Ek Bhool books and stories free download online pdf in Gujarati

એક ભૂલ..

મોમ, ચલો હવે કેટલી વાર છે? મોડું થઈ રહ્યું છે...અને તમે આ સાડી કેમ પહેરી છે કેટલી જૂની લાગે છે..અરે કમ સે કમ હવે તો સારા કપડાં પહેરો... લો આ નવી સાડી પહેરી લો....
ડિમ્પલે સવિતાબેન ને કબાટ માંથી નવી સાડી કાઢી ને આપતા કહ્યું.

ડિમ્પલ સવિતાબેન ના એક ના એક દીકરા આકાશ ની વહુ હતી. આજ સવાર થી જ એના વર્તન માં કંઇક અલગ જ બદલાવ આવ્યો હતો જેની સવિતાબેન વર્ષો થી રાહ જોઈ રહ્યા હતા. હમેશા પોતાના પર ગુસ્સો કરતી, વાતે વાતે પોતાની સાસુ નું અપમાન કરતી અને એક પ્રાણી સાથે પણ કોઈ એવું વર્તન ન કરે એવું વર્તન કરતી ડિમ્પલ આજે ખબર નઈ કેમ પણ અચાનક જ બદલાયેલી લાગતી હતી. એવું તો શું થયું કે ડિમ્પલ નું હદય પરિવર્તન થઈ ગયું પણ આ બધી વાતો કરતા વધારે ખુશી સવિતાબેન ને એ વાત ની હતી કે આખરે એના માં બદલાવ આવ્યો ખરા.

ચલ બેટા, હું તૈયાર છું. સવિતાબેન ડિમ્પલ ની આપેલી સાડી પહેરીને બહાર જવા માટે એકદમ તૈયાર હતા.
આકાશ, ચલ હવે... અને આ બેગ લઇ લે... ડિમ્પલ એ આકાશ તરફ જોઈ ને કહ્યું.
એક બ્લેક કલર ની બેગ એવી રીતે પેક કરી હતી જાણે કોઈ બહાર ક્યાંક રહેવા માટે જઈ રહ્યું હોય અને પોતાનો સામાન પેક કર્યો હોય..બેગ જોતા જ સવિતાબેન બોલી ઉઠ્યા,
અરે, બેટા આ શું..આ બેગ કોની છે અને આપડે લોકો ક્યાં જઈ રહ્યા છીએ?

એટલી જ વાર માં આદિ પણ રમતા રમતા ત્યાં આવી પહોંચ્યો અને તેણે પણ પૂછ્યું.. મમ્માં, આપડે ક્યાં જઈએ છીએ? કે બા ક્યાંય જઈ રહ્યા છે??

આદિ, આકાશ અને ડિમ્પલ નું એકમાત્ર સંતાન હતો.
આદિ,મોમ, આપડે મંદિર એ જઈ રહ્યા છીએ અને આ બેગ માં મે અમુક કપડાં અને થોડો ખાવાપીવા નો સામાન લીધો છે મંદિરની બહાર જે ગરીબ માણસો બેસે છે એમને દાન માં આપવા માટે.

અરે આકાશ તું હજુ બેસી રહ્યો છે ચલ હવે ગાડી કાઢ અને આપડે નીકળીએ....ડિમ્પલએ આકાશ ને કહ્યું.
આકાશ ઊભો થઈ ને ધીમે ધીમે ચાલવા લાગ્યો. આજ ની એક એક ક્ષણ તેના માટે બહુ જ પીડાદાયી હતી.એ ડિમ્પલ ને એટલો પ્રેમ કરતો હતો કે એને ખોવાના ડર થી એની દરેક વાત એ હમેશા માનતો પછી સાચી હોય કે ખોટી પણ આજ સુધી ક્યારેય એવું બન્યું ન હતું કે ડિમ્પલ એ કહ્યું હોય અને આકાશ એ ન માન્યું હોય અને જો કોઈ વાત માં આકાશ ના પાડતો તો ડિમ્પલ કંઈ પણ કરી ને આકાશ પાસે પોતાની વાત મનાવડાવી ને જ જંપતી.

આકાશે પાર્કિંગ માં થી પોતાની બ્લેક કલર ની કાર કાઢી અને જેવી ઘર આંગણે ઊભી રાખી કે તરત જ ડિમ્પલ, આદિ અને સવિતાબેન એમાં ગોઠવાઈ ગયા અને આકાશે એક્સિલેટર પર પગ મુક્યો અને તરત જ ગાડી દોડવા માંડી.

આખરે ૧ કલાક ને ૧૫ મિનિટ નો રસ્તો કાપ્યા પછી એક મંદિર આવ્યું ને કાર ઊભી રહી.

ડિમ્પલ તરત નીચે ઉતરી અને ડેકી માંથી બેગ કાઢી અને સવિતાબેન ને આપતા કહ્યું કે
મોમ, તમે અહી ઉતરી જાવ અને ત્યાં પેલી બેન્ચ છે ત્યાં બેસો. હું ને આકાશ હમણાં જ કાર પાર્ક કરી ને પ્રસાદ લઈ ને આવીએ છીએ.

સારૂ બેટા. લાવ બેગ મને આપી દે અને તમે લોકો આવો ત્યાં સુધી હું અહીંયા જ બેસું છું કહી ને સવિતાબેન કારમાંથી જેવું નીચે ઊતરવા ગયા કે એમની સાડી નો છેડો કાર ના દરવાજા માં ભરાઈ ગયો જાણે કે સવિતાબેન ને કોઈ સંદેશ આપી રહ્યો હોય કાર માંથી નીચે ન ઉતરવા માટે.

સવિતાબેન ફસાયેલ છેડો નીકાળવા માટે ઘણું મથ્યા પણ છેડો નીકળ્યો જ નઈ અને અંતે એ નવી નકોર સાડી ફાટી ગઇ ને એમાનો થોડો ફાટેલો છેડો કાર માં જ ફસાયેલો રહી ગયો.

નો પ્રોબ્લેમ મોમ, આપડે બીજી સાડી લઈ લઈશું તમારા માટે કહેતી ડિમ્પલ સવિતાબેન ને મંદિર ના બેન્ચ સુધી મૂકી આવી અને ફરી કાર માં બેસી ગઈ.

આશરે ૩૦-૪૫ મિનિટ જેવું થવા આવ્યું પણ આકાશ ને ડિમ્પલ હજુ સુધી આવ્યા નહી એટલે સવિતાબેન ને ચિંતા થવા લાગી એટલામાં કોઈક આકાશથી થોડી મોટી ઉંમર નો કોઈ છોકરો આવ્યો અને કહ્યું લાવો બા તમારી બેગ, આજથી તમે અમારી જવાબદારી છો.
સવિતાબેન ને કંઈ સમજ ન પડી એટલે એણે પૂછ્યું કે જવાબદારી?.. શેની જવાબદારી ભાઈ?..હું તો તમને ઓળખતી પણ નથી. ને તમે કેમ જવાબદારી ની વાત કરો છો?

આટલું બોલતાં જ પેલા ભાઈ ને સમજાઈ ગયું એટલે એમણે કહ્યું, જુવો બા તમારી વહુ અને તમારો દીકરો તમને તમારા છેલ્લા શ્વાસ સુધી અહીં મૂકી ગયા છે. આ એક વૃદ્ધાશ્રમ છે પણ એને મંદિર માનવામાં આવે છે એટલે મુખ્ય પ્રવેશમાં મંદિર છે અને મંદિર ની પાછળ વૃદ્ધાશ્રમ. તમારી વહુ અને દીકરો તમને વૃદ્ધાશ્રમ માં મૂકી ગયા છે અને હું અહીંનો મેનેજર છું.

આટલું સાંભળતા જ સવિતાબેન હસ્યા અને કહ્યું, જુઓ ભાઈ, મારો દીકરો અને મારી વહુ કાર પાર્ક કરવા ગયા છે અને અમે લોકો મંદિર એ દર્શન કરવા આવ્યા છીએ મને લાગે છે તમને કોઈ ગેરસમજણ થઈ છે.

કાશ, એવું હોત કે મને કોઈ ગેરસમજણ થઈ હોત તો આજે એક માં પોતાના દિકરાથી છૂટી ન પડી હોત. પણ હવે તો તમે અમારી જવાબદારી છો એટલે ફરી કહું છું ચલો અંદર બા. તમારો દીકરો કે વહુ હવે નહી આવે.
અને આટલું સાંભળતા જ સવિતાબેન ના પગ નીચે થી જાણે જમીન સરકી ગઈ. ક્યાંક આ મેનેજર સાચું તો નથી કંઈ રહ્યો ને.. ના ના, મારો આકાશ આવું તો ન જ કરી શકે. ડિમ્પલ ભલે ગમે તે બોલે પણ આટલી હદે તો એ નિષ્ઠુર નથી જ. કોઈ કંઈ પણ કહે હમણાં જ આકાશ અને ડિમ્પલ આવશે. આમ વિચારી ને સવિતાબેન ફરી રાહ જોવા લાગ્યા. સવિતાબેન થોડી વાર રહી ને સમજી જશે એવું વિચારી ને થોડીવાર માટે મેનેજર એ તેમને એકલા મૂકી દીધા.

૨ કલાક વીતી ચૂકી હતી હવે તો. જેમ જેમ સમય પોતાની ગતી વધારી રહ્યો હતો તેમ તેમ સવિતાબેન ના વિચારો ની ગતિ પણ વધતી જતી હતી. અવનવા વિચારો મગજ માં સ્થાન લઈ રહ્યા હતા. નક્કી કઈક તો થયું જ હશે નહીતો આકાશ મને કહી ને જાય અને ના આવે એવું બને જ નઈ.

થોડીવાર થઈ ત્યાં જ પાછળ થી કોઈ ૭૦ વર્ષના માજી એ સવિતાબેન ને વિચારો ના વમળમાંથી જગાડતા કહ્યું ચલો બેન, તમારો દીકરો નહિ આવે. અમારી વાત માની લો. હવે તો આપડે જ એકબીજાનો સહારો બનવાનું છે. આ જ આશ્રમ માં છેલ્લા ૪ વર્ષથી રહેતા મીરાં બાનો આ અવાજ હતો.

નહી, હું અહી થી ક્યાંય નહી જાવ. મારો દીકરો આવતો જ હશે.

ના બેન, એ તમને છોડી ને ગયો. આટલી મોટી કપડાંની બેગ સાથે તમને તમારો દીકરો મૂકી ગયો અને છતાંય તમને આશા છે કે એ આવશે.

અને તરત જ સવિતાબેન નું ધ્યાન એ કપડાં ભરેલી બેગ પર ગયું અને એને બેગ ખોલી અને ખોલતાની સાથે જ એનું હદય જાણે ધબકારો ચૂકી ગયું.

ડિમ્પલ એ તો કહ્યું હતું કે દાન માં આપવા માટે કપડાં અને ખાવા પીવાનો સામાન પેક કર્યો છે તો પોતાના કપડાં ક્યાંથી આવ્યા? અને એમને જાણે મેનેજર અને મીરાં બાની વાત સાચી લાગવા લાગી.
એ ત્યાં જ ફસડાઈ પડ્યા.

મીરાં બા એ તરત પાણી લાવી આપ્યું અને એમને પીવડાવ્યું. લગભગ સાંજ થઈ ચૂકી હતી. અને વડીલો માટે તો વૃદ્ધાશ્રમ માં નિયમ હતો કે વહેલા સૂવું અને વહેલા ઉઠવું અને આ નિયમ અહી આવેલા વડીલો એ જ બનાવ્યો હતો. એટલે બધા વહેલા જ જમી લેતા અને વહેલા સૂઈ જતાં હતાં.

જમવાનો સમય થઈ ગયો હતો એટલે મીરાં બા એ સવિતાબેન ને થોડું જમી લેવા માટે બઉ આગ્રહ કર્યો પણ છેવટે એ પણ હાર માની ને પાછા ફર્યા કેમ કે એમને પણ એમનો આશ્રમ માં પહેલો દિવસ યાદ હતો અને એ પણ એક દીકરા થી અલગ થવાનું દર્દ જાણતા હતા એટલે જ એમણે સવિતાબેન ને થોડું મનાવી ને જ્યારે એ ન માન્યા ત્યારે એમને એકલા છોડી દેવાનું અને એમને થોડો સમય આપવાનું નક્કી કર્યું અને તે પાછા વળ્યા.

આ તરફ સવિતાબેન ભૂતકાળ માં સરી પડ્યા હતા.
આકાશ જ્યારે ૩ વર્ષ નો હતો ત્યારે જ એના પપ્પા નું એક અકસ્માત માં મોત થયેલું અને અચાનક જ બધી જવાબદારી સવિતાબેન ને માથે આવી પડેલી.

પોતે ૪ ચોપડી માંડ ભણ્યા હતા એટલે કોઈ નોકરી ને પણ લાયક ન હતા ને અંતે કોઈ ની સલાહ થી એમણે ઘરે જ પાપડ, અથાણાં, મસાલા બનાવી ને વેચવાનું ચાલુ કરેલું. રાતના જાગી ને તે બધું બનાવતા અને સવારે લોકો ના ઘેર કામ કરવા જાય અને બપોરે આકાશ સ્કૂલ જાય પછી ઘરે ઘરે પાપડ,અથાણાં ને મસાલા ને જે કંઈ બનાવતા એ વેચવા નીકળી પડતાં.

ધીમે ધીમે કરતા પોતાનો એ ગૃહઉદ્યોગ વધતો ગયો અને વર્ષો જતાં એણે એક મોટી પ્રખ્યાત કંપની નું સ્વરૂપ લઈ લીધું.

શૂન્ય માંથી સર્જન કરનાર સવિતાબેન ને આજે વીતી ગયેલી એક એક પળ યાદ આવી રહી હતી કે કેવી રીતે એના પતિ ના ગયા પછી કંઈ કેટલીય યાતના ઓ વેઠી ને એણે આકાશ ને મોટો કર્યો હતો. સવિતાબેન ત્યારે જ જમતા જ્યારે આકાશ કહે કે માં મે જમી લીધું છે.
આકાશ ના જમ્યા પહેલાં તો આજ સુધી એ ક્યારેય જમ્યા પણ ન હતા. અને આજે અચાનક જ આખી જિંદગી એના વગર જીવવાનું?

જોજે બેટા, તારી ઘરવાળી આવી જાય પછી આ માં ને ભૂલી ન જતો. સવિતાબેન જ્યારે આકાશ ને કહેતા ત્યારે આકાશ કહેતો...
અરે મમ્મી, એમ કંઈ થોડું તને ભૂલી જઈશ. તને તો હું હમેશા મારી સાથે જ રાખીશ. હું તને મારાથી ક્યારેય દૂર નહી જવા દવ. અને બંને હસી પડતાં.

વિચારો માં ને વિચારો માં જ એમની આંખો મીચાઈ ગઈ.

આ તરફ આકાશ ને ડિમ્પલ ઘરે પહોંચ્યા કે તરત જ આદિ એ સવાલ કર્યો,

મમ્માં, બા ક્યારે આવશે અને ક્યાં ગયા?

આદિ, બા થોડા દિવસો માં આવી જશે. તું તારું હોમવર્ક કરવા બેસ જા.

ઓકે મમ્માં.

આદિ હોમવર્ક કરવા માટે જતો રહ્યો અને ડિમ્પલ એ મખમલ ના રેશમી સોફા માં ઝંપલાવ્યું અને કહ્યું હાશ, હવે મને ઇન્ડીપેન્ડન્સ(સ્વત્રંતા) મળી. હું હવે આઝાદ છું. નાઉ આઈ એમ ફ્રી. ફાઇનલી આજે હું મારી આ જવાબદારી માંથી મુક્ત થઈ હવે મને કોઈ રોકવા વાળું નથી. હું ઇચ્છુ એટલી પાર્ટી કરી શકું છું.

સવિતાબેન ને ડિમ્પલ ની પાર્ટી કરવાની ટેવ થી સતત વિરોધ હતો. એ ઘણી વાર ડિમ્પલને સમજાવતા પણ ડિમ્પલ માટે તો એના મોજ શોખ, પાર્ટી, ખાવું પીવું અને ફરવું એ જ સર્વસ્વ હતું. અને આથી જ ડિમ્પલ સવિતાબેન થી આઝાદ થવા ઈચ્છતી હતી અને આજે એ એમાં કામિયાબ થઈ હતી.

આ તરફ આકાશ પોતાની જીંદગી ના કરેલ સૌથી મોટા અપરાધ થી પોતાની જાત ને કોસી રહ્યો હતો. આ ઘર નો કોઈ ખૂણો એવો ન હતો જ્યાં એને સવિતાબેન ની યાદ ન આવે.

કંઈ કેટલાય સમાધાન આપી ને પોતાના મન ને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે ત્યાં જ એની નજર કબાટ માં પડેલ એક ગોદડા પર ગઈ.

જ્યારે પણ આકાશ કોઈ મુશ્કેલી માં હોય ત્યારે એ આ ગોદડું લઈ ને પોતાના શરીરને ઢાંકી ને સૂઈ જતો.
એવું તો શું હતું આ ગોદડા માં કે જે એને પોતાના આલીશાન ઘર માં રહેલ રેશમી મુલાયમ અને કીમતી બ્લેંકેટ કરતાંય વધારે વ્હાલું હતું.

આ એ ગોદડું હતું કે જે પોતાની માં ના પ્રેમ માંથી બન્યું હતું.
જ્યારે આકાશ નાનો હતો ત્યારે એની મમ્મી આ જ સાડી થી ઢાંકી ને એને અમૃતપાન કરાવતી હતી.
આ જ સાડી થી એનું મો લૂછતી હતી
આ જ સાડી ના પાલવ નીચે રાઈ મીઠું રાખી ને એની નજર ઉતારતી હતી
આ જ સાડી થી જ્યારે એ પડતો અને લોહી નીકળતું એ લોહી સાફ કર્યું હતું
આ જ સાડી થી એના આંસુ લૂછ્યા હતા
અને આ જ સાડી નું ગોદડું બનાવ્યું હતું કે જેથી ક્યારેય પણ કદાચ માં એની સાથે ન હોય તો પણ માં નો પ્રેમ હમેશા તેની સાથે રહે
અને એટલે જ આકાશ આ ગોદડું ઓઢી ને સૂતો હતો અને ભૂતકાળ ને યાદ કરી રહ્યો હતો..

કેટલીય માથાકૂટ પછી આખરે સવિતાબેન આકાશ ને મુંબઈ ભણવા મોકલવા માટે રાજી થયા હતા અને ત્યાં જ એને ડિમ્પલ સાથે પ્રેમ થઇ ગયેલો.

ડિમ્પલ મુંબઈમાં જ રહેતા એક પૈસાદાર બાપ ની એક ની એક દીકરી હતી. નાનપણથી જ ખુબ લાડ પ્યાર માં રહેલી અને ફોરેન કલ્ચર જેવા કલ્ચર માં ઉછરી હતી.
વિવેક, માન-સન્માન, આદર, મર્યાદા જેવા શબ્દો સાથે તો એને દૂર દૂર સુધી કંઈ લેવા દેવા જ ન હતું પણ આકાશ એટલી હદે પ્રેમ માં અંધ થઈ ચૂક્યો હતો કે એને ડિમ્પલ માં કોઈ અવગુણ દેખાતો જ ન હતો.
જ્યારે તેણે સવિતાબેન ને વાત કરી કે પોતે ડિમ્પલ ને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે ત્યારે સવિતાબેન ડિમ્પલ ને મળ્યા અને પહેલી જ વાર માં એને ઓળખી ગયા હતા અને એટલે જ એમણે આકાશને ડિમ્પલ સાથે લગ્ન નઈ કરવા માટે ઘણું સમજાવ્યો હતો પણ સવિતાબેન ના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા અને છેવટે તેણે આકાશને ખુશ જોવા ડિમ્પલ સાથેના લગ્ન ને મંજૂરી આપી દીધી હતી.

આકાશ વિચારનિંદ્રા માં સરી પડ્યો હતો એવામાં ડોરબેલ રણક્યો અને આકાશ એકદમ જાગ્યો
આટલી રાતે કોણ આવ્યું હશે વિચારી ને દરવાજો ખોલવા ગયો જોયું તો આશ્રમ ના મેનેજર હતા.
સવિતાબેનને લઈ ને આવ્યા હતા પણ આ શું? સવિતાબેન માત્ર મૃત શરીર સાથે જ આવ્યા હતા. આશ્રમ ની બહાર બેઠા બેઠા જ એમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. એમણે હંમેશ માટે ડિમ્પલને આઝાદ કરી દીધી હતી. એટલી વાર માં ડિમ્પલ ત્યાં આવી પહોંચી અને તેની પાછળ પાછળ આદિ પણ આવ્યો.

મમ્માં, બા આટલી જલદી પાછા આવી ગયા?

હા બેટા.

તો ડેડી કેમ રડે છે અને બા કેમ આમ સૂતા છે? કંઈ બોલતાં કેમ નથી?

આદિ,તારા બા ભગવાન પાસે ચાલ્યા ગયા છે.

તો મમ્માં હું મોટો થઈશ પછી હું પણ તને મંદિર એ મૂકી જઈશ અને પછી તું પણ ભગવાન પાસે જતી રઈશ?

ના બેટા, હું તને મારાથી દૂર ક્યાંય નઈ જવા દઉં.

તો મમ્માં, ડેડી તો એની મમ્મી ને મૂકી આવ્યા તો મારે પણ તો તને મૂકવી પડશે ને..

અને આ સાંભળતા ની સાથે જ ડિમ્પલને વિચાર આવ્યો ક્યાંક આ વાત સાચી તો નઈ પડે ને?..સાચે આદિ પણ તો મારી સાથે આવું નઈ કરે ને?આ શું થઈ ગયું મારાથી? જો હું આદિ વગર ના રહી શકતી હોઉ તો મોમ પણ આકાશ વગર ન જ રહી શકે ને..માત્ર ને માત્ર પોતે સ્વતંત્ર રીતે ઝીંદગી જીવવા ઈચ્છતી હોવાથી આકાશ સાથે કઈ કેટલાય જગડાઓ કરીને એણે સવિતાબેન ને આશ્રમમાં મોકલવાની તૈયારી કરી હતી અને એમની જાણ બહાર જ એને આશ્રમ માં મૂકી આવવા બદલ એ પોતે જ જવાબદાર હતી. ધીમે ધીમે એને સમજાઈ રહ્યું હતું કે પોતે શું ભૂલ કરી છે..અરે ભૂલ નઈ આને તો ગુનો કેહવાય જેની માફી નઈ સજા જ મળવી જોઈએ..અને એ પોતાની જાત સાથે જ જગડવામાં માં વ્યસ્ત થઈ ગઈ અને પોતે કરેલ ગુનાનું ભાન એને થવા લાગ્યું..પણ હવે શું? વીતેલો સમય, કમાન માંથી નીકળેલું તીર, જીભમાંથી નીકળેલ શબ્દો અને શરીરમાંથી નીકળેલ પ્રાણ ક્યારેય પાછા આવ્યા છે તો આવે. ડિમ્પલ ને એની ભૂલ સમજાઈ ગઈ હતી પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. એક માં ને એના દિકરાથી અલગ કરવાની ભૂલ. એક દીકરા ને એક માં થી અલગ કરવાની ભૂલ. એક પૌત્ર ને એના બા થી અલગ કરવાની ભૂલ. પોતાની વહુ તરીકેની જવાબદારી માંથી આઝાદ થવાની ભૂલ.

********