચારોનાં લીધે દેવ મને પસંદ કરે છે મા. પ્રેમ માં તો હું એના પડી છું મા.


તું ભૂલી ગઈ હશે મા તારા એક્સીડેન્ટની કહાની. પણ હું તે દિવસથી જ તો દેવને પસંદ કરી લીધો હતો. રસ્તો ક્રોસ કરવા જતાં એક કાર તારા પગ પરથી નીકળી ગયેલી ત્યારે વટેમાર્ગુ તરીકે જતો આદમી દેવે તને ઊંચકીને રિક્ષામાં લઈને હોસ્પિટલ પહોંચાડી હતી.


હોસ્પિટલમાં જ બંનેની મુલાકાત થઈ. એકમેકથી પરિચિત થયા.પ્રેમ માં પડવાનો પણ કોઈ સમય હોતો હશે..!! પ્રેમ તો થઈ જાય.


સવારે 7-2 ની જોબ ડ્યૂટી કરીને ઓફિસેથી ઘરે પહોંચતી પછી સાંજે ચાર વાગ્યે રુહી મા ને વડાપાવની લારીએ જઈ મદદ કરતી. દેવનું એ જ રસ્તેથી ઓફિસે આવાજવાનું થતું પણ એનું ધ્યાન ક્યારે પણ તે વડાપાવની લારી પર ગયું ન હતું. પણ હવે રોજ સાંજે એ અમસ્તો પણ વડાપાવ લેવાના બહાને આવતો. બંનેનો વાતચીતનો દોર ફોન દ્વારા વધતો ગયો. બંને એકમેક તરફ આકર્ષિત થયા. મુલાકાતો વધી. તેમ પ્રેમ વધતો ગયો.


આખરે ફેંસલો કર્યો કે લગ્ન કરીશું. પણ ગયા વર્ષે પણ લગ્ન કરીશું એવું ઠાની લીધું પણ અમુક કારણોસર લગ્ન રોકાય ગયા. તે જ દિવસથી માનો ગુસ્સો આસમાને પહોંચી ગયો અને એ અવિશ્વાસમાં રૂપાંતર થયો. એટલે જ માએ સીધું કહી દીધું, “દેવ તારે હવે અહીંયા લારી પર આવવાનું બંધ કરવું જોઈએ. એટલે મા નું સ્પષ્ટ કહેવું હતું કે તું મારી છોકરીને છોડી દે.


કેટલા દિવસો બાદ દેવ ગુસ્સામાં આજે આવ્યો હતો. રુહી તો એનો રોજ જ ઇન્તેઝાર કરતી. મા ને મનાવ્યાં બાદ ફરી આ વર્ષે લગ્ન કાઢ્યાં.. પણ આ શું?? મહામારી..!! કોરોના...!! દેશમાં ‘લોકડાઉન ૨.૦’ લાગ્યું તે જ દિવસે રુહી દેવના લગ્નની તારીખ નક્કી થઈ હતી. પણ દેવ તો દેવ હતો. એને પાંચ લોકોની વચ્ચે એટલે કે રુહીની મા, દેવનો મોટો ભાઈ, લગ્ન કરાવનાર પંડિત અને તેઓ બન્ને એમ કરીને આ જ તારીખે માસ્ક પહેરીને સાદાઈથી પણ એક અનેરી ખુશીથી લગ્ન કર્યા.