Sanju Jitu - 4 books and stories free download online pdf in Gujarati

સંજુ જીતું પાર્ટ : 4

પાર્ટ : 4

“ભૂખ લાગી છે મને. તું ચૂપ કર હમણાં. તને ખાતા વાર નાં લાગે મને.” જીતુંએ ગુસ્સાથી કહ્યું પણ સંજુને સમજ નાં પડી કે આ ગુસ્સો હતો કે મજાક..!! એ ચૂપ રહી.

જ્યાં સુધી ભરપેટ જીતુંએ જમી નાં લીધું ત્યાં સુધી એક શબ્દ બોલ્યો નહીં. સંજુ એની આ ભૂખની આદતથી વાકેફ હતી. સંજુએ અમસ્તો જ દેખાવ ખાતર જમવાનાને ન્યાય આપ્યો પણ એણી ભૂખ તો તદ્દન ઉડી ગઈ હતી.

“સંજુ તું ત્રણ દિવસની રજા જ લઈને આવી હતી તો રોકાઈ કેમ નહીં ?” જીતુંએ પૂછ્યું.

“હું તારા સવાલોનો જવાબ આપવા માટે બંધાયેલી નથી.” સંજુએ ગુસ્સાથી કહ્યું.

“તારે બધા જ સવાલોનાં જવાબો હું લઈને રહીશ. હું આવ્યો પણ એટલે જ છું.” જીતુંએ મક્કમતાંથી કહ્યું.

“પણ મારે કશું જ નથી કહેવું. અરે તું શું કામ સમય વેડફે છે તારો પોતાનો પણ.” સંજુએ એટલી દૂરથી પ્રવાસ કરીને આવતાં જીતુંને સમજાવતાં કીધું.

“એટલે જ કહું છું તારો લંચ બ્રેક પણ પૂરો થઈ જશે. મને જે જવાબો જોઈએ છે એ જલ્દી આપી દે.” જીતું જાણે શાંતિથી સમજાવી રહ્યો હોય એમ કહેવાં લાગ્યો.

“અરે પણ એ મામલો પૂરો થઈ ગયો છે. બસ મને સમજતાં થોડી વાર લાગી. હવે હું ઓકે છું યાર. તું તારી લાઈફમાં સેટ થઈ જા. એનાથી વધારે હું શું જવાબ આપી શકું.” સંજુ એટલું કહીને ટેબલ પર હાથ રાખીને ઉઠીને જવા લાગી. તે જ સમયે જીતુંએ ટેબલ પર રાખેલા હાથ પર પોતાનો હાથ ધીમેથી રાખ્યો અને ઈશારાથી બેસવા માટે કહ્યું. સંજુને ડર હતો કે દિલનો ઊભારો આંખ વડે આંસુઓથી જીતું સામે ન નીકળી જાય. કેમ કે એ ચાહતી જ ન હતી કે હવે જીતું કોઈ લાગણીનાં બંધનમાં આવી પોતાનાં લીધે કોઈ પીડા અનુભવે.

“સંજુ ઓહ્હ સંજુ તું ખૂશ નથી આ બધાથી તો હું ખૂશ કેવી રીતે રહી શકું બોલને.” આજીજી સ્વરે જીતું કહેવાં લાગ્યો.

“જીતું આપણે ફક્ત બેસ્ટ ફ્રેન્ડ છીએ. પોતપોતાની લાઈફના નિર્ણય લેવાનો પોતાને જ અધિકાર હોય છે ને. હું ખૂશ છું યાર. મને થોડો સમય આપ. હું જેવી છું એવી તારી સામે આવીશ. મને થોડા સમય માટે એકલી છોડી દે.” ભારે હ્રદયથી સજું કહી રહી હતી.

“ઠીક છે. ફક્ત તું મને છેલ્લો જવાબ આપ.” જીતુંએ સંજુની આંખમાં જોતા કહ્યું. પણ સંજુએ એની આંખોમાં વધારે સમય નાં જોતા કહ્યું, “ શેનો?”

“એ છોકરીને છોડી દઉં?” જીતુંએ આટલા વર્ષની યારીની લાજ રાખતો હોય તેમ કહ્યું.

“છોડવાની વાત કરે એટલે તું જીયાને પ્રેમ જ કરતો ન હશે.” સંજુએ પ્રામાણિકતાથી કહ્યું.

“અચ્છા. એ છોકરીનું નામ પણ ખબર છે.” જીતુંએ કહ્યું.

“હા.” સંજુએ કહ્યું. અને ઉમેર્યું, “ જીયા માટેનો પ્રેમ પણ તારી આંખમાં દેખાય છે.”

“સંજીવની જીતને પ્રેમ કરીને છોડી શકે છે. તો જીત કેમ નહીં જીયાને પ્રેમ કરીને છોડી શકે..?” જીતુંએ પૂછ્યું.

“જીતું, એ બધી વાતોમાં પડવાનો સમય નથી. મેં માન્યું છે ને એ મારી ભૂલ થઈ ગઈ છે. મને મનાવામાં સમય વેડફે છે એના કરતા જીયા સાથે સમય કાઢ. તમે બંને પ્રેમમાં છો. હું ખુશ છું તમારા રિશ્તાથી. મેરેજમાં બોલાવાનું ભૂલતો નહીં.” એટલું સળંગ કહીને એ ઉઠી અને ફરી કહ્યું, “ જીતું ઓફિસ બ્રેક પૂરો થઈ ગયો છે. મારે હવે જવું પડશે.”

જીતુંએ ફક્ત ‘હા’ માં ડોક હલાવી. એ જાણતો હતો કે સંજુનું દિલ પોતાનાં લીધે વેરવિખેર થઈ ગયું છે. પણ હમણાં એને એકલી જ છોડી દે એ જ સારું થશે.

સંજુ એવું બોલવા ચાહતી ન હતી પણ ઔપચારિક ખાતર બોલી, “તને માસીના ઘરે રોકાવું હોય તો રોકાજે. ઓફિસેથી આવીને તને મળું હું?”

“નાં હું અહિયાંથી જ નીકળી જઈશ. તને ઓફિસે મૂકતો જાઉં છું.” એમ કહીને જીતું ઉઠ્યો.

“નાં તું જા તારી રીતે.” સંજુએ કહ્યું અને એ જીતું ગયો કે નહીં એના માટે પણ રોકાઈ નહીં. એ ઝડપથી ત્યાંથી નીકળી ગઈ તે સાથે જ એના આંખોમાં આંસુઓની ધારા વહેવા લાગી. અત્યારે સંજુને આજુબાજુના લોકોની જરા પણ પરવાહ ન હતી કે લોકો શું વિચારશે કે આ છોકરી ઝડપથી રડતી ક્યાં જાય છે..!!

ઓફિસ આવતાં જ એણે આંખોમાંથી આવતા આંસુને ટીસ્યુ પેપરથી સાફ કર્યા અને સીધી જ એ ફ્રેશ થવા માટે વોશબેઝ તરફ ગઈ. એ રડતી ગઈ અને પાણીથી મોઢું ધોતી રહી. એણે ઠીક તો લાગતું ન હતું ફરી ઓફિસમાં બેસવા માટે. તો પણ મનને મનાવીને અરિસામાં એક મોટી સ્માઈલ આપીને ચહેરો ઠીકઠાક કરીને પોતાનું ડેસ્ક સંભાળ્યું. બીજી તરફ જીતની હાલત પણ સંજીવનીની જેમ જ થઈ. એ સંજુ અને જીયામાં જાણે ફસાઈ ચૂક્યો હોય તેમ એણે શું નિર્ણય લેવાનો એ જ સમજ પડતી ન હતી. પણ એ તો પાક્કું હતું કે જીયાને હવે છોડાય એમ નથી જ...કેમ કે....!!

ગેટ આગળ જીત ક્યારનો ઊભો રહ્યો કે સંજુ ઓફિસમાં વળી કે નહીં એ જોવા માટે. આ બધી વાતોથી સંજુ બેખબર હતી.

***

દિવસો એવાં જ નીકળતા ગયા. સંજુએ પોતાને હવે સંભાળી લીધી હતી. બંનેની ફ્રેન્ડશીપ એવી જ અંકબંધ હતી. પણ મેસેજ, કોલ અને વિડીયો કોલ હવે કમી કરતા હતાં.

જીત અને જીયાનાં લગ્ન તરત જ ધામધૂમથી થયા. સંજુ પોતે પણ એ લગ્નમાં સામેલ થઈ હતી. જોતજોતામાં જ જીતને એક પ્યારો બાબો પણ થઈ ગયો. નામ કુશ પાડ્યું.

જીતનો બાબો હવે તો બે વર્ષનો થઈ ગયો હતો. પણ હજું સુધી સંજુએ કોઈ સાથીદાર ચુન્યો ન હતો.

સમય પાણીની જેમ વહી રહ્યો હતો. જીયાએ સંપૂર્ણપણે કુશમાં પોતાનું ધ્યાન લગાવી દીધું હતું. પરંતુ એ હવે ચીડચીડ અનુભવી રહી હતી. જીત સાથે પોતે ક્યારે ઓફિસ જોડાશે એના લીધે ઝગડા કરી બેસતી. પણ જીત એણે સમજાવતો કે બાળક થોડું મોટું થવા દે પછી જોઈન કરજે ઓફિસ. પણ જીયાએ હઠ પકડી હતી. એવામાં જ જીત અને જીયામાં ઘણાં ઝગડા થવા લાગ્યાં. જીયા પઝેસીવ બની ગઈ હતી.

એક વાર એણે સંજીવની સાથે પણ ઝઘડો કરી લીધો હતો જ્યારે એ રજા લઈને સૂરત આવી હતી ત્યારે કે એના પતિ સાથે ફ્રેન્ડશિપ પણ રાખવાની જરૂરત નથી.

જીત સાથે પણ હવે આ જ વાતને લઈને ઝગડી પડતી. જીત એને ઘણો સમજાવતો કે એ બંને વચ્ચે એક ફ્રેન્ડ સિવાય કશો રિલેશન નથી. બધું ઠીક રહેતું પણ જ્યારે પણ સંજીવની સૂરત આવતી એટલે જીયાનો જીવ બેચેન થઈ જતો. આ જ ડરથી જીતું અને સંજુએ એકમેક સાથે વાત કરવાનું પણ ટાળ્યું હતું. જીયાએ જીત સાથે ઓફિસ જોઈન કરી લીધી હતી. છ વર્ષનો કુશ થઈ ગયો હતો એ સ્કૂલ જતો થઈ ગયો હતો. મુંબઈની નોકરી છોડીને સંજીવની સૂરતમાં જ વસવાટ કરવા આવી ગઈ હતી.

કુશને બાઈકની સવારી ખૂબ જ પસંદ હતી. તેથી જીતું એને બાઈક પર જ સ્કૂલમાં મુકવા જતો. એ જ્યારે સવારે પોતાનું બાઈક બહાર કાઢતો હોય ત્યારે એની નજર હંમેશા બાલ્કનીમાં કોફી પીતી સંજુ પર રોજ જતી. તેઓ બંને આંખના ઈશારાથી એકમેકનાં ખબર અંતર પૂછી લેતાં. કારણ એટલું જ કે એ બંને જીયાનાં વહેમનું કારણ બનવા માંગતા ન હતાં.

(ક્રમશઃ)