Sanju Jitu - 1 books and stories free download online pdf in Gujarati

સજું-જીતું પાર્ટ :૧

“સજું જીતું”

“તમે બંને આવા જ સાથે રહેજો.” ગ્રાફિક ડીઝાઈનનો કોર્સ શીખવનાર મેડમ સંજીવનીએ ક્લાસમાં બધાની સામે આરવ અને શ્રુતિને કહ્યું.

એક નાનકડા ગામમાં ગરીબ વિધાર્થીઓ માટે ‘ગ્રાફિક્સ ડીઝાઈન’ નો કોર્સ ફ્રી માં શીખાડવા માટે મેડમ સંજીવનીએ ક્લાસ ઓપન કર્યો હતો.

આરવ અને શ્રુતિની યારી જોઈને મેડમ સંજીવનીની આંખો આજે ભરાઈ આવી. એ પોતાનાં કેબીનમાં ભરાઈ ગઈ. તે સમયે કેબીનમાં કોઈ હતું નહીં. અચાનક એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એનો પાસ્ટ એના સામે આવી પડયો. સંજુ...જીતું એવાં જોર જોરના પડઘા સંભળાવા લાગ્યાં. એણે પોતાનાં કાન બંધ કરી દીધા. દિલ ફાટી ગયું હોય એવી વેદનાથી મોઢામાંથી નીકળી ગયું, “ ઓહ્હ...!! જીતું હું તને ભૂલી નથી સકતી.”

***

સંજીવની અને જીત બંને બાળપણનાં મિત્રો. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને યુવાની સુધી બેસ્ટ ફ્રેન્ડ રહ્યાં. સંજીવની દેખાવમાં રસગુલ્લાની જેમ એકદમ સફેદ જયારે જીત દેખાવમાં હતો કાળો ગુલાબજાંબુન.

બંને સ્કૂલે સાથે જ જતા. પૂરું બાળપણ પણ સાથે જ કાઢ્યું. સંજીવની જીત ટ્યુશન ક્લાસમાં પણ એટલા જ મસ્તી મજાક કરતા. બીજા બધા ફ્રેન્ડોને પણ એમ જ લાગતું કે તેઓ બંનેને બીજા કોઈની જરૂરત જ નથી. એટલા બધા તેઓ એકમેકને હળીમળીને રહેતા હતાં. સંજીવની અને જીત બંનેનાં ઘર પણ સામસામે હતાં. સંજીવની હોમવર્ક કરવા પણ જીતનાં ઘરે જતી. જીતની મોમ સંજીવનીને પ્રેમથી જમાડતી. તેવું જ સંજીવનીનાં મોમ પણ જીતનાં મોમ ડેડ બહાર ગયા હોય તો એની સારસંભાળ રાખતી. સંજીવનીને જીત ‘સંજુ’ કહીને બોલાવતો જયારે સંજીવની જીતને ‘જીતું’ કહીને બોલાવતી.

બાળપણ એવું જ હસતું રમતું જતું રહ્યું. કોલેજમાં પણ કયા ફીલ્ડમાં જવાનું છે એ પણ નક્કી ન કર્યું. જીતુંએ કહ્યું કે કોમર્સ લઈ લઈએ તો સંજુએ પણ હા કહીને એમાં એડમિશન લઈ લીધું. બંનેને એકઝેટલી જવું ક્યાં છે લાઈફમાં એ જ ખબર પડતી ન હતી. ટી.વાય નાં છેલ્લા વર્ષના કોલેજકાળ દરમિયાન એક ઘટના બની જેમાંથી જીતુંને તે કોલેજમાંથી કાઢી નાખવામાં આવ્યો. સંજુને કોલેજનો એક છોકરો એવો પજવી રહ્યો હતો એ બધું જોતા જીતુંથી રહેવાયું નહીં. એણે આ બધી વાતને કોઈ પ્રોફેસર કે પ્રિન્સિપાલને કમ્પ્લેઇન કરીને જણાવી નહીં પણ સીધો જ એ છોકરાને હદથી વધારે એવો માર્યો કે એણે હોસ્પિટલનાં બેડ પર મહિનો કાઢવો પડ્યો. બીજા બધા પોલીસનાં ચક્કર અને ભરપાઈ અલગથી. કોલેજકાળ પણ એવો જ પતી ગયો. પણ જીતુંએ ભણવાનું પડતું મુક્યું અને ડેડીના બિઝનેસમાં હાથ અજમાવી જોયો. એણે સફળતા મળી પણ ખરી. સંજુનું લાસ્ટ યર પૂરું થઈ ગયું પણ પ્રાઈવેટ ક્લાસથી એણે અલગથી ગ્રાફિક ડીઝાઈનનો કોર્સ શીખ્યો. જીતું એણે બાઈક પર છોડી દેતો. પરંતુ આ બધામાં જ બંનેને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો કે આ બંને હવે પરણીને રહેશે. પણ બંનેમાં એવું અત્યાર સુધી તો કશું જ ન હતું. બંને આ જ વાત લઈને ક્યારેક હસી પડતા. સંજીવની જીતને કહેતી, “ લોકો આપણા વિષે શું વિચારે છે? કે આપણા બંનેમાં જરૂર કશું પકી રહ્યું છે. ચાલતું હશે બંનેનું..!!”

ત્યાં જ જીત બોલી પડ્યો, “ પણ એવું કશું જ નથી.”

“હા યાર એવું કશું નથી. જીત એક કામ કર હવે તું તારા માટે કોઈ લાઈફ પાર્ટનર શોધી લે. તો કદાચ આ લોકોના મોઢા બંધ થશે.” સંજીવનીએ કહ્યું.

“એના કરતા તું જ કોઈ ગોતી લે ને. એમ પણ તારા લગ્ન મારા પહેલા જ થશે. તારા મોમ ડેડ તો જોતા જ હશે ને તારા માટે મુરતિયો.” જીતે કહ્યું.

“હા યાર જોઈએ આપણા બંનેમાંથી કોના લગ્ન પહેલા થાય.” સંજીવનીએ કહ્યું.

સંજીવનીએ છ મહિનાનાં ઇન્ટર્નશિપ બાદ બે વર્ષ સુધી એક સારી કંપનીમાં જોબ કર્યો. પણ આ જોબથી એ સંતુષ્ટ ન હતી. એ નવા જોબ સર્ચ કરતી જ રહેતી અને ઓનલાઈન અપ્લાઇ કરતી એવામાં જ સંજીવનીને સારા પગારની મોભેદાર જોબ મળી. એણે આ જ જોઈતું હતું. પણ આ સૂરત શહેરને છોડવું પડ્યું કેમ કે એ જોબ મુંબઈમાં હતી. બીજી તરફ જીતે પોતાની કાબીલયતથી ડેડનાં બિઝનેસને ઉંચે લઈ જઈને એક નવી બ્રાંચ ઓપન કરી.

સંજીવનીએ મુંબઈ જતા પહેલા એટલું જ કહ્યું, “ ઓય્ય જીતું તું મને ભૂલી તો નાં જાય ને. વી આર બેસ્ટ ફ્રેન્ડ.”

“હું ભૂલી જઈશ. જો તું મને ભૂલી જતી હોય તો...!!” જીતે કહેલું. અને સંજુ હસી પડી હતી.

સંજીવની મુંબઈ શહેરમાં માસીના ઘરે રહીને જોબ કરી રહી હતી. ભવિષ્ય વિષે કશું પણ વિચાર્યું ન હતું. ફક્ત જેમાં પેશન છે એમાં કામનો અનુભવ લઈને આગળ વધવાનું એટલું જ દિલો દિમાગમાં ફરતું હતું. ઓફિસમાં નવા ફ્રેન્ડો સાથે ફ્રેન્ડશીપ થઈ. દેખાવમાં સુંદર એવી સંજીવનીની ફ્રેન્ડ બની કાવ્યા. વાતચીત દરમિયાન સામે એક પ્રશ્ન તો આવે જ કે બોયફ્રેન્ડ? સંજીવનીએ સહેજ ભાવથી નાં પાડી.

સામેથી સંજીવનીને જીતનો ફોન હરહંમેશ આવતો. વિડીયો કોલમાં તે પોતાની ઓફિસ પણ બતાવતી. જીત પણ પોતે શું કરતો અત્યારે એ બધું જ શેર કરતો. પણ કાવ્યા સંજીવનીની બરાબર ઉડાવતી. “આ બધું તો બોયફ્રેન્ડ સાથે જ શેર કરે ને? મને ક્યાં સુધી છુપાવશે?”

સંજીવની સમજતી હતી કે સમજાવીને ફાયદો નથી થવાનો. એ એટલું જ કહેતી, “ ફ્રેન્ડ છે.”

કાવ્યા સમજતી નહીં. એ સંજીવનીને ઉત્સાવાનું કામ કરતી, “ તારા દિલને પૂછી જો. ફ્રેન્ડ જ છે કે ફક્ત એના કરતાં પણ કશુંક વિશેષ?”

કાવ્યાની વાતને સંજીવની માથે લેતી ન હતી.

પણ એક દિવસ એવું બન્યું કે સંજીવનીના દિલને જાણે આજે જ ખબર પડી હોય તેમ કે એના દિલમાં પણ કોઈ ધકધક કરતું કોઈ બેઠું છે.

***

એક દિવસ સંજીવનીના મોમે જીતને ઘરે બોલાવીને એક છોકરાનો ફોટો દેખાડ્યો. ખૂબ જ હેન્ડસમ સંજુ સાથે ફીટ થાય એવો જ રાજકુમાર. જીતે ફોટો જોતા તરત જ કહ્યું, “ વાહ્હ આંટી..!! શું નામ છે આ છોકરાનું?”

“એ બધું જ હું તને કહીશ. ફક્ત સંજુનું મન પારખવાનું છે કે એ હમણાં લગ્ન માટે તૈયાર છે કે નહીં? કેમ કે અત્યાર સુધીની એણી બધી જ જીદને અમે પૂરી કરી છે. અમારા પૂછવા છતાં પણ અમને તો કશું જ કહેતી નથી કે એ કોઈ છોકરાને પસંદ કરે છે કે પછી આ છોકરાને ઘરે બોલાવીને મિટિંગ ગોઠવીએ..??”

“ઠીક છે આંટી હું સંજુ સાથે રૂબરૂ મુલાકાત કરીને પૂછી જોઈશ.” જીતે આજ્ઞાંકિત થઇને કહ્યું.

“સંજુ સુંદર છે તો એના માટે અતિસુંદર રાજકુમાર તો હોવો જ જોઈને ને જીત..?” સપનામાં રાચતી હોય તેમ સંજુના મોમ જીતને કહેવાં લાગ્યાં.

જીત સંજુના મોમને એકીટશે જોતો રહ્યો.

રાત આખી જીતની વિચારવામાં ગઈ. એનું મન દિલ એણે કોરી ખાધું હોય તેમ, “ જીત શું વિચારે છે. સંજીવનીના લગ્ન બીજે કશે થાય એના પહેલા તારા દિલની વાત સંજુ સામે રાખ. સંજુ નાં પાડે તો પણ એ ફ્રેન્ડશીપ તોડે એવી તો નથી જ.”

તો બીજી તરફ એનું મગજ દિલ કરતાં પણ ફાસ્ટ દોડતું કહી રહ્યું હતું, “ શું કરે છે જીત?? સંજીવની કેટલી સુંદર અને તું..? આજે તો એના મોમના મોઢેથી સાંભળી જ લીધું ને કે સંજુ માટે સુંદર નહીં અતિસુંદર રાજકુમાર ગોતી રહ્યાં છે..!!”

એનું દિલ મગજ બંને પ્રેમને વચ્ચે પાડીને ફક્ત જીતને હરાવા માટેની રમત સવાર સુધી રમતા રહ્યાં.

જીતે ફોન પર કહ્યું કે હું મુંબઈ આવું છું તને મળવા. સંજીવની ખુશ થઈ ગઈ. એણે ઓફિસેથી હાફ છુટી લીધી. જીત માસીના ઘરે બપોરે પહોંચ્યો હતો. જમવાનું પતાવીને એ બેસબરીથી સંજીવનીની રાહ જોતો હતો. સંજીવની સાંજે ચાર વાગ્યે આવી. બંને એકમેકને જોઈને ખુશ થઈ ગયા. જીતું સંજુના દર્શન કરીને ધન્ય થતો હોય એમ એણે જોતો રહ્યો પછી મજાકમાં જ કહ્યું, “અરે ખાતી નથી કે શું?”

સંજીવનીએ તરત જ કહ્યું, “ લોકલ ટ્રેનમાં ધક્કા ખાવાનું હોય ને...નવું છે એટલે થાય.”

“જીત રોકાશે ને અહિયાં..?”માસીએ પૂછ્યું.

“અરે નાં માસી આજે રાત્રે જ જવાનું છે. એ તો સંજીવનીને મળવા માટે..” જીતે કહ્યું.

“તો ચાલ આપણે બહાર ફરીને આવીએ. તું પાછો તો હવે ક્યારે આવે..!!” સંજીવનીએ કહ્યું.

“ફ્રેશ થઈ જા સંજુ. જમવું હોય તો જમી લે. નહીંતર નાસ્તો કરી લેજે. પછી જાઓ બહાર ફરવા” માસીએ કહ્યું.

“અરે નાં માસી. બહાર નાસ્તો કરી લઈશું.” સંજીવનીએ કહ્યું અને ફ્રેશ થવા બાથરૂમ તરફ ફરી.

ફ્રેશ થઈને એણે ફટાફટ કપડા ચેન્જ કર્યા. જીન્સ અને શર્ટ. અને એજ એની હેરસ્ટાઈલ. બેબ કટ. કાનમાં દેખાય નહીં એવી નાનકડી સોનાની બુટ્ટી જે એ કાયમ પહેરી રાખતી. એટલી મોભેદાર નોકરી હોવા છતાં પણ સંજુએ પોતાનાં પર પણ કોઈ પૈસા ખર્ચ્યા ન હતાં.

જ્યાં ત્યાંની વાતો કરતાં બંને જણા માર્કેટ પહોંચી ગયા.

“સંજુ તું જરા પણ નાં બદલાઈ. મને એમ કે મુંબઈ આવીને તું થોડી સ્ટાઈલીશ છોકરી જેવી થઈ ગઈ હશે. પણ તું તો એવી જ છે?” જીતે એમતેમ નજર દોડાવતાં કહ્યું.

ચાલતા ચાલતા સંજીવની માર્કેટની ગલી ગલીમાંથી લઈ જતી હતી. જ્યાં કોઈ જગ્યા પર એકદમ અંધારું તો કોઈ જગ્યા પર એકદમ સામસુમ લાગતી ગલી દેખાતી હતી. જ્યાં બે ચાર આદમીઓ જ પોતાનાં નાના દુકાનો માંડીને બેઠા હતાં.

“આ તું ક્યાં લઈને આવી છે સંજુ?” જીતે અણગમો કરતાં પૂછ્યું.

“અરે આ તો શોર્ટ કટ મારીને તને ફરાવું છું. તને જલ્દી જવું છે ને?” એમેતેમ નજર દોડાવતાં સંજુએ કહ્યું.

જીત ત્યાં જ થોડી સેકેંડ માટે ઊભો રહી ગયો અને સંજુનાં હાથનાં આંગળામાં પોતાનાં આંગળાં જોરથી ભેરવ્યાં અને કહ્યું, “ એકલી હોય ત્યારે અહિયાં નહીં ફરવાનું.”

અચાનક જ સંજુ જીતની આંખોમાં ઊંડાણથી જોવા લાગી. સંજુએ ક્યારે પણ એવી રીતે જીતનાં આંખોમાં જોયું ન હતું. જીતનાં હાથના ગરમાશની અસર એના દિલમાં થઈ હોય તેમ દિલમાં કોઈ ઉથલપાથલ થવા લાગી. એને પહેલી વાર જીતનો સ્પર્શ ગમવા લાગ્યો હતો. સંજુએ પોતાનાં આંગળાને જીતનાં આંગળા સાથે વધુ મજબૂતાઈથી ભેરવીને પકડ જમાવી. સંજુને હાથ છોડવા જરા પણ ગમતો ન હતો. બંનેએ એવી રીતે જ એકમેકમાં આંગળીઓ ભેરવીને આખા માર્કેટમાં ફર્યા. ત્યાં જ એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે બેઠા ત્યારે જીતુંએ મોબાઈલમાં ફોટો દેખાડતા કહ્યું, “ સંજુ આ છોકરા વિષે તારું શું કહેવું છે?”

“ઓહ્હ એટલે તને મોમે મોકલ્યો છે એમ ને. તારા મનથી તું મને મળવા નથી આવ્યો?” સંજીવનીએ ગુસ્સે કરતાં કહ્યું.

જીતે કશું કહ્યું નહીં.

હવે સંજુને કોણ સમજાવા જાય કે જીતુંએ તો આ મોકાને જ જાણે ઝડપી લીધો હોય તેમ દિલથી સંજુની એક ઝલક જોવા માટે મુંબઈમાં મળવા માટે આવી ગયો હતો.

“તારે વચ્ચે પડવાની જરૂર નથી. એના વિષે હું મોમ સાથે વાત કરી લઈશ.” સંજીવનીએ સાફ શબ્દોમાં કહ્યું હોય તેમ જીતે પણ ‘હા’ માં ડોકું ધુણાવ્યું.

નાસ્તાને ન્યાય આપી સંજીવની સ્ટેશન પર જીતને છોડવા ગઈ.

“સ્ટાઈલીશ બની જજે સંજુ હવે. તો કોઈ ઓફિસનો છોકરો લાઈન મારે ને..!!” ટ્રેનનાં ડબ્બામાં બેસીને બારીમાંથી જ મૂકવા આવેલી સંજીવનીને જીત હળવો માહોલ કરવા માટે કહી રહ્યો હતો.

“અરે નાં નાં. શું ખબર...!! કોઈ છોકરો મારા પર લાઈન મારે અને તું એણે હોસ્પિટલમાં પહોંચાડી દેશે તો...!!” સંજુએ કોલેજના દિવસો યાદ કરાવતાં કહ્યું.

“એવી ગલતી ફરી થોડી કરી શકું. ત્યારે તું નાદાન હતી ને. તને જવાબ આપતા ક્યાં આવડતું હતું. એવાં છોકરાઓને તો ભાંગવા જ પડે ને..” જીતે કહ્યું.

“અચ્છા એટલે ત્યારે તું ઘણો અક્કલવાળો હતો એમ ને..” સંજુએ હસતાં કહ્યું.

“એ વાત જવા દે. તું બોલ કોઈ ઓફિસમાં છે કે નહીં તને પસંદ હોય એવું. કોઈ તને ભાવ આપે એવું..??” જીતુંએ પૂછ્યું.

“તું મારું છોડ. તું તો એટલો સ્ટાઈલીશ છે તો પણ તને તો કોઈ ભાવ આપતું નથી.” સંજીવનીએ હળવી મજાક કરી. પણ પહેલી વાર સંજુની વાત જીતને દિલમાં લાગી ગઈ હતી. એણે વાત મનમાં ન રાખી પણ સંજુને સામે જ કહી દીધું, “ એવું છે તો જો હું કેવી અપ્સરાને પટાવીને દેખાડું છું..!!”

“અરે જા હવે ચહેરો જોયો છે.” સંજીવનીએ જીતને વધુ ચીડવતાં કહ્યું. એટલામાં જ ટ્રેનનો ઉપડવાનો સમય થઈ ગયો.

ચાલતી જ ટ્રેને જીતુંએ ચેલેંજ કરી, “ સંજુ તું જોતી રહી જશે હું કેવી અપ્સરા પટાવું છું.”

“અરે જા..ચેલેંજ નાં કર. પીટી જશે.” સંજુએ પણ હસીને જીતુંને સંભળાય એવી રીતે કહ્યું.

“તું જોતી રહી જશે. ઓકે ટેક કેર. કોલ કરતી રહેજે.” જીતે કહ્યું. સંજીવની બાય કહીને ત્યાંથી નીકળી ગઈ. એણે પોતાનો હાથ જોયો. જીતે એના હાથને સ્પર્શ કર્યો હતો. એ થોડું હસી.

બીજા દિવસે એ ઓફિસે ગઈ. કાવ્યાએ આવતાંની સાથે જ કહ્યું, “તારો દોસ્ત બે મહિના પણ તારા વગર રહી નથી શકતો. શું વાત છે..!!”

સંજીવનીએ મૌન સેવતા એનું ડેસ્ક સંભાળ્યું. પણ આજે કાવ્યાની વાત એણે ગમતી હતી.

કાવ્યા સંજીવનીનાં ચહેરા ભણી જોતી રહી ગઈ. કે રોજ તો એના સવાલોના જવાબ રહેતાં જ પણ આજે સંજીવનીએ એક પણ જવાબ આપ્યો નહીં. ઓફિસનું રૂટીન એવું જ ચાલતું રહ્યું. એક દિવસ કાવ્યાએ સંજુના કાનમાં રેડ્યું, “ સંજીવની તું ખુબસુરત તો છો જ. પણ એણે હજું નિખારવા માટે થોડી તામઝામની જરૂરત છે. તો કોઈ સામેથી લાઈન મારે ને..!!”

અનાયસે જ સંજીવનીનાં મોઢેથી નીકળી આવ્યું, “ તામઝામ..??”

“યસ માય બેબી. જરા તારી આ હેરસ્ટાઈલ બદલ. આ બોબ કટ વાળી હેરસ્ટાઈલ ક્યાં સુધી રાખશે? વધારે નહીં થોડા તો વાળ વધાવ. રોજનું જ જીન્સ પેન્ટ શર્ટને બદલે તારી શોપિંગમાં સલવાર સુટને પણ આમંત્રણ આપ. કોઈક વાર સાડી ટ્રાઈ કર. કોઈક વાર શોર્ટ ટ્રાઈ કર.”

ત્યારે જ સંજુને જીતુંની કહેલી વાત યાદ આવી, “સંજુ તું જરા પણ નાં બદલાઈ. મને એમ કે મુંબઈ આવીને તું થોડી સ્ટાઈલીશ છોકરી જેવી થઈ ગઈ હશે. પણ તું તો એવી જ છે?”

કાવ્યાએ ફરી કહેવાં માંડ્યું, “ તને જેવું રહેવું હોય એવું. પછી તો તારી મરજી.”

સંજીવનીએ એ વાતને પણ પડતી રાખી. પણ એનું દિલ કશુંક ઈશારો કરી રહ્યું હતું..!!

(ક્રમશઃ)