MAHABHARAT NA RAHSHYO - 10 books and stories free download online pdf in Gujarati

મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (10)

સુરેખા હરણ (7)

મંડપમાં લક્ષમણો રૂપાળી સુરેખાને જોઈને રાજી થઈ હસી રહ્યો હતો. કૃષ્ણ પ્રભુએ સાન કરીને પ્રદ્યુમનને સુરેખા બનીને પરણવા બેઠેલા ગટોરગચ્છ પાસેથી બોલાવી લીધો હતો. જેથી ગટોરગચ્છ માયા રચીને લક્ષમણાને એનો પરચો બતાવી શકે...!
ગોર મહારાજ ગર્ગાચાર્યે હસ્તમેળાપ કરાવ્યો એટલે શકુનિએ લક્ષમણાને કન્યાનો હાથ દબાવીને પુરુષાતનનો પરિચય આપવા કહ્યું.
લક્ષમણાએ સુરેખાનો કોમળ હાથ દબાવ્યો અને એની હથેળીમાં નખ માર્યો.ગટોરગચ્છ એ જોઈ ખુશ થયો.."અહો.. વરરાજા તો અમને પ્રેમ કરે છે...ચાલો આપણે પણ પ્રેમનો પરિચય કરાવીએ...''
એમ જાણીને ગટોરગચ્છે પણ સામો હાથ દબાવ્યો...'
"ઓય...માડી... રે...મરી ગયો..."
એમ રાડ પાડીને લક્ષમણાએ હાથ છોડાવ્યો અને ઉભો થઇ ગયો.
ગટોરગચ્છે બિચારાની હથેળીના હાડકા ભાંગી જાય એટલા જોરથી હાથ દબાવ્યો હતો...!
''બેસ...સાલ્લા. એમ બાયલાવેડાં ન કરીએ. કન્યાનું બળ તે કેવડું હોય... તે તું ઉભો થઇ ગયો ? બેસ
છાનોમાનો...'' શકુનિએ એનો હાથ ખેંચીને બેસાડ્યો.
''મામાશ્રી...આ કન્યા બહુ બળુકી છે. મારો હાથ ભાંગી નાખ્યો. મારે નથી પરણવું..." કહીને લક્ષમણો રડવા જેવો થઈ ગયો.
"એમ કાલા ન કાઢીએ. જો કેટલી સુંદર કન્યા છે..."
લક્ષમણાની વાત સાંભળીને ગટોરગચ્છે ઘૂંઘટ ઊંચો કરીને સુરેખાનું સુંદર મુખ બતાવ્યું હતું.
સુરેખાની સુંદર મુખાકૃતિ જોઈ લક્ષમણો ફરી રાજી થઈ ગયો.
થોડીવારે ગટોરગચ્છે ઘૂંઘટ ઊંચો કરીને કુતરીનું મુખ લક્ષમણાને બતાવ્યું અને હળવેથી દાંતીયું કર્યું.
એ જોઈ લક્ષમણો ડરી ગયો.
"મામા...મારે નથી પરણવું.‌..આ તો કુતરી છે..." કહી એ ઉભો થવા ગયો એટલે શકુનિ ખીજાયો...
"બેસ છાનોમાનો...કેમ મનમાં આવે એમ બોલે છે...જો જો કન્યા તો કેટલી રૂપાળી છે..."
ઘૂંઘટ ઉંચો કરીને હસતી સુરેખાને બતાવી મામાએ કહ્યું..!
એ જોઈ લક્ષમણો પાછો બેસી ગયો. એનો ડર હજુ દૂર થયો નહોતો ત્યાં ગટોરગચ્છે ભૂંડનું મુખ ધારણ કરીને નાક ફુલાવ્યું.
"ઓ મામા...આ ભૂંડણી છે...મારે તો નથી પરણવું...'' કહી લક્ષમણો ઉઠ્યો.
'હવે બેસને...ભૂંડણી તો તારી મા હશે...બહુ ડાહ્યો થા નહીં... જો કેવી હસી રહી છે..." ફરી હસતું મુખ લક્ષમણાને બતાવી શકુનિએ એનું બાવડું ખેંચ્યું.
દુર્યોધનનો એ ડરપોક દીકરો ફરી બેઠો. સુંદર મુખવાળી સુરેખા મંદ મંદ હસી રહી હતી. એ જોઈ એ પણ મુસ્કુરાયો.
ત્યાં તો ગટોરગચ્છે વાંદરીનું મુખ કર્યું. વળી લક્ષમણો મામાને કહેવા લાગ્યો. મામાએ ફરી ખિજાઈને બેસાડ્યો...ગટોરગચ્છ ગધેડીનું મુખ કરીને બેઠો.
વારંવાર પશુઓના મુખ બતાવીને લક્ષમણાને પજવતો ગટોરગચ્છ ખુશ થઈ રહ્યો હતો...અને લક્ષમણો રડવા જેવો થઈ મામા શકુનિને આ કન્યા સાથે પરણવાની ના પાડી રહ્યો હતો. પણ શકુનિને તો એનું સુંદર મુખ જ દેખાતું હતું...!
એવામાં ગોર મહારાજે મંગળફેરા ફેરવવા વરકન્યાને ઉભા કર્યા.
સભામાં બેઠેલા કૌરવો અને યાદવો વરકન્યાની જોડી જોઈ રહ્યા હતા. પ્રથમ ફેરો ફરતી વખતે વર કરતા કન્યા એક હાથ નીચી દેખાઈ રહી હતી.
પ્રથમ ફેરો પૂરો થયો ત્યારે વરકન્યાની ઊંચાઈ સરખી થઈ ગઈ...! એ જોઈ આખી સભા વિસ્મય પામી.
દુર્યોધન અને કર્ણ પણ વિચારમાં પડી ગયા.
ભગવાન બેઠા બેઠા બલભદ્રને જોઈ રહ્યા હતા.
બલભદ્રના ચહેરાનો રંગ ફરી રહ્યો હતો...!
ત્યાં બીજું મંગળ પૂરું થયું. ત્રીજો ફેરો ફરવા વરકન્યા ચાલ્યા.
જાનૈયા અને માંડવીયાના અચરજનો પાર રહ્યો નહી કારણ કે કન્યા વર કરતા એક હાથ ઊંચી થઈ ગઈ હતી.
મામો શકુનિ પણ માથું ઊંચું કરી કન્યાને જોઈ રહ્યો. લક્ષમણો તો ડરનો માર્યો ધ્રુજી રહ્યો હતો...!!
બલભદ્ર ક્યારના ગટોરગચ્છની આ રમત જોઈ રહ્યા હતાં. એમની આંખમાંથી ક્રોધની જ્વાળાઓ નીકળવા લાગી હતી.
તેમણે ભગવાન સામે જોયું. પણ ભગવાન તો હસવું રોકી શકતા નહોતા...!
''નક્કી કંઈક ગરબડ છે. આ કન્યા મારી દીકરી ન હોય...કોઈ માયાવી છે...હમણાં જ એનું માથું ધડથી જુદું કરું...'' કહી તેઓ પોતાનું હળ લેવા મહેલમાં દોડ્યા.
જાન આવી ત્યારથી બની રહેલી અમંગળ ઘટનાઓનો તાળો હવે એમના મગજમાં બેસી રહ્યો હતો.
જ્યારથી દુર્યોધન સાથે સગા થયા ત્યારથી કાનો કંઈક ન સમજાય એવું રહસ્યમય વર્તન કરી રહ્યો હોવાનું પણ એમના ધ્યાને આવ્યું.
"નક્કી આમાં કાનાનો જ હાથ હોવો જોઈએ."
બલભદ્ર ગયા એટલે ભગવાન ઉઠીને મંડપમાં આવ્યા.
"હવે તું ઉપડ...વધુ નાટક ન કર. હવે વાર લગાડીશ તો તારું માથું હમણાં ધડથી જુદું થશે. માટે તું ક્ષણનો પણ વિલંબ ન કર અને અહીંથી જલદી નાસી જા..."
સુરેખા બનીને લક્ષમણાને લાડ લડાવી રહેલા ગટોરગચ્છને પ્રભુએ કાનમાં ફૂંક મારી દીધી.
ગટોરગચ્છે તરત જ માયા રચી.....
વા-વંટોળ અને વીજળી કરીને એ લક્ષમણાને બગલમાં દબાવી આખો મંડપ માથે ઉપાડીને ગગનમાં ચડી ગયો.
હળ લઈને ગટોરગચ્છને મારવા ધસેલા બલભદ્રે આ જોયું. દુર્યોધન પણ દોડીને આવ્યો.
"જુઓ જુઓ...બલભદ્રજી, કોઈ તમારો દુશ્મન અમોને પરેશાન કરી ગયો... મારા દીકરાને પણ ઉપાડી ગયો.
એ સાંભળી ગટોરગચ્છ બોલ્યો,
"અરે સાંભળો...દુર્યોધનકાકા...અને સાંભળો બળભદ્રમામા...હું ભીમનો પુત્ર ગટોરગચ્છ છું... હું જ સુરેખાનું હરણ કરી ગયો છું...સુરેખા તો અમારી જ હતી...એ તો અભિમન્યુ સાથે જ પરણવાની છે... તમને જનાવર પણ મેં જ વેચ્યા...શાક ખવડાવીને આખી રાત ઓકાવનારો પણ હું જ હતો... કાકીઓનો રાતે રડાવનારો પણ હું જ...! ધારત તો હું છાનોમાનો કન્યાને ઉઠાવી જાત. પણ ક્ષત્રિયને એ શોભે નહીં... માટે લડીને જ કન્યા લેવાની છે...જો હિંમત હોય તો લડવા આવી જજો..." કહી આકાશમાંથી ગટોરગચ્છે મંડપનો ઘા કર્યો અને અટ્ટહાસ્ય કરીને લક્ષમણાને દબોચવા લાગ્યો.
"અરે ઓ...ભીમના છોકરા...તને તો જીવતો જવા જ નહીં દઉં. પણ તું મારા દીકરાને છોડ...." દુર્યોધને લક્ષમણાની દશા જોઈને કહ્યું.
"લ્યો ત્યારે...ઝીલી લેજો..." કહી લક્ષમણાનો ઘા કરી ગટોરગચ્છ અલોપ થઈ ગયો.
કર્ણ અને દુશાસન દોડ્યા. પડતા લક્ષમણાને ઝીલ્યો. બલભદ્ર તો ગુસ્સાથી સળગી ઉઠ્યાં હતા. એમણે ભગવાનને શોધવા ચારેબાજુ નજર ફેરવી. પણ પ્રભુ તો ક્યારના અશોકબાગમાં પહોંચી ગયા હતા.
નારદમુનિનું સ્મરણ કરીને પ્રભુએ નારદમુનિને અશોકબાગમાં તેડાવ્યા. સુરેખાને અભિમન્યુ સાથે પરણાવી. ભગવાને કન્યાદાન કર્યું અને ચારફેરા ફેરવી દીધા. દરેક ફેરામાં દેવાતું દાન પણ પ્રભુએ આપ્યું.
ગટોરગચ્છે ચાર રાક્ષસોમાંથી ચાર સુંદર કન્યાઓ બનાવીને સુરેખાની સેવામાં મૂકી.
"હવે બેઉ ભાઈ લડવા આવો. હું તો લડવાનો નથી. પણ યાદવસેનાથી સાવચેત રહેજો. મારા આશીર્વાદ તમારી સાથે છે." કહી ભગવાન ચાલ્યા ગયા.
"ભાઈ...લડવા તો જઈએ પણ રથ વગર મને લડતા ફાવશે નહીં..." અભિમન્યુએ કહ્યું.
ગટોરગચ્છે તરત જ દસ રાક્ષસોનો મહાકાય રથ અને ચાર રાક્ષસોના ચાર ઘોડા બનાવી રથને જોડ્યા. પોતે સારથી બનીને હાંકવા બેઠો. અભિમન્યુ પોતાના ધનુષ્ય બાણ લઈ રથે ચડયો.

*

આ તરફ લડવાનું નક્કી થતા ભીષ્મપિતાએ દ્રોણ અને કૃપાચાર્યને બોલાવ્યા.
"આ લડાઈ તો છોકરાની કહેવાય...અભિમન્યુ પણ આપણું જ છોકરું છે...માટે હે દ્રોણ... હે કૃપાચાર્ય આપણે લડવાનું ન હોય અને કૃષ્ણ બલભદ્રને પણ લડવા દેવાય નહીં."
"પણ આ તો હસ્તિનાપુરની જાનને લૂંટી કહેવાય,
ગંગાપુત્ર. આમાં તો હસ્તક્ષેપ કરવો જ પડે...!"
ગુરુ દ્રોણ બોલ્યા.
"દુર્યોધને એના અનુજના દીકરાની પરણેતરને પોતાના દીકરા સાથે પરણાવવા ધારી. બલભદ્રે ભલે એની પુત્રીનું હિત વાંછ્યુ પણ દુર્યોધનને આ સબંધ માન્ય રાખવો જોઈએ નહીં. તેમ છતાં અભિમન્યુને નિઃસહાય ધારીને એણે એની થયેલી કન્યા છીનવી લેવા પ્રયત્ન કર્યો...સામે અભિમન્યુ પણ હસ્તિનાપુરનું જ બાળક છે. એણે ક્ષત્રિયની રીતે સુરેખાનું હરણ કરેલ છે...એટલે મારી દ્રષ્ટિએ એનો કોઈ વાંક નથી. આપણે એને દંડ દઈ શકીએ નહીં, આપણે આપણા રથ એકબાજુ ઉભા રાખીશું...બલભદ્ર અને કૃષ્ણને પણ બોલાવી લઈશું. તેમ છતાં જો બલભદ્ર કે કૃષ્ણ છોકરાઓની સામે લડવા જાય તો આપણે છોકરાઓનો પક્ષ લેવા જઈશું." ભીષ્મપિતાએ પોતાનો નિર્ણય જણાવ્યો.

*

દ્વારકાનગરીની બહાર મેદાનમાં કૌરવસેના અને યાદવસેના લડવા માટે ઉભી છે. સામે ગટોરગચ્છના ઊંચા અને ભયાનક મોઢાવાળા લાખો રાક્ષસો હાથમાં ખડગ લઈને દેકારો મચાવી રહ્યા છે.
ભીષ્મપિતા,દ્રોણગુરુ અને કૃપાચાર્ય એકબાજુ રથ રાખીને યુદ્ધ જોવા ઉભા રહ્યા. બલભદ્ર ત્યાં આવીને કહેવા લાગ્યા,
" જુઓ ગંગાપુત્ર...આ પાંડવો જ્યારે ને ત્યારે અમને હેરાન કરે છે...સુભદ્રા વખતે અર્જુન હરણ કરી ગયો હતો, પછી સહદેવ આવીને એકમાંથી અનેક થઈ અમને નડી ગયેલો. ત્યાર પછી તમને દાંગવ યાદ હશે..એ વખતે પણ એક ઘોડી માટે પાંડવ અમારી સામે યુદ્ધ કરવા આવેલા...અને હવે અમે જ્યારે અમારી દીકરી પરણાવી રહ્યા છીએ ત્યારે આ અભિમન્યુ અને ભીમનો છોકરો આવીને સુરેખાનું હરણ કરી ગયો...હવે તમે જ કહો...આ પાંડવોને શું કામ દંડ ન દેવો...?''
"બલભદ્રજી...કન્યા સુરેખાનું તમે જ અભિમન્યુ સાથે વેવિશાળ કર્યું હતું. એ તમારો સગો ભાણિયો હોવા છતાં તમે એને ગરીબ જાણીને એનો વિવાહ ફોક કરી નાખ્યો. ઉપરજાતા એની થયેલી કન્યાને દુર્યોધનના ઘરમાં જ દીધી. તો શું ક્ષત્રિય થઈને તમારો ભાણો બેસી રહે...? એની રીતે એણે એ કન્યા હરી લીધી. એમાં હું એનો કોઈ દોષ જોતો નથી. તમે પણ લડવા જવાને બદલે અહીં ઉભા રહીને યુદ્ધ જુઓ...આ છોકરા હજી બહુ નાના છે. આપણે આવડા મોટાએ એમની સામે લડવું જોઈએ નહીં...શું કહો છો દેવકીનંદન...?'' ભીષ્મપિતાએ બાજુમાં ઉભેલા ભગવાનને કહ્યું.
"આપની વાતમાં તથ્ય જણાય છે...મને પણ આમાં અભિમન્યુનો કોઈ વાંક દેખાતો નથી. દાઉને મેં ખૂબ સમજાવ્યા. પણ માન્યા નહીં... હું તો એ બાળકો સાથે યુદ્ધ કરવાનો છું જ નહીં..." કહી ભગવાન ભીષ્મપિતા સાથે એમના રથમાં ચડી ગયા.
બલભદ્રનો હવે કોઈ રસ્તો રહ્યો નહીં કારણ કે દ્રોણ અને કૃપાચાર્યે એમના રથ બલભદ્રના રથની બંને બાજુ એવી રીતે રાખી દીધા હતા કે બલભદ્ર ત્યાંથી જવા ધારે તો પણ જઈ શકે નહીં.
યુદ્ધના મેદાનમાં બે પક્ષ જોઈ ગટોરગચ્છ બોલ્યો, "અનુજ અભિમન્યુ...કૌરવ અને યાદવ બે પક્ષ છે અને આપણે પણ બે જણ છીએ. તું કોની સામે લડીશ...?"
"હું તો કૌરવકાકાઓને મારા હાથ બતાવીશ... તું જા યાદવોને નડ... પણ મારું ધ્યાન રાખજે...તારો આ રથ તો માયાવી છે...જો કોઈ શિવનું બાણ મારશે તો અદ્રશ્ય થઈ જશે...પછી રથ વગર હું લડી નહીં શકું.." અભિમન્યુએ કહ્યું.
"ચિંતા ન કર ભાઈ...હું તારું ધ્યાન રાખીશ..." કહી ગટોરગચ્છ આકાશમાર્ગે ચડ્યો. યાદવસેનાનું નેતૃત્વ ભગવાનનો મોટો પુત્ર પ્રદ્યુમન કરી રહ્યો હતો. એની સામે આવીને ગટોરગચ્છ લડવા ઉભો રહ્યો.
પરસ્પરને મહેણાંટોણાં મારીને બંને લડવા તૈયાર થયા. રાક્ષસોને ગટોરગચ્છે હુકમ આપ્યો. રાક્ષસો યાદવસેના પર તૂટી પડ્યા. ઉંચા તાડ જેવા ભયાનક રાક્ષસો જોઈ યાદવસેનામાં ભાગમભાગ મચી.
એવામાં પ્રધુમને શિવજીનું બાણ મારીને બધા રાક્ષસોનો નાશ કરી નાખ્યો. એ જોઈ ગટોરગચ્છે માથું ધુણાવી અનેકગણા રાક્ષસો ઉત્પન્ન કર્યા અને જઈને પ્રદ્યુમનના રથ નીચે ઘૂસ્યો.
પળવારમાં ધૂળ અને ધુમાડાના વંટોળ ઉઠ્યાં.
યાદવસેના આંખો ચોળતી ઉભી રહી. રાક્ષસો એમને ઉપાડી ઉપાડીને ફેંકવા લાગ્યા. પગ નીચે કચરવા લાગ્યા. મોટા મોટા ઝાડ અને પહાડ લાવીને યાદવસેનાનો કચ્ચરઘાણ કાઢવા લાગ્યા.
ગટોરગચ્છ પ્રદ્યુમનનો રથ ઉપાડીને આકાશમાં લઈ આવ્યો.
"ઓ રે...ભગવાનના દીકરા...આજે તારું મોત આવ્યું જાણજે..."
પ્રદ્યુમન ડરી ગયો. રથ નીચે ભરાયેલા ગટોરગચ્છને મારવા એણે ભાલો ઉપાડ્યો. ત્યાં તો ગટોરગચ્છે રથનો ઘા કરીને દૂર જંગલમાં ફેંકી દીધો.
ચોપાસ ઉડી રહેલી ધૂળ અને રેતીને કારણે યાદવસેનાના સૈનિકો આંખો ચોળતા ભાગ્યા.
સેનાપતિને ગટોરગચ્છ ઉઠાવી ગયેલો જાણી યાદવો નાસી ગયા.
આકાશમાં રહીને ગટોરગચ્છ આ બધો ખેલ જોઈ રહ્યો હતો. એવામાં એનું ધ્યાન અભિમન્યુ તરફ ગયું.
અભિમન્યુને લડવા આવેલો જોઈ કર્ણના બે પુત્રો વરસકેતુ અને ચંદ્રકેતુ જઈને પિતાને મળ્યા.
"ઓ રે પિતાજી અમને લડવાનો લહાવો આપો. અર્જુનના પુત્ર અભિમન્યુને અમે ઠાર મારી નાંખશું.‌.."
કર્ણને પણ આ વાત ઠીક લાગી. એટલે પુત્રો કેવાક લડે છે તે જોવા એ એકબાજુ ઉભો રહ્યો. અભિમન્યુ સામે બંને ભાઈઓ લડવા લાગ્યા પરંતુ બંનેના મળીને પણ અભિમન્યુ જેટલા બાણ એમના ધનુષ્યમાંથી છૂટતા નહોતા. થોડીવારમાં જ અભિમન્યુએ નાગપાશ મંત્ર ભણીને બાણ માર્યું. બંને ભાઈઓને બંધક બનાવી દીધા. દુર્યોધન અને દુશાસન સહિતની કૌરવસેનાને ગટોરગચ્છની રાક્ષસ સેના ધમરોળી રહી હતી. પોતાના બંને પુત્રોને બાંધી દીધેલા જોઈ કર્ણ રોષે ભરાયો. અભિમન્યુ સામે આવીને ઉભો રહ્યો.
કર્ણના એક બાણમાંથી સાઈઠ હજાર બાણ છૂટવા લાગ્યા. જ્યારે અભિમન્યુના એક બાણમાંથી ચાલીસ હજાર બાણ થતા હતા એટલે અભિમન્યુને માર પડવા લાગ્યો. કર્ણ અભિમન્યુનો માયાવી રથ જાણી ગયો. એણે તરત જ શિવજીનું બાણ મારીને એ રથ અલોપ કરી દીધો. હવે ધરતી પર પગપાળા લડતો અભિમન્યુ કર્ણના તીરોથી વીંધવા લાગ્યો.
આકાશમાંથી ગટોરગચ્છે બંધુને મુશ્કેલીમાં જોયો. તરત એ જયદ્રથના રથમાં પડ્યો. જયદ્રથને ગડદાપાટુ મારીને એનો રથ ગટોરગચ્છે આંચકી લીધો. એ રથ હંકારી અભિમન્યુ પાસે આવીને એને રથ પર ચડાવ્યો.
"હવે વાંધો નહીં...ભાઈ...પણ આ અંગરાજ કર્ણ બહુ જોર કરી રહ્યો છે..."અભિમન્યુએ કહ્યું.
ગટોરગચ્છ કર્ણ સામે જોઈ અટ્ટહાસ્ય કરીને વા-વંટોળ અને વીજળી કરીને ગગને ચડ્યો. કર્ણ હજુ કંઈ સમજે એ પહેલાં એના રથ નીચે આવી પડેલા ગટોરગચ્છે એનો રથ ઉપાડ્યો.
"ઓ અંગરાજ કર્ણ... આજ તમારું મોત આવ્યું છે... હાડકાં ખોખરા કરી નાખવાનો...હું ભીમસેનનો દીકરો છું...ગટોરગચ્છ મારું નામ છે....!"
"ઉભો રહેજે..હમણાં તને સ્વાદ ચખાડું..''કહીને કર્ણએ ભાલો લઈ વાંકા વળીને ગટોરગચ્છ પર ફેંક્યો ત્યાં તો ગટોરગચ્છે એનો રથ પણ દૂર જંગલમાં ફેંકી દીધો.
પાછા આવીને વંટોળીયા અને વીજળી કરીને ધૂળની ડમરી ચડાવી...એકબીજાના મોં પણ ન દેખાય એવું અંધારું થઈ ગયું. એ અંધારાનો લાભ લઈ ગટોરગચ્છના રાક્ષસો કૌરવસેનાનો કચ્ચરઘાણ વળવા લાગ્યા.
આખરે દુર્યોધન સહિત કૌરવસેના પણ ભાગવા લાગી. બલભદ્ર દૂર ઉભા રહી યુદ્ધ જોતા રહ્યાં. પેલા સતીયા પુરુષોએ એમને યુદ્ધ કરવા દીધું નહીં.
ખુદ કૃષ્ણ ભગવાનનું આ કાવતરું હોવાનું સમજાઈ જતા તેઓ રિસાઈને પોતાના મહેલમાં ચાલ્યા ગયા.
ગટોરગચ્છ અને અભિમન્યુ આવીને ભીષ્મપિતા સહિત ગુરુ દ્રોણ અને કૃપાચાર્યને પગે લાગ્યા.
બેઉ ભાઈઓને બધા સતીયા પુરુષોએ "આયુષ્યમાન ભવ" અને "યશશસ્વી ભવ"ના આશીર્વાદ આપ્યા.
વડીલોના આશીર્વાદ લઈ અભિમન્યુ અને ગટોરગચ્છ સુરેખાને લઈ હિડંબાવન પહોંચી ગયાં.
સુભદ્રા અને હીડંબાના ચરણોમાં નમીને નવદંપતિએ આશીર્વાદ લીધા.
(સંપૂર્ણ)