Pratibimb - 19 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 19

પ્રતિબિંબ

પ્રકરણ - ૧૯

ઈતિ એકદમ ઉભી થઈ ગઈ. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ જાણે એને પરસેવો થવા લાગ્યો. એને થયું આરવ પણ હવે તો મારી સાથે નથી.

પ્રયાગ એ તો ત્યાં જ યુ.એસ.એ રહે છે તો અહીં કેમ આવ્યો હશે ?? અને અપ્પુ અંકલ તો એ હોટેલનો માલિક વિશાલ બંસલ છે એવું કહી રહી રહ્યા કંઈ સમજાતું નથી. પણ આ અહીંથી જે આન્ટી નીકળ્યાં એ તો એ જ હતાં જે કેલી હાઉસનાં ઓનર હતાં. પણ એમણે પોતાનાં દીકરાનું નામ તો કંઈ પ્રથમ કહ્યું હતું...આ બધું શું છે યાર કંઈ સમજાતું નથી.... ઇતિના મનમાં વિચારોનું ઘમસાણ ચાલી રહ્યું છે એટલામાં જ અપૂર્વનાં મોબાઈલમાં અન્વયનો ફોન આવ્યો. ફોન ઉપાડતાં જ અપૂર્વ બોલ્યો, " બોલ ભાઈ કેટલીવાર છે હજું ?? "

ફરી કંઈક વાત સાંભળતાં જ અપૂર્વ બોલ્યો, " શું કહો છો ભાઈ ?? એ ગાડી બંધ થઈ ગઈ છે ?? "

પછી થોડી વાત કરીને અપૂર્વએ ફોન મુક્યો. ને થોડો ચિંતામાં આવી ગયો.

લીપી : " શું થયું અપૂર્વભાઈ ?? અન્વયે શું કહ્યું ?? "

અપૂર્વ : " એ ગાડી એકદમ જ જર્ક સાથે અહીં મિકેનિકને લઈને પાછા ફરી રહ્યા હતાં ત્યાં જ બંધ થઈ ગઈ...મિકેનિકે બધું જ ચેક કર્યું ગાડીમાં કોઈ જ પ્રોબ્લેમ નથી છતાં એ બંધ થઈ ગઈ છે. મિકેનિક કહે છે એને ગેરેજમાં લઈ જવી પડશે. એ લોકો અહીં નજીકમાં જ છે આથી થોડું ચાલીને કે બીજું કોઈ પ્રાઈવેટ સાધન મળે તો એમાં આવી રહ્યાં છે..."

આરાધ્યા : " અરે આ બધું શું થઈ રહ્યું છે ફરી પાછું ?? ચાલો મને તો થાય છે ઘરે જતાં રહીએ અહીંથી જ..."

ત્યાં જ સંવેગ અધ્ધવચ્ચે બેધ્યાન હોય એમ જ બોલ્યો, " શું કામ અધુરાં કામ કરીને પાછું ફરાય નહીં... જવું જ પડશેજ આગળ. નહીં તો...ફરી પાછાં અહીં આવવું પડશે..."

હવે બધાં સંવેગની હરકતને નોંધવા લાગ્યાં. કંઈક તો સંવેગ માં ફેરફાર જણાય છે.

નિમેષભાઈ ધીમેથી અપૂર્વ પાસે આવ્યાં ને બોલ્યાં," અપ્પુ ફરી કોઈ નવું ?? સંવેગ આ હોટેલમાં આવ્યાં ત્યાં સુધી સંપૂર્ણ રીતે સામાન્ય હતો...એક હેન્ડસમ, ઇન્ટેલિજન્ટ, સ્માર્ટ અને જવાબદાર... અત્યારે એ કેવી રીતે વાત કરી રહ્યો છે કંઈ અસામાન્ય નથી લાગી રહ્યું ??"

આરાધ્યા એમની વાત સાંભળીને નજીક આવી. એ બોલી, " પણ સંવેગને કેમ હાવી કર્યો હશે ?? એ રૂમમાં તો ત્રણેય હતાં ?? કોઈ ખાસ કારણ હશે ??"

અપૂર્વ : " એ તો કોને ખબર ?? "

લીપી ઇતિની પાસે આવીને બેઠી.એટલે ઈતિ બોલી," ચાલને મમ્મા આપણે બધાં અહીંથી નીકળી જઈએ..."

લીપી : " હા બેટા નીકળવાનું તો જ છે જ...બસ તારાં પપ્પાને લોકો આવે એટલીવાર.."

એટલામાં જ અન્વય, હીયાન અને અર્ણવ એ મિકેનીકની સાથે ચાલતાં ચાલતાં આવ્યાં. અપૂર્વ અને અર્ણવ મિકેનિકને એ સાઈડમાં પડેલી પંચર પડેલી ગાડી તરફ લઈ ગયાં... ત્યાં પહોંચતાં જ મિકેનિક ત્યાં પહોંચ્યો ને ગાડી જોતાં બોલ્યો, " સાહેબ આમાં પંકચર ક્યાં છે ?? "

અપૂર્વ : " આ પાછળનાં બે ટાયરમાં તો છે ભાઈ ?? "

મિકેનિક : " ભાઈ મને તો કંઈ દેખાતું નથી. "

અર્ણવે જઈને જોયું તો અત્યારે એક પણ ટાયરમાં પંકચર જ નથી...આથી એણે બૂમ પાડી, " ચાચુ આ ભાઈ સાચું કહે છે. પણ આ કેવી રીતે શક્ય છે ?? "

અપૂર્વ એ પણ જોયું.પછી એણે ગાડીમાં બેસીને ગાડી સ્ટાર્ટ શરૂ કરી તો ગાડી પણ નોર્મલ રીતે શરું થઈ ગઈ... બધાં નવાઈ પામીને જોઈ જ રહ્યાં.

હેયા : " યાર આપણી જોડે આ બધું અજીબ અજીબ કેમ થઈ રહ્યું છે ?? પેલાં સંવેગભાઈ સાથે થયું હવે આ ગાડીમાં. ગાડીને આપણે બધાંએ જોયું હતું કે બંને ટાયરમાં પંકચર હતું અને ગાડી તો આપણી સામે જ છે તો કેવી રીતે આવું થાય ?? "

આરાધ્યાને લોકો કદાચ બધું સમજી ગયાં છે. એણે કહ્યું "બેટા બધાં મોટાં છે જોઈ લેશે કદાચ જોવામાં આપણને પ્રોબ્લેમ થયો હોય. ચાલો હવે ગાડી ચાલું જ છે તો આપણે અહીંથી નીકળી જઈએ. અન્વયે મિકેનિકને અહીં આવવાનાં પૈસા આપી દીધાં.

અન્વય : " ચાલો હવે ફટાફટ આ ગાડીમાં બેસી જાવ. થોડાં જોડેજોડે બેસી જાવ એટલે બે વારમાં બધાં જ પહોંચી જઈએ..." પછી મોટી ગાડીનું આવીને કંઈક કરીએ છીએ.."

ઈતિ, હેયા, નિમેષભાઈ, દીપાબેન, અન્વય, લીપી બેસી ગયાં.

આરાધ્યા : " સંવેગ તું પણ બેસી જા.."

સંવેગ તો ઉભો થયો પણ કહે હું ગાડી ચલાવું ગાડી. હું બધાંને પહોંચાડીશ બરાબર જગ્યાએ..

બધાં ગભરાયા. અન્વયે કંઈ પણ ચર્ચા કર્યાં વિના સંવેગને કહ્યું," તું બેસ પછી આપણે જઈએ ત્યારે તું ગાડી ચલાવજે" કહીને ગાડી ઉપાડી દીધી...

એ જઈ રહેલી ગાડીને સંવેગ તાકીને જોઈ રહ્યો અને એ સમયે એની આંખો એકદમ લાલચોળ બની ગઈ...ને પછી હાથમાં રહેલાં પોતાનાં મોબાઇલનો છૂટો ઘા કર્યો...

આરાધ્યા : " આ શું કરે છે બેટા ??"

સંવેગ : " એને મારાથી કોઈ દૂર નહીં કરી શકે... કંઈ પણ કરી લે...એ મારી જ છે."

બધાં સંવેગનાં નવાં અવતારને જોઈ જ રહ્યાં. આરાધ્યાને ખબર છે કે એ ઇતિને બહું પસંદ કરે છે પણ એનો પ્રેમ ક્યારેય એવો નથી એ પણ એને ખબર છે. એ જો ઈતિ એને ના પાડે તો આખી જિંદગી માટે પણ એને સમર્પિત કરી દે એવો છે. પણ આ સંવેગ નહીં પણ બીજું કોઈ આ કરી રહ્યું છે.

આરાધ્યા : " કોની વાત કરે છે બેટા ?? કોણ તારું છે ?? "

સંવેગને જાણે આખો પરિવાર બધાં જ લોકો એની સામે છે એનો કોઈ જ ફરક નથી પડી રહ્યો. એ બોલ્યો, " જે હોય એ કહ્યું તો ખરાં. કેટલીવાર કહેવાનું ?? "

સંવેગને આટલાં વર્ષોમાં પહેલીવાર આવી રીતે વાત કરતો જોઈને બધાંને નવાઈ લાગી. સંવેગ આરાધ્યાને પોતાની મમ્મી કરતાં વધારે રાખે છે અને આજે એની સાથે જ આવી રીતે વાત કરી રહ્યો છે.

તે છતાં બધાં બધું સમજી રહ્યાં છે એટલે અપૂર્વ કે આરાધ્યા કંઈ બોલ્યાં નહીં. પણ અર્ણવ અને હિયાનને તો આ બધું જોઈને ખબર જ નથી પડી રહી... આટલાં એજ્યુકેટેડ અને એડવાન્સ જમાનામાં આ બધું આ લોકો પહેલીવાર આવું બધું જોઈ રહ્યાં છે.

અપૂર્વ એ આરાધ્યાને ઈશારો કર્યો કે એ હાલ હવે સંવેગ સાથે કંઈ પણ વાતચીત ન કરે. એ જેમ કરે એમ એને કરવાં દે. ત્યાં થોડી જ વારમાં અન્વય ગાડી લઈને પાછો આવી ગયો.

અર્ણવ : " તમે આટલી વારમાં એ લોકોને મુકીને આવી ગયાં મતલબ કે એ જગ્યા હવે બહું દૂર નથી લાગતી. ચાલો આપણે પણ હવે પહોંચી જઈએ ફટાફટ ત્યાં.." કહીને અર્ણવ ગાડી પાસે પહોંચ્યો.

અપુર્વ, આરાધ્યા, અર્ણવ, હિયાન અને સંવેગ બધાં જ ગાડી પાસે પહોંચ્યાં. અન્વયે યુ ટર્ન લઈને ગાડી ઉભી રાખી. અન્વય જાણી જોઈને ગાડીની બહાર નીકળ્યો જ નહીં. અને બધાંને બેસી જવાં કહ્યું.

સંવેગ કંઈ બોલ્યાં વિના પાછલી સીટમાં બેસી ગયો..ને હસતાં હસતાં બોલ્યો, " અંકલ હું બતાવીશ તમને રસ્તો એમ ચલાવજો હોને ?? નહીંતર પછી મારે આગળ આવવું પડશે..."

અન્વય : " સારું.."

બધાંને સંવેગની બાજુમાં બેસતાં પણ ડર લાગી રહ્યો છે એનાં આ નવાં અવતારને જોઈને...ગાડી ફટાફટ ફરી ચાલવા લાગી...!!

******

ગાડીમાંથી ઉતરીને ઈતિ અને હેયા તો આજુબાજુ જોવાં જ લાગ્યાં. એક મોટી જાજરમાન હવેલી દેખાઈ રહી છે. આજુબાજુ બહું મોટો ધીકતા બજાર જેવો વિસ્તાર જેનાંથી એ ઘેરાયેલી છે. એમાં અંદર ચાલીને જવું પડે એવું છે.

ઈતિ : " મમ્મા આ તો કોઈ પ્રાચીન હવેલી છે ?? એમાં મહેલ જોવાં આવ્યાં છીએ આપણે ?? "

હેયા : " અહીં તો ટિકીટ લેવી પડશે ને? પણ મોટી મમ્મી અહીં બે દિવસ અહીં રહેવાનું ?? ક્યાંક રહેવા માટે તો જગ્યા જોઈશે ને ?? "

દીપાબેન : " બે ય જણાં ચાલો. પછી બધું જ ખબર પડશે..."

બધાં અંદર આવતાં ગયાં પણ હવેલી બહારથી જેટલી પાસે દેખાઈ રહી હતી એ અત્યારે ઘણી દૂર લાગી રહી છે‌.

ઈતિ : " મતલબ આ બધો એન્ટ્રન્સ એરિયા હતો એમ ?? ક્લાઈમેક્સ તો હજું બાકી છે એમ ને ?? વાહ તો તો આની કંઈ હિસ્ટ્રી પણ હશે ને ?? "

નિમેષભાઈ : " હા.. બધું જ નવાઈ લાગશે..પણ ચાલો પહેલાં. "

થોડું ચાલ્યાં બાદ હવેલીનો મેઈન ગેટ દેખાયો. ઉપર બહું મોટું બોર્ડ દેખાયું. " દીદાર હવેલી.."

( વાચકો આ શબ્દ પરથી કંઈ યાદ આવ્યું ?? આ એ જ હવેલી 'દીદાર હવેલી'..પ્રિત એક પડછાયાની...યાદ આવ્યું જ્યાં રાજા સિંચન, રાજકુમારી સૌમ્યા, રાજકુમાર સૌમ્યકુમાર, નંદિની કુમારી.... બધું જ અહીં એક વખતની રાજા શાહીની જાહોજલાલી...ને પછી રાજા કૌશલનું પચાવેલુ રાજ્ય ને વળી એ રાજ્ય છોડીને ભાગી જવું....બસ હવે એક નવાં જમાનાની નવી વાત...આ જ હવેલી સાથે..)

બધાં અંદર પહોંચ્યાં ત્યાં તો સાઈડમાં એક રસ્તો છે ત્યાં બહું ભીડ જામી છે...

હેયા : " આ શેની લાઈન છે અહીં ?? "

લીપી : " હવેલી જોવાં જવાની લાઈન છે. પણ આપણે આ બીજાં રસ્તેથી જવાનું છે...ચાલો. "

ને જ્યાં ગેટ પાસે પહોંચ્યાં કે તરત જ એક કદાચ પાંસઠ સિત્તેરેક વર્ષ જેટલી ઉંમર હશે એવી સ્ત્રી ખુશી સાથે કોઈની આતુરતાથી રાહ જોતી ઉભેલી દેખાઈ... આ ઉંમરે પણ સુંદર, દેદિપ્યમાન, ચહેરો ને શરીર પરથી તો કદાચ પચાસની ઉંમર પણ લાગે નહીં બસ ચહેરો તો દરેકની ચાડી ખાઈ જ લે એમ...આયુને કદી માત ન અપાય એ સ્ત્રી સહેજ ટેકો લઈને ઉભી રહી છે.

થોડે આગળ જતાં જ એની નજર લીપી અને દીપાબેન એ લોકો પર પડી. એમને જોઈને ખુશ થઈને એ સ્ત્રી બહાર આવવા લાગી...

લીપી ઝડપથી એમની નજીક પહોંચીને રીતસરની ખુશીથી એમને ભેટી પડી...

લીપી : " કેમ છો નિયતિ મા ?? "

નિયતિ ધીમેથી બોલી, " બસ દીકરા હવે તો દિવસો પસાર કરવાનાં બીજું શું...ભગવાન બોલાવે એટલીવાર.."

દીપાબેન : " અરે આવું ના બોલો, અમેય તમારાં જેવાં જ થયાં છીએ. હજું તો વ્યાજનાં વ્યાજને જોવાં પડશે ને ?? એ સાંભળીને બધાં હસી પડ્યાં...!!

નિયતિ ટેકો લેતાં બોલી, " ચાલો બધાં અંદર. પણ બાકીનાં પરિવારજનો ક્યાં ?? પછી બધાંની ઓળખાણ કરીએ... બધાં બાળકો આજે પહેલીવાર મળશે આજે..‌"

લીપી : " બધાં પાછળ આવે જ છે. આજે તો પહેલીવાર આખાં પરિવાર સાથે આવવાનો સ્પેશિયલ પ્લાન બનાવ્યો છે. તમે બધાંને સાચવીને થાકી જશો..."

નિયતિ : " ના ના તમે બધાં ક્યાંથી આવવાનાં અહીં. આ એકલાં જીવને હવે બીજું શું જોઈએ..." કહીને નિયતિએ બધાંને મીઠો આવકાર આપ્યો.

અંદર હવેલીમાં પહોંચતાં જ ઈતિ અને હેયા તો આખી હવેલીને જોઈ જ રહ્યાં.

ઈતિ બોલી, " યાર.. ઈટસ્ ઓસમ... ઈન્ડિયામાં પણ આવું બધું છે ?? વાહ કેટલી મોટી અને સુંદર હવેલી છે.."

હેયા : " હા દી. અને ઠંડક તો જો આપણાં એસીને ટક્કર મારે એવી છે..."

લીપી : " હા ચાલો બધાં આવે ત્યાં સુધી થોડો બેસીને આરામ કરીએ..." કહીને લીપી નિયતિની પાછળ પાછળ અંદર ગઈ.

સંવેગ અન્વયને કયો રસ્તો બતાવશે ?? સંવેગ આખરે કોની વાત કરી રહ્યો છે ?? ઈતિ અને આરવ ફરી મળી શકશે ખરાં ?? પ્રયાગ કે વિશાલ બે એક જ હશે કે અલગ અલગ વ્યક્તિઓ હશે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૨૦

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે