Right Angle - 23 books and stories free download online pdf in Gujarati

રાઈટ એંગલ - 23

રાઈટ એંગલ

પ્રકરણ-૨૩

‘એવરી થીંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર!‘

ઉદય વિચારતો હતો, કારણ કે સામે દુશ્મન પણ એમ જ કરી રહ્યોં છે. શા માટે પોતે નમતું જોખવું? એણે નિતિનભાઇને કહ્યું,

‘તમે તે દિવસે મને પૂછયું હતું ને કે હું તમને છૂટો દોર આપું કે નહી? તો મારો જવાબ હા છે...બસ બાય હૂક એન્ડ ક્રૂક આ કેસ જીતવો રહ્યો.‘

બરાબર અગિયારના ટકોરે બેલિફે આજના કેસ નંબરના પોકાર કરી દીધા. પોતાનો ક્રમ આવ્યો એટલે જજ પાસે જઇને રાહુલે જાણ કરી કે આરોપીઓ એમના વકીલ સાથે હાજર છે એટલે પ્લી રેકોર્ડ કરી લઇએ. જજે એ માટે સહમતિ દેખાડી એટલે પછી પ્લી રેકોર્ડની કાર્યવાહી ચાલુ થઇ. મહેન્દ્રભાઇને પહેલાં આરોપીના પાંજરામાં ઊભા રાખવામાં આવ્યા અને તેમની સામેના આરોપ કહેવામાં આવ્યા,

‘તમે તમારી દીકરી કશિશ કૌશલ નાણાવટીને તે બારમાં ધોરણમાં હતી ત્યારે એને મેડિકલમાં જવા માટે પૂરતા ગુણ મળ્યા હોવા છતાં એને મેડિકલમાં જવા રોકવા માટે તમારા દીકરા એટલે કે કશિશ નાણાવટીના ભાઇ ઉદય શાહ સાથે મળીને કશિશ પર કોલેજમાંથી આવેલો ઇન્ટરવ્યુ લેટર છુપાવ્યો. એટલે કે તમારી દીકરીના વિશ્વાસનો ભંગ કરવાનો આરોપ તારા પર છે.

બીજો અને ત્રીજો આરોપ છે કે કશિશને જાતે અમદાવાદ જઇને કોલેજમાં તપાસ કરવાની મંજૂરી ન આપી તમે જાતે કોલેજમાં ગયા અને ત્યાં તમે પ્રિન્સિપાલને લખીને આપ્યું કે તમે આ સીટ પરનો હક્ક જતો કરો છો. જેથી એ મિડકલ સીટ બીજાને માટે ઓપન થઇ અને કશિશને માટે મેડિકલ કોલેજના દરવાજા કાયમ માટે બંધ થઇ ગયા. એટલે તમે કશિશ વિરુધ્ધ કાવતરું ઘડવાનો અને એની તેજસ્વી કારકિર્દી રોળી નાંખવાનો આરોપ તમારા પર છે.

ચોથો આરોપ તમારા પર છે કે તમે આખી ય ઘટના કશિશથી છુપાવી અને તેણીને જૂઠું કહ્યું કે મેરિટ ઉપર જવાથી એને એડમિશન મળ્યું નથી. એટલે તમારા પર વિશ્વાસભંગ અને છેતરવાનો આરોપ લાગે છે, પાંચમો આરોપ એ છે કે કાવતરું ઘડવામાં આવ્યું ત્યારે તમે ત્યાં હાજર હતા ,બોલો તમને આ આરોપ મંજૂર છે?

મહેન્દ્રભાઇ જજ સામે જોઇ રહ્યાં હતા અને કશિશ, ઉદય તથા એમના વકીલ સહિત બધાં મહેન્દ્રભાઇ તરફ જોઇ રહ્યાં કે તેઓ શું જવાબ આપે છે, શું મહેન્દ્રભાઇ ગુનો કબૂલ કરી લેશે?

ત્યારે મહેન્દ્રભાઇના મનમાં અલગ જ વિચાર ચાલતા હતા,‘કશિશે એવું શું કામ કહ્યું કે એ એમને સજા કરાવવા નથી ઇચ્છતી? પણ મેં ગુનો કર્યો છે તે વાત સાચી છે તો મારે શું કામ આરોપ સ્વીકારી ન લેવો જોઇએ? હું આરોપ સ્વીકારી લઉં તો મારા પાપનું એ પ્રાયશ્ચિત કર્યું કહેવાય ને?‘

‘પપ્પા ગુનો કબૂલ કરી લેશે?‘ મહેન્દ્રભાઇ ચૂપચાપ ઊભા હતા એટલે કશિશના મનમાં સવાલ ઊભો થયો. એનાથી મનોમન પ્રાર્થના થઇ ગઇ, હે પ્રભું એવું નહીં થવા દેતા..‘ નહીં તો જે માટે એ લડી રહી છે તે બધું વ્યર્થ થઇ જશે.

બધાંની નજર મહેન્દ્રભાઇ પર હતી,

‘બોલો તમને આરોપનામું કબૂલ છે?‘ મહેન્દ્રભાઇ ચૂપચાપ ઊભા હતા એટલે જજએ એમને ફરી પૂછયું,

‘જી....‘મહેન્દ્રભાઇના મોંઢામાંથી આ શબ્દ નીકળ્યો ત્યાંતો ઉદય પોતાની સીટ પરથી ઊભો થઇ ગયો. એણે માથું કૂટયું. પપ્પા આ શું ગાંડપણ કરી રહ્યાં છે. પોતે તો જેલમાં જશે મને પણ જેલમાં મોકલશે. આ બાજુ પણ કશિશને આંચકો લાગ્યો. પોતે પપ્પાને સમજાવ્યા તે ભૂલ કરી. જો એમને કહ્યું જ ન હોત કે તમે ગુનો કબૂલ કરી લેશો તો કેસ આજે જ પૂરો થઇ જશે તો કદાચ તેઓ આવી ભૂલ ન કરતે.

‘જી...ના.....મને આરોપ મંજૂર નથી.‘ મહેન્દ્રભાઇએ વાક્ય પૂરું કર્યું તે સાથે જ ઉદયનો શ્વાસ હેઠો બેઠો. પણ હ્રદય હજુ જોરથી ઘડકતું હતું. કશિશના પણ ઉદય જેવા જ હાલ હતા. બન્ને સ્તબ્ધ હતા. કશિશ વિચારતી હતી કે સારું થયું પપ્પાએ આરોપ નકારી દીધા. નહીં તો પોતે જે ચાહે છે તે થઇ શકયું ન હોત. બીજી બાજું ઉદય મનમાં વિચારતો હતો કે આજે તો બચી ગયો છે પણ હવે જો પપ્પાને બરાબર ટ્રેઇન ન કર્યા તો બીજીવાર જેલ જવાનો જ વારો આવશે.

મહેન્દ્રભાઇ પછી ઉદયની પણ પ્લી રેકોર્ડ થઇ. એટલે નેકસ્ટ ડેટ પર ફરિયાદીની જુબાની થશે. તે માટે જજને બન્ને પક્ષની સહમતિથી વીસ જુલાઇ તારીખ આપવામાં આવી.

કશિશથી નિંસાસો નંખાઇ ગયો. તારીખ પર તારીખ. પણ પોઝિટીવ ઘટના એ છે કે આજે કમસેકમ આરોપી પર ચાર્જફ્રેમ થયા.

‘આપણે વીસ જુલાઇના બદલે થોડીક આગળની ડેટ મળે તેવું કરવું હતુંને?‘ કશિશે કોર્ટરુમમાંથી બહાર નીકળતા રાહુલને કહ્યું.

‘હમ....એવી ટ્રાય કરી શકતે પણ હું નથી માનતો કે સામેવાળા તૈયાર થાત. અત્યાર સુધીનું એમનું વલણ જોતા તેમનો એવો જ પ્રયત્ન હોત કે કેસ લંબાઇ જાય.‘

બન્ને ઓફિસમાં આવ્યા ત્યારે ધ્યેય પોતાનું કામ કરતો હતો. બન્ને સામે જોઇને એણે પૂછયું,

‘સો....કેવું રહ્યું આજે?‘

‘ચાર્જીસ ફ્રેમ થઇ ગયા. નેકસ્ટ ડેટ વીસ જુલાઇ મળી છે.‘ રાહુલે માહિતી આપી.

‘ઘેટસ ગ્રેટ...‘ ધ્યેય બોલ્યો એટલ કશિશ મોઢું બગાડીને બોલી,

‘આમાં ગ્રેટ શું છે? બધું બોરિંગ થતું જાય છે.‘

ધ્યેય એ સાંભળીને હસી પડયો,

‘મેડમ તમને કોણે કહ્યું કે કોર્ટમાં કશું રસપ્રદ હોય છે? એ તો પહેલેથી જ બોરિંગ છે....બધું વાંચવામાં કે ફિલ્મોમાં ઇન્ટરેસ્ટિંગ લાગે..વાસ્તવમાં કોર્ટની પ્રક્રિયા સ્લો જ હોય છે. સાચી વાતને રાહુલ?‘

‘યસ....સર!‘ ધ્યેયની વાતમાં રાહુલ સહમત થતાં બોલ્યો.

‘અરે યાર બોંરિગ હોય તો ઠીક પણ આમાં તો કેસ ગોકળગાયની ગતિએ ચાલે છે, કોઈ નક્કર પરિણામ આવે તેવું પણ નથી દેખાતું.‘

કશિશની વાત સાંભળીને ધ્યેય વિચારમાં પડ્યો. એણે રાહુલને કોફી મંગવવા માટે ઇશારો કર્યો. કોફી આવી. તેના લાર્જમગમાંથી સીપ લેતાં એ બોલ્યો,

‘હમ..યુ આર રાઇટ...પણ આમ નહીં ચાલે કશુંક તો કરવું પડશે...જેથી કેસમાં જાન આવે.‘

‘માત્ર જાન નહીં જલદી પરિણામ પણ આવે તેવું કર.!‘ ધ્યેય પૂરું બોલી રહે તે પહેલા જ કશિશ વચ્ચે બોલી પડી.

‘જો જલદી પરિણામ આવવાની વાત ભૂલી જજે. પણ આ કેસને મહત્વ મળે તેવું કરવું પડે. મને કશું વિચારવા દે.‘ ધ્યેયએ કહ્યું.

‘ઓ.કે. તું વિચાર...પાંચમીએ મળીએ...કોફી હાઉસમાં જરા વહેલો આવજે...બહુ ગેસ્ટ હશે...એટલે બધાંને પર્સનલી ધ્યાન આપવું પડશે...‘ કશિશ ઊભી થતાં બોલી.

‘તું વહેલા આવવાનું ન કહેતે તો ય આવતે.‘

ધ્યેયનો જવાબ સાંભળી કશિશે સ્મિત કર્યું, એ બાય કહી છૂટી પડી. એને જતાં જોઇને ધ્યેય વિચારમાં પડયો,

‘કેસ તો જેમ ચાલે છે તેમ જ ચાલશે. પણ એને હાઇપ મળે તો કદાચ કેસમાં ફાયદો થાય.‘ તેણે થોડીવાર વિચાર્યું, પછી સેલફોનમાંથી એક નંબર પર કોલ કર્યો,

‘કેમ છો એડિટર સાહેબ? શું હાલ ચાલ?‘ ધ્યેયએ જેને એડિટરનું સંબોધન કર્યું હતું એમનો સામેથી અવાજ આવ્યો,

‘બસ, હાલચાલ તો તમારે કોર્ટમાં ચાલે....બસ અમારે તો એજ બ્રેકિંગન્યુઝનું ડીંડક ચાલ્યા કરે છે...તમે કંઇક નવા સમાચાર આપો તો કોઇક હેડલાઇન બને.‘

‘પેઇજ થ્રી ન્યુઝ છે..બોલો છાપશો?‘ ધ્યેય પૂછયું,

‘નેકી ઓર પૂછ પૂછ...પેઇજ થ્રી માટે અમે મરતાં હોઇએ છીએ!‘ એડિટર હસતાં હસતાં બોલ્યા,

‘ઓ.કે...હું મેઈલથી મેટર મોકલું છું. જસ્ટ ચેક ઇટ...!‘

‘ડન...‘ સામેથી ફોન મુકાય ગયો.

*****

ચાર જુલાઇએ સવાર સવારમાં કશિશ વોર્ડરોબ ખોલીને ઊભી હતી,

‘કાલે કોફી હાઉસના ઇનોગ્રેશનમાં શું પહેરવું?‘ એ વિષય એના માટે માથાનો દુ:ખાવો થઇ ગયો હતો. છેલ્લા એક કલાકથી એ બધા ઓપ્શન્સ વિચારી રહી હતી પણ કશું ક્લિક થતું ન હતું. કશિશે લભગભ આખો વોર્ડરોબ ઊથલપાથલ કરી મૂકયો હતો. સાડી પહેરવાનું મન થયું પણ એ થોડું બહેનજી ટાઈપ થશે. એટલે સાડી પહેરવાની વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું. પછી કોઇક સલવાર કમીઝ પહેરવાનું વિચાર્યું તો એ જરા ઓલ્ડફેશન થશે તેવું લાગ્યું. વેસ્ટર્ન ડ્રેસીસ પહેરવાનું યોગ્ય લાગતું ન હતું. કૌશલનો ઓપિનિયન લેવા માટે એણે ઘરમાં એની શોધખોળ કરી. તો એ જીમમાં હતો.

‘પ્લિઝ હેલ્પ મી...ડિયર...આઇ એમ સો કન્ફયુઝડ...મારે કાલે શું પહેરવું?‘

‘અરે ડિયર તું કંઈપણ પહેરી લે...સરસ જ લાગીશ...મારી બ્યુટીક્વિન..‘

‘પણ કંઈક શું?‘ કશિશનો સવાલ જેટલો કશિશને મૂંઝવતો હતો એટલો કૌશલને વધુ કન્ફયુઝ કરતો હતો. કારણ કે એને આમેય લેડિઝ ડ્રેસમાં બહુ સૂઝ પડતી ન હતી.

એટલે એણે શોર્ટકટ અપનાવ્યો, એ ટ્રેડમીલ પર દોડતાં દોડતાં બોલ્યો,

‘ડિયર....જો તને કશું ગમતું ન હોય તો નવું લઇ આવ...ગો ફોર શોંપિંગ!‘

કશિશને આ વિચાર ગમ્યો.

‘યસ...બ્રેક ફાસ્ટ કરીને જઇએ?‘

કૌશલને આમે ય શોંપિંગનો બહુ કંટાળો છે. તેમાં સાથે ય કશિશ સાથે જવાનું હોય તો માર્યા ઠાર. ચાર–પાંચ કલાક નીકળી જાય. એણે કશિશને ગળે ઊતરી જાય તેવું બહાનું કાઢયું,

‘નો..વે....કાલે કોફી હાઉસનું ઇનોગ્રેશન છે. પોલિસ કમિશ્નરથી લઈને કલેક્ટર સુધીના વી.આઇ.પી. આવશે. એટલે બધાંની સિક્યુરિટી થી લઇને બધાંને પર્સનલી ટ્રીટ કરવા પડશે. સો આઇ હેવ ટુ ચેક એવરીથીંગ ટુ ડે....આઇ એમ વેરી બિઝિ...તું જઇ આવે ને!‘

‘પણ મને ચોઇસ કરવામાં મદદ કરે તેવું તો કોઇ જોઇએ ને?‘

‘પ્લિઝ ડિયર તારી કોઇ ફ્રેન્ડને લઇ જા ને!‘ કૌશલે કહ્યું અને તરત કશિશના મગજમાં લાઇટ થઇ,

‘યસ..થેન્કસ ફોર સજેશન...હું ધ્યેયને પૂછી જોઉં.‘

આ સાંભળીને કૌશલના પગ એકાદ ક્ષણ માટે ટ્રેડમીલ પર અટકી ગયા. બીજી ક્ષણે એ સહેજ લથડયો પણ ટ્રેડમીલ પર આટલાં વર્ષની પ્રેકિટિશના કારણે એણે સંતુલન મેળવી લીધું.

*****

‘મેં નક્કી ગયા જનમમાં કોઈ પાપ કર્યા છે જેની સજા ભગવાન મને અત્યારે આપી રહ્યોં છે.‘ મોલમાંથી બહાર નીકળતા ધ્યેય બોલ્યો એટલે કશિશ એની સામે જોઇ રહી.

‘ઓયે કેમ એવું બોલે છે?‘

‘જો ને પાપ કર્યા છે એટલે જ તારી સાથે શોંપિગ કરવાની સજા મળી ને!‘ ધ્યેય બોલ્યો એ સાથે જ કશિશે એને પીઠમાં ધબ્બો માર્યો,

‘નૌટંકી...હજુ તો એક જ મોલમાં ફર્યો ત્યાં થાકી ગયો?‘

‘યાર, તમે લેડિઝ લોકોને કપડાં જોઈને સંતોષ કેમ નથી થતો?‘ ધ્યેયએ કૃત્રિમ કંટાળાથી કહ્યું,

‘કારણ કે તમને પુરુષોને સજીધજેલી સ્ત્રીઓ જોવાનું ગમે છે!‘ કશિશ સહેજ આંખ મીંચકારીને બોલી,

‘એગ્રીડ! ધ્યેય સહમત થયો એટલે કશિશે તરત તક ઝડપી લીધી,

‘તો ચાલો બીજા મોલ પર...!‘ અને કશિશના ચહેરા પર લુચ્ચાઇભર્યું સ્મિત જોઇને ધ્યેય એની પાછળ ચાલતા બોલ્યો,

‘વકીલને બોલતાં કેમ બંધ કરવો એ તારી પાસેથી શીખવું જોઇએ!‘

બન્ને ખડખડાટ હસી પડ્યા.

કામિની સંઘવી

(ક્રમશ:)