Baar Dancer - 5 books and stories free download online pdf in Gujarati

બાર ડાન્સર - 5

બાર ડાન્સર

વિભાવરી વર્મા

ચેપ્ટર : 5

“અજીબ દાસ્તાં હૈ યે

કહાં શુરુ કહાં ખતમ

યે મંજિલે હૈ કૌન સી

ન વો સમજ સકે

ન હમ...”

પાર્વતીના પગ થંભી ગયા હતા. જૂની ફિલ્મના પેલા ગાયનના સૂર રિ-મિક્સ રિધમમાં સંભળાઈ રહ્યા હતા. જ્યાંથી સંગીત રેલાઈ રહ્યું હતું એ એક નાનકડો લાકડાનો દરવાજો હતો. ઉપર બોર્ડ હતું :

‘લૉર્ડશિવા ડાન્સિંગ ગેરેજ’

પાર્વતીએ ધીમેથી એ લાકડાનો દરવાજો ખોલ્યો. નીચેની તરફ જતાં ત્રણચાર પગથિયાં હતાં એ પછી ખરેખર કોઈ વિશાળ ગેરેજ જેવી મોટી જગા હતી. ઊંચી દિવાલોની ઉપરની બાજુએ પહોળી પહોળી દૂધિયા રંગની કાચની બારીઓ હતી.

પાર્વતીએ પગથિયાં પર પગ મૂક્યો. એ જ ક્ષણે આખા ગેરેજમાં મોટી ફ્લડ લાઇટોનો પ્રકાશ રેલાયો!

સંગીતના તાલેદસ જુવાન છોકરા-છોકરીઓ અજબ ટાઈપનો ડાન્સ કરી રહ્યાં હતાં. બધાંના શરીર પર અડધી સાઈડ બ્લેક અને અડધી સાઈડ વ્હાઈટ હોય એવાં ટી-શર્ટ હતાં. બધાંના પેન્ટ પણ એવા જ એક સાઈડ બ્લેક અને એક સાઈડ વ્હાઈટ હતાં, પણ બધાંના શરીર જાણે એકબીજાની સાથે જોડાયેલાં હતાં.

શરૂઆતમાં તો સમજાયું નહિ, પણ પાર્વતીએ જોયું કે દરેકના હાથમાં કાંડાથી લઈને ખભા સુધીનાં સફેદ પાતળાં દોરડાં લપેટાયેલાં હતાં. બધાં એકબીજાનાં કાંડા પાસે લટકતાં છેડા પકડીને એવી રીતે ગોઠવાયા હતાં કે જાણે કોઈ માછલી પકડવાની જાળી હોય.

થોડી જ સેકન્ડમાં મ્યુઝિક ચેન્જ થતાં, એ લોકો ઉપર લટકતા એક મોટા દોરડાના સપોર્ટથી એ રીતે ઝૂલવા લાગ્યાં કે જાણે માણસોની બનેલી કોઈ વેલ હોય !

પાર્વતી હજી કંઈ વિચારે એ પહેલાં તો ગોળ ફરીને એકબીજા સાથે જોડાઈને ફૂલનો આકાર બની ગયો ! અને વળી, મ્યુઝિકનાં બીજા પલટા સાથે જ ફટાફટ બધાં એ રીતે ગોઠવાઈ ગયાં, જાણે પિરામિડ બનાવ્યો હોય ! નીચે ચાર જણ, એની ઉપર ત્રણ, એની ઉપર બે અને એની ઉપર એક !

“કમ ઑન... નાવ !”

એક અવાજ આવ્યો. એ સાથે જ રિ-મિક્સ મ્યુઝિકમાં ઝડપ આવી. પિરામિડ જાણે આખો એક જ મટિરિયલમાંથી બનેલો હોય એમ નાચવા લાગ્યો ! એટલુંજ નહિ... ઉપર લટકતાં દોરડાંઓનો સપોર્ટ લઈને આખો પિરામિડ લટકીને ઘૂમરીઓ લઈ લઈને પાછો સ્થિર થઈ જતો હતો !

આખરે, મ્યુઝિકનો છેલ્લો પંચ વાગતાં જ દસેદસ જણાં નીચે ગબડીને એ રીતે સ્થિર થઈ ગયાં કે જાણે લાકડામાંથી બનેલાં પૂતળા એકબીજાની પર કાટમાળની જેમ પડ્યા હોય !

“ગુડ, વેરી ગુડ !”

તાળીઓ સાથે ગુંજતા એ અવાજ તરફ પાર્વતીનું ધ્યાન ગયું.

એક ઊંચો, છ ફૂટનો મજબૂત બાંધો ધરાવતા પુરુષની છાયા લાઈટ સામે દેખાઈ. એના માથા પરના વાળ છૂટા હતા. આંખોના ડોળા લાલ ટશરો ફૂટેલી હતી. મોટી જાડી મૂછો, ત્રણ-ચાર દિવસની વધેલી દાઢી..

“ઓ.કે. લાઈટ્સ...”

એ સાથે જ આખા ગેરેજમાં અજવાળું થયું. પેલા ડાન્સરો જે પૂતળાં બની ગયાં હતાં તે હસ્યાં... છૂટાં પડ્યાં અને એકબીજાને તાળીઓ આપતાં એક લાંબી બેન્ચ પર જઈને બેસી ગયાં.

પાર્વતી તો પેલા પુરુષને જોતી જ રહી ગઈ. કમ સે કમ પચાસ-પંચાવનની ઉંમર હશે. માથાના અડધા વાળ ધોળા થઈ ગયા હતા. શરીર કસાયેલું હોવા છતાં ભારે હતું. બનિયાન ટાઈપના રેડ ટી-શર્ટમાંથી આગળ આવેલું પેટ દેખાઈ રહ્યું હતું. નીચે બ્લુ કલરનો ટ્રેક-સૂટ પહેરેલો હતો.

“ફાઈવ મિનિટ્સ બ્રેક...” એમ કહી એ પુરુષ ડાન્સરો પાસેથી આ તરફ આવ્યો. અહીં ખૂણામાં એક ટેબલ હતું બાજુમાં ત્રણ-ચાર ખુરશીઓ પાસે બે પૈસાદાર ઘરની હોય એવી મેડમો ઊભી હતી. એમની બાજુમાં ચૉકલેટિયા ટાઈપના બે છોકરાઓ પણ મોંઘા ટી-શર્ટ જીન્સમાં ઊભા હતા.

“યસ, અભી બોલો, ક્યા પ્રૉબ્લેમ હૈ ?” પેલા પુરુષે એમની તરફ અછડતી નજર નાંખતા સવાલ ફેંક્યો.

“મૉન્ટેનો સર. અમારાં બાળકો કહે છે કે...” એક સ્ત્રી હજી શરૂ કરે ત્યાં જ એને અટકાવીને પુરુષ બોલી ઊઠ્યો : “એ શું કહે છે એ પહેલાં મારી પાસેથી સાંભળો !” એના અવાજમાં ધ્રુજારો હતા. “એ અમીરજાદાઓ એમ કહે છે, અમે કોઈ ફાલતુ મિકેનિકના દીકરા જોડે કે કોઈ કારકુનની દીકરી જોડે ડાન્સ નહીં કરીએ ! એ કહે છે કે અમે બીજાના ખભે પગ મૂકીને ઉપર ચડીએ, પણ અમારા ખભા પર કોઈ પગ નહિ મૂકે ! કારણ કે અમે અમીરજાદાઓ છીએ.”

“એવું નથી મૉન્ટેનો સર. આમાં અમીર-ગરીબની ક્યાં વાત જ છે ? પણ તમે છોકરાંઓના શરીર તો જુઓ ? એ લોકોના ખભા પર... ”

“ખભા પર ?” મૉન્ટેનો બગડ્યા. “હું એમના માથા ઉપર બાર-બાર જણાને બેસાડીશ ! એમનાં શરીરનો કૂચો કૂચો કાઢી નાખીશ ! આ ડાન્સ ક્લાસછે મેડમ, કોઈ ફેશન પરેડ નથી. સમજ્યાં ?”

“પણ છોકરાઓ કહે છે તમે એમને પેરિસની ટૂરમાં પણ નહિ મોકલો..”

“પેરિસની ટૂર ?” મૉન્ટેનો હસ્યા. “પેરિસની ટૂર માટે તો બાકીના સિલેક્ટ થશે કે કેમ એની મને ક્યાં ખબર છે ? પણ મેડમ, ગ્રુપ ડાન્સ એક તાજાં સફરજનની ટોકરી જેવો હોય છે. એમાં બે સફરજન સડેલાં હોય તો બધાં સડીને ગંધાઈ ઊઠે, સમજ્યાં ?”

“પણ તમે જ્યારે ફી લીધી હતી ત્યારે તો..”

“એક મિનિટ !!”

મૉન્ટેનોએ એનો વિશાળ પંજો ઊંચો કરીને બંને સ્ત્રીઓને ચૂપ કરી દીધી.

“એક મિનિટ !!”

એ અંદરના એક નાનકડા રૂમમાં જતા રહ્યા બહાર ઊભેલા સૌ સ્તબ્ધ હતા. અંદરથી કોઈ અવાજ પણ આવતો નહોતો.

પૂરી એક મિનિટ પછી મૉન્ટેનો હાથમાં રૂપિયાની થોકડી સાથે બહાર આવ્યા.

“વીસ વીસ હજાર ભર્યા હતા ને ? આ લો !” એમણે નોટોની થપ્પીઓ ટેબલ પર ફેંકી.

“બટ સર -” એક છોકરો કંઈક બોલવા ગયો.

“આઉટ !” મૉન્ટેનોનીઆંગળી ગેરેજના દરવાજા તરફ હતી. “વૉટ આઈ સેઈડ ?... !”

બન્ને સ્ત્રીઓ મોં બગાડતી, બબડાટ કરતી, નોટોની થપ્પીઓ પર્સમાં નાંખીને ચાલતી થઈ. પાછળ પાછળ એમના છોકરાઓ પણ ગયા.

ગેરેજમાં થોડી ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો.

પાર્વતીને થયું. ગજબ છે યાર ? એક જ મિનિટમાં ચાલીસ હજાર રૂપિયાને ઠોકર મારી દીધી ? આ ઇન્સાન તો કમાલ છે ! અને સાલી, અડધી જ કલાકમાં બની ગયેલી બે ઘટનાઓમાં કેવી ઊલટા-સૂલટી હતી ? ત્યાં પેલા ‘બૉડી-સ્વિંગ્સ’માંથી એને એકલીને ચાર ચાર લોકોએ ભેગા થઈને ધક્કા મારીને કાઢી મૂકી હતી. જ્યારે અહીં, એક જ આંગળીના ઈશારે આ માણસે ચાર-ચાર હાઈફાઈ લોકોને દરવાજો દેખાડી દીધો હતો.

“યેસ ? વૉટ યુ વૉન્ટ ?”

મૉન્ટેનો સરનો અવાજ સાંભળતા પાર્વતી જરા ગભરાઈ ગઈ.

“સર, મૈં... મેરે કુ.. ડાન્સ સિખને કા.”

“હં... ” એમણે વાળના લાંબા જુલ્ફાં ખભા પરથી પાછળ હટાવતા પૂછ્યુ, “ક્યા કરતી તુમ ?”

“મૈં...” પાર્વતી અચકાઈ. “મૈં તો કામવાલી બાઈ હૈ, મગર મેરે પાસ..”

પાર્વતી પોતાની સાડીના છેડે બાંધેલા રૂપિયાની થોકડી કાઢવા જતી હતી ત્યાં જ મૉન્ટેનો સરની ઊંચી થયેલી હથેળી જઈને અટકી ગઈ.

“ડાન્સ સિખેગી ?” સર નજીક આવ્યા,“મગર યે, ઐસે ઘૂટનોં કે સાથ ?” એમની આંગળી પાર્વતીના ઘૂંટણ તરફ હતી.

“ઘૂટના ?” પાર્વતી ચોંકી ગઈ.

“તું આ પગથિયા ઊતરી ત્યારે જ મારું ધ્યાન પડ્યું હતું” એ સહેજ હસ્યા, “ઘૂંટણમાં દુઃખાવો છે ને ?”

“હા, મગર મૈં... એક જમાને મેં બાર ડાન્સર થી ! દિવાના બાર, શેટ્ટી કા દિવાના બાર...” પાર્વતી ઝડપથી બોલી ગઈ.

“અચ્છા !” એ ફોલ્ડિંગ ખુરશી ખોલીને ત્રાંસા બેઠા, “મગર ડાન્સ બાર તો આઠ સાલ પહલે બંધ હો ગયે, વૉટ યુ ડુ ફોર એઈટ ઈયર ?”

મૉન્ટેનો આવું જ ઊડઝૂડિયું ઇંગ્લિશ બોલતા હોય એમ લાગ્યું. “નો ડાન્સિંગ ફોર એઈટ ઈયર ? એન્ડ નાવ સડન્લી ડાન્સ ક્લાસ ? વ્હાય ? ઓ બાઈ, સપને સે બહાર આ જાઓ, ડાન્સ બાર વાપસ ખુલનેવાલે નહીં હૈ !”

“તે માહિત નાહિ, પણ...” પાર્વતીથી રહેવાયું નહિ. “મેરે કુ તો વાપસ ડાન્સ સિખના ચ પડેગા. વો ભી પંદરા દિન ! બોલેતો, મુઝે દૂબઈ જા કર ડાન્સ કરને કા હૈ.”

“અચ્છા ? કૌન સે હૉલમેં ?” મૉન્ટેનોના ચહેરા પર આછું સ્મિત હતું.

“હૉલ મેં નંઈ, શાદી મૈં...” પાર્વતી નીચું જોઈ ગઈ, “સાલા, મેરા ચ મરદ, મેરે હોતે હુએ, દુસરી શાદી કર રૈલા હૈ... ઉસ કે સામને જાકર મૈં...”

પાર્વતી દાંત ભીસીને અટકી ગઈ. આ ‘અજીબ દાસ્તાન’ અહીં આ ડાન્સિંગ ગેરેજના કોઈ પંચાવન વરસના મૉન્ટેનો સરને કહેવાનો શો મતલબ હતો ?

“ઓ.કે. કમ હિયર.” બે-ચાર ક્ષણ જાણે કંઈક વિચાર કર્યો હોય એમ દાઢી ખંજવાળ્યા પછી મૉન્ટેનોએ પાર્વતીને આગળ આવવાનો ઈશારો કર્યો. “આઈ સી યોર લેગ.”

“ક્યા ?”

“પૈર...” મૉન્ટેનોએ કહ્યું, “અપ કા પૈર દેખના પડેગા.”

પાર્વતી આગળ આવી. મૉન્ટેનોએ એક સ્પોટલાઈટ ચાલુ કરાવી. ઓરડામાં પ્રકાશનું એક વર્તુળ રચાયું. પાર્વતીએ એની મરાઠી સાડીનો કછોટો મારતા પહેલાં ચહેરા પરનો પસીનો સાડીના છેડા વડે લૂછ્યો.

“સર, કોન સા ગાના બજાતે ?” પાર્વતીએ નાચવા માટે તૈયાર થઈને પૂછ્યું.

“ગાના નહીં. નો સૉન્ગ...” મૉન્ટેનો બોલ્યા. “તું કહે છે કે તું ડાન્સર હતી. એ હું માની લઉં છું પણ મારે તારા પગ જોવા છે.”

“મૈરા પેર ?” પાર્વતી મૂંઝાઈ, “વો કૈસે ?”

“સિટ અપ્સ !” મૉન્ટેનો બોલ્યા.“સિર્ફ બીસ બાર ઉઠક-બૈઠક કરો.”

“ક્યા?”

“યસ.”

પાર્વતી હજી ગૂંચવાયેલી હતી. પણ સર તો ફોલ્ડિંગ ખુરશી પર અઢેલીને એ રીતે બેસી ગયા કે જાણે હવે કોઈ ડાન્સ ચાલુ થવાનો હોય.

પાર્વતીએ સાડીને છેડો કમરે ટાઈટ બાંધીને ઊઠક-બેઠક ચાલુ કરી.. એક... બે... ત્રણ... ચાર...

એના જમણા ઘૂંટણમાં પહેલાં તો એક ટચાકો બોલ્યો. પછી દર્દનો લબકારો થયો. પછી જાણે ઘૂંટણ ઈલાસ્ટિકમાં કચકચાવીને બાંધ્યો હોય એમ ખેંચાતો લાગ્યો. એ પછીની આઠમી, નવમી અને દસમી ઉઠક-બેઠકે તો પાર્વતીનો ઘૂંટણ પીડાની સરહદ જ પાર કરી ગયો.

અગિયાર... બાર... તેર… ચૌદ... પંદર... પાર્વતીને પોતાને જ ખબર નહોતી કે એના બે પગનું બેલેન્સ બહુ ખરાબ રીતે હલી રહ્યું છે.

“ઓ.કે. સ્ટોપ.” મૉન્ટેનો સરના ચહેરા પર અનોખી ચમક હતી. એ ચમક અંદરથી ઊઠતી મજાકની હતી કે પછી મનમાં ગોઠવાયેલી કોઈ ગેડની હતી. એ પાર્વતીને ન સમજાયું.

“યુ ગુડ ડાન્સર ઓર નો ?આઈ ડોન્ટનો.” મૉન્ટેનો ફોલ્ડિંગ ખુરશીમાંથી ઊભા થયા. “બટ યોર ઘૂટના... વેરી બેડ. આ ઘૂંટણનો પહેલાં ઈલાજ કરવો પડશે. શું ખાય છે ?”

“હેં ?”

“જેના ઘરે કામ કરવા જાય છે ત્યાંનું વાસી, વધેલું અને બગડેલું ખાવાનું ખાય છે ને ? બે દિવસ માટે બધુંખાવાનું બંધ. ફક્ત બે ગ્લાસ દૂધ પીવાનું અને બે કેળાં ખાવાના. ઓ.કે.?”

“મગર...”

“દો દિન કે બાદ આના. તબ હમ ડાન્સ દેખેંગે. ઠીક હૈ ?” મૉન્ટેનો ઊભા થઈને એમના ડાન્સ સ્ટુડન્ટો તરફ ચાલવા માંડ્યા.

“મગર સા’બ, પૈસે -” પાર્વતીએપૈસા કાઢવા માટે કમરે ખોસેલો સાડીનો છેડો ખોલવા માંડ્યો.

“ઓહ, એક મિનિટ...”

મૉન્ટેનો અંદરના રૂમમાં જતા રહ્યા. પાછા આવ્યા ત્યારે એમના હાથમાં સો સો રૂપિયાની બે નોટ હતી.

“કીપ ધિસ.” પાર્વતીના હાથમાં પૈસા પકડાવતાં એ બોલ્યા, “ચાર ગ્લાસ દૂધ ઔર ચાર કેલે કે લિયે કાફી હૈ.”

પાર્વતી હજી કંઈ સમજે, પૂછે કે કહે એ પહેલાં મૉન્ટેનો ચપટી વગાડતાં સ્ટુન્ડન્ટો તરફ પહોંચીગયા. “કમ ઓન... લેટ્સ ડુ અગેઈન...”

લોર્ડ શિવા ડાન્સિંગ ગેરેજમાં ફરી ઝળાંહળાં થયેલી લાઈટોને પાર્વતી જોતી જ રહી ગઈ.

***

“પારો, તેરે કો ના, એકદમ સહી બંદા મિલા હૈ !” આખો કિસ્સો સાંભળીને તરાના પેટ પકડીને હસી રહી હતી !

“એય, તુ બત્તીસી બંધ કર, યાર !” પાર્વતી બગડી. “જરા મેરી તો જો સોચ... મૈં ડાન્સ કબ સીખેગી ?”

“ડાન્સ ?” તરાના હજી હસી રહી હતી. “સાલી, તારે જુલ્ફીના બે પગ વચ્ચે ધમાકો કરવા માટે ડાન્સ શીખવાની જરૂર જ ક્યાં છે ? ડાન્સ તો તને આવડે જ છે ! પણ સાલી, અક્કલની બુઠ્ઠી, તને મરદોને નચાવતાં નથી આવડતું, પણ વાંધો નહિ. આ માણસતને કમ સે કમ જાલિમ ડાન્સ કરતી તો કરી જદેશે. કારણ કે એ પાંચમી ટાઈપનો મરદ છે.”

“પાંચવી ટાઈપ કા મરદ ?” પાર્વતીને નવાઈ લાગી. “બોલે તો ?”

“બોલે તો દુનિયામાં પાંચ ટાઈપનામરદ હોય છે.” તરાનાએ પાર્વતીને બે ખભા પકડીને સોફામાં બેસાડીને શરૂ કર્યું :

“જો, એક કુત્તા ટાઈપના મરદ હોય છે. દરઅસલ સાલા, મોટા ભાગના મરદ કુત્તા ટાઈપના જ હોય છે. થોડા ભી માલ દિખાયા નહિ કે લગે લાર ટપકાને, ઔર પૂંછ હિલાને! આવા મરદોને રમાડવા બહુ આસાન હોય છે.”

“બીજા ટાઈપના મરદ બોલે તો બંદર ટાઈપના હોય છે. જેમ બંદર બુઢ્ઢો થવા છતાં કલ્ટી મારવાનું ભૂલતોનથી એમ આ ટાઈપના મરદ ગમે ત્યારે ગુલાંટ મારીને ભાગી બી જાય છે અને બગલમાં બી ઘૂસી આવે છે. આવા મરદને સંભાળવા માટે આપણે બી વારંવાર રિસાઈ જવાની અને માનીજવાની ગુલાંટો મારતા રહેવું પડે, સમજી મેરી જાન ?”

પાર્વતી તો જોતી જરહી ગઈ. તાહિરાસાલી તરાના બનીને શું શું ખેલ શીખી ગઈ છે...

“તીસરે ટાઈપ કે મરદ બોલે તો મગરમચ્છ ! આ સાલાઓ મીંઢા બનીને શરીફ ઈન્સાનની જેમ ચૂપચાપ કિનારા પર પડ્યા હોય છે. પણ જેવો એમને ચાન્સ દેખાય કે ફૌરન સાલાઓ મગરમચ્છની જેમ આપણા પર તૂટી પડે છે. આ સાલા સૌથી ખતરનાક ટાઈપના મરદ છે.”

“ચોથી ટાઈપ બોલે તો ભેડિયા ! સાલા રીંછ ! એમની બૉડી કોઈ ભી હાલતમાં સખણી રહેતી જ નથી. હર વક્ત અંદર કોઈ હલચલ મચેલી જ રહે છે. મગર સાલે દિમાગ સે એક નંબર કે ભોંદુ હોતે હૈ ! જૈસે મામૂલી મદારી ભી ઉન કો નચા લેતા હૈ. વૈસે હમ ઉન કો આરામ સે નચા સકતેહૈ ઔર પાંચવા ટાઈપકા મરદ હોતા હૈ માસ્તર !”

“માસ્તર ?” પાર્વતીને નવાઈ લાગી.

“હાં. આ સાલા સિદ્ધાંતવાદી ટાઈપ હોય છે. ડાહી ડાહી વાતો કરશે. ઉસૂલોની ખીચડી પકાવશે. નજરમાં તો સાલી એક દોરા જેટલી હવસ ના દેખાય... મગર એક બાર ચાન્સ મિલા તો સાલે ઈસ માસ્ટર કે અંદર સે કુત્તા, બંદર, મગરમચ્છ, ભેડિયા... ચારોં જાનવર એક સાથ બાહર આ જાતે હૈં... તેરા યે જો મૉન્ટેનો સર હૈ ના... વો ઐસા હી હૈ... દેખના કભી !”

પાર્વતી વિચારમાં પડી ગઈ. શું મૉન્ટેનો સર આવા નીકળશે ?

(ક્રમશ:)