MAHABHARAT NA RAHSHYO - 5 books and stories free download online pdf in Gujarati

મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (5)

સુરેખા હરણ. (1)

પાંડવો,જુગારમાં પોતાનું રાજપાટ હારી બેઠા હતા. તેર વરસનો વનવાસ ભોગવી રહ્યાં હતાં.
બલભદ્રે પોતાની પાલક પુત્રી સુરેખાનું વેવિશાળ અભિમન્યુ સાથે કર્યું હતું. અભિમન્યુ, સુભદ્રા અને કુંતામાતા એ વખતે વિદુરજીના ઘેર રહેતાં હતાં.
બલભદ્રે વિચાર્યું કે 'પાંડવો તો હવે કંગાળ થઈ ગયા છે. તેર વર્ષ સુધી હું રાહ જોઉં અને ત્યાર પછી પણ દુર્યોધન એમને ઇન્દ્રપ્રસ્થ પાછું આપશે કે નહીં એ કોણ જાણે ? એના કરતાં લાવને આ વિવાહ ફોક કરી નાખું. મારી દીકરીને હસ્તિનાપુર નરેશ દુર્યોધનના પુત્ર સાથે જ પરણાવી દઉં...! મારી દીકરી તો સુખમાં જશે અને મને એક મોટો સગો મળશે...!' એમ વિચારીને બલભદ્રે કૃષ્ણને બોલાવ્યા અને પોતાના દિલની વાત કરી.
ભગવાન એ સાંભળીને ખૂબ જ નારાજ થયા.
"દાઉ, સુભદ્રા આપણી બહેન છે...આજે એ દુઃખી છે એવા સમયે ભાઈ તરીકે આપણે એની પડખે ઉભું રહેવું જોઈએ... એના બદલે આપ, આ શું કરી રહ્યા છો ?"
"તારા સગા છે એ બધા જ મોટા રાજાઓ છે...અને અમારે આ ગરીબડો ભાણેજ અમારો જમાઈ...! હું પણ મારી દીકરીને મોટા ઘરમાં જ આપવા માંગુ છું, આ મારો નિર્ણય અફર છે. હું કોઈપણ જાતની દલીલ સાંભળવા માગતો નથી. ચાલ તું હસ્તિનાપુર મોકલવા માટે બે પત્રો તૈયાર કર...
એક પત્ર વિદુરજીના ઘેર લખ. એ પત્રમાં અભિમન્યુનું વેવિશાળ આપણે ફોક કરીએ છીએ એમ લખ. બીજો પત્ર દુર્યોધનને લખ...જેમાં આપણે એના પુત્ર લક્ષમણા સાથે સુરેખાનું વેવિશાળ કરીએ છીએ. ટૂંક સમયમાં જ લગ્ન પણ કરાવી આપવાની વાત લખ."
"કરી લો ત્યારે તમે પણ ઈચ્છા પૂરી..." મનમાં જ બોલીને જદુરાય સહેજ મલકયાં. દાઉની ઈચ્છા મુજબ પત્રો લખવા બેઠા.
એક પત્ર વિદુરજીને મોકલ્યો. જેમાં અભિમન્યુનું વેવિશાળ ફોક કર્યાની વિગતો લખી અને બીજો પત્ર દુર્યોધનને લખ્યો.જેમાં લખ્યું કે,
" હે ગાંધારીનંદન, આપના પુત્ર લક્ષમણા સાથે અમારી દીકરી સુરેખાનું વેવિશાળ કરીએ છીએ અને અભિમન્યુ સાથેનું એનું વેવિશાળ ફોક કરીએ છીએ. આપ વૈશાખી બારશના દિવસે જાન લઈને પધારશો. લગ્ન પૂર્ણિમાને દિવસે રાખીશું. ચાર દિવસ અમને મહેમાનગતિ કરવાનો લાભ આપશો."
આમ લખી માધવે પત્ર બલભદ્રને વંચાવ્યો. બલભદ્ર ખુશ થઈને કંકુ ચોખા લેવા ગયા ત્યારે ભુદરે પોતાનો ખેલ ભજવી લીધો. પત્રમાં નીચે એક વાક્ય ઉમેરી દીધું.
" પણ વિચાર કરીને છોકરો પરણાવા આવજો.
સિંહણને શું શિયાળીયું વરશે ? કાગડો શું હંસલી લઈ જશે ? કન્યા તો અભિમન્યુની જ છે."
બંને પત્રો હસ્તિનાપુર રવાના થયા. વિદુરજી પત્ર વાંચીને ઉદાસ થઈ ગયા. કુંતામાતાને પણ પોતાના ભત્રીજાઓ પ્રત્યે નારાજગી થઈ. સુભદ્રા તો આ વાત જાણીને રડવા લાગી.
"અરે રે...ભાઈ. આપને આ શું મતિ સુઝી...બહેનના દુઃખમાં સાથ આપવાને બદલે દુઃખ વધાર્યું."
અભિમન્યુ એ વખતે ઘેર ન્હોતો. એ ભણીને જયારે ઘેર આવ્યો ત્યારે ઘરમાં ઉદાસીનું વાતાવરણ જોઈ નવાઈ પામ્યો.
વિદુરજી એને બહુ લાડ લડાવતા હતા.પણ આજે એ બોલ્યા જ નહીં. કુંતામાએ પણ એને બોલાવ્યો નહીં. એટલે એ સુભદ્રા પાસે જઈને બેઠો.
''મા એવું તે શું થઈ ગયું છે..તે બધા આમ રોવા બેઠાં છો..? કેમ મને કોઈ બોલાવતું નથી..? હે માતા રડવાનું બંધ કરો એને મને કહો કે શું દુઃખ આવી પડ્યું છે."
"તારા મામાએ તારું વેવિશાળ ફોક કરી નાખ્યું દીકરા. તારા પિતા વનવાસે ગયા જાણી હવે આપણને કન્યા દેવા માંગતા નથી.." કહીને સુભદ્રા ફરી રડવા લાગી. એ સાંભળીને અર્જુનસુત હસી પડ્યો,
"ઓહો...એટલી જ વાત છે...? મા દુનિયામાં રાજકન્યાઓનો પાર નથી... એ આપણને ન આપવા માંગે તો એમાં રડવાની શી જરૂર."
અભિમન્યુની વાત સાંભળી સુભદ્રાજીના ગુસ્સાનો પાર રહ્યો નહીં.
"અરે..રે..તું કાયર કેમ પાક્યો દીકરા..તારી થયેલી કન્યા દુશ્મનને ઘેર ગઈ એ કેમ સાંખી લેવાય ? ભ્રાતા બલભદ્રએ સુરેખાને દુર્યોધનના દીકરા લક્ષમણા સાથે વરાવી...તું જો મારો દીકરો હોય તો જા જઈને યુદ્ધ કર...ક્ષત્રિયનો દિકરો પોતાની થઈ ચૂકેલી કન્યાને જવા દે તો તો માતાનું દૂધ લાજે દીકરા."
બસ, જલતી આગમાં ઘીની ધારા જેવા એ વાક્યોથી અભિમન્યુનું શૂરાતન જાગી ઊઠ્યું. શૂરવીર માટે કાયર શબ્દ જેવી કોઈ ગાળ ન હોઈ શકે... અને એ પણ પોતાની માતાના મુખેથી સાંભળવા મળે તો એ શૂરવીર પુત્ર પકડ્યો પણ રહે નહીં.
અભિમન્યુ ધડાધડ દાદર ઉતર્યો. ખૂબ જ ક્રોધે ભરાઈને એણે યુદ્ધમાં જવાના વસ્ત્રો પહેર્યા. ધનુષ્ય અને તીર લીધા. તલવાર અને ભાલો લીધા. ગદા અને ગુપ્તિ લીધા. રથને ઘોડા જોડીને એણે બહાર કાઢ્યો...
એ જોઈ વિદુર અકળાયા. બાળક યુદ્ધ કરવા નીકળેલો જાણી એમને ધ્રાસકો પડ્યો. કુંતા પણ દોડી આવ્યાં. ઘોડાના નેતરા ઝાલીને એ આડા ફર્યાં.
"દીકરા..આવી મતિ તને કોણે સુઝાડી...? સગા સાથે લડવા ન જવાય...તું એકલો દ્વારકાની સેના સામે શું લડવાનો છો ? આપણા કરમ ફૂટી ગયાં દીકરા...તું લડવા ન જા...મારા અર્જુનને હું શું મોઢું બતાવીશ, દીકરા...તું રથમાંથી નીચે ઉતરી જા...મારા દીકરા, એમ લડવા જઈને જીવ ખોવો નથી.. કન્યા ગઈ તો ગઈ...પણ તું તો મારી આંખનું રતન છો દીકરા...નીચે ઉતર... નીચે ઉતર..." કહીને કુંતામાતા આક્રંદ કરવાં લાગ્યાં.
"મા... મને જવા દો. મરવાની બીકે ઘરમાં બેસી રહે એ ક્ષત્રિયનો દીકરો ન હોય... મા, મને મારી માતાએ કાયર કહ્યો છે....હું, એકવાર મારી થયેલી કન્યા મારા દુશ્મનના ઘરમાં નહીં જવા દઉં..‌. દૂર હટો... મા, હું કોઈ કાળે રથમાંથી નીચે ઉતરવાનો નથી... જે થવું હોય તે થાય..." કહી અભિમન્યુએ અશ્વને ડચકારો કર્યોં.
કુંતા માતા ક્રોધે ભરાયાં. સુભદ્રાને બોલાવીને વઢવા લાગ્યાં.
"અરે...વહુ, આ શું કરી બેઠાં તમે...દીકરાને હાથે કરીને મોતના મુખમાં શીદને ધકેલ્યો...અમે અહીં જીવતાં બેઠાં છીએ છતાં અમને પૂછ્યા વગર એને ઉશ્કેરીને યુદ્ધમાં શા માટે મોકલ્યો...જદુરાયની સેના આ બાળકને પીંખી નાંખશે, એ નથી જાણતા ? શું ચકલી ગરુડને પહોંચી વળશે ? વગર વિચાર્યે દીકરો ખોવાનો ખેલ તમેં આદર્યો છે...જાવ હવે સમજાવીને એને રથેથી ઉતારો..."
કુંતામાતાના તીખા વચનો સાંભળી સુભદ્રાની આંખ પણ ઉઘડી. એને ખ્યાલ આવ્યો કે આ રીતે અભિમન્યુને મોકલવાનું પરિણામ શું આવશે. દીકરાને કાયર કહીને ઉશ્કેરવા બદલ ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો.
સુભદ્રા પણ દોડીને અશ્વની રાશ પકડીને ઉભી રહી.
"હે મારા શૂરવીર દીકરા, મારી ભૂલ થઈ...જવા દે એ કન્યા. આપણે નથી જોઈતી...તું એકલો યુદ્ધ કરીને એને લાવી નહીં શકે. તારા પિતાજી મને પૂછશે તો હું શું જવાબ આપીશ દીકરા તું જીદ મૂકી દે...મારી આજ્ઞા માન અને રથ છોડી નાખ...!"
"મા, હવે હું રથમાંથી નીચે ઉતરું તો મારા મહાન પિતાનું નામ બોળાય. જે થવાનું હોય તે ભલે થાય પણ હું દ્વારકા પર આક્રમણ તો કરીશ જ અને તારી વહુને લાવીશ...કોઈ કાળે હું હવે રથમાંથી નીચે નહીં ઉતરું. મા, તું મારો માર્ગ ન રોક...મને જવા દે...મા...!"
અભિમન્યુ એકનો બે ન થયો. આખરે વિદુરજીએ સુભદ્રાને એક બાજુ બોલાવીને કહ્યું,
"પુત્રી , તું પણ સાથે જા. દ્વારકા જઈને કૃષ્ણ અને બલભદ્રને વિનંતી કરીને સમજાવજો. ગમે તે થાય પણ દીકરાને લડવા ન દેજો. તમે સાથે હશો તો કંઈક રસ્તો નીકળશે."
''ભલે તાતશ્રી...હું એની સાથે જ જાઉં છું...મનાવીને પાછો લઈ આવીશ."
સુભદ્રાજી અભિમન્યુ સાથે રથમાં ચડ્યાં એટલે અર્જુનનો એ દીકરો ફરી ગુસ્સે થયો...,
"માતા...રથમાંથી નીચે ઉતરો. કોઈ યોદ્ધો લડવા જાય ત્યારે માતાને સાથે લઈ જતો નથી."
"પણ દીકરા, તેં તો દ્વારકા જોયું નથી. હું સાથે આવું તો રસ્તો બતાવીશ અને આપણે પહેલાં લડવું નથી. હું મારા ભાઈઓને સમજાવીશ કે સુરેખા આપણને સોંપી દે. ન માને તો તું યુદ્ધ કરજે."
વિદુરજી, કુંતામાતા અને સુભદ્રાની ઘણી સમજાવટ પછી એ માંડ માન્યો.
રથમાંથી ઉતરીને ભોજન વગેરે કરીને વળી એ તૈયાર થયો. સુભદ્રા પણ સાથે બેઠી.
હસ્તીનાપુરથી ઉપડેલો અભિમન્યુના રથને ગાય સામી મળી એ જોઈને કુંતા અને વિદુર સારા શુકન માની ઘણાં રાજી થયાં. આગળ જતાં બે રસ્તા પડતા હતા. એ જોઈને અભિમન્યુ અટવાયો. દ્વારકા જવાનો માર્ગ કયો છે એ જાણવા અભિમન્યુએ પૂછ્યું, "માતા, ક્યે રસ્તે દ્વારકા જવાશે...ડાબે કે જમણે...!''
એ વખતે જ જગતના નાથ જાદવે જાણ્યું કે ભાણો આવી તો રહ્યો છે...પણ એકલો આવીને એ શું કરશે...? એટલે પ્રભુએ સુભદ્રાને સાન ભૂલવાડી દીધી.
જે રસ્તો દ્વારકા જતો હતો એ ભૂલીને સુભદ્રાએ ખોટો રસ્તો ચીંધ્યો.
અભિમન્યુએ એ દિશામાં રથ હાંકવા માંડ્યો. દિવસ આથમી ગયો હતો અને રસ્તો ધીમેધીમે જંગલમાં ઉતરતો જતો હતો.
જેમ જેમ અંધારું પૃથ્વી પર પોતાના કાળા ઓળાઓનું લશ્કર ઉતારવા લાગ્યું તેમ તેમ જંગલ પણ ગીચ થવા લાગ્યું. ઝાડી અને ઝાંખરા, ટેકરીઓ અને ખીણોમાં એ રસ્તો ધીમેધીમે સાવ અદ્રશ્ય થઈ ગયો..
''માતા...મને લાગે છે કે તમેં રસ્તો ભૂલ્યા છો. દ્વારકાનો રસ્તો કંઈ આવો હોય ?'' અભિમન્યુએ માતાને પૂછ્યું.
સુભદ્રા પણ મુંઝાઈ ગયા. હવે તો પાછું પણ વળાય તેવું રહ્યું ન હતું.
ઊંચા તાડ જેવા વૃક્ષો પોતાની વિશાળ શાખાઓ ફેલાવીને ઉભા હતા. જંગલી પશુઓ અને નિશાચરોની પીળી આંખો અંધારામાં ચમકી રહી હતી. તમરાઓનું ભયાવહ સંગીત ચારેકોર બાજી રહ્યું હતું. સિંહની ગર્જના, વાઘની ત્રાડ અને શિયાળીયાઓની લાળી જેવા કરુણ રુદન સ્વરો વાતાવરણને અતિશય બિહામણું કરી રહ્યાં હતાં.
તોતિંગ વૃક્ષના થડની બખોલમાં બેઠેલાં ઘુવડ ચિત્કારી રહ્યાં હતાં. ચામચીડિયાના અસંખ્ય ટોળા આમથી તેમ ઉડીને અભિમન્યુના માથા પાસેથી પસાર થઈ રહ્યાં હતાં.
રાત્રિનું આવું બિહામણું સ્વરૂપ જોઈ અશ્વો પણ હણહણીને ઉભા રહી જતાં હતાં. આગળ જવાનો રસ્તો જ હવે બંધ થઈ ગયો હતો. હવે પાછું વળી શકાય તેમ રહ્યું ન્હોતું.
જંગલનું આવું બિહામણું સ્વરૂપ જોઈને સુભદ્રાજી તો એકદમ ડરી જ ગયાં.
"અરે...રે દીકરા. હું ભુલકણી રસ્તો ભુલી...સાચો મારગ તો પાછળ રહી ગયો અને આપણે આ અઘોર જંગલમાં આવી ચડ્યાં." કહીને સુભદ્રાજી રડવા લાગ્યાં.
અભિમન્યુ તો અર્જુનનો પુત્ર હતો. ભગવાન પાસે શસ્ત્રવિદ્યા શીખ્યો હતો. પ્રભુએ એને ડરવાનું તો શીખવ્યું જ ન હતું...!
અભિમન્યુએ અગ્નિ અસ્ત્ર બાણ મારીને આગ ઉત્પન્ન કરી એટલે ઝાડી ઝાંખરા બળવા લાગ્યાં અને પ્રકાશ ફેલાયો. આગના અજવાળે પાંડવનો એ પુત્ર આગળ વધવા લાગ્યો. આગથી જંગલ સળગવા લાગ્યું.
આગળ જતાં હેડંબાવન શરૂ થયું...રાક્ષસી હેડંબાને ભીમ પરણ્યો હતો. એનો પુત્ર ઘટોત્ચક (આપણી વાર્તામાં આપણે ગટોરગચ્છ કહીશું ) આ હિડંબવનના માલિક હતા. વન સળગ્યું અને હીડંબાનો બાગ પણ સળગવા લાગ્યો.એટલે વિકરાળ માયાવી રાક્ષસો દોડ્યા.
મહાકાય રાક્ષસોને જોઈ સુભદ્રા તો બેહોશ થઈ ગયા.અભિમન્યુએ જાણ્યું કે માતા જો રથમાં રહેશે તો આ રાક્ષસોના ફેંકેલા હથિયાર વાગી જશે....! એટલે માતાની સુરક્ષા માટે એને ઉપાડીને જંગલના એક ઝાડની બખોલમાં સુવડાવી આવ્યો.
એક બાળક રથ લઈને આવ્યો હતો અને વન સળગાવ્યું હતું એ જોઈને રાક્ષસો વિફર્યા.
"અરે ઓ બાળક, કોને પૂછીને તું આ જંગલમાં આવી ચડ્યો છો...? કેમ આગ લગાડી અમારા જંગલમાં...? તું કોણ છો અને ક્યાંથી આવ્યો છો...? ભયાનક અટ્ટહાસ્ય કરીને રાક્ષસો ગર્જયા.
ઊંચા અને લાંબા હાથ અને વિકરાળ જડબાવાળા રાક્ષસોથી ડર્યા વગર અભિમન્યુએ કહ્યું, "આ આખી પૃથ્વીના માલિક અમે જ છીએ. કોને પુછીને અહીં રહો છો... ચાલ્યા જાવ નહિતર જીવ ખોશો..."
અભિમન્યુનો જવાબ સાંભળીને રાક્ષસો ક્રોધે ભરાયા. મોટા ઝાડ અને પથ્થરો ફેંકવા લાગ્યાં. અભિમન્યુ બાણ મારીને ઝાડ અને પથ્થરોને દૂર ફેંકવા લાગ્યો. એમાં એક રાક્ષસને બાણ વાગવાથી એનું લોહી જમીન પર પડ્યું. તરત બીજા અનેક રાક્ષસો ઉત્પન્ન થયા અને ચારેય દિશામાંથી અભિમન્યુને ઘેરી લીધો. ભંયકર આવજો અને ખાઉં ખાઉં કરતા એ માયાવી રાક્ષસોનો હુમલો ખાળતો અભિમન્યુ બહાદુરીથી લડી રહ્યો હતો. મોટા મોટા પથ્થરો અને વૃક્ષની ડાળીઓ લાવી લાવીને એ બધા અભિમન્યુ પર ફેંકીને ભંયકર આવજો કરી રહ્યાં હતાં.
લડતા લડતા અભિમન્યુને યાદ આવ્યું કે આ માયાવી રાક્ષસો તો શિવજીના બાણથી જ નાશ પામતા હોય છે.
અભિમન્યુએ તરત જ શિવજીનું અસ્ત્ર ચડાવીને ફેંક્યું. પળવારમાં તમામ રાક્ષસો અદ્રશ્ય થઈ ગયા.
પણ એક રાક્ષસ બચી ગયો અને તે ભાગ્યો.
અભિમન્યુએ વિચાર્યું કે હજી એ રાક્ષસો વળતો હુમલો તો કરશે જ...એટલે એ સાવચેત થઈને ઉભો રહ્યો..
શિવજીના અસ્રથી બચેલો એક રાક્ષસ દોડાદોડ મહેલ પર ગયો.
હિડંબા પાસે જઈને એણે અભિમન્યુનું સર્વ વૃતાંત કહ્યું.
હિડંબાએ પોતાના પુત્ર ગટોરગચ્છને જગાડ્યો.
"અરે દીકરા ઉઠ, કોઈ બળીયો આવીને આપણું જંગલ સળગાવી રહ્યો છે. આપણા કેટલાય રાક્ષસોને મારી નાંખ્યા છે. ઉઠ દીકરા જા જઈને જો તો ખરો કે કોણ એ બે માથાનો છે."
ઊંઘમાંથી ગટોરગચ્છ જાગ્યો. સંદેશો દેવા આવેલા રાક્ષસ પાસેથી વાત જાણી. મસ્તક ધુણાવ્યું. હજારો કીડાઓ જમીન પર પડ્યાં અને હવા લાગતા જ વિકરાળ રાક્ષસો બની ગયાં.
એ તમામના હાથમાં ભાલા, ફરસા અને વિકરાળ ખડગ હતા.
ગટોરગચ્છ એ સેના લઈને અભિમન્યુ તરફ ધસ્યો.

( ક્રમશ :)