Mark-sheetni vedna - 2 books and stories free download online pdf in Gujarati

માર્કશીટની વેદના - 2

આપણે ભાગ-1માં જોયું કે એક માર્કશીટ પોતાની વ્યથા સાંભળાવતા કહે છે કે, પોતે કેવી રીતે એક છોકરીના હાથમાં જાય છે અને એ માર્કશીટ પરના આંકડાઓ એ છોકરીને અને એના પરિવારને ખુશ કરી જાય છે.એ જ આંકડાઓ એ છોકરીને મન વગર જ સાયન્સ લેવા મજબૂર પણ કરે છે......હવે વાંચો માર્કશીટની આગળની સફર..........
હવે તો એ છોકરીએ સાયન્સ લઈ લીધું હતું.એનું વેકેશન પણ પૂરું થઈ ગયું હતું.એ સ્કૂલે જવા લાગી હતી.હવે એ મારા ઉપર કયારેક કયારેક જ નજર નાખતી હતી.હા,એણે મને હજુ સાચવીને રાખી હતી.એ જ પેલી ફાઈલમાં.....મારી બીજી ઝેરોક્ષ કોપીની સાથે જ.
એ છોકરી અઠવાડિયામાં એક વાર મને એ ફાઈલમાંથી અલગ કરીને મારા પર નજર નાખતી .ના....ના...કદાચ મારા ઉપર છપાયેલા પેલા આંકડાઓ ઉપર જ.એ છોકરીની આંખમાં મને હવે પેહલા જેવી ખુશી વંચાતી ન હતી.એ થોડી ઉદાસ રહેવા લાગી હતી.એણે હવે ભણવામાં પેહલા જેવો રસ ન હતો.મારા મત મુજબ તો એને સાયન્સમાં જ રસ ન હતો. એણે હવે ભણવાનું બોજ લાગતું હતું.એ જ્યારે જ્યારે પણ સાયન્સની પેલી ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની ચોપડી લઈને વાંચવા બેસતી હતી ત્યારે ત્યારે એની દરિયા જેવી આંખોમાંથી ખારાશ વહેતી હતી.
સાયન્સ લીધા બાદ હવે એ છોકરી દિવસે ને દિવસે વધારે ઉદાસ લાગી રહી હતી.એ હજી પણ મને હાથમાં લઈને એની દરિયા જેવી આંખોથી મારા ઉપર છપાયેલા પેલા આંકડાઓને ટગર ટગર જોયા રાખતી.

આમને આમ એનુ અગિયારમું ધોરણ પૂરું થઈ ગયું હતું.એ છોકરી એ મહામહેનતે અગિયાર સાયન્સ પાસ કર્યું હતું.એ પણ ખાલી પાસ કરવા ખાતર પાસ કર્યું હતું.એણે કોઈ વધારે આંકડા મળ્યા ન હતા.પરિણામમાં માત્ર 55% જ આંકડાઓ છપાયેલા હતા.એ દિવસે એના ઘરના લોકો પણ એના ઉપર ખૂબ ગુસ્સે થયા હતા.આ એ જ લોકો હતા જે એક વર્ષ પહેલાં મારા ઉપર છપાયેલા પેલા 92% જોઈને આ છોકરીના વખાણ કરતા હતા.એ જ લોકો આજે આ છોકરીને ડફોળ અને આળસુ જેવા ઉપનામ આપી રહ્યા હતા.

એ છોકરી આજે મને ગળે વળગીને ખૂબ રડી રહી હતી.આજે મને પણ ખૂબ દુઃખ થતું હતું.મને આ આંકડાઓ પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો.આ આંકડાઓની માયાજાળે બિચારા કેટલાય 15-16 વર્ષના બાળકનું જીવન બદલી નાખ્યું હશે.આંકડાઓ ઉપરથી બાળકનું ભવિષ્ય નક્કી કરવાની આ રીત ન જાણે કોણે કાઢી હશે....!?હું આવા બધા વિચાર કરતી હતી ત્યાં જ એ છોકરીએ મને અચાનક જ દૂર ફેંકી દીધી.હું સીધી દિવાલ સાથે અથડાઈને નીચે પડી.

મારા ઉપર કરવામાં આવેલું પેલું લેમીનેશન પણ થોડું નીકળી ગયું હતું.એ છોકરી આંખમાં કેટલોય રોષ ભરીને મારી સામે જોઈ રહી હતી.એ મને કહી રહી હતી કે, "બધી જ મુસીબતની શરૂઆત મેં કરી છે.ના મારા ઉપર પેલા 92% છપાયેલા હોત અને ના એણે સાયન્સ લેવું પડ્યું હોત.એની વાત ક્યાંક ને ક્યાંક મને પણ સાચી લાગી.પછી વિચાર આવ્યો કે, "એમાં મારો શું વાંક ? હું તો માત્ર એક માર્કશીટ છું.માત્ર એક કાગળ છું.વાંક તો મારા ઉપર છપાયેલા આ આંકડાઓનો છે........"
હવે હું એ છોકરીની નજરમાં,એના વિચારોમાં ...એના દુઃખનું કારણ બની ચુકી હતી.હવે એ છોકરી મને હંમેશા નફરતભરી નજરે જ જોતી હતી.હવે એ મને માંડ મહિનામાં એકાદ વખત જોતી હશે.એણે મને હજુ પણ પેલી ફાઈલમાં સાચવીને જ મૂકી હતી.હવે 55% આંકડા સાથે એ છોકરીએ બારમાં ધોરણમાં પગલાં માંડ્યા હતા.

મને ફરી વિચાર આવ્યો કે,"આમ વિચારીએ તો ભણેલા લોકોના જીવનમાં બારમું બે વાર આવે.એક તો આ બારમું ધોરણ અને બીજું મૃત્યુ બાદ થતું બારમું.બંનેમાં સમાનતા એ જ છે કે બને બરમાને પાસ કર્યા બાદ માણસ ને મુક્તિ મળે.એકમાં ચોપડીયા જ્ઞાનથી તો બીજામાં આ દુનિયાથી." હશે ,આમને આમ આવા વિચારો કરતી હું હજી પણ પેલી ફાઈલમાં સચવાયેલી જ હતી.એ છોકરી કયારેક કયારેક મારા પર નજર નાખતી.બસ મને ટગર ટગર જોયા જ રાખતી. એની આંખમાં મને નિરાશા સાફ સાફ વંચાતી.
આમ કરતા કરતા એ છોકરીનું બારમું ધોરણ પણ પૂર્ણ થઈ ગયું હતું.હવે એ વેકેશનની મોજનો પૂરેપૂરો ફાયદો ઉઠાવતી હતી.પેહલા કરતા એ થોડી ખુશ લાગતી હતી.એની આ ખુશી માત્ર થોડા દિવસો પૂરતી જ સીમિત રહેવાની હતી.કારણ કે થોડા જ દિવસોમાં ફરી એક વાર બોર્ડનું પરિણામ આવવાનું હતું .ફરી એકવાર એના હાથમાં મારા જ જેવી બીજી એક માર્કશીટ આવવાની હતી.હવે એ બીજી માર્કશીટમાં છપાયેલા આંકડાઓ આ છોકરીના જીવનમાં કેવા વળાંકો લાવશે એ જ જોવાનું હતું.

વધુ આવતા અને અંતિમ ભાગમાં............
-----------------------------------------------------------------------------

આભર धन्यवाद THANK YOU............🙏🏻😇