jivan sanghrsh books and stories free download online pdf in Gujarati

જીવન સંઘર્ષ

“ કેશા, મારી લાડલી હવે ઊઠ, તારી નર્સરી જવાનો સમય થઈ ગયો છે.” વંદના કેશાને પથારીમાંથી ગોદમાં લઈ લાડ કરતાં બોલી.
“મમ્મી થોડી વાર સુવા દે ને...”આંખો ચોળતી બાળસહજ સ્વભાવે કેશા બોલી.
“ બેટા, નર્સરી જવાનું છે ને?ત્યાં ટીચર તારી રાહ જોતાં હશે,સરસ રમાડશે, મજા આવશે,ચાલો જલ્દી તૈયાર થઈ જા.” આમ કહેતાં એને ગોદમાં લઈ વંદના ઊભી થઈ, કેશાને નવડાવીને તૈયાર કરી.તેને ભાવતો નાસ્તો ડબ્બામાં ભરી અને તેને નર્સરી મૂકી આવી.

કેશા વંદના અને નીરવની એકમાત્ર દીકરી જે ઘણી પૂજા,માનતાઓ પછી દેવની દીધેલ.બંને કેશાને ખૂબ પ્રેમ અને લાડથી ઉછેરતાં. દિવસો વીતતાં ગયા અને કેશા મોટી થતી ગઈ.સુખ અને આનંદમાં તેમનું જીવન વીતી રહ્યું હતું પણ,વિધાતાને જાણે કંઈક અલગ જ મંજુર હશે. દિવાળીના વેકેશનમાં નીરવ પરિવાર સાથે મહાબળેશ્વર ફરવા ગયો.ખૂબ મજા કરી અને ખુશખુશાલ ત્રણે ઘરે પાછા ફરતાં હતાં. નીરવ ગાડી ચલાવી રહ્યો હતો ત્યાં જ અચાનક એક ટ્રક ધસમસતી સામેથી આવી અને નીરવની ગાડી સાથે અથડાય છે. ભયાનક ટક્કરના કારણે કેશા ગાડી માંથી બહાર ફંગોળાઈ જાય છે. નીરવ અને વંદના ગાડીની સાથે જ કચડાઈ જતાં ત્યાં જ મૃત્યુ પામે છે.ઘટના સ્થળ પર ઘણા લોકો એકઠાં થઈ જાય છે અને લોહી-લુહાણ નીરવ અને વંદનાને ગાડીની બહાર કાઢે છે ત્યાં જ કોઈની નજર બેભાન અને ઘવાયેલી, દૂર ફંગોળાયેલી કેશા પર પડે છે. નજીક જઈને જુએ છે તો એના ધબકાર હજી ચાલુ છે. તેને હોસ્પિટલ પહોંચાડી તેમના સંબંધીઓને આ ઘટનાની જાણ કારવામાં આવી. જાણ થતાંની સાથે જ નીરવનો ભાઈ અને તેની પત્ની પહોંચી આવે છે. ભાઈ-ભાભીની અંતિમ વિધિ પતાવીને કેશા પાસે પહોંચે છે. થોડા દિવસની સારવાર પછી કેશાને સારું થતાં એ કેશાને પોતાના ઘરે લઈ આવે છે.
કેશાને પોતાના મા-બાપના સમાચાર મળતાં તે ખૂબ રડે છે અને આ આઘાત તેના માટે ખૂબ અસહ્ય થઈ પડતાં તે સાવ નિસ્તેજ થઈ જાય છે.નીરવના ભાઈ ને પણ આ ઘટનાનું ખૂબ દુઃખ છે તે પરિવાર સમક્ષ એક નિર્ણય લે છે,

“કેશા હવે આપણી જવાબદારી છે,તે હવે આપણી સાથે જ રહેશે, આપણી દીકરી બનીને."

તેની પત્ની આ નિર્ણયથી ખુશ તો નથી પરંતુ કેશા એમની સાથે રહે તો નીરવભાઈની બધી જ સંપત્તિ પર એનો હક થશે, અને કેશા નામના બોજનો કંઈક ઉકેલ તો પોતે કરી લેશે એ વિચાર સાથે પતિના નિર્ણયને સ્વીકારી લીધો.
કેશાને પોતાની દીકરી જેમ રાખવાને બદલે કાકી કેશા પર ક્રોધ અને અદેખાઈની વર્ષા કર્યા કરે છે અને એ નાજુક હૃદય પર આ આઘાત ખૂબ અસર કરે છે. કેશા ચુપચાપ એક જગ્યાએ બેસી રહે છે, કોઈ સાથે બહુ બોલતી નથી,સતત રડ્યા કરે છે અને મનમાં ને મનમાં રૂંધાયા કરે છે. કાકી તેને મહેણાં માર્યા કરે છે અને ઘરનાં કામ કરાવ્યા કરે છે. એક સમયે ખીલેલાં ગુલાબ જેવી,નદીની જેમ ઉછળ-કૂદ કરતી એ છોકરી હવે કરમાયેલા છોડની જેમ એક ખૂણામાં પડી રહી છે. દિવસો વીતતાં જાય છે અને કેશાને વધુ ને વધુ કારમાવતાં જાય છે. આ જોતાં કાકીને થયું કે આ છોકરી આમ ને આમ કાં તો મરી જશે અને કાં તો ગાંડી થઈ જશે. મરી ગઈ તો બોજ ઉતરશે પણ જો ગાંડપણ લાગુ પડશે તો વળી એવી ગાંડીને સાચવવી એના કરતાં એના લગ્ન કરીને બીજાના ગળે એનો ઘંટ બાંધી દઉં એટલે હું છૂટી જાઉં.

“ એ સાંભળો છો, આ કેશા હવે મોટી થઈ. કંઈ ચિંતા છે કે નહીં તમને એની?એના લગ્ન કરીને એના ઘરે મોકલવાનો સમય થઈ ગયો છે."

“મોટી થઈ છે એ હું પણ જાણું છું પણ એની માનસિક સ્થિતિ થોડી સારી થાય પછી એ વિશે વિચારીશું.આવી પરિસ્થિતિમાં જીવનનાં બદલાવ એ સહન નહીં કરી શકે."

“એક સ્ત્રીને બીજી સ્ત્રી સિવાય કોણ સમજી શકે? એના જીવનમાં કોઈ આવશે તો એના પ્રેમ અને સાથના કારણે એનો જીવન છોડને પાંગરી ઉઠશે. હું એનું સારું જ ઈચ્છું છું,એનું ખરાબ થોડી થવા દઈશ,આખરે આપણી દીકરી છે કેશા." પોતાની યોજનાને સફળતાનાં સ્તરે લઈ જવા સ્વભાવ પરિવર્તિત કરતાં કાકી બોલ્યાં.

“વાત તો તારી સાચી છે પણ પહેલાં કેશાને આ વિશે વાત કરીએ"

“પણ બણ નહિ, એ છોકરું છે એવું બધું એ ન સમજે. આપણે જ એના મા-બાપ બનીને એના જીવન માટે સાચો નિર્ણય લેવો પડે."

“સારું ત્યારે શોધીશું. સારું ઘર મળશે એટલે નક્કી કરીએ."

પોતાની યુક્તિ સફળ થતાં કેશા પર કાકીનાં મહેણાં વધે છે.
“દિવસો ગણજે હવે આ ઘરમાં તારા, જો કેવી રવાની કરું છું આ ઘરમાંથી તને. પછી આ ઘરમાં પાછી આવવાનું વિચારજે પણ નહીં." કાકીએ ફરી એકવાર ક્રોધ વરસાવ્યો.

આ સાંભળી કેશાના આંખમાંથી આંશુ ટપકી પડે છે કંઈ પણ બોલ્યા વિના તે ત્યાંથી ચાલી જાય છે.દુઃખ અને આઘાત તેના માટે ઝેર સમાન બની ગયા છે રોજ એના અશ્રુ બનાવી તે એને પી જાય છે.એકાદ વાર એણે પોતાના જીવનને પૂરું કરવાનો પ્રયત્ન પણ કરેલો પણ સદનસીબ કહો કે વિધિની ક્રૂરતા એ બચી ગઈ.

ક્રૂર અને નિર્દયી કાકી કેશાને બેકાર, મવાલી અને દારૂડિયા છોકરા સાથે પરણાવી દે છે. કેશાની જિંદગીના દુઃખોનો આ અંત કે નવી શરૂઆત??
રોજની મારપીટ,પશુઓ જેવો વ્યવહાર,ગુસ્સો આ બધું એના જીવન માટે રોજની કહાની બની ગયું.

એક દિવસ સાંજે તે પોતાના ઘરની બાજુમાં બગીચામાં બેઠી હોય છે, બાળકોને રમતાં જુએ છે ત્યાં પોતાનું બાળપણ એની આંખો સામે તરી આવે છે પછી તરત જ અકસ્માતનું દ્રશ્ય એની નજર સમક્ષ આવી જતાં તે પરસેવે રેબઝેબ થઈ જાય છે. આ જોઈને તેની બાજુની બેન્ચમાં બેઠેલા એક વડીલ દાદા તેની પાસે આવે છે,
“શું થયું બેટા? તારી તબિયત બરાબર નથી?આવી હાલત અચાનક?"

અજાણ્યા દાદા સામે કેશા એકીટશે જોયા કરે છે, પરિસ્થિતિનું ભાન થતાં તે કંઈ બોલ્યા વગર ઝડપથી ઊભી થઈ ત્યાંથી ચાલવા માંડે છે. દાદા પણ ફટાફટ ફરી કેશા પાસે પહોંચી તેના માથા પર વ્હાલથી હાથ ફેરવે છે.

બેટા, તારા પતિ અને તારા પરિવારને હું ઓળખું છું.તું કેવી હાલતમાં છે એ મને ખબર છે. તારા ઘરની દરેક પરિસ્થિતિથી હું વાકેફ છું."

બસ આ હૂંફ ભર્યા શબ્દો અને વ્હાલભર્યો દાદાના હાથનો સ્પર્શ કેશાને ચોધાર આંશુએ રડાવીને અંદર સુધી ભીંજવી ગયો.કોણ જાણે કેમ એક અંકુર ફૂટ્યું હોય એમ તેને દાદા પર વિશ્વાસ બેસી ગયો અને તેને પોતાની બધી આપવીતી એમને કહી સાંભળાવી. દાદા આ બધું સાંભળીને ગળગળા થઈ ગયાં.
“આટલી નાની ઉંમરે આટલી બધી માનસિક ઈજાઓ! એના કારણે જ તું આટલી હતાશ અને નબળી પડી ગઈ છો.તારે હવે તારા નારીત્વને જગાડવાની અને સંઘર્ષો સામે હિંમતથી લડવાની જરૂર છે."

“પણ હું શું કરી શકું? કાકા-કાકીના ઘરે પાછી ન જઈ શકું.એમણે મને આગળ ભણવા પણ ન દીધી કે હું પગભર થઈ શકું અને સારું જીવન જીવી શકું.મારા નસીબમાં આ જ મારપીટ અને જીવન સંઘર્ષ છે જે મારે સહન કરવાના છે."

“બેટા,દરેક રાતની સવાર હોય જ અને તારા જેવી બહાદુર દીકરી આમ હારીને બેસી જાય અને સહનશક્તિની મૂર્તિ બની જાય એ કેમ ચાલે?તારે પરિસ્થિતિ સામે સંઘર્ષ કરીને કંઈક નવું સર્જન કરવાનું છે."

“પણ દાદા હું સાવ એકલી ને ઓશિયાળી શું કરી શકું?આશા તો મને પણ એ જ હતી કે ભણીને પગભર થઈ જઈશ,પણ માતા-પિતા વિનાની હું કાકા-કાકી પાસે મારી આ આશાને રજૂ ન કરી શકી અને એટલે જ અત્યારે આ હાલતમાં છું."

“દીકરી હજી પણ સમય છે તું શરૂઆત કર હું તારી સાથે છું,આગળ વધીશ તો કંઈક ને કંઈક રસ્તો મળશે જ."

“ હવે ભણવાનું? ઘરનાં એ બાબતે નહિ સમજે."

“ તું પ્રયત્ન તો કર હું તારો સાથ આપીશ તું શરૂઆત કર જ્યાં અટકે ત્યાં મને યાદ કરી લેજે હું રોજ સાંજે આ બગીચામાં આવું છું. કાલે જ હું કૉલેજ માંથી તારા માટે થોડી ઘણી જાણકારી મેળવી લાવું અને તને કહું ."

“ તમારો આભાર દાદા, હવે મારે ઘરે જવું પડશે, કાલે બની શકશે તો આ સમયે અહીં જ આવીશ."

કેશા ઘરે જાય છે અને પોતાના પતિને ભણવા વિશે વાત કરે છે. એના પતિએ એક જ જાટકામાં એ વાતને ઉડાવી દીધી અને મારપીટ કરી એ વધારાનું. આ વાતની ખબર એના સસરાને પડતાં તે કેશાનો સાથ આપે છે અને ભણવાની સંમતિ આપે છે. અત્યારે એ આ વાતની જાણ એના પતિને ન કરવા કહે છે અને એ આગળ વધશે તો પોતે પૂરો સહકાર આપશે એવી આશા આપી.

આ વાતથી કેશામાં જાણે નવી શક્તિનો સંચાર થયો. તે ઘરનાં કામ સાથે સાથે પોતાનો અભ્યાસ પણ કરવા લાગી.એના સસરા પણ એને મદદ કરતા પણ પતિ ઘરે આવે એનાથી પહેલાં એ બધું જ સંતાડી દેતી જેથી એને આ વાતની જાણ ન થઈ જાય. એનો પતિ આવે એટલે દારૂના નશામાં જ હોય એટલે એ બહુ ઘરની પરવાહ પણ કરતો નહીં. આખું ઘર એના સસરાના પેન્શનથી ચાલતું હોવાથી એ કંઈ કમાવવામાં પણ ધ્યાન આપતો નહિ. આમ કરતાં કરતાં કેશાએ ગ્રેજ્યુએશન અને બી.એડ. પણ પૂરું કરી લીધું. ધીમે ધીમે કેશાને સારી નોકરી પણ મળી ગઈ અને આખા ઘરનું આર્થિક ભારણ એણે સાંભળી લીધું. એના પતિનું વધુ દારૂના સેવનના કારણે બીમારીમાં મૃત્યુ થયું.હવે ઘરમાં કેશા અને એનાં સસરા બે જ જણાં રહેતા.

કેશાના સસરા દાદાને મળ્યા અને પોતાના મનની વાત રજૂ કરી. “કેશાની ઉંમર હજી એટલી મોટી નથી, આખું જીવન પડ્યું છે એની સામે,ઘણાં આઘાતો સહન કર્યા છે, ઘણું સંઘર્ષ કર્યું છે જીવનમાં. હવે એણે સુખનો શ્વાસ લીધો છે. હું તો હવે કયારે ખરી પડું કંઈ નક્કી નહિ,એટલે હું વિચારું છું કે એને કોઈક સાથી મળી જાય તો મારી ચિંતા હળવી થાય અને એ પણ સુખી જીવન જીવી શકે. મારા ગયા પછી એ જીવી તો લેશે હવે પણ સાવ એકલી પડી જશે."
વાત કહેતાં કહેતાં એમની આંખમાંથી આંશુ સરી પડ્યાં.

“વાત તો તમારી સાચી છે, હું પણ એ જ વિચારતો હતો પણ એમ થયું કે તમને કેવું કઈ રીતે તમને ન ગમે તો?એ વિચારીને મેં વાત ન કરી."

“ના, ના, હું એન પગભર થવાની જ રાહ જોતો હતો , જીવનમાં થોડી શાંતિ થાય પછી વાત કરવાનું વિચાર્યું હતું.હવે જીવતે જીવ આ કામ પણ કરતો જાઉં અને એ પણ બહુ જલ્દી."

“તમારી વાત સાચી છે હું પણ તમને આ કાર્યમાં મદદ કરીશ."

આ સમયગાળામાં જ કેશાની સાથે નોકરી કરતા જૈનમ એ એને લગ્નનો પ્રસ્તાવ મુક્યો પણ કેશાએ અસ્વીકાર કર્યો.

“ મારા પર મારા ઘર અને મારા સસરાની જવાબદારી છે એમને મૂકીને હું મારા માટે ન જીવી શકું.હવે એ જવાબદારી જ મારું જીવન છે."

“મારા ઘરે મારા પપ્પા અને હું અમે બે જ છીએ,તારી જવાબદારી પણ આપણે બંને સાથે મળીને નિભાવીએ તો??" જૈનમએ વાત આગળ વધારી.

“ મારે વિચારવા માટે સમય લેવો પડે હું એમ હા ન પાડી શકું."

“ભલે તને સમય જોઈએ તો તું લે પણ જવાબ જરૂરથી આપજે."

આ વાતની કેશાના સસરાને ખબર પડતાં તેણે દાદાને બધી વાત કરી અને બંને એ નક્કી કર્યું કે તે જૈનમના ઘર અને પરિવારની જાણકારી મેળવી એમને મળવા જાશે.બંને રવિવારના દિવસે જૈનમના ઘરે તેના પિતાને મળવા ગયા. જૈનમ અને તેમના પિતાને મળીને તેમને સંતોષ થયો.ઘર પરિવાર સારું લાગ્યું એટલે બંનેએ સામેથી જૈનમ અને કેશાના લગ્નની મંજૂરી આપી. જૈનમ અને કેશાના ધામધૂમથી લગ્ન થયા. કેશા જૈનમ સાથે ખુશ છે એ જોઈને દાદા અને જૈનમના સસરા બંને મિત્રો પણ ખુશ છે.જૈનમએ કેશાના સસરાને પોતાની સાથે રહેવા બોલાવી લીધા અને તેમની બધી જ જવાબદારી સારી રીતે નિભાવે છે.

ત્રણ વર્ષ પછી...

કેશા અને જૈનમ પોતાના બે વર્ષનાં કુશને ખોળામાં બેસાડીને લાડ લડાવી રહ્યાં છે અને સંધ્યાની કુદરતી સુંદરતાને માણી રહ્યા છે.કેશા હવે શિક્ષક બનીને અનેક વિદ્યાર્થીઓને સંસ્કાર અને કેળવણી આપી રહી છે અને તેમના જીવનને સફળતાનો માર્ગ દેખાડી રહી છે.

જય શ્રી કૃષ્ણ