Khaand ni theli books and stories free download online pdf in Gujarati

ખાંડ ની થેલી ...

દસ કલાક સરસ મજાની ઊંઘ પતાવી હું દરરોજની જેમ મારી માં ને વહાલ કરવા ગયો. ત્યાં જ થયું કે આજે હું ચા બનાવીને પીવડાવવું. માતૃશ્રી એ હામી ભરી સવાર સવાર માં જોખમ ખેડી લીધું.

આદુ, ફુદીનો, લીલી ચા, આ બધું ઉપયોગમાં લીધા બાદ ખાંડ નો વારો આવ્યો. આપણામાંથી મોટાભાગના લોકો માટે ' ખાંડ એટલે મીઠાશનો નાનો અમથો ખંડ. '

મને યાદ છે, હું ચોથા ધોરણમાં હોવો જોઈએ એટલે લગભગ દસ વર્ષનો. મારી માં ને હું સાંભળી ગયેલો કે," ખાંડ તાત્કાલિક લાવવી પડશે." હું સાયકલ પર ખાંડ લઈ આવવાની બાળસહજ જીદે ચઢ્યો હતો. મને લાગે છે કે ત્યારે એ મનમાં જરૂર વિચારતી હશે કે, "મારો બેટો ખાંડ હેમખેમ લઈ આવે તો સારું." એ સમય જ એવો હતો કે વસ્તુનો વેડફાટ કોઈ પણ મધ્યમવર્ગી કુટુંબ ને પોસાય તેમ ન હતો.

હું તો અદમ્ય ઉત્સાહથી સાયકલ પર મિશન ખાંડ પાર પાડવાનાં સંકલ્પ સાથે નીકળી પડ્યો.

ત્રણ કિલો ખાંડ મેં સાયકલ નાં કેરિયર પર મૂકી અને તેની લોખંડની ક્લિપ પ્લાસ્ટિકની થેલી પર સજ્જડ રીતે વાગી.
(લેખમાં પ્લાસ્ટિકના ઉપયોગ બદલ દિલગીર છું, પણ એ સમયે લોકો છૂટથી અજ્ઞાની બની પ્રદૂષણ ફેલાવતા અને સરકાર પણ બેધ્યાન બની આંખ આડાં કાન કરતી હશે, એવું મારું અનુમાન છે.)

હું તો હરખનો માર્યો, મારી મસ્તીમાં સાયકલ પર ઘરે જવા નીકળી પડ્યો. જતાં-જતાં મને બે ચાર વ્યક્તિઓએ કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો એવું લાગ્યું, પણ હું તો મારી મસ્તીમાં હતો તે ક્યાં એમનું સાંભળવાનો!

સોસાયટીના નાકે થી મને આવતો જોઈ, માં ઘરની બહાર આવી. એનું મોઢું જોઈ મને લાગ્યું કે, " નક્કી કશો ભાંગરો વટાયો. " ફરીને પાછળ જોઉં છું તો ખાંડ નું નામોનિશાન ન હતું, આખે રસ્તે આવતાં આવતાં વેરાઈ ગયેલી. પ્લાસ્ટિક નું ઝભલું કેરિયર નો માર સહન પણ કેટલું કરે!

મારી માં ને હસવું તો આવ્યું પણ બીજી જ ક્ષણે એ થોડી ચિંતાતૂર લાગેલી. કારણ તો કદાચ એક જ હોઈ શકે કે, આમ પણ જોખી જોખીને વસ્તુ વાપરવી પડતી હોય, એમાં ત્રણ કિલો ખાંડ, વગર કારણે વેડફાઈ જાય તો બીજી લાવવાના વિચાર માત્રથી માણસને તમ્મર ચઢી જાય.

એ દિવસે હું બે વસ્તુ શીખેલો. એક કાપડની થેલી હંમેશા સાથે લઈને જવું અને બીજી મારે અને ખાંડને બાપે માર્યા વેર છે. આજની તારીખે મને ગળ્યું નથી ભાવતું !

મારું ફ્લેશબેક અહીં સમાપ્ત !

ઉપરની આખી ઘટના આજે પચીસ વર્ષ પછી વિચારું છું, તો જીવન જીવવાનું સત્વ સમજાય છે. આજના પરિપેક્ષમાં પણ એમાંથી મળતો બોધપાઠ એટલો જ સાપેક્ષ છે, કદાચ થોડો વધારે સાપેક્ષ અને પ્રેક્ટીકલ છે.

જે રીતે અજાણતાં જ આખે રસ્તે ખાંડ ઢોળાઈ અને ઢોળાતી જ રહી, એજ રીતે જીવન દરમિયાન કેટકેટલી વ્યક્તિઓનો સંગાથ તથા તેમનું યોગદાન ધીમે-ધીમે આપણા જીવનમાંથી ઘટતું જાય છે. આમાં ભૂલ એક અથવા બંને પક્ષે, એક નહીં ને બીજા કારણે જાણતા-અજાણતા હોઈ જ શકે. અહમ્ , સમજશક્તિ અભાવ તથા માણસની એક વ્યક્તિ તરીકેની અને તેના વિચારોની પરિપક્વતા આમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે.

આનાથી બીજું મને એ દેખાયું કે, તમે જો ભૂલ નહીં કરો તો કદાચ શીખી પણ નહીં શકો. કાયમ ભૂલ કરીને જ શીખાય એ જરૂરી નથી, બસ વ્યક્તિનો એ દિશામાં પ્રયત્ન આદરવો રહ્યો. હું કંઈ એવી વિશિષ્ટ વ્યક્તિ તો છું નહીં, એટલે ખુદ તો ભૂલ કરીને જ શીખ્યો!

આ પ્રસંગ આપણને એ પણ કહી જાય છે કે, દરેક વ્યક્તિને એનો પહેલો મોકો (ફર્સ્ટ ચાન્સ) આપવો જરૂરી છે. જોકે પહેલી તક આપવી અને મળવી એ, વ્યક્તિની આવડત અને મહદ્ અંશે હાથ તથા લલાટ ની રેખાઓ પર પણ નિર્ભર કરે છે.બાકી બચ્યું, એ માલિકની રહેમ!

જોકે, આ ખાંડ મેડમ ના કિસ્સાનો શ્રેય, હું મારી માં ને આપવો યોગ્ય સમજું છું. હા! આની પ્રેરણા એને જરૂરથી એ પદ્મનાભ દ્વારા અપાઈ હશે, પણ એ વિચાર તો માં અને એમની વચ્ચેનો રહ્યો.

છેલ્લે હજી એક સરસ વાત, મારે ફિલોસોફી નાં સંદર્ભમાં કહેવી છે.

હું ખાંડ ને 'જીવનની મીઠાશ' ના , સાયકલના કેરિયરને 'લોકો' નાં તથા થેલી ને 'જીવન' નાં 'મેટાફર' તરીકે વિચારું ત્યારે એક વસ્તુ મને કાંચ જેવી ચોખ્ખી દેખાઈ.

જેવું કેરિયર નું (લોકોનું) દબાણ, ખાંડની થેલી પર (જીવન પર) વધ્યું કે તરત જ થેલી માં રહેલી ખાંડ (જીવનની મીઠાશ) વેર વિખેર થઈને ઓછી થઈ ગઈ.

કહેવાનો ભાવાર્થ એટલો જ કે લોકોના દબાણ,અભિપ્રાય કે કુંથલી થી જીવવાનો આનંદ સહેજ ઓછો જરૂર થાય, પણ એને અવગણી, ફરી પાછું મોજ માં રહેતા શીખી જવું, એનું જ નામ જીવન!

આચમન...

જ્ઞાન મેળવવા કે કંઇક શીખવાની તમન્ના પૂરી કરવા સારું આખી દુનિયામાં હવાતિયાં મારવા કરતાં, સ્વાનુભવ નો કોળિયો વાગોળશો તો આગળ પડશે.

✍🏿..પંકિલ દેસાઈ