dikranu ghar books and stories free download online pdf in Gujarati

દીકરાનું ઘર

અશોક પોતાના ચાર માળના બંગલાના દાદર પોતાની ટાઈ સરખી કરતા કરતા સડસડાટ ઉતરી રહ્યો હતો. નીચે હોલમાં અશોકના માતાપિતા બેગ સાથે અશોકની રાહ જોઈ ઉભા હતા.

અશોક શહેરનો ખ્યાતનામ બિઝનેઝમેન
હતો. તેની વાઈફ આશા પણ અશોકને બિઝનેસમાં મદદ કરતી હતી. શહેરમાં એવું કોઈ ન હતું જે અશોકને ઓળખતું ન હોઈ. આજ અશોક પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મુકવા જઈ રહ્યો હતો કારણ કે હવે તેને પોતાના માતાપિતા માટે સમય ન હતો.(એવું એ માનતો હતો )

અશોક તેના માતાપિતાની નજીક ગયો.

"બધું લીધું ને દવા સાથે લઇ લીધી?"અશોક બોલ્યો,
"હા, બેટા બધું લીધું.. આશા વહુ અમને મુકવા નહિ આવે? " અશોકની માં ગળગળા અવાજે બોલી.

"ના એને અગત્યની મિટિંગ છે એ busy છે, ચાલો આપણે નિકળ્યે."

અશોક પાર્કિંગ માંથી કાર કાઢવા ગયો.માં એ પોતાની સાડીના છેડાથી આંસુ સાફ કર્યા અને માતાપિતાએ બંગલા તરફ એક નજર ફેંકી અને બહાર નીકળી ગયા...

અશોક અને માતાપિતા કારમાં બેસી વૃદ્ધાશ્રમ જવા નીકળી ગયા.માંનો જીવ મુંજાતો હતો અને પિતાએ તો મૌનજ ધારણ કર્યું હતું.

"અમે તમને સરખો સમય નથી આપી શકતા.ત્યાં તમારો સમય આરામથી નીકળી જશે અને હું ને આશા weekend માં તમને મળવા આવીશું" અશોક બોલ્યો.

"હા, બેટા " અશોકની માં ને ગળે ડૂમો ભરાઈ આવ્યો.

"તમારી બીજી કોઈ ઈચ્છા હોય તો મને કહો".અશોક પોતાની માં ના આંસુથી અજાણ બનતા બોલ્યો.

"હા બેટા, મારી એક ઈચ્છા છે તારા ઘરે પારણું બંધાય જાય.મારા વ્યાજને રમાડીને પછી ભલે ઉપરવાળાનું તેડું આવે".

"માં તું આવી વાતો ના કરીશ હજુ અમારે અમારું future secure કરવું છે.આશા સામે તો જરાય આવું ના બોલીશ એને નહિ ગમે." અશોક કડક અવાજે બોલ્યો..

માં ફરી મૌન થઈ ગઈ.પિતા તો કારની બારી માંથી એકધારું બહાર જોઈ રહ્યા હતા જાણે અશોકની બાળપણથી લઇ આજ સુધીની સફર એના સ્મૃતિપટ પર પસાર થઈ ગઈ હોય. એટલીવારમાં કાર વૃદ્ધાશ્રમ પાસે આવી પહોંચી.અને કેટલાય માતાપિતાના આંસુઓમાં રંગ ઘોળી લખ્યું હોય એમ પાટિયા પર લખ્યું હતું "દીકરાનું ઘર"...

માતાપિતા અને અશોક કારમાંથી બહાર નીકળ્યા.અશોકે બેગ ઉપાડી.ગ્રાઉન્ડમાં બેઠેલા ઘણા માતાપિતાઓ એકીટશે જોઈ રહ્યા જાણે વિચારી રહ્યા હોય કે લ્યો ફરી એક દીકરાને તેના માતાપિતાનો વજન લાગી ગયો...

અશોક અને માતાપિતા મેઈન ઓફિસમાં ગયા અને થોડી ફોર્માલિટી પુરી કરી.બાકીની ફોર્માલિટી પુરી કરવા ત્યાં ના સંચાલકે અશોકને વેઇટિંગ રૂમમાં વેઇટ કરવા કહ્યું.વૃદ્ધાશ્રમમાં પણ બધા અશોકને ઓળખતા હતા કારણ કે અશોક ત્યાં પણ ડોનેશન આપતો હતો.
અશોક અને માતાપિતા વેઇટિંગ રૂમમાં વેઇટ કરતા હતા ત્યાં કામદાર પાણી લઇ અને આવ્યો.અશોક ફોન પર વ્યસ્ત હતો અચાનક પાણીની ટ્રે સાથે અશોકનો હાથ અથડાયો અને પાણી અશોકના કપડાં પર પડ્યું..

"આ તે શું કર્યું? મારાં કપડાં ખરાબ થયાં તને ખબર છે મારે અહીંથી સીધા એક મિટિંગમાં જવાનું છે, મિટિંગમાં હાજર નહિ રહું તો મને મોટુ નુકસાન થશે"અશોક ગુસ્સાથી બોલ્યો.

" સાહેબ મને માફ કરો, મારી ભૂલ નથી તમે ફોનમાં વ્યસ્ત હતા અને તમારો હાથ અથડાયો" ડરેલા અવાજે કામદાર બોલ્યો.

" તું કહેવા શું માંગે છે? ભૂલ મારી છે એમ? તું મને ઓળખતો નથી હમણાં તારી ફરિયાદ ઓફિસમાં કરું" અશોક તાડૂક્યો.

"સાહેબ મને માફ કરી દયો, તમને કોણ ના ઓળખે સાહેબ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ..તમે ઓફિસમાં મારી ફરિયાદ ના કરો સાહેબ હું મારાં માતાપિતાનો એક નો એક દીકરો છું સાહેબ મારી માં બીમાર છે "દીકરાનું ઘર " માંથી મળતા પગાર માંથી હું મારાં માતાપિતાને સાચવું છું સાહેબ આવુ ના કરો તમારા પગે પડું..."

આટલું સાંભળતા અશોકના પગ નીચેથી જમીન સરકી ગઈ તે પોતાના માતાપિતાને તાકી રહ્યો અને દોડીને માતાપિતાના પગમાં પડી ગયો..........
..............................................................
.............
..આગળ શું થયું હશે એ આપ સૌ સમજી શકો છો...

"ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહિ.
અગણિત છે ઉપકાર એના કદીએ વિસરશો નહિ"
-#દ્રષ્ટિ