LAMPAT ARISO books and stories free download online pdf in Gujarati

લંપટ અરીસો

આજે તને હું એકલોજ નથી જોતો હો ! મારું આખું ઘર આજ તારા આંગણે આવી ઉભું છે તું જો તો ખરા ! રોજ હું ખુદને જોવા તારા સામે આવી ઉભો રહેતોતો પણ,આજ હું મુજને નહીં પણ,તને જોવા આવ્યો છું.

(સહેજ અટકીને માહી ફરી બોલ્યો )

જો આ પાઉડરનો ડબ્બો ...કેટલીયેવાર તે એને જોયો હશે પણ,તેની સુવાસથી તો તું સાવ અજાણજ હોઈશ ! મેં રોજ ખુદને ચોખ્ખો છું કે ગંદો તે તારા થકીજ નક્કી કરીને સારો બનાવવાનો પ્રયત્ન કર્યો છે પણ તને...હા તને તો હું માંડ મહિને એકાદવાર લૂછતો હોઉં તો ! પણ,હવે એવું નહીં થાય હો.
આટલું બોલતા બોલતા તો તેની આંખોના ખૂણેથી નેવા નિતારવા લાગ્યા.ભર બપોરે વર્ષાની હેલી થઈ પણ,તેના ગાલને ફક્ત ખારી ઠંડક સિવાય કંઈ ન મળ્યું.અને એ ધારને એમજ નિતરવા દેતા દેતા તેને સરસ મજાનું પોચુ કપડું લઈને અરીસાને એક માં જેમ પોતાના બાળને નવડાવીને વહાલથી લૂછે તેમ લૂછવા લાગ્યો.
પણ,હવે એવું નહીં કરું હો ! કેમ કે,હવે તારા સિવાય આ બંગલામાં હવે મારુ છે કોણ કે જેનામાં હું ખુદને જોઈ શકું !
જો આ ઘરનો સઘળો વૈભવ તારી સામે લાવીને ધરી દીધો.આ ઘરેણાં ને ડોકડાની તિજોરી,આ મોંઘી મોંઘી છબીઓ ને ફ્રેમ,આ વીતેલી સુખદ પળોનો માળો ને ઊડ્યા વિનાની વર્ષોથી કેદ સાચા માળા પર લટકી રહેલી ચકલીઓ,અને આતો જો આ બા,બાપુ,મોટો ભાઈ,વહાલી બેનડીને હું કેવા સુંદર દેખાઈએ છીએ.અને તેય તારા પ્રતાપેજ હો.અરે પાછળ તો તું પણ ઉભો છે આમજ જોને.
બસ બધાને જ્યાં જવું હોય ત્યાં જવાનું ને જેમ રહેવું હોય તેમ રહેવાનું ને મન ફાવે ત્યાં ટીંગાઈને કે લાંબુ થઈને પડ્યા પાથર્યા રહેવાનું પણ,તારે તો બસ આમજ સ્થિર થઈને એકજ ખીલીએ ટીંગાઈ રહેવાનું ને સૌને જોઈને તારામાં એકાદ મટકું નાખે એવી લાલચ આપવાની.તું કેટલાને સજીવન કરીને પોતે નિર્જીવ બની રોજ એકલતા સહન કરે છે.પણ,હવે હું તારું દર્દ,તારી વ્યથા ને તારું આ એકલતાપણું બહુજ સારી પેઠે સમજી ગયો છું હો ! કેમ કે,હું આજ તારી નાતમાં ભરી ગયો છું.સૌ મારાથી સજીવન થઈને મને નિર્જીવ કરી ચાલ્યા ગયા છે.હું હવે સાવ એકલો તારી જેમ આ ઘરના એકાદ ખૂણામાં પડેલા હાડ માંસના ચામડાથી વિશેષ કાંઈ નથી.
પાંપણની પાળેથી હજુએ મેહધારા અવિરત વરસતી હતી.ઘરનું બધું રાસ-રચીલું ને વૈભવનો ઠાઠ ઉભો કરતો સઘળો સામાન તેને સવારથી અત્યાર લગી અરીસા સામે લાવીને મૂકી દીધો હતો.આવડા મોટા બંગલામાં બસ તેને આ અરીસાવાળા રૂમને પોતાની આખી દુનિયા ને આખો મહેલ હોય તેમ સજાવી દીધો હતો.એક એક કિંમતી વસ્તુ અરીસાની સામે બેસો તો દેખાય તેમ ગોઠવી દીધી હતી.બારથી તાળું મારીને તે બારી વાટે અંદર આવીને પુરાઈ ગયો હતો.જાણે બહારની દુનિયા તેને ખાવા ધાતી હોય તેમ તેને હાંફળા-ફાંફળા થઈને એક પળમાં ઘરમાં આવીને પોતાની જાતને કેદ કરી દીધી હતી.
મિસ્ટર માહી આપ હવે બિલકુલ ઠીક છો અને આપ હવે સામે ટેબલે બિલ જમા કરાવીને રજા લઈ શકો છો.કદાચ તમને જરૂર હોય તો અમારી વાન તમને ઘર લગી ડ્રોપ કરી જાય.
સામે ઉભેલા ડોકટરના આ શબ્દો માહી સાંભળ્યા ના સાંભળ્યા કરીને ચોમેર જોવા લાગ્યો.બા,બાપુ,ભાઈ કે બહેન કેમ કોઈ દેખાતું નથી.મને આમ સાવ દવાખાને એકલો મૂકીને ચાલ્યા ગયા.
પણ,સર મારા પરિવારનું કેમ કોઈ દેખાતું નથી ?
સોરી આમ તો હાલ કહેવું યોગ્ય નહોતું લાગતું પણ,આપ હવે ઘણા સારા થઈ ગયા છો અને હવે તમે એકજ છો તો તમને હવે સાચી જાણ કરવી અમારી ફરજ છે.
હા,બોલો સર બોલો (એકદમ ગભરાટભરી અધીરાઈ સાથે માહી બોલ્યો)
નીચે મોં રાખીને ડોકટરે જવાબ આપ્યો.મિસ્ટર માહી એક ગંભીર અકસ્માતમાં દોઢેક મહિના પહેલા આપના પરિવારના તમામ સભ્યોના અવસાન થયેલ છે.સિવાય કે આપ.....થોડું અટકીને ફરી ડોકટરે કહ્યું ..આપનું હાર્ટ પણ સાવ ફેઈલ હતું પણ,જીવવાના ચાન્સ તમારા ઘણા હતા એટલે તમારા નજદીકી સગાંના સાઈન લઈને અમે તમારા બેનનું હૃદય તમારામાં સફર સર્જરી કરીને ટ્રાન્સફર કર્યું છે.તમારા બેનનું આખું શરીર સાવ ફેઈલ થઈ ગયું હતું સિવાય કે હૃદય...
ડોકટરના શબ્દો પુરા થાય તે પહેલાં તો માહી સામે હસતા-ખીલતા પરિવારનું એક ચિત્ર તરવરવા લાગ્યું.પોતે ગાડી ડ્રાઈવ કરતોતો ને પાછલી સીટમાં બા,બાપુ ને બહેન થેપલા ને ચાયની લિજ્જત લઈ રહ્યા હતા.પડખે આગળની સીટમાં મોટા ભાઈ તેના અને પોતાના માટે મીઠું પાન કાથો નાખી બનાવી રહ્યાતા.ને પાછળ બેનની ચાયની પ્યાલી સાથે મસ્તી કરવા હાથ લાંબો કર્યો ત્યાં તો સામેથી પુરઝડપે આવી રહેલી ટ્રક નીચે....
....બિલ ચૂકવીને તે જાતેજ એકલો યાદો સાથે અથડાતો-અથડાતો ઘરે આવી પહોંચ્યો.અને ઘર ખોલતાજ બધી દીવાલો જાણે એક સાથે બોલી રહી હતી...ભાઈ આવી ગયો ...લે બેટા આ મારી સાડીને ઈસ્ત્રી કરી આપ ને....અરે ભાઈ મારુ નેટ પૂરું થઈ ગયું છે જરા થોડીકવાર વાઈ-ફાઈ કરી દેને પ્લીઝ...અરે બેટા આ ટીવીમાં જોને કઈ સિગ્નલ આવતું નથી જરા જોઈ જોને કલાકથી સમાચાર જોયા વગર આમ તેમ આંટા મારુ છું.....અને બીજીજ પળે તે દીવાલો સાવ સુનકાર થઈ ગઈ.ચારે બાજુથી તેને કરડવા દોડી આવતી હોય તેવું લાગવા લાગ્યું... એકદમ તે ભાંગી પડયો અને બારથી તાળું મારીને બારી વાટે અંદર આવીને જે રૂમમાં તેનો આખો પરિવાર પોતાનો ચહેરો જોવા ભરાઈ રહેતો ત્યાં જઈને ભરાઈ પડ્યો.
એક લાબું ડૂસકું તેનાથી મુકાઈ ગયું અને હું પણ આવું છું ...તમારા વિના મને અહીં જરીએ નહીં ગમતું અને અઅઅઆ...આ અરીસો પણ જોને મારી સામે લંપટ થઈને જોઈ રહ્યો છે.તેને તમને ખોઈ દેવાનો જરાય ગમ નથી.મારી આંખો લુછવા તેને દૂરથીએ એક રૂમાલ પણ,ના લંબાવ્યો. મને હવે આ પણ તમારા વિના એકલાને નહીં સંઘળે એટલે હું પણ ત્યાં આવું છું હો...તમેં જ્યાં પહોંચ્યા હોય ત્યાંજ ઉભા રહેજો...
બીજીજ પળે અરીસામાં પંખે લટકેલો એક જીવ ઝૂલી રહ્યો હતો...