Lagniyonu Shityuddh - 4 books and stories free download online pdf in Gujarati

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 4

પ્રકરણ - 4

ક્યારેક તમે પોતે તમારો શિષ્ટાચાર

પસંદ નથી કરતા,

સામેની વ્યક્તિનો સ્વભાવ કે

એનું અમુક પ્રકારનું વર્તન તમને

એવું કરવા મજબૂર કરે છે....

"સર ?", નુપૂરએ અનંતને પૂછ્યું.

કોઈ પણ ઓફિસમાં નહોતું. તે વરસાદી સાંજે લગભગ 7.30 વાગ્યા હતા. તેથી તે બારણું ખખડાવ્યા વગર જ કેબિનમાં દાખલ થઈ. અનંત તરફથી પ્રત્યુત્તરમાં કોઈ પ્રતિક્રિયા ન હતી.

"સર, તમે જાગો છો ?", તેણે ફરી પૂછ્યું.

"હમ્મ ..", અનંતે કેટલાક નફરતભર્યા અનંતમાં જવાબ આપ્યો અને તે જ સમયે નુપૂરએ અનંતના ગાલ પર લસરીને જઈ રહેલું અશ્રુબિંદુ જોયું.

"સર, શું થયું ? કોઈ સિરિયસ બાબત છે ? ", જેવી નુપૂર અનંતની ચેર તરફ ગઈ, તરત જ અનંત ખુરશીમાંથી ઊભો થઈ ગયો, અને નુપૂર કઈં પણ સમજે એ પહેલા પોતાનો ચહેરો રૂમાલથી લૂછી નાખ્યો.

પણ કદાચ અનંતને એ જાણ ન હતી કે એના વિના કહ્યે નુપૂર ઘણું બધું જાણી ગઈ હતી.

# # #

સામાન્ય રીતે નુપૂર પોતાના એક્ટિવા પર જ આવતી જતી હતી પણ એ દિવસે સવારથી જ ધોધમાર વરસાદે અને રસ્તાઓની બિસ્માર હાલતે એને સિટી બસમાં જવા મજબૂર કરી હતી. સાંજે વળતી વખતે ક્યાંય સુધી કોઈ બસ કે ઓટોના આવવાનો ચાન્સ ન હતો. આથી અનંતે નુપૂરને ડ્રોપ કરી દેવાનું કહ્યું. આમ તો નુપૂર અનંતની પર્સનલ સેક્રેટરી હતી છતાં ક્યારેય અનંત સાથે કોઈ કારણ વગરની વાતચીત કે ક્યાંય જવાનું પસંદ કરતી ન હતી. બીજી બાજુ અનંતનો પણ બદલાયેલો સ્વભાવ એને પોતાની નજીક કોઈને આવવા દેતો ન હતો.

અનંતે કારનો દરવાજો ખોલ્યો અને હજી તો નુપૂર વ્યવસ્થિત બેઠી પણ ન હતી અને એણે ધડામ... કરીને દરવાજો બંધ કર્યો. નુપૂરએ એ જ ક્ષણે અનંતની આંખોમાં અકારણ ખિન્નતા જોઈ લીધી. કોઈ કારણસર નુપૂરની આંખોમાં પાણી આવી ગયું. નુપૂર આંસુભરી આંખે કારના ફ્રન્ટ મિરરમાંથી અનંતને તાકી રહી હતી, જ્યારે અનંતનું ધ્યાન તેની કાર ચલાવવામાં હતું, નુપૂરની આંખોથી, એની એ અનિમેષ નજરથી, અને કદાચ એના એ નિરવ રૂદનથી પણ તે સંપૂર્ણપણે અજાણ હતો. આજે અનંતે તેના ડ્રાઇવરને વહેલા રજા આપી દીધી હતી કારણ કે આજના દિવસ માટે તે પોતે કાર ચલાવવા માગતો હતો. અનંતને એ પોતે નાનો હતો ત્યારે બાઇક કે સાઈકલ ચલાવવાનો બહુ જ ડર લાગતો હતો, પરંતુ સમય અને સંજોગોએ તેને બાઈક પણ અને હવે એના સ્ટેટસ એ એને કાર ચલાવતાં પણ શીખવી દીધું હતું.

નુપૂર પીડાને કારણે રડી રહી હતી. તેની આંગળીમાંથી લોહી વહી રહ્યું હતું. અનંતે ખૂબ જ ગુસ્સામાં કારનો દરવાજો બંધ કર્યો હતો અને અજાણતા રીતે તેણે નુપૂરની અનામિકાને ઈજા પહોંચાડી હતી. મૂડ ફ્રેશ કરવા માટે અચાનક અનંતે મ્યુઝિક પ્લેયર ચાલુ કરવા અને ગિયર બદલવા માટે પોતાના ડાબા હાથને સ્ટિયરિંગ વ્હીલ પરથી હટાવ્યો, અને એકાએક એની નજર નુપૂરની લોહી નીતરતી આંગળી પર પડી. પૂરી તાકાત સાથે એણે બ્રેક પર પગ દબાવ્યો અને સ્ટીઅરિંગ વ્હીલને કંટ્રોલ કરીને હાઇવેની ડાબી બાજુએ ગાડી દબાઈ. શ્યામલથી શિવરંજની તરફના સૂમસામ રસ્તા પર ટાયર ઘસડાવાના તીવ્ર અવાજ સાથે તેની કાર રોડની એક તરફ ઉભી રહી. શોર્ટ બ્રેકને લીધે બંનેને અચાનક ઝાટકો લાગ્યો, પરંતુ સીટ-બેલ્ટને કારણે કોઈ ઇજા થઈ નહોતી. ચાહે ગમે તેટલી ઉતાવળ હોય કે ગમે તેવી ઈમરજન્સી હોય, અનંત ક્યારેય પણ સીટબેલ્ટ બાંધવાનું ન ભૂલતો.

હજી પણ નુપૂર અનંતને ફ્રન્ટ મિરરમાંથી તાકીને જોઈ રહી હતી.અનંતનું ધ્યાન તેની લોહી નીકળતી આંગળી તરફ જઈ ચૂક્યું હતુ એ વાતની જાણે એને ખબર જ ન હતી.અનંતની સામે જોતા જોતા એ એવી દુનિયામાં પહોચી ગઈ હતી કે એને અચાનક બ્રેક લાગવાને લીધે આવેલા ઝટકાની પણ કોઈ અસર ન થઈ.

માણસને જ્યારે કોઈ વ્યક્તિમાં પોતાને, પોતાની તકલીફને, પોતાના ગમા-અણગમાને સમજનાર વ્યક્તિ તરીકેની છબી દેખાય ને ત્યારે એક ક્ષણ માટે એને પોતાનું સર્વસ્વ ભૂલાવી દેવાની ઈચ્છા થઈ જાય છે. સમગ્ર દુનિયા એને માટે જાણે સ્તંભન પામી જાય છે. મન એક એવી દુનિયામાં પહોંચી જાય છે કે જ્યાં તમારી આજુબાજુની સમગ્ર દુનિયા જાગ્રત હોવા છતાં તમે બસ પોતાને અને એ વ્યક્તિને જોઈ શકો છો, માણી શકો છો, અનુભવી શકો છો. અનંતે તેને ખભાથી પકડી અને અચાનક એ એની તંદ્રાવસ્થામાંથી બહાર આવી.

તે અનંતની આંખોમાં અપલક નજરે દેખી રહી હતી અને સાથે સાથે થોડું હસી પણ રહી હતી. તેની આંગળી હજુ પણ રક્તરંજિત જ હતી, પરંતુ, અહીં અનંત હસવાના મૂડમાં ન હતો કારણ કે તેણે નુપૂરની આંગળીમાં લોહી જોયું હતું અને તેને ભાન થયું કે તેણે ગુસ્સામાં શું કરી નાખ્યું છે. લાંબા સમયથી સાથે રહેવાના લીધે બંને વચ્ચે વચ્ચે એક છૂપું અને વિશિષ્ટ પ્રકારનું જોડાણ સર્જાઈ રહ્યું હતું.

"ડફર..સ્ટુપિડ. .. ઈડિયટ ... શું તું તારા મોઢેથી એક પણ વાર બોલી નથી શકતી કે તને વાગ્યું છે ?", ફરિયાદના અનંતમાં અનંતે નુપૂરને પૂછ્યું.

"શા માટે?", નુપૂરને પૂછવામાં આવ્યું.

"આ કેવો ગાંડા જેવો પ્રશ્ન છે !!! તમે છોકરીઓ સિરિયસ ટાઈમે પણ સીધો જવાબ નથી આપી શકતી. લાવ, હાથ આપ મને તારો... ", નુપૂર હાથ લંબાવે એ પહેલા જ અનંતે તેનો હાથ પકડી લીધો હતો.

"હમ્ ...", નુપૂર બોલી.

અનંતે કારના ડૅશ બોર્ડમાંથી ફર્સ્ટ એઇડ બોક્સ બહાર કાઢ્યું અને એમાંથી થોડી ડ્રેસિંગ સ્ટ્રીપ અને કેટલીક અન્ય દવાઓ બહાર કાઢી. તેણે ડેટોલથી તેના ઘા સાફ કર્યા અને પછી સોફ્રામાઈસિન લગાવી. અનંત આ બધું જ ખૂબ જ સાચવીને, શાંતિથી અને નમ્રતાથી કરી રહ્યા હતા. ડેટોલ લગાવતી વખતે લપકારા અને બળતરાને લીધે નુપૂરથી એકાદ બે વાર પોતાનો હાથ પાછો ખેંચાઈ ગયો.

"સોરી...", અનંતના મોઢેથી પણ સિસકારો નીકળી ગયો.અને લાગ્યું કે જાણે તે નુપૂરની વેદના અનુભવી રહ્યો છે. આખી કંપની જેને એક એટિટ્યૂડવાળા માણસની નજરે જોતી હતી, એ અનંતને નુપૂર આજે એકદમ નજીકથી અલગ જ રૂપમાં જોઈ રહી હતી. નુપૂરની વેદના જોઈને અનંતની સંવેદના પણ જાણે જાગી ગઈ હતી.

સમય – એક એવું પરિબળ છે જે ઊંડામાં ઊંડા જખમો પર રૂઝ લાવી દે છે. જ્યારે અચાનક કોઈ વ્યક્તિ આપણા જીવનમાંથી ચાલ્યું જાય છે ને ત્યારે થોડા સમય માટે આપણને એમ લાગે છે કે હવે ક્યારેય એ રિક્ત સ્થાનની પૂર્તિ નહિં થાય, પરંતુ એ માત્ર આપણો ભ્રમ હોય છે. વૈભવીની ઘટના પછી અનંત પણ આવા જ એક આભાસી ઓછાયામાં જીવી રહ્યો હતો પણ કુદરતે એના માટે કઈંક અલગ જ વિચારી રાખ્યું હતું. અત્યાર સુધી માત્ર સેક્રેટરી રહેલી નુપૂર અનંતને સમજવા લાગી રહી હતી. અનંત પોતે પણ એ જ લાગણી ક્યાંક ને ક્યાંક અનુભવી રહ્યો હતો પણ એ સ્વીકારી શકતો ન હતો.

સ્વભાવિક છે કે જે વ્યક્તિને માટે આપણે આપણા તમામ સ્વપ્નોને એક આકાર આપ્યો હોય, એની સાથે જીવન વિતાવવા અમુક કડવા નિર્ણયો પણ લીધા હોય, કદાચ એને જ માટે આપણા સૌથી નજીકના વ્યક્તિ સાથે પણ ઝઘડ્યા હોય, અને એ જ વ્યક્તિ કોઈ તુચ્છ પરિબળને લીધે આપણી જિંદગીમાંથી જતું રહે ત્યારે પોતાને સંભાળવું ખૂબ જ અઘરું થઈ પડે છે. મિત્રો, એ કહેવું સહેલું છે કે મને કોઈફરક નથી પડતો, પણ જ્યારે આપણા જોયેલા સ્વપ્નો કોઈ બીજાના જીવનમાં સાકાર થાયને ત્યારે પત્થર જેવું કાળજું હોવા છતાં રડી પડાય છે, છલકાઈ જાય છે આંખો...કોઈ સાંત્વના નથી રોકી શકતી તમારા આંસુઓની લકીરોને...

"તારું ધ્યાન ક્યાં છે, નુપૂર? ", અનંતે પૂછ્યું.

"આજકાલ તારું વર્તન ખૂબ જ અલગ થઈ રહ્યું છે", તેણે પાછળથી ઉમેર્યું.

"ઓહો .. મતલબ કે મારા બોસ મારા કામ સિવાય બીજું પણ ધ્યાન રાખે છે એમ ને", તેણીએ આંખ મારવીને અનંતને જવાબ આપ્યો.

"ડોન્ટ ચેન્જ ટોપિક.. જસ્ટ આન્સર વ્હોટેવર આઈ આસ્ક યુ", અનંતે પણ મજાકના ટોનમાં ચેતવણી આપી.

"ક્યારેક તમે પોતે તમારો શિષ્ટાચાર પસંદ નથી કરતા, સામેની વ્યક્તિનો સ્વભાવ કે એનું અમુક પ્રકારનું વર્તન તમને એવું કરવા મજબૂર કરે છે.... !!! ", તેણીએ જવાબ આપ્યો.

# # #