Lagniyo Nu Shityuddh - Chapter 1 books and stories free download online pdf in Gujarati

લાગણીઓનું શીતયુદ્ધ : પ્રકરણ 1

પ્રકરણ – 1

જ્યારે સમય માં બદલાવ આવવાનું શરૂ થાય છે ને ત્યારે બધું જ બદલાઈ જાય છે...,

માત્ર શબ્દો જ નહિ

જીવન પણ અને એને જીવવાના કારણો પણ ...

અને હા, કદાચ સંબંધઓના સમીકરણો પણ.......

અનંત, અમદાવાદના મોટા અને પહોળા પરંતુ બીઆરટીએસના ટ્રેકના કારણે ખૂબ જ સાંકડા બની ગયેલા રસ્તા પર અટવાયેલા સિટી ટ્રાફિકને એકીટશે નિહાળી રહ્યો હતો. કોઈ નો'તું જાણતું કે તે શું હતું. પલક ઝપકાવ્યા વગર તે સતત કઈંક વિચારી રહ્યો હતો. એવું લાગતું હતું કે તે તેના ભૂતકાળની સ્મૃતિઓમાં સરી રહ્યો હતો. છેલ્લા થોડા વર્ષોની સ્મૃતિઓ તેમના મનમાં કોઈ ફિલ્મની રીલના ટેપની જેમ પસાર થઈ રહી હતી. બહાર વરસાદે પણ માઝા મૂકી હતી. શ્રાવણ પણ જાણે આજે પોતાની પરાકાષ્ઠાએ હતો. વરસાદ ફક્ત ઓફિસની બહાર જ નહિં, અનંતના અંતરમનમાં પણ વરસી રહ્યો હતો. શાયદ છૂપી રીતે....

અચાનક, દરવાજે ટકોરા પડ્યાં અને અનંતના ઊંડા ગહન વિચારોમાં વિક્ષેપ પડ્યો અને તે પોતાની સ્મૃતિઓના વિચારોના વમળોમાંથી બહાર આવ્યો. તેની અંગત સેક્રેટરી, નુપૂર, સુરેન્દ્રનગરની ક્લાઈન્ટ મીટિંગ માટે સાઈટની મુલાકાતના આગામી શિડ્યૂલ વિશે તેને પૂછવા માટે તેમની કેબિનમાં આવી હતી. નુપૂર તેની પર્સનલ સેક્રેટરી હતી, જે તેની તમામ મીટિંગો અને તેના કાર્યનું સંચાલન, શેડ્યૂલ, મુસાફરી અને બીજા ઘણા બધા એવા કામ વ્યવસ્થિત રીતે સંભાળી લેતી હતી. હજુ પણ અનંત તેના વિચારોમાં હતો અને સાથે સાથે નુપૂરના બધા પ્રશ્નોના ઉપરાઉપરી જવાબ આપી રહ્યો હતો. એની આંખો મીંચાયેલી હતી. એના શ્વાસ ઊંડા હતા. પોતાની રિવોલ્વિંગ ચેર પર બેઠો હોવા છતાં ચહેરા પરની રેખાઓ પરથી સ્પષ્ટપણે અસ્વસ્થ જણાતો હતો.

# # #

નુપૂર, માત્ર 22 વર્ષની અને એક કમ્પનીના મેનેજિંગ ડિરેક્ટરની અંગત સચિવ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર આખા સ્ટાફમાં એકમાત્ર વ્યક્તિ હતી. પોતાની એમબીએની ડિગ્રી અને સફળ મેનેજમેન્ટ ઉપરાંત આકર્ષક વાકપ્રતિભા જેવી અસાધારણ કુશળતાના આધારે તેણે કંપનીના સીઇઓની અંગત સેક્રેટરીની પદવી મેળવી લીધી હતી.

અનંત, એમ્પ્લોયમેન્ટ એન્ડ હ્યુમન રિસોર્સ ફિલ્ડમાં કોઈ મોટો ઉદ્યોગપતિ ન હતો, પરંતુ તે એક ડાયનેમિક પર્સનાલિટી ધરાવતો વ્યક્તિ હતો, જેને એક જ ક્ષેત્રમાં 10 વર્ષ કરતાં વધારે સંઘર્ષનો અનુભવ હતો. તે ફક્ત 16 વર્ષનો હતો, જ્યારે તે "આધાન સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ" કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે જોડાયો હતો. આધાન એ રિક્રૂટમેન્ટ, પે-રોલ અને ઇવેન્ટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં કામ કરતી વિશ્વની અગ્રણી કંપનીઓમાંની એક હતી. જયારે અનંત કંપનીમાં જોડાયો ત્યારે સામાન્ય રીતે તેને બધા કામ વિશે બહુ જ્ઞાન કે સમજ નહોતી. પરંતુ દર નવા દિવસની શરૂઆતમાં શીખવાની અને તેમાં આવતી તમામ સમસ્યાઓને સારી રીતે સ્વીકારીને એનું નિરાકરણ લાવવાની તેની આદતે તેને પોતાની ઉંમરની સાપેક્ષે વધુ હોંશિયાર બનાવ્યો હતો. તેના પહેરવેશની શૈલી અને દેખાવને કારણે તમામ સ્ટાફને તે આધાન જેવી કંપનીમાં જોડાવા માટે પૂરતી લાયકાત કે ક્ષમતા વગરનો લાગતો હતો પરંતુ કહેવાય છે ને કે,

"એક બુદ્ધિશાળી મગજ માત્ર કહેવાતા ફળદ્રુપ મગજને પસંદ કરવાને બદલે બુદ્ધિશાળી પ્રતિભા પર ધ્યાન આપે છે"

અનંત તેનું શિક્ષણ યોગ્ય રીતે પૂરુ કરી શક્યો ન હતો. તે ફક્ત ડિપ્લોમા સુધી ભણેલો શિક્ષિત બેરોજગાર હતો. તે વર્ષે માત્ર કેટલાક મેરિટ ગુણથી પાછા પડવાને કારણે એન્જિનિયરિંગ ક્ષેત્રની બેચલર ડિગ્રી હાંસલ કરવાનું તેનું સ્વપ્ન અધૂરું રહ્યું હતું. દર વર્ષે, સુરતની પ્રખ્યાત એસએસ ગાંધી કોલેજમાં એડમિશન માટે જરૂરી મેરિટ લગભગ 74% સુધી પહોંચે છે, અને એ વર્ષે અનંતને ડિપ્લોમા ઈન મિકેનિકલ એન્જીનિયરીંગના અંતિમ વર્ષમાં 78% પરિમામ મળ્યું હતું. રિઝલ્ટ જાણ્યા પછી એના આનંદની કોઈ સીમા નહોતી પરંતુ એને એ નહોતી ખબર કે જીટીયુના સેન્ટ્રલ ગવર્મેન્ટની કોલેજોના વિદ્યાર્થીઓના મર્જીંગને કારણે, મેરિટમાં 8 ટકાનો વધારો થયો છે અને તે આગળના શૈક્ષણિક અભ્યાસ માટે ડિસક્વોલિફાય થયો છે.

તેણે તેની માતાના તેમના પુત્રને બેચલર ડિગ્રી પ્રાપ્ત કરવાની અને કોઈ જાણીતી એન્જિનિયરિંગ કંપનીમાં વ્હાઈટ કોલર જોબ કરતો જોવાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે અમદાવાદ છોડ્યું હતું , પરંતુ જાણે કિસ્મતે એની કસોટી કરવાનું નક્કી કર્યુ હોય એમ અહીં પણ તેને પોતાની જાતને સાબિત કરવા માટે કોઈ એક તક આપી ન હતી. તેની આર્થિક પરિસ્થિતિ અને નાણાકીય સંજોગો ગંભીર હોવાથી કોઈ પ્રાઈવેટ કે સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં અભ્યાસ કરવાનું તો વિચારી શકાય જ એમ ન હતું. તેના પિતા તેમના પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા, જે શરીરમાં દસ ફ્રેક્ચર લઈને પણ પરિવારના ગુજરાન અને અનંતના ભણતર માટે કાળી મજૂરી કરતા હતાં.

# # #

અનંતની નજર ઓફિસની વિન્ડો અને તેની બહાર અટવાયેલા ધીમા અને કાચબાની જેમ મંથર ગતિએ પસાર થઈ રહેલા વાહનોનાં ટ્રાફિક પર જ અટકેલી હતી. અનંત એના જીવનના છેલ્લા કેટલાક વર્ષો વિશે વિચારી રહ્યો હતો. વાસ્તવમાં, જો આપણે તેને ભૂતકાળ કહીએ તો તે ખોટું સાબિત થશે. તે તેનો ભૂતકાળ ન હતો, તે એ વર્ષોનો તેનો પ્રવાસ હતો, જે દરમિયાન તેણે કેટલાક એવા નિર્ણયો લેવા પડ્યા હતા, જે વિશે એણે ક્યારેય વિચાર્યું પણ ન હતું.

અનંત જ્યારે પણ ઉદાસીનતા અને એકલતા અનુભવતો, ત્યારે ફક્ત બે જ વ્યક્તિઓ સાથે વાત કરતો હતો. બીજી વ્યક્તિ, વિકી, એનો સાથીદાર કહો, બેસ્ટી કહો કે પછી સંકટ સમયની સાંકળ કહો, વિકી હંમેશા અનંતના પડછાયાની જેમ રહેતો અને પ્રથમ વ્યક્તિ એ તેની મમ્મી હતી.

અનંતનો તેની માતા સાથેનો સંબંધ ખૂબ જ અલગ અને અતૂટ રહ્યો હતો. દરેક માતા અને પુત્રનો સંબંધ એવો જ હોય છે – અતૂટ, પણ અહીં એ સંબંધ દુનિયાના અન્ય પુત્રો તેમની માતાઓ સાથે હોય એના કરતાં કઈંક અલગ પ્રકારનું જોડાણ ધરાવતો હતો. અનંતની માએ અનંતની સાથે જ એના પિતાનું ઘર છોડી દીધું હતું જ્યારે તેણે દસમું ધોરણ પાસ કર્યું હતું. પારિવારક પ્રશ્નો, સંબંધીઓ અને અન્ય પરિવારજનોની સતામણીને કારણે તેમણે ઘર છોડવું પડ્યું હતું. એ મહિલાને કેન્સર જેવા ગંભીર રોગ અને એ ઉપરાંત સમયના ઘણાં જખમ નો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સમય પસાર થતાં જ તેના આ ઘાવ ખૂબ મજબૂત થયા હતા. દિવસે દિવસે તે તેના અસ્તિત્વ અને સમાજમાં આજીવિકા માટે લડવાનું શીખી હતી. જયારે અનંત એકલવાયું કે નિરાશાજનક અનુભવતો ત્યારે તે હંમેશા એની પડખે ઊભી રહેતી.

વિકી ઉપાધ્યાય, અનંત હંમેશા એને પોતાનાં આપેલા નવા નિકનેમ, "વેકી" થી જ બોલાવવા ટેવાયેલો હતો, જે અનંતે પોતે આપેલું હતું. વિકી અનંતનો નોકરીમાં સહકર્મચારી તેમજ અંગત જીવનમાં માર્ગદર્શક પણ હતો.

આધાનમાં કમ્પ્યુટર ઑપરેટર તરીકે નોકરીની શરૂઆતમાં, અનંત અને વિકી વચ્ચે કઈં ખાસ એવી મિત્રતા ન હતી. વિકી દીર્ઘદ્રષ્ટા હતો અને તેનામાં વ્યક્તિની વાસ્તવિક આવડત અને આંતરિક કૌશલ્યોને ઓળખવા માટેની એ ક્ષમતાઓ હતી કે જે અન્ય લોકો દ્વારા સામાન્ય રીતે ઓળખી શકાતી નથી. 2 વર્ષના સમયગાળામાં, તેમણે આધાનમાં જુદા જુદા ક્લાઈન્ટ્સ માટે આવતા ઉમેદવારોમાંથી ઘણા પ્રતિભાશાળીઓને ઓળખી કાઢ્યા હતા અને તે જ રીતે રિક્રૂટમેન્ટ એક્ઝિક્યુટિવના હોદ્દા માટે તેણે અનંતની તમામ ક્ષમતાઓ પિછાણી લીધી હતી.

વિકી ખૂબ જ નિખાલસ અને હસમુખ સ્વભાવનો વ્યક્તિ હતો, પરંતુ કામની બાબતમાં તે હઠીલો, કઠોર, મક્કમ અને થોડો ખડ્ડૂસ પણ હતો અને માત્ર તે જ કારણે વિકી અને અનંત ઘણી વાર એકબીજા સાથે ઝઘડી પડતા હતા છતાં તેણે રિક્રૂટમેન્ટ એક્ઝિક્યુટિવના હોદ્દા માટે કંપનીના સીઈઓ મિસ ભાવના ઉદરનાનીને અનંતનું નામ આપવાનો નિર્ણય કર્યો હતો. વિકી એકમાત્ર એવી વ્યક્તિ હતી જેના કોઈ પણ સૂચનને મિસ ભાવના ક્યારેય નકારતાં ન હતા. મંથલી મીટિંગમાં અનંતને પણ ખૂબ આશ્ચર્ય થયું હતું જ્યારે ભાવના મેમ દ્વારા તેનું નામ પ્રમોશન કરાયેલા કર્મચારીઓની યાદીમાં કરવામાં આવ્યું હતું. રિક્રૂટમેન્ટ એક્ઝિક્યુટિવ તરીકે તેમનું નામ સાંભળ્યા બાદ અનંત જાણે હતપ્રભ થઈ ગયો હતો કારણ કે એ બધું એની અપેક્ષાઓ અને વિચારોથી પણ પરે હતું અને એથી પણ વધારે આશ્ચર્ય તે સમયે સર્જાયું જ્યારે અનંતને ખબર પડી હતી કે પ્રમોટેડ પોસ્ટ માટેનું તેનું નામ વિકી દ્વારા સૂચવવામાં આવ્યું હતું. બસ, આ જ એ ક્ષણ હતી કે જ્યારથી લઈને આજની તારીખમાં પણ બન્ને દોસ્ત “દો જિસ્મ એક જાન” બની ગયા હતા.

# # #