Coffeeno cup books and stories free download online pdf in Gujarati

કૉફીનો કપ

'અલી રમલી કેટલી વાર તને કહ્યું કે ચા વાળા વાસણ અહીં નહીં સામે વાળા ખાનાંમાં મુકવાના પણ સમજતી નથી... '
'મેડમ મેં ત્યાં જ મુકેલા તમે પાછાં અહીં મુક્યા હું પાછી મુકું છું... '
' હા, હા, હવે સરખા મૂક '
રમલી વાસણ સરખા મુકવા લાગી. ત્યાં ફરી એ દોડી એની પાસે જઈ કહેવા લાગી..
' અલી ગધેડી, તું સમજતી કેમ નથી.... આ.... આ પાછો કોફી નો કપ... કેમ કાઢ્યો..કોને પૂછીને હાથ લગાડ્યો કપ ને ' કોફીના કપ પર નજર પડતા એનો અવાજ થોડો ઢીલો પડ્યો.
'હમણાં એની જગ્યા એ મુકું છું '
'ના.. ના.. ના.. ઊભી રે તું ન પકડ નહીં નહીં... તારી માં ને પૂછ જે આટલા વર્ષોમાં તારી માં એ પણ હાથ ન લગાડ્યો. આવી મોટી ઠીક મુકવા વાળી' કહેતાં કપ ઝપટી લઇ એની જગ્યાએ મુક્યો.
રમલીએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. કારણ કે આ એમનું હંમેશાનું હતું. થોડો ગુસ્સો તો આવ્યો... 'આટલા વર્ષોથી કામ કરું છું તોયે ભરોશો નથી. એવું તે શું છે આ કપમાં, હાં માનું છું બહુ મોંઘો હશે... એને ખરીદવાનું ગજું મારું કે મારી માંનું નથી. પણ એનો મતલબ એ થોડો કે હું ચોરી જઈશ.' જોકે રમલીને આ કપ બહુ ગમતો... એ માં સાથે અહીં આવતી ત્યારેય એની નજર આ કપ પર ચોંટેલી રહેતી. ઘણી વાર ઈચ્છાયે થતી કે આમાં કોફી પીવ... પણ આ અશક્ય હતું... એ ચુપચાપ એ કપ નો સ્પર્શ કરી મન મનાવતી... રસોડામાં પોતાનું કામ પતાવી રમલી બીજા રૂમમાં સફાઈ કરવા ચાલી ગઈ.
એના જતાંની સાથે જ એ પાછી રસોડામાં આવી... કપ હાથમાં જ લઇ એ બાલ્કની માં આવી બેઠી.
એ આવડા મોટા ઘરમાં એકલી રહેતી હતી... એકલી હા સાવ એકલી... હા હવે એના જીવનમાં કોઈ નથી...એના જ લખેલા ટેબલમાં પડેલા બેચાર પુસ્તકો સચવાયા છે એકાદ ખૂણે... એમાંયે ક્યારેક રાધા રડારોળ કરી મૂકતી. તો જીવી ડોશી બળાપો કાઢતી... ને અવની સખણી બેસતી નથી ને મણિ બાની ચશ્માની માંગ હજીયે ચાલુ જ છે. એણે જ રચેલા પાત્રો ક્યારેક એની ઊંઘ હરામ કરી દેતા.
દીવાલ પર લટકેલી એક મૂંગી ઘડિયાળ છે... જોકે પહેલા એ બહુ બોલતી હતી... જયારે પેલું પતંગિયું ગાતું હતું... પણ હવે તો એય મૂંગું થઈ ગયું હતું...
જુના કબાટ માંથી અવિરત પણે આવતા અવાજોથી હવે તો કાનમાંયે બહેરાશ આવી ગઈ હતી.
સદાબહાર વાગતો રેડિયો હવે પોતાને અડવાય નથી દેતો... ટૂંટિયું વળેલાં ટેબલના પગ ઉભા રહેવા ઉપડતા નથી...
ને આ કોફીનો કપ...
' એક કોફી બનાવને પ્લીઝ... '
અરે આ કોણ બોલ્યું... ?
કેવી રીતે ?
કેમ આમ અચાનક ?
આટલા વર્ષો પછી... ?
અને ત્યાં જ ટૂંટિયું વળીને પડેલું ટેબલ અચાનક ઉભું થઇ ગયું... ટેબલ પર કોફીનો એક કપ ને આસ-પાસ અનુરાગ અને એ.
'અહા.... ! શું કોફી છે... ' અનુરાગનું એવું કહેવું ને એનું શરમાવવું...
ને એક જ કોફીના કપમાંથી બંનેની કોફી પીવી. ક્યારેક લડવું-ઝગડવું... ક્યારેક અનુરાગના એક સ્મિત પર એનું જોર જોરથી હસવું. ક્યારેક એના ખુલ્લા વાળમાં અનુરાગનું ઓળઘોળ થવું.
ટેલિફોનની એક ઘંટડી રણકી ને બધું જ ગાયબ...
નથી ટેબલ, નથી અનુરાગ, નથી એ... ફોન ઉપાડવાની તજવીજ કર્યા વગર કિચનમાં જઈ પાણીનો ગ્લાસ લઇ પાણી પીતાં પીતાં એ બાલ્કનીમાં આવી બેઠી... બાલ્કનીની બહાર દૂર દૂર જોવા લાગી....
બહાર ઝાડ દેખાયું... સાવ સૂકાઈ ગયેલ... સંપૂર્ણ વૈભવ ગુમાવી ચૂકેલ... સૂકી ડાળીઓ હાડપિંજરની જેમ લટકે છે...
શેનું ઝાડ છે.... ?
તને શેનું જોઈએ... ?
બોર નું....
ઝાડની ડાળીઓ પર એકાએક પાંદડા ઉગ્યા.... બોર આવ્યા... ને થોડીવારમાં તો પાકાં બોરથી ડાળીઓ લચી પડી...ને પેલું ફોલ્ડિંગ ટેબલ... એક કોફીનો કપ, ને અનુરાગ ને એ...
ધડામ દઈને પાકું બોર કોફીમાં પડ્યું... છાંટા બંનેના મોં પર ઉડ્યા... કોફીના સ્વાદમાં બોરનો સ્વાદ ભળેલો... કોફી બોરમય ને એ બંને કોફીમય... કોફીની સાથે સાથે એ બંનેના વ્હાલપનો રંગ...
' ધડામ...'
આ શું પડ્યું ?
પાણી નો ગ્લાસ...
તો બોરનું ઝાડ ક્યાં ગયું...
ક્યાં ગયા પાકાં બોર...
સાવ બધું જ ગાયબ...
ને અનુરાગ...
અનુરાગ પણ ગાયબ...
એ નું એક્સીડેન્ટ શું થયું...એ ના ચહેરા પર વાગવાથી સંપૂર્ણ સૌંદર્ય ગુમાવી શું ચૂકી કે અનુરાગ સાવ ગાયબ જ થઇ ગયો...
જિંદગીભર સાથે રહેવાના કેટકેટલાંયે સપના એક એક્સીડેન્ટ ભરખી ગયું... રહ્યું હતું તો માત્ર યાદોં ને કોફીનો કપ...
ત્યાં જ રમલી રૂમની સાફ સફાઈ કરી એ ની પાસે આવી કહેવા લાગી...
' મેડમ હવે તમારા પગનો દુખાવો કેમ છે ? જો હજી તકલીફ આપતો હોય તો માલિશ કરી આપું '
'ના, હમણાં ઠીક છે...બસ થોડોક દુઃખાવો છે '
જવાબ સાંભળી રમલીએ કહ્યું... ' હાય હાય ... થોડોક દુખાવો તો છે ને...અરે દરદને પંપાળીને રાખવાથી તકલીફ જ આપે... આમ લાપરવાહી ના લેવાય ' કહેતાં તેલથી માલિશ કરવા લાગી.
એ રમલીને જોઈ રહી...
માલિશ કરી રમલી જઈ રહી હતી ત્યાં જ એયે એને બોલાવી...
'એય રમલી અહીં આવ તો...'
' જી મેડમ '
'રમલી તને પેલો કોફીનો કપ પસંદ છે ને... ?'
અચાનક આવા સવાલથી રમલી ચોંકી. શું જવાબ આપવો સમજાયું નહિ.
રમલી અનુત્તર રહી.
એયે કહ્યું... 'હું જાણું છું તને પસંદ છે... જા લઇ આવ... અને એને તારા ઘરે લઇ જા...ને રોજ એમાં કોફી પીજે હાં... '
રમલી એને સ્તબ્ધ થઇ તાકી રહી...
* * *