DEVALI - 13 books and stories free download online pdf in Gujarati

દેવલી - 13

દેવલીનો પ્રકોપ ગામ પર ઉતરી આવ્યો છે તેની જાણ જીવણ અને કંકાવતીને સારી રીતે થઈ ગઈ હતી.બંનેને ખ્યાલ આવી ગયો હતો કે દેવલી બે દિવસ ડરાવીજ શકશે અને જ્યાં લગી તેના આત્માને તેને લાયક કોઈ દેહ નહીં મળે ત્યાં સુધી ધમપછાડા કરશે.પણ,હા ત્રણ દિવસ બાદ તેનામાં ઓર શક્તિ વધવાની પ્રબળતા વધુ રહેલી હોવાથી તેનો રસ્તો કરવો જરૂરી હતો.
કાળી ભમ્મર કડકડતી રાતે ઉપરવાળો જાણે રુઠયો હોય તેમ ધોધમાર વરસવા લાગ્યો.ફોન પર થયેલી વાતના આધારે બે ઓળાઓ આવી ભયંકર રાતને ઓઢીને દેવલીને જ્યાં દાહ દેવામાં આવ્યો હતો ત્યાં આવી પહોંચ્યા.વરસાદથી ભીંજાઈને ઓગળી ગયેલી રાખમાં બે ઓળાઓના હાથ જાણે કંઈક સોનેરી વસ્તુ ખોવાઈ ગઈ હોય ને ગોતતા હોય તેમ તે રાખના કાદવને ફંફોસવા લાગ્યા.અને અચાનક જાણે સોનાની અમૂલ્ય પાટો મળી ગઈ હોય તેમાં બંને ઓળાઓ ખુશ થઈ ગયા.
રાત્રીનો અંધકાર કેહ.. હું ખુદને પણ ના ભાળી શકું તેવો અંધકાર ઓઢાડવાનું મારું કામ ! પવનના સૂસવાટામાં કણજી,વડ અને લીમડાના ફર ફર કરતાં પર્ણો કેહ ડરને પણ ડરાવવાનું અમારું કામ ! અને આ બે ઓળાઓ પણ સૌને ચેતાવતા હોય તેમાં અંધારી રાતનેય ડરાવીને પોતાના કાર્યમાં મશગુલ હતા.અને અચાનક પોતાની મહેનત સફળ જતાંજ ભવોભવની ખુશીની લહેર તેમના ચહેરા પર છવાઈ ગઈ.બંનેએ વેરવિખેર મળેલી અસ્થિઓને ભેગી કરી.પવિત્ર કાચા દૂધથી ધોઈને અસ્થિઓ સ્વચ્છ કરી.એટલામાં કાળી રાતને ચીરતી કાર નદીના વિશાળ સમતળ પટમાં આવીને ઊભી રહી.
ખુન્નસભરી આંખે કારમાંથી ઉતરીને ટોચના પ્રકાશે તે વ્યક્તિ બૈરીના હાથમાં રહેલી અસ્થિઓ જોઈ રહ્યો.કેટલુંએ ઝેર મનમાં ને વિચારોમાં ઉકળતું હોય તેમ તેને કહ્યું...."તો આ કુલટા હજુ મર્યા પછી પણ આપણને હખ નહીં લેવા દે એમ ને !(?)
હા,રોમિલ હો ! અને એટલેજ આપણે તેને કેદ કરીને ભરમાવાની છે.તેની લાગણીઓનો તારા થકી લાભ લઈને તેને 90 દિવસ લગી પ્રેમની મીઠી જાળમાં ભરમાવાની છે.અને એ પહેલાં જો કોઈ બીજો રસ્તો મળી જાય તો તે અબઘડીએ અપનાવવાનો છે.તેને સાત વ્યક્તિઓનો ભોગ લેવાનું નક્કી કર્યું છે.
ઓહ, તો સાતમાં એક તો હું પણ હોઈશ ? અને હું મારા જીવને કઈ ના થાય એ માટે આકાશ-પાતાળ એક કરવા તૈયાર છું.
એટલામાં ત્રીજી વ્યક્તિએ પોતાનો ડર રજૂ કરતાં કહ્યું...."હું તો છુંજ તે વાતને કોઈ શંકા નથી.પણ, મારા કાનજીને પણ તે ભરખી જશે તેય નક્કી !
કાનજીને કેમ ભરખી જાય ? મને કંઈ સમજણના પડી હો,જીવણજી તમારી વાતમાં !
કંકાવતી મેં એક બહુ મોટી ભૂલ કરી છે.મેં આપણી ચાલને સમીસુતરી પાર પાડવા એક બીજી ચાલનું પ્રકરણ તમ સૌને અજાણમાં રાખીને ઉમેર્યું હતું.
કયું પ્રકરણ ? અને શા માટે ? (કંકાવતી અને રોમિલ બંનેએ આશ્ચર્યચકિત થઈને એકસાથે સવાલ કર્યો)
દેવલીને મારા કાનજી હારે પૈણાવાની હતી તેતો આપણી ચાલ હતી.અને તે બાદ તેના વડે આપણે ઘણી મેલી વિદ્યાઓ હાંસલ કરવાની ખેવના રાખી હતી તે વાત પણ સાચી.પરંતુ દેવલી તારા વડે પેદા થયેલું મારું સંતાન ન હોવાથી તેના કામણ આગળ મારો કાનજી પીગળી ગયો તે હું સારી પેઠે જાણતો હતો.મારો કાનજી તેના પ્યારમાં વધુ પાગલ થઈ જશે અને આપણો રસ્તો ને ચાલ સાવ નાબુદ થઈ જશે એવો ડર મારા મનમાં પેસી ગયો હતો.
હા, તો પછી એવું તે શું કર્યું કે તારા કાનજીને પણ તે ભરખી જાય ? (અધીરાઈ ખૂટી રહેતા જીવનની વાતને અધવચ્ચેજ અટકાવીને કંકાવતી બોલી)
બસ,પછી મેં એવા કોઈ વ્યક્તિની શોધ કરવાનું ચાલુ કર્યું જે દેવલીને રોમિલ,તલપ કે કાનજી કરતાં પણ વધુ ચાહતી હોય.અને મેં વશીકરણની મેલી વિદ્યાથી તે ચહેરાને ગોતી નાખ્યો.તે દિવાનો પણ હતો તો આપણાજ ગામનો.મારા કાનજીનો લંગોટીયો યાર માહી !
ઓહ...તારી...આ રહસ્ય તો ચોંકાવનારુ હો ! કેટલા આશિકોને આ કભાળજા મૂકતી જૈશ ? પણ જે હોય તે હો...પણ,જીવણ તુંતો મારો પણ ગુરુ નીકળ્યો હો !....પણ, આ વાત તે મારાથી છુપાવી કેમ ? (એકસાથે મનમાં ઉદ્દભવેલા કેટલાય વંટોળોનો એકજ પળમાં તાળ મેળવવા માંગતી હોય તેમ કંકાવતી પૂછી બેઠી)
હું મજબુર હતો કંકાવતી.તું આગળ સાંભળ એટલે તને મારી મજબૂરીનો ખ્યાલ આને દયા પણ આવશે !
ઓકે તો કંટીન્યુ રાખો આપની રહસ્ય ગાથા ! (રોમિલે શહેરી અંદાજમાં ટોન મારતાં કહ્યું)
પછી મેં માહીને બોલાવીને સઘળી વાત જાણી.તે બચપણથી દેવલીને ચાહતો હતો પણ,ક્યારેય તેને કોઈને તેની વાત ના કરી.ખુદ તેના લંગોટીયા કાનજીને પણ ગંધ સુદ્ધાં તેને ન્હોતી આવવા દીધી.અને કાનજી દેવલીના લગ્નની વાતથી તે સાવ ભાંગી પડ્યો હતો.દોસ્તીમાં દગો કરવાના ગુણ તેના સંસ્કાર માં હતાં નહીં.આથી તે પોતાની જાતને ઘરમાં કેદ કરીને આ સૌના માટે સુખદ પણ તેના માટે દુઃખદ પ્રસંગ વીતી જવાની રાહ જોવા લાગ્યો.અને મેં બોલાવીને તેને ભરમાવ્યો કે દેવલીએ ગામ,સમાજ અને સૌને છેતરીને શહેરમાં જઈને નિયમ તોડીને શિક્ષણ લીધું છે.તેને રોમિલ અને તલપ સાથે તથા અન્ય સાથે પણ અફરો છે.મારો કાનજી તેમાં મોહી પડયો હોવાથી મારે તેની ખુશી માટે જાણવા છતાં તે કુલટા સાથે તેને પરણાવવાનો નિર્ણય કર્યો છે.અને હવે દેવલીની અશ્લીલતા કાનજીને કહું તો કોઈ અસર થાય તેમ નથી.અને ઊલટાનો કાનજીને ખોઈ બેસું.આથી તારે દેવલીને ભોગવી હોય તો,વશીકરણથી તેને હું તારા પ્રેમમાં પાડી શકું તેમ છું.પણ નવ કલાક સુધી તારે તેની સાથે રહેવું પડે. અને આવી વાતોમાં તેને બરાબર પલાળીને તેની આંખોમાં વશીકરણનો મંત્ર ફૂંકી દીધો.મને ખબર હતી કે વશીકરણની પ્રબળ અસર કરે તેવી વિદ્યામાં હું પારંગત થયો નહોતો.એટલે એકવાર માહી દેવલીને ભોગવી લે એટલે કાનજીના પ્રેમનું ભૂત હું દેવલીની તાદ્રશ લીલા દેખાડીને ઉતારી દઉં.અને પછી કાનજી ખાલી સમાજમાં હવે આબરૂના જાય એટલા માટે પરણે અને પછી દેવલીનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ.
તો, પછી દેવલીને માહીએ ભોગવી.અને ત્યારબાદ બે ઘડી પહેલાંજ એઠું થયેલું મેં ચાખ્યું એમ ને ?(રોમિલે કાપો તો લોહી ના નીકળે તેવા ભાવ કરતાં પૂછ્યું)
હા, રોમિલ તે એઠું ભોગવ્યું હતું.દેવલી માહીને જોતાજ તેના વશીકરણમાં આવી ગઈ અને માહીએ દેવલીને ભોગવી લીધી.તેતો મારી ચાલ અને વાતોમાં ભરમાયેલો હોવાથી નવ કલાક સુધી દેવલીને વશીકરણમાં બાંધી રાખવા ત્યાં રોકાઇ ગયો હતો પણ, જો તેમ થાય તો દેવલી આપણા હાથમાંથી સાવ જાય એમ હતું અને કાનજીને તાદ્રશ દેખાડું તો તેને મારી વિદ્યાનો ખ્યાલ આવી જવાની સો ટકા ખાતરી લાગતા.તે પોતાનીજ આંખે દેવલીને કુલટા તરીકે જોવે એટલા માટે મેં કાનજીનો એમ કહીને મનાવી લીધો કે.."દેવલી શહેરમાં ઉછરેલી હોવાથી લગ્ન પહેલાં કંઈક ભેટ આપીશ તો તારા પર બહુ ખુશ થશે અને તેનો પ્યાર તારા પર ઓળઘોળ કરી નાખશે એટલે તું તેને છાનામાના મળવા જા.
વાહ, જીવણ વાહ. ! તુંતો પાકા કાંઠે ઘડાયેલો ઘડો નિકળ્યો હો ! દેવલી,કાનજી ને માહીને તેતો મારી જાણ બહાર બહુ નચાવ્યા હો ! અને આ કંકાવતીને ગંધ સુદ્ધાં પણ, ન આવવા દીધી ?
હા, પણ, મેં જે કંઈ કર્યું તે આપણા માટેજ કર્યું છે કંકાવતી.હવે આગળ સાંભળ...
.....પછી મે તેને અગાઉથી લાવીને રાખેલ ભેટ આપવાના બહાને છાનામાના મળવા મોકલ્યો.સમાજમાં લગ્ન પહેલા વર-વધુ મળી ના શકતા હોવાનો રિવાજ આડે ધરીને તેને પાછલા રસ્તે જવા મોકલ્યો.....ને ત્યાં તે દેવલી ને માહીનું શયનસુખ જોઈ ગયો અને ભાંગલા-તૂટલા હૃદયે તે કંઈ પણ કહ્યા વિના આવીને સૂઈ ગયો.તે આવી જતાંજ મેં નરોતમને દેવલી જોડે મોકલી દીધો.જેથી માહી વધું સમય ત્યાં રહી ન શકે અને તેને ત્યાંથી ભાગવું પડે.અને મારી ચાલુ મુજબ બધું સત્ય થઈને રહ્યું.નરોત્તમનો અવાજ સાંભળીને દેવલી ભાનમાં આવે તે પહેલાંજ માહી એકપળમાં તેનાથી દૂર થઈને ડરનો માર્યો પાછલા બારણેથી ભાગી આવ્યો.અને પછી તો તમે જાણોજ છો આગળની લીલા તો...!
હા,તો આમાં તારા કાનજીનો તો ક્યાંય વાંક ન દેખાયો !(?)
રોમિલ મારો કાનજી માહીનું પરાક્રમ તો રાતે જોઈ ગયો હતો.અને તેના મનમાં દેવલીના મોતનો ગુનેગાર તો માહીજ હતો.પણ દેવલીને કુલટા માનવા લાગ્યો હોવાથી તેના લીધે પોતાના લંગોટીયા યારને તે ખોવા નહોતો માગતો.અને પછી તો દેવલીજ ના રહેતા હવે તેને સમાજની બીકે તે કુલટા જોડે લગ્ન પણ નહીં કરવા પડે !(.) અને એટલેજ તેને માહીની કઈ પણ જાણ પોલીસ,ગામ કે કોઇની આગળ ન કરી.આથી દેવલી તો હવે સત્ય જાણીજ ગઈ હોય ! (?) અને તેની સાત આંગળીઓના ભક્ષણમાં હું,નરોતમ,કંકાવતી,માહી,રોમીલ ને કાનજી આવીજ જઈએ !(?)
હા પણ, આપણે તો છ થયા.હજુ આ સાતમુ કોણ છે ?
અરે રે...તે તો હું પણ નથી જાણતો રોમિલ !
એ જે હોય તે.આગળ જતા ખબર પડે કે ન પડે પણ આપણે આપણો જીવ બચાવવા આપણી રમતના પાસા અત્યારથીજ ફેંકવા જરૂરી છે.
હા કંકાવતી તારી વાત સાચી છે.એટલે તું હવે રોમિલને આગળની યોજના સમજાવી દે.
રોમિલ પણ મનોમન મલકી ને ખુદનેજ પૂછી રહ્યો હતો કે "આ ગામડામાં સાલા શહેર કરતાં પણ આટલા શાતિર દિમાગ હોય છે ? તેમાંએ એક માં અને એક ઘરડા દેહમાં આટલી યોજનાઓ ફરતી હોય તેતો મા કસમ આમના ભોળા ચહેરા જોઈને કોઈને સપનામાંએ ખ્યાલ ના આવે હો !
ઓય મિસ્ટર રોમિલ ! અમારા દિમાગ વાંચવાની પળોજણ કર્યા વગર આગળની યોજના સાંભળો.(કંકાવતી જાણે રોમિલના મનને પારખી ગઈ હોય તેમ ટોન મારતા બોલી)
હા બોલો.બનતા બનતા અધૂરા રહી ગયેલા સાસુમાં.આ બંદાને તો હવે તમે નચાવો તેમ નાચ્યા વિના છૂટકો છે ?
તારે આજ રાતથી ત્રણ દિવસ લગી સતત મેલા કુંડાળામાં બેસીને તારી જાતને રક્ષિત કરવાની છે.અમને તો હરાવતા હજુ ઘણી વાર લાગશે તે કુલટાને.પણ, તે તારા જેવા જે કરતૂતો આગળ નબળા વેરીલા હોય તેમને પહેલા ઠેકાણે લગાડશે.અને હું પણ, વશીકરણ વિદ્યા નવ દિવસમાં પ્રાપ્ત કરીને કાનજીને તેમાં ડૂબાડીશ.એટલે દેવલી તેનામાં પ્રેમ જોઈને તેને કંઈ નહીં કરી શકે.અને રહી વાત માહીની ! તો તેનું જે થાય તે અબઘડી તો થવા દેવાનું પણ, કદાચ તે આપણું માટલું ફોડવાનું વિચારે તો તેનું મોઢું બંધ રાખવા તે વખતે તેને ફસાવવાનો કંઈક રસ્તો શોધી લઈશું.
મારે મેલી વિદ્યાથી રક્ષિત થવા ત્રણ દિવસ સુધી એકજ ઠેકાણે બેસી રહેવાનું ? તેય પાછા આ સ્મશાનમાં ને આવા સાવ દેશી ગામડામાં ?
હા...! તારે પોતાની જાતને બચાવવી હોય તો, ત્રણ દિ લગી સતત વિધિમાં બેસવું પડશે.જો મેં વિચાર્યું છે તે યોજના પાર ના પડે તો તારે આ યોજનામાં સામેલ થવું પડશે.અને હા,બેસવું એવું જરૂરી નથી.! તું તારી રીતે ત્રણ દિવસ સાવ એકલો રહી શકે તેવું સ્થળ પસંદ કર.હું ને જીવણ સમય મળતાં-મળતાં તને તેમાં વધુ પ્રબળ બનાવીશું.હાલ તો તને એક દિવસની પૂરેપૂરી વિધિ બતાવી દઉં છું.
કંકાવતીની વાત પૂરી થતાજ જીવણ જાણે ચિઠ્ઠીનો ચાકર હોય તેમ વિધિની સઘળી સામગ્રી લઈ આવ્યો.કંકુનો પડો,લીંબુની નવ ફાડ,ઘઉંનો બાંધેલો લોટ,ટાંકણીઓનું બોક્સ,અબીલ-ગુલાલ,ચાક,નાના ઢીંગલાને થઈ શકે એવડા કપડા ને કાળા દોરાનો વીંટો એક કવરમાં પેક હતા.દેવલીની લીલા હજુ ચાલુ હતી.વરસાદ વરસતો હતો કે ડરાવતો હતો તેજ નક્કી નહોતું થતું.અને આવામાં પણ આ ત્રણ કાળજા જાણે કઠણતાનો પટ્ટો બાંધીને આવ્યા હોય તેમ પોતાની ચાલ ગોઠવે જતા હતા.ત્રણેયનાએ બદન ભીંજાઈને શરીરની ટાઢકથી થથરતા હતા.પણ મન,હૈયું ને ઇરાદા તો જાણે પથ્થર હોય તેમ વાર્તાલાપ કરે જતા હતા.
એકાએક ત્રણેયના ફરતે એક ઓળો આવીને જમીનથી આઠ-નવ ફૂટ ઊંચે ઊડવા લાગ્યો.તેમની ઘડેલી યોજના પર પાણી ફરતું દેખાયું.ને બીજી યોજના ઘડવા સ્ત્રીનું મલિન મન વિચારે ચડ્યું.ઊંચે ઉડતા તે ઓળાનું ભયંકર અટ્ટહાસ્ય આખા વાતાવરણને ઓર ભયંકર ને ડરામણું કરતું ગુંજી ઉઠયું.ચારેબાજુ જમીનમાંથી જાણે ચાદર ઉગતી હોય તેમ રેતની પાતળી સાલ સમી દીવાલ ઉભી થવા લાગી.કંકાવતી ને જીવણને ખ્યાલ આવી ગયો કે દેવલીની ડરાવવાની લીલા ચાલુ થઈ ગઈ છે.રોમિલને પણ સમજતાં વાર ન લાગતા એકાએક ચિલ્લાયો...." કંઈક કરો જલ્દી; હવે સમય વ્યર્થ કરવાની વેળા નથી રહી.તમે તો બચી શકશો ને ડરશો પણ નહીં ! પણ, હું..... હુંતો તે મારે તે પહેલાં ડરી-ડરીનેજ પૂરો થઈ જઈશ.(ગભરાયેલા રોમિલનો અવાજ તૂટવા લાગ્યો હતો)
કંકાવતીએ જીવણને સાથે લાવેલ છત્રી ખોલીને ઓથું કરવા એકીશ્વાસે આદેશ કર્યો.હવે તો જીવણાનાં ગાત્રો પણ થીજવા લાગ્યાતા.એક તો વરસાદથી ભીંજાઈને ટાઢથી તો તે થરથર ધ્રૂજતોજ હતો.અને એમાંય ઓછું હોય તે આ મંડરાવા લાગેલા ડરથી તેના હાલ પણ રોમિલ જેવા થવા લાગ્યા હતા.પણ કંકાવતીનું કાળજું હજું કઠણ હતું.જાણે આવા તો કેટલાય સાતીર દુશ્મન આત્માઓનો પનારો પડ્યો હોય તેમ ચહેરા પર ડરની લેશમાત્ર રેખાઓ પાથર્યા વિના તેને ફટાફટ ઊંચા અવાજે "જીવણ જલ્દી છત્રીથી ઓથું કરો" નો આદેશ આપી દીધો.
છત્રીનું ઓથું મળતાજ ઘઉંના લોટનો બાંધેલો જે લુવો હતો તેમાંથી હાથ લૂછીને ફટાફટ એક નગ્ન સ્ત્રીની આકૃતિ કંકાવતીએ ઘડી કાઢી.જીવણ ને રોમિલ તો તેની આ કળા જોઈને આભાજ બની ગયા.અને એ આકૃતિ જેમ જેમ આકાર લેતી ગઈ તેમ તેમ દેવલીના દેહનું રૂપ ધારણ કરતી ગઈ.
રોમિલ તું ફટાફટ ટાંકણીઓ અને ત્રણ લીંબુની ફાડ કાઢ..... અને જીવણ તમે આ પુતળીને વહાલથી હાથ ફેરવો.હું આત્માની મૂઠના મંત્રો રટું ત્યાં લગી તમારે તેને પંપાળવાની છે.એક પિતા જેમ પોતાની રિસાયેલી,રુઠેલી ને અઠંગ જિદ્દી એકના એક વ્હાલસોયી દીકરીને મનાવવા જેમ પંપાળે તેમ પંપાળવાની છે.
જીવણ અને રોમિલના હાથ ફટાફટ કાર્ય કરવા લાગ્યા.હવે ત્રણેયએ જમીન પર બેઠક લઈ લીધી હતી.રાખના રેલાઓ તેમની ચારેકોર તેમને ભીંજવતા ત્યાંને ત્યાં કુંડાળા રૂપે ફરે જતા હતા.દેવલીની અંત્યેષ્ટિની તે રાખ હતી.અને જાણે તે રાખથીજ ગૂંગળાવી,ડુબાડી ને તડપાવી-તડપાવીને એક હારે ત્રણનો જીવ લેવા માંગતી હોય તેમ દેવલીએ પળભરમાં પોતાની માયાજાળ પાથરી દીધી હતી.
દેવલી એકાએક લાગણીઓમાં ભીની થતા તેની માયાજાળ ઢીલી પડવા લાગી.કેવું અદભુત વહાલ તેને કોઈ કરી રહ્યું હતું.જાણે પોતાના બાપુજ વહાલ કરતા હોય તેટલા હેતથી કોઈ તેને નાની ઢીંગલીની જેમ પસવારી રહ્યું હતું.અકલ્પનીય સપના સમો અહેસાસ હતો.જાણે પોતે સાવ નાની ગુડિયા છે અને તેની જીદ,રિસ ને નારાજગી દૂર કરવા તેના પિતા તેને વહાલથી થપથપાવીને થોડીવારમાંજ તેની જીદ પૂરી કરવા મનાવી રહ્યા હોય તેવો અદભુત અહેસાસ તેને થવા લાગ્યો.આખું બ્રહ્માંડ આ વહાલ જોવા એક પળ થંભી ગયું.આવી પડેલી કુદરતી આફત પણ આ અવિસ્મરણીય પળ જોવા રોકાઈ ગઈ.અંધકારભરી રાત પણ પોતાની કાળાશ ખંખેરીને દૂર દૂર એક ઓરડામાં ઝબકતા દિવડાના પ્રકાશનો ઓથ લઈને આ ક્ષણને ઝીલવા ફાંફાં મળવા લાગી.અને આ માયા,સૃષ્ટિની,બ્રહ્માંડ,કાળી ભમ્મર રાત્રી અને દેવલીને વ્હાલના અહેસાસોમાં તરબોળ કરનાર બીજું કોઈ નહીં પણ જીવણ હતો.હા, જીવણ...જીવણ કંકાવતીના કહ્યા મુજબ લોટમાંથી બનાવેલ દેવલીના આકૃતિ રૂપ એવા પિંડને એક બાપની પેઠે પસવારી રહ્યો હતો.દેવલીના પ્રકોપને બે પળ થંભાવવા ને પોતાનો જાન બચાવવા બે ઘડી કંકાવતી વિધિ કરી લે ત્યાં લગી દેવલીના પ્રતિકાત્મક તે પિંડને તે બાપનો વહાલ આપવા લાગ્યો.અને તેનો આ વહાલ કારગત પણ નીવડયો...... પણ, અચાનક વહાલભર્યા હાથમાં શૂળ ઊગી નીકળી હોય તેમ દેવલીને દર્દ થવા લાગ્યું.
દેવલીનું કોમળ બદન અચાનક જાણે કોઈએ ફૂલોમાંથી ઊંચકીને કાંટાળી જાળીમાં મુકી દીધી હોય તેમ તેના બદન પર ઠેક-ઠેકાણે શૂળો ભોકાવા લાગી.તે કણસવા લાગી.તેના રોમ રોમમાં કોઈ તીર છોડતું હોય તેમ દર્દ ઉઠવા લાગ્યું.
હવે,રોમિલ તું......ને કંકાવતીનો ઈશારો થતાંજ જાણે તે પણ મેલી વિદ્યામાં ઘડીમાંજ પારંગત થઈ ગયો હોય તેમ કંકાવતીના પૂરા થતા એક-એક મંત્રના વીરામેં લોટના પિંડ પર ટાંકણી જોર જોરથી ખૂંપે જતો હતો.કપાળ,છાતી,બે ગાલ,પગ,હાથ,કોણી, જાંઘ,બરડો..... શરીરના બધા ભાગે તેને પોતાની કળા અજમાવી લીધી.શરીરના એક એક સાંધા પર તેને મલિન ક્રુરતાથી ટાંકણી ભોંકી હતી.અને આ દર્દ દેવલીના બદનમાં આગ લગાડતું હતું.સૃષ્ટિ આખીએ આ અમાનુષી અત્યાચાર ના જોવાતા આંખો બંધ કરી દીધી.અંધારી રાતે પણ,આ દ્રશ્ય જોઇને ડરી જતાં વધુ વાર ના જોઈ શકવાથી દીવડાનું અજવાળું દૂર હડસેલી દીધું.બ્રહ્માંડને પણ ઘડીભર જગ્યા મળે તો છુપાઈ જવાનું મન થયું.શૂળ અહીં ભોંકાતી ને તેનું દર્દ સૃષ્ટિના એક એક જીવને થતું હોય તેવો ભાસ ઉત્પન્ન થઈ ગયો.
દેવલીનો પવિત્ર આત્મા ફરી ભોળવાઈ ગયો હતો.વહાલની પાછળ રહેલી ઘાતને ઓળખવામાં તે ફરી થાપ ખાઇ ગઇ અને કંકાવતીએ સમયસૂચકતા વાપરીને વરસાદ,વંટોળ બંધ થતાંજ પહેલાં વહાલથી ભોળવીને અને પછી શૂળોથી ભોંકીને બેબસ લાચાર કરેલી દેવલીના પ્રતિકાત્મક પિંડ પર લીંબુની ત્રણ ફાડી નીચોવીને પિંડ ઓગાળી દીધો.પ્રવાહી રૂપે બનેલા તે પિંડને ફટાફટ એક બોટલમાં કેદ કરીને કંકાવતીએ કંઈક મંત્રો બોલીને તે બોટલ પર બૂચ વાસી દઈને દેવલીના પવિત્ર આત્માને કેદ કરી દીધો.
ધડામ દઈને ક્યાંક આખું વાદળ પડ્યું હોય તેમ ગડગડાટ થયો.બી ગયેલા અંધકારને ભયંકર કરતી એક વીજળી ત્રાટકીને અલોપ થઈ ગઈ.બેસુમાર શરાબ પીને નશામાં ડોલતા હોય તેમ જોર કરીને હલતાં ઝાડવા એક પળમાં સ્થિર થઈ ગયા.અને ત્રણ ઓળાઓએ રાત્રિમાં સૂતી નદીના જળને હચમચાવી મૂકે તેવું વિજયી અટ્ટહાસ્ય કર્યું. અને ત્રણેએ એ હાસ્યના પડદા સમે તે પહેલાજ જોરથી ઝૂલાવી-ઝૂલાવીને પેલી બોટલને પૂલ નીચેના ઊંડા ધરામાં ફંગોળી દીધી.
રાત્રીનો છેલ્લો પ્રહર થતા પહેલા પહેલા તો ત્રણેય નિચિંતિત થઈને પોત પોતાનાં ઠામ ભણી વિદાય લીધી.હવે તે બોટલ પણ ખુલશે નહીં કે,આપણા રાજ પણ ખુલશે નહીં...અને સમય પહેલા આપણા ત્રણેય માટે નરકના દ્વાર પણ ખુલશે નહીં...એમ કહીને કંકાવતી જીવણ અને રોમિલને પોતે વિદ્યામાં પારંગત થઈ ગઈ હોવાનો પુરાવા આપવા લાગી.
ચારે બાજુ પાણી પાણી છે અને કાચની પેટીમાં જેવી રીતે અધૂરા માસે જન્મેલું બાળક જીવવા માટે ફાફા મારે પડે તેમ કાચની બોટલમાં કેદ દેવલીનો આત્મા વિશાળ બનવા વલખા મારવા લાગ્યો.હવે ક્યારે નીકળશે તે આ કેદમાંથી બહાર ? એક પલ તે પેલા વહાલના પંપાળમાં ના ભોળવાઈ હોત તો પોતાનો બદલો સારી પેઠે લઈ શકત.. કેટલા વર્ષો આમ હું આ કાચની બારીઓમાં કેદ રહીને જળચરોને જોતી રહીશ ? કોઈ મારો ઉદ્ધાર કરવા આવશે કે નહીં ? હું મારો બદલો લઈ શકીશ કે નહીં ? શું 90 દિવસ સુધીમાં કોઈ મારો સાથી આત્મા મને શોધતો શોધતો આ રસ્તે નહીં આવી પહોંચે ? શું મારે આમજ રિબાઈ રિબાઈને જીવે રાખવાનું ?
અસંખ્ય સવાલોથી ઘેરાયેલી દેવલીને ખ્યાલ આવ્યો કે ૯૦ દિવસ સુધી તેને દેહના મળે તો પછી નવું વર્ષ લગી તે કોઈ દેહને ના છૂઇ શકે કે ના તેમાં તે પોતાના આત્માને પરોવી શકે ..અને તે વિનવી રહી.......હે અનાથોના નાથ.... આ મૂંગા એવા આત્માનું ઠેકાણું મારા કોઈ એકાદ સાથી સુધી પહોંચાડી દે...આમ કેદમાં પૂરાયેલી દેવલી વિલાપ કરતી સર્જનહારને કરગરી રહી હતી...હે સરિતા માં તમારા આ ધરામાં બાળપણમાં આઝાદીના કેટલાય કુદકા મરાવીને મારું બાળપણ ખીલવ્યું હતું તેમ મારા આત્માને મુક્ત કરીને મારો બદલો લેવાનો રસ્તો મોકળો કરો...માં......

(આગળના ભાગમાં નવ વર્ષ પછીની રોમિલ, કાનજી,માહી,તલપ,કંકાવતી,જીવણ, પરષોત્તમ, અને સાતમા અજાણ્યા એક વ્યક્તિની ને દેવલીની જિંદગી માં શુ થશે ? દેવલી છૂટશે કે નહિ છૂટે ? તે જાણવા માટે જરૂર વાંચતા રહો...આપના સાથ અને સહકાર બદલ ખુબ ખુબ આભાર..)