CHHAP books and stories free download online pdf in Gujarati

છાપ


:- છાપ :-
તે મરીન લાઈન્સની પાળ ઉપર ચાલી રહ્યો હતો. તેનાં ડાબા હાથ તરફ ઘૂઘવતો સાગર ઉછળી રહ્યો હતો.તેનાં જમણા હાથ તરફ પવન વેગે ગાડીઓ દોડી રહી હતી.બંને કિનારે કાળા માથાના માનવીમાંથી કેટલાંક ઝડપથી ચાલી રહ્યાં હતાં, કેટલાંક મસ્તીમાં મ્હાલી રહ્યાં હતાં, તો કેટલાંક ડાફોળિયાં મારી રહ્યાં હતાં ફૂટપાથ પર લાગેલી હાટડીઓ જોતાં જોતાં. પણ તે તેની મસ્તીમાં ચાલી રહ્યો હતો.સૂરજ આળસનું પોટલું ઉપાડી હળવે હળવે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યો હતો.ના ભીડ છે, ના ઉન્માદ પણ એક અનોખો ઉમંગ નદીનાં પ્રવાહ જેવો વહી રહ્યો હતો.તે વર્ષોથી આ દ્રશ્ય જોતો આવ્યો છે. આ વાતાવરણ તેને ગમતું હતું. તે પણ આ પ્રવાહનો એક ભાગ હતો.જાણે જળનાં સમૂહમાંનું એક બુંદ! તે અટક્યો. અટક્યા વગર ચાલે તેમ ન હતું.પાળ નો છેડો આવી ગયો હતો .તે ત્યાં જ ઊભો રહ્યો . પેંટનાં ખિસ્સામાંથી હાથ કાઢ્યો. બે હાથ પહોળા કરી ધીમેથી કૂદ્યો.રેતીમાં પગ પડ્યાં.તે જોઈ રહ્યો રેતીમાં પોતાનાં પગની પડેલી છાપને!
તેને જોતાં તેનાં બે સંતાનો તેની પત્ની સાથે ઊભાં હતાં તેઓ તેને વળગી પડ્યાં અને જોરથી બોલી ઊઠ્યાં,
“ પાપા અમે તમારાં કરતાં વહેલા આવ્યાં”.
“ વાહ રે વાહ..”
“ ના રે, અમે આવ્યાં ને તમે આવ્યાં..” હસતાં હસતાં તેની પત્નીએ કહ્યું .
“ ના ના મમ્મી.આપણે પહેલાં આવ્યાં હતાં.”
“ ઠીક છે. તમે મારા કરતાં વહેલા આવ્યાં હતાં.”
આ સાંભળી તેનાં સંતાનો કૂદવા લાગ્યાં.સૂરજ સાગરમાં રાખોડી રંગની વાદળની ઓઢણી ઓઢીને તરી રહ્યો હતો. આકાશે જુદા જુદા રંગોની છાંટણીથી સાંજને નયનરમ્ય બનાવ્યું હતું. ક્યાંક ક્યાંક સૂરજનાં કિરણો પરાવર્તિત થઈ ચહેરાઓને આંજી નાખતાં હતાં. તેનાં સંતાનો પરાવર્તિત રેત પર કૂદતા કૂદતા આગળ વધી રહ્યાં હતાં. તે તેનાં સંતાનોનાં રેતીમાં પડેલાં પગલાંને જોઈ રહ્યો હતો.સંતાનોનાં પગલાંની પડેલી છાપ પર પોતાના પગલાંની છાપ પડી તે ભૂંસાઈ ન જાય તેની તે કાળજી લઈ રહ્યો હતો.
“ શું જોઈ રહ્યાં છો?” તેની પત્નીએ ખામોશી તોડતાં પૂછ્યું.
“ રેતમાં પડેલી આપણાં સંતાનોની નાની નાની પગલી.” બહુ ઉત્સાહથી તેને કહ્યું. પણ તેની પત્નીએ તેની વાતમાં ઝાઝો રસ ન બતાવ્યો.
“ તે આમાં શું જોવા જેવું છે? આ પગલી પર બીજાં કોઈ પગલાં પાડશે અને એનાં ઉપર વળી કોઈ ત્રીજા આમ પગલાં પર પગલાં પડતાં રહેશે... જે જોવાનું છે તે જોતાં નથી અને..”
“ જે જોવાનું છે તે તો જોઈ રહ્યો છું.. પણ તને ક્યાં એની અનુભૂતિ થાય છે...” તે હસતાં હસતાં બોલ્યો.
“ શું જોઈ રહ્યાં છો? આ ધૂળ?”
“ ના.ધૂળ નહીં પણ તારો ગુલાબી ચહેરો.ચહેરા પરનો શૃંગાર અને ..”
“ અને?”
“ અને તું...”બંને જણ હસી પડ્યાં. તે સમજતો હતો પત્નીને બીજું કંઈ ન મળે તો ઠીક છે પણ પત્ની હંમેશાં પતિનાં પ્યારને ઝંખતી હોય છે અને પતિ પત્નીની ખુશી. તેને સંસારનો એક મંત્ર મળી ગયો હતો કે પત્નીની ખુશી ઘરમતાં વસંત લાવે છે અને પતિની કમાણી ઘરમાં રોનક લાવે છે.તેના સંતાનો કિનારા પાસે ઊભાં ઊભાં કિનારા પર તૂટી પડતાં મોજાંઓનાં ફીણને હાથમાં ઉપાડી એકબીજા પર ઉડાવી રહ્યાં હતાં. આ જોઈ તેની પત્નીએ બૂમ પાડી આગળ ના જવાની સલાહ આપી અને બંને જણ ઉતાવળા પગલે તે તરફ ઝડપથી ચાલવા લાગ્યાં.
“ પાપા મમ્મી ત્યાં કેમ ઊભા છો? અહીં અમારી પાસે આવો ને!”
“ ના.પગ અને ચંપલ કાદવવાળા થાય.”
“ પ્લીઝ.. આવોને.. દરિયાનાં પાણીથી ધોઈ નાખજો.”
સંતાનોને રાજી રાખવા તેઓ એ ચંપલ થેલીમાં મૂક્યાં. હળવે હળવે સંતાનો સાથે ઊભાં રહી ઘૂઘવતા સાગરનાં મોજાઓનો આનંદ માણવા લાગ્યાં.સૂરજ સાગરની ઓથ લઈ અલોપ થઈ ગયો હતો.આકાશમાં ઊંચે ઊંચે પારેવા શિસ્તબદ્ધ ઘર તરફ જઈ રહ્યાં હતાં.અંધકારનો ઓળો ધરતી પર ઊતરી આવ્યો હતો.મંદમંદ પવનમાં લહેરાતા પાલવને પકડી સંતાનોને કિનારા તરફ પાછા વાળ્યાં. સૂકી રેત તરફ તેઓ વળ્યાં.થેલીમાંથી ચંપલ કાઢી બાજુમાં મૂકી નીચે બેઠાં. અને તે જોઈ રહ્યો સંતાનોની મસ્તી.રમેશ અને મીના આજુબાજુની રેત ભેગી કરીને રેતનો ડુંગર બનાવી રહ્યાં હતાં. તેની પત્ની ભીની રેતને થપેડી થપેડી મંદિર બનાવી રહી હતી.અને તે રેતમાં સૌનાં નામ લખી રહ્યો હતો.આનંદ પામવા માટે પોતાની સર્જનાત્મકતા થી વિશેષ બીજું શું છે? અચાનક એક નાનો છોકરો તે તરફ દોડતો આવ્યો અને આંખના પલકારામાં તેઓએ રચેલા ડુંગર, મંદિર પર પડ્યો! બધુ વેરણછેરણ થઈ ગયું.નાના બાળકની મમ્મી તે તરફ આવી.નાના બાળકને ધમકાવવા લાગી, અને સૉરી કહી તેને તેડી લીધો .તે બાળક રડવા લાગ્યો. રડવું , હસવું નાના બાળકોની પ્રકૃતિ છે.આ જોઈ રમેશ અને મીના બંને સાથે બોલી ઊઠ્યાં, “ આન્ટી, નો પ્રોબ્લેમ. અમે ફરી બનાવશું.” કહી તેઓ હસવા લાગ્યાં.
ખુશીના માહોલ વચ્ચે ફરી પાછી એ જ રમત રમાવવા લાગી.સર્જન અને વિસર્જન વચ્ચે સુખદુખનાં વાદળોની આવનજાવન તે જોઈ રહ્યો હતો.તેની પત્ની પોતાનાં બાળકોનું આવું વર્તન જોઈને ખુશ હતી. તેને તેની પત્નીને કહ્યું, “ ખરેખર આપણાં બાળકો સમજદાર છે અને આનો યશ તને મળે છે.ઘર બાળકોની પાઠશાળા છે અને માબાપ પ્રાથમિક શિક્ષક જેઓથી બાળકો ઘડાય છે.” તે તેનાં પતિને જોઈ રહી, પછી ધીમેથી હસતાં હસતાં કહ્યું, “ દરેકમાંથી સવળો ગુણ કાઢવો તે તમારી પ્રકૃતિ છે.મારા જેવી અણઘડ સ્રીને તમે જ પ્રેમનાં જળ વડે સીચી મારા જેવી ગામડાની ગોરીને શહેરની મેમસાહેબ બનાવી છે. સગાઈ પછી તમને ખબર છે આપણે સૌ પ્રથમ અહીં જ આવેલાં.”
“ હા. અને ઝાડ નીચે મારી લગોલગ બેસવાને તું શરમાતી હતી.”
“ હા..” કહેતાં તેનાં મોઢા પર શરમનાં શેઢા ફરી વળ્યાં. બંને જણ શમણાંમાં ખોવાઈ જાય એ પહેલાં આવનાર વ્યક્તિને જોઈ રહ્યાં.
“ ભેળપુરી ખાઓગે? બહોત બઢિયા હૈ?”
“ તું ખાશેને? તારી ફેવરિટ ચીજ છે.”
“ મંગાવો.ખવરાવશો તો ખાશું.!
તે હસવા લાગ્યો.હસતાં હસતાં તેને તેનાં બાળકોને પૂછયું.રમતમાં મશગૂલ બાળકોએ જવાબ આપ્યો,
“ પાપા ફક્ત મીઠી.”
“ તમને ખબર છે તમારો માનીતો પેલો ભૈયો... શીંગચણા વાળો. તમને યાદ છે?” ભેલ ખાતાં ખાતાં તેની પત્નીએ તેને યાદ કરાવ્યું.
“ હા. તેનું નામ મીઠાલાલ . હું રમેશ, મીના જેટલો નાનો હતો ત્યારે પપ્પામમ્મી જોડે આવતો હતો.રેતીમાં આ જ રીતે ડુંગર બનાવતો હતો.મમ્મી મંદિર બનાવતી હતી તારી જેમ અને પપ્પા નામ લખતાં મારી જેમ. ત્યારે એ શીંગચણાવાળો ભૈયો આવતો હતો.દર રવિવારે અમે અહીં આવતાં હતાં અને તે ભૈયો શીંગચણાની ત્રણ પૂડી આપી દે.”
“ અને તમને ખબર છે આપણને જોતાં કહેલું બિટુઆ? ક્યા યે તુમ્હારી ઘર વાળી હૈ? પપ્પામમ્મી કહાં ગયે? કહી હસવા લાગેલો. અને..”
“ અને તે દિવસે આપણે તેનાં તરફથી શીંગચણા ખાધેલાં.”
“ અને આપણે તેને પગે લાગેલાં ત્યારે તેની આંખોમાંથી આંસુ સરી પડેલા!”
“ હા.અને આર્શીવાદ પણ આપેલાં!”
“ પણ હમણાં હમણાં તે દેખાતો નથી?”
“ કદાચ તેનાં ગામે ગયો હશે..”
“ પાપામમ્મી પાણી આપો તરસ લાગી છે... અને શીંગચણા હજી બાકી છે.” રમેશ તેની મમ્મીને કહી રહ્યો હતો.તરસ છીપાવી તેઓ તેઓમાં ખોવાઈ ગયાં.
ઘડિયાળનાં કાંટા આઠનો સમય બતાવી રહ્યાં હતાં.બંને જણ કપડાં ખંખેરીને ઊભાં થયા.રમેશ, મીનાને પાસે બોલાવીને તેમનો ચહેરો સાફ કર્યો.શરીર પર ચોંટેલી ધૂળ સાફ કરી. હળવે હળવે ઘર તરફ જવા રેતમાં પગલાં પાડવા લાગ્યાં. તે વિચારતો હતો વર્ષો પહેલાં તેનાં દાદાએ અહીં પગલાં પાડેલાં ત્યાર બાદ તેનાં પપ્પા,ત્યાર બાદ પોતે અને ત્યાર બાદ તેનાં બાળકો અને નિરંતર અહીં પગલાં પડતાં રહેશે, એની છાપ પણ પડતી રહેશે જે અનામી હશે!
“ શું વિચારમાં ખોવાઈ ગયાં?”
“ ના.કશાય વિચારોમાં ખોવાયો નથી?”
“ કદાચ શીંગચણાવાળો ભૈયો યાદ આવ્યો હશે?”
“ હા.”
“ પાપા શીંગચણા...”
“ હા બેટા તે તરફ તો જઈએ છીએ.”
“ પાપા ત્યાં જુઓ..” કહી રમેશ તે તરફ દોડ્યો.ત્યાં શીગચણાવાળો ભૈયો હતો. તેઓ ત્યાં પહોંચે એ પહેલાં રમેશના હાથમાં શીંગચણાની ચારપૂડીઓ હતી.
“ અંકલ કેટલાં પૈસા?” પપ્પામમ્મીને પાસે ઊભેલા જોઈને રમેશે પૂછ્યું.
“ બિટુઆ દસ રુપિયા.”તે શીંગચણાવાળા ભૈયાને જોઈ રહ્યો.બંને જણ એકબીજાને જોતાં રહ્યાં. તે બિટુઆ સંબોધનથી અતીતમાં સરી પડ્યો. કદાચ; તો જેવી શક્યતાઓનાં વમળમાં ખેંચાવા લાગ્યો.
“ ચાલો, મોડું થશે?” તેની પત્નીએ કહ્યું.
“ અરે ભૈયાજી આપકે પિતાજી કા નામ મીઠાલાલ થા?”
તેની પત્નીને જેટલું આશ્ચર્ય થયું તેટલું આશ્ચર્ય શીંગચણાવાળા ભૈયાને થયું. તેની આંખોમાં ચમક પથરાઈ ગઈ. તેનાં ચહેરા પર એક સ્મિત હિલોળા લેવા લાગ્યું .
“ ક્યા આપકા નામ ગોરધનભાઇ હૈ? ભાભીજીકા નામ રાધાભાભી હૈ?”
છ આંખો આશ્ચર્યચકિત થઈ ગઈ.રેતમાં પડેલી છાપ અકબંધ જોઈને!
“ રાધા પડેલાં પગલાંની છાપ ભૂસાતી નથી સમજી?”
“શું?” રાધાએ પૂછ્યું.પણ તેની નજર રેતમાં પડેલી છાપ પર હતી.

સમાપ્ત