Mark-sheetni vedna - 3 - last part in Gujarati Moral Stories by SHILPA PARMAR...SHILU books and stories PDF | માર્કશીટની વેદના - 3 - છેલ્લો ભાગ

માર્કશીટની વેદના - 3 - છેલ્લો ભાગ

માર્કશીટની વેદના -3

દિવસો પાણીની માફક વહેતા હતા અને આખરે હવે 12 સાયન્સના પરિણામનો દિવસ પણ આવી જ ગયો હતો.ફરી એકવાર એ છોકરીના જીવનમાં એક નવી માર્કશીટ આવવાની હતી.ફરી એકવાર પેલા આંકડાઓનો ખેલ શરૂ થવાનો હતો.ફરી એકવાર માસુમ બાળકોના જીવનમાં માત્ર આંકડાઓને કારણે પરિવર્તન આવવાનું હતું.
હું પેલી ફાઈલમાં પડ્યા પડ્યા આવા બધા વિચારો કરી રહી હતી.ત્યાં જ પેલી છોકરીએ આવીને મને ફાઈલમાંથી બહાર કાઢી.એ છોકરી મને હાથમાં લઈને બસ મારી સામે ટગર ટગર જોયા કરતી હતી.એ ખૂબ જ ડરેલી લાગતી હતી.એની આંખોમાં સાફ સાફ ડર દેખાતો હતો.ડર પણ શેનો...?? માત્ર પેલા આંકડાઓનો .એ છોકરી આજે 12 સાયન્સનું પરિણામ જોવા માંગતી જ ન હતી.જાણે એ જાણતી જ હતી કે એ માર્કશીટના આંકડાઓ એના જીવનમાં ત્સુનામી લાવવાના હતા.
આખરે ખૂબ હિંમત ભેગી કરીને એ છોકરી મને હાથમાં લઈને જ 12 સાયન્સનું પરિણામ લેવા જાય છે.એક એક ડગલું માંડ માંડ માંડીને જાણે ઈચ્છા વગર જ ચાલતી હોય .મને એના હાથમાં ખુબજ જોરથી પકડીને ચાલતી હતી એ છોકરી.હું પણ એના આ ડરને જોઈને થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.મનમાં ને મન માં કહેતી હતી કે , "એક કાગળ પર છપાયેલા આંકડાઓથી આટલું બધું શું ડરવાનું...?!"
હું આવા બધા વિચાર કરતી હતી ત્યાં આચનક જ એ છોકરીના પગલાંઓ રોકાઈ ગયા.એ છોકરી એના વર્ગખંડની આગળ ઉભી રહી હતી.આ એ જ વર્ગખંડ હતો જ્યાં એ છોકરીને મારા જેવી જ બીજી માર્કશીટ મળવાની હતી.એ આંખ બંધ કરીને ઉભી હતી.ત્યાં જ એના હાથમાં મારા જેવી જ મસ્ત લેમીનેશન કરેલી માર્કશીટ મુકવામાં આવી.એ છોકરીએ દિલ પર પથ્થર મૂકીને માર્કશીટ હાથમાં લીધી અને એમાં છપાયેલા પેલા આંકડાઓ જોવા લાગી.
માર્કશીટ પરના આંકડાઓ જોઈને એના હૃદયમાં જાણે ઊંડી તિરાડ પડી હોય એમ એ ત્યાં જ ફસડાઈ ગઈ.એ માર્કશીટના આંકડાઓ એવું જાહેર કરતા હતા કે ,એ છોકરી FAIL થઈ છે.FAIL શબ્દ સાંભળતા જ એ 17 વર્ષની બિચારી છોકરી સાવ હિંમત હારી ગઈ હતી.એને જોઈને એવું જ લાગે કે જાણે જિંદગીમાં બધું ખોઈ બેસી હોઈ.જાણે આ એનું અંતિમ પરિણામ હતું.મને હજી સમજાતું નથી કે,આ કાગળ પર છપાયેલા આંકડાઓ કોઈ બાળકની આવડત કઈ રીતે નક્કી કરી શકે.....??!!

એ છોકરી એકદમ નિરાશ બની ચુકી હતી.એ માંડ માંડ ચાલીને એના ઘરે પોહચી હતી.ઘરે પોહચતાં જ એના ઘરના સભ્યો તો એના પર તૂટી જ પડ્યા.જાણે FAIL થઈને એ છોકરીએ કોઈ મોટું પાપ કરી દીધું હોઈ...!! હજી એ કંઈ બોલે એ પહેલા તો ઘરના દરેક સભ્યોએ એને સંભળાવવાનું ચાલુ કરી દીધું.એના પપ્પા કહે, "તે તો FAIL થઈને અમારું નામ ખરાબ કરી દીધું....." એના મમ્મી કહે, "ક્યાંય મોં દેખાડવા લાયક નથી રાખ્યા આ છોકરીએ અમને ..." ઘરના તો ઠીક અધૂરામાં પૂરું આડોશી પાડોશી એ પણ સંભળાવવામાં કોઈ તક ગુમાવી નહીં.

મને ખરેખર એ છોકરી ઉપર દયા આવતી હતી.આખરે એનો ક્યાં કોઈ વાંક હતો...??એ તો ચૂપચાપ પોતાના સપના ભૂલીને ઘરના સભ્યોના સપનાઓના બોજ નીચે જીવતી હતી.એક તો આ દફ્તરનો ભાર ઓછો પડતો હશે કે ,લોકો સપનાઓનો ભાર પણ બાળકને માથે નાખી દેતા હોય છે...!! હું એ છોકરીને જોતા જોતા આવા વિચારો કરી રહી હતી ત્યાં જ એ છોકરી એના રૂમમાં જઈને એક ખૂણામાં બેસીને રડવા લાગી.મને થયું કે, "કાશ હું આ છોકરીને છાની રાખી શકતી તો કેટલું સારું હોત....! એ મનમાં ને મનમાં કેટલીય મુંજાતી હશે. બિચારી ના કોઈની સામે રડી શકે છે કે ના કોઈને કશું સમજાવી શકે છે.હું તો મારી વિચારોની દુનિયામાં ખોવાયેલી હતી .ત્યાં જ એ છોકરી અચાનક રડતા રડતા ઉભી થઈ ગઈ.એણે હાથમાં એક કાગળ અને એક પેન લીધી.એણે રડતા રડતા જ કાગળ પર કઈંક લખવાની શરૂઆત કરી......

✍️✍️✍️
વ્હાલા મમ્મી -પપ્પા,
હું જાણું છું કે, હું તમારા સપના પુરા ન કરી શકી .એના માટે મને ઘણું દુઃખ છે.હું જાણું છું કે હું DR. નથી જ બનવાની .મને તો DR.શબ્દ પણ ભારરૂપ લાગે છે. મેં કયારેય તમને કોઈ માગણી નથી કરી છતાંય તમે મને હંમેશા ખુશ રાખી છે.માનું છું કે તમારો હક છે ,તમારું સપનું છે મને આગળ વધતી જોવાનું.
મમ્મી પપ્પા મેં મારાથી બનતા દરેક પ્રયત્ન કરી જોયા પણ હું તમારું સપનું પુરી કરી શકું એટલી સક્ષમ નથી.મને માફ કરી દેજો મમ્મી-પપ્પા...
✍️✍️✍️

આટલું લખ્યા બાદ એ છોકરી લખતા લખતા અટકી ગયી.એ મારી તરફ જોઈને બોલી,ક્યાં આ 92% લાવવા વાળી " હું " અને ક્યાં આ FAIL બનેલી "હું"..........!!આટલું બોલીને એ છોકરીએ હસતા હસતા મારી સામે જ એના જમણા હાથની નસ કાપી નાખી.નાજુક ફૂલ 17 વર્ષની ઉંમરમાં જ ,હજુ તો ખીલ્યા પહેલા જ કરમાઈ ગયું. હું કંઈ પણ કરી શકતી ન હતી.એ છોકરીએ કાપેલી નસના એ રક્તના ડાઘ હજુ પણ મારા ઉપર રહેલા છે. હું હાલની તારીખમાં પણ પેલી ફાઈલમાં જ પડી છું.

મારા પર છપાયેલા અંકડાઓનો ભાર હવે મારાથી જરાય સહન નથી થતો.મને દિવસે ને દિવસે આ આંકડાઓ બોજ લાગે છે.આખરે આ આંકડાઓએ એક નિર્દોષ ,માસુમ બાળકીની હત્યા કરી હતી............!!

"કેવી માયાજાળ રચી છે તે,,
કેટલો ભાર આપ્યો છે તે,,
માયાજાળ એવી પાથરી છે તે,,
ખીલ્યા પહેલા જ દરેક કળીને ઉતારી પાડી છે તે,,
ભણતરના બોજ હેઠળ કેટલાય સપનાઓને સુવડાવી દીધા છે તે,,
જ્ઞાનને નામે નોકરી,ધંધો,પૈસા ,વ્યાપારને જોડી દીધા છે તે........"

(સમાપ્ત)
------------------------------------------------------------------------------

આ વાર્તા લખવાનો હેતુ માત્ર એટલો જ છે કે ,હાલ બોર્ડની પરીક્ષાના પરિણામની ઋતુ ચાલે છે .આજે દરેક ક્ષેત્રમાં બાળકો ગાડરિયા પ્રવાહની માફક ,પોતે કયાં વિષયમાં રસ ધરાવે છે એ વિચાર્યા વગર જ,માત્ર સારી નોકરી મળે એ હેતુથી પોતાના ભણતરનો વિષય નક્કી કરતા હોઈ છે.
પણ માત્ર ડીગ્રી મેળવી લેવી કે માર્કશીટમાં સારા આંકડા મળી જવાથી કોઈ જ્ઞાની નથી બની જતું.એ વાત દરેક વાલી તથા બાળકોએ પણ સમજવી અને સ્વીકારવી જરૂરી છે.એવું ભણતર શુ કામનું ,જે તમને જીવનમાં આવતા ઉતાર-ચઢાવ સામે લડતા ન શીખવી શકે..?? ભણતરથી એવું તો શીખવા નથી જ મળતું કે," કોઈ પણ મુશ્કેલીનો અંત લાવવો એટલે જીવન ટૂંકાવી દેવું....??!!"


આભાર धन्यवाद THANK YOU.......🙏😇

Rate & Review

Rohiniba Parmar Raahi
અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi
Falguni Dost

Falguni Dost Matrubharti Verified 2 years ago

બહુ જ સરસ લેખન, ખુબ સુંદર રીતે વાર્તા દ્વારા દરેક માતાપિતાને એક સંદેશ રજુ કર્યો છે. keep it up...👌👌👌👍👍

Yash Patel

Yash Patel Matrubharti Verified 3 years ago

Hjj

Hjj 3 years ago

Share