DEVALI - 15 books and stories free download online pdf in Gujarati

દેવલી - 15

( હવે આગળનો ભાગ...)

ઋતુલ યાદ આવતાજ દેવાંશી ડરને ક્યાંય હડસેલીને રોમિલનું સાવ સુકાયેલું માથું ખોળામાં લઈને ઉભડક બેસી ગઈ.જાણે રોમીલ સાંભળતોજ હોય તેમ સવાલો પર સવાલો કોઈપણ ઉત્તરની આશા વિના કરવા લાગી...
રોમિલ હું પરિવારને શું જવાબ આપીશ ?
રોમીલ તું આટલો કઠોર કેમ બન્યો ?
મને આમ નોંધારી મેલીને જતાં તને જરાય વિચાર ના આવ્યો ?
શું હું રોજ સાજ સજતી તે તને નોતું પોષાતું તે છેલ્લા સાજ સજવા આજ મજબૂર કરી ગયો ?...
....તેના દિલના ખૂણામાં દર્દભર્યુ ગીત ગુંજવા લાગ્યું.તે જ્યારે પણ રોમિલથી કે રોમીલ તેનાથી રિસાતો ત્યારે બંને એક બીજાને મનાવવા એક ગીત વગાડવાનું કે ગાવાનું ચાલુ કરી દેતા અને તે યાદ આવતાંજ એનું મન ગાવા લાગ્યું.આંખોથી રેલા ઉતરી વળ્યાં, બંગડીઓમાં તડ પડવા લાગી,વાળ વેરવિખેર થઈ ગયા અને તેનું હૃદય વલોપાત કરી ગાતું હતું....

મોરા પિયા મોસે બોલત નાહી
દ્વાર જીયા કે ખોલત નાહી
મોરા પિયા મોસે બોલત નાહી

દર્પણ દેખું,રૂપ નિહારુ
ઓર સોલા શ્રીંગાર કરું
ફિર નજરીયા બૈઠા બેરી
કૈસે અખિયા ચાર કરું
હો કોઈ જતન અબ કામ ના આયે
ઉસે કચુ સોહત નાહી
મોરા પિયા મોસે બોલત નાહી

હમરી એક મુશકાન પે વો તો
અપની જાન લૂંટાતા થા
જગ બિરાકે આઠો પહરિયા
મોહરી હી ગુન ગાતા થા
ભા ગઈ કા કોઈ સૌતન આકર
મુલા કચુ બાવત નાહી
મોરા પિયા મોસે બોલત નાહી...
(સાચેજ તેની સૌતન પરણ્યા વિનાની હતી તેજ તેનો સંસાર સૂનો કરી ગઈ હતી.)

* * *


નવ વર્ષ બાદ આજ એ અવાજ સાંભળવા મળ્યો હતો.ક્યારેક મીઠો તો ક્યારેક ઝેરના ઘૂંટડાથીએ કડવો લાગતો તે રવ આજ તેણે નવ વર્ષ બાદ પાનીથી ચોટી સુધી હચમચાવી ગયો હતો.વાત કરે તે પહેલા તેના શીશકારાથીજ તે તેને પારખી ગઈ હતી.અને કેવી ખુલ્લી ધમકી હતી.લુખ્ખી દાદાગીરી હતી કે ચેતવીને રહેવાનો કોલ હતો ? જે હોય તે પણ,તેના કાનના પડદા ચીરી નાખતો તે અવાજ હજુએ જાણે તેને ગુંજી-ગુંજીને કહી રહ્યો હોય કે....
......કંકાવતી જા,જોઈ આવ તારા એક પૈદાના શા હાલ થયા છે.વર્ષોથી ભૂખી તડપી-તડપીને મરી ગઈ હોવા છતાં રોજ મરતી હતી.અને આઝાદ થતાંજ તારા એક પૈદાને તો સાવ ચૂસી લીધો છે.દયા તો મનેય આવી હતી તેનો લીલો સંસાર જોઈને ! ઘડીભર તો હુંએ પીગળી ગઈ હતી તેના માસુમ બાળને ભોળી ઘરવાળીને જોઈને.પણ,જે નેમ લીધી હતી તે પૂર્ણ કરવી મારા માટે પડકાર બની ગઈ હતી.કર્મોનું ફળ તો ચૂકવ્યા વિના છૂટકોજ નથી.મને મારા કર્મોનું ફળ મળ્યું હતું તો,ન્યાયની સામે ન્યાય થવોજ ઘટે ને ! બુરી હું બની હતી તો,મારી બુરાઈનો બદલો તેને લીધો હતો તો પછી,મારોય હવે વારો હતો.અને હા,તેને બદલો વળત નહોતો કર્યો પણ,ચડત કર્યો હતો.
કંકાવતી તો મૂર્તિ બની સાંભળી જતી હતી.વિચારોનો વાયરો સૂસવાટા મારી મારીને તેણે તેના તે પૈદા ભણી ખેંચી જવા મથતો હતો.
સાંભળ કંકાવતી આ ચડત અને વળતનો પણ તને ખ્યાલ આપી દઉં.મેં તેને તરછોડીને બીજાને પકડ્યો હતો તો તેને પણ,મારો બદલો લેવા ને મને રોજ જીવતી બાળવા મારી આંખો સામે રોજ કોઈ બીજીને લાવીને તે બદલો લઈ શકતો હતો.અને આમ,તેનો બદલો પુરો થઇ જાત.પણ,તે દુષ્ટે તો બદલો વળત કે બરાબરીનો પણ ના કર્યો.મને મોતને ઘાત ઉતારીને બદલાનું એક પડ ઓર ચડાવી દીધું.પછી તે ચડતનું વળત કરવા મારે પણ તેનો બલી લેવો જરૂરી હતો.અને આજે મારો તે બદલો પૂરો પણ થઇ ગયો.ને હવે ના તો અમારા બેય વચ્ચે કંઈ ચડત રહી છે કે,ના તો કંઈ વળત રહી છે ! બરાબરીનો હિસાબ ચૂકતે કરતા હવે દુશ્મનીના ડામ પુરા થયા.જા જોઈ આવ તારા એ રોમિલ પૈદાને કે,તેના દેહમાં લોહી તો શું માંસનું એક બુંદ પણ રહ્યું છે ?(!) અને હવે તારા બીજા....
પણ,આગળ કઈ સાંભળવાની હામ ના રહેતા કંકાવતીના કાનેથી ફોનનું રિસિવર ધડામ દઈને નીચે પડ્યું.ના તો કંઈ નંબર હતો કે ના તો કંઈ નામ દેખાતું હતું.બસ અવાજ જાણે અડધી જિંદગી સુધી રોજ કાલો-ઘેલો કાને અથડાયો હોય તે હતો.... અને તે મનોમન બબડી.....દેવલી......તું કંઈ રીતે આવી ?
ફટાફટ જીવણાંને ફોન જોડીને ભયનો ઓથાર થોડો તેને પણ ઓઢાડ્યો.બંનેના વિચારો સાવ સિવાઈ ગયા હતા.ફટાફટ રોમિલના ત્યાં પહોંચીને તેના મરણોત્તર હાલ પારખીને ચિતાર કાઢવાનું નક્કી કર્યું.
કંકાવતીએ પરષોતમને રોમિલના મરણની જાણ કરતાં કહ્યું "રોમિલ ને દેવલ મિત્રો હોવાથી તેમના નજીકના દોસ્ત તલપે ફોન કરીને હમાચાર આપ્યા છે કે રોમિલ હવે આ દુનિયામાં નથી રહ્યો.એટલે દેવલીની દોસ્તીના નાતે હું ત્યાં મોં વાળી આવું.તમારી તબિયત સારી ના હોવાથી આપ આરામ કરો.હું જઈને હાંજે પાછી વળીશ.
પરષોતમની તબિયત વાતાવરણના લીધે થોડા દિવસથી ખરાબ રહેતી હતી અને આવી તબિયતમાં તેને પણ જવું મુનાસીબ ના લાગતા હુંકાર ભણી કંકાવતીને ભીની આંખે હા કહી.દેવલીનું નામ સાંભળતાજ સામે ટીંગાતી છબી પર નજર ગઈ.વિસરાયેલી દેવલી સ્મૃતિપટ પર ઘડી પથરાઈ જવાથી પરષોતમની આંખોનાં ખૂણે નેવા ઉતરી આવ્યા.
ગામના ઝાંપે જીવણો ગાડી લઈને ઉભો હતો.કંકાવતી આવતાંજ તેને વડોદરા ભણી ગાડી પુરપાટ હંકારી મૂકી.બંનેના મોઢા બંધ હતા પણ,મનમાં ઉકળતા વિચારો એક સરખાજ હતા.હથોડા મારી-મારીને તેમના વિચારો પૂછી રહ્યા હતા....
કઈ રીતે દેવલી આઝાદ થઈ ?
રોમિલના સીમાડા કઈ રીતે વટી ગઈ ?
કેદ આત્મા તો ગમે તેટલા ધમપછાડા કરે તોયે બોટલ બહાર નથી આવી શકતી.તો પછી દેવલી ?
કોણ હશે તેનો મદદગાર અને આપણો અજાત અજ્ઞાત શત્રુ ?
શી રીતે દેવલીનું પગેરું સુંઘી લીધું હશે ?
અસંખ્ય વિચારોની હારમાળા તેમના ગળે વીંટળાઈને તેમને ગૂંગરાવી રહી હતી.હમણાં જાણે આ વિચારોજ તેમનો દમ લઈ લેશે એટલો મુંઝારો થતો હતો.ફુલ એસીમાં ગાડી જતી હોવા છતાં ને ગાત્રો થિજાવી દેતી ઠંડી હોવા છતાંય બંનેના ચહેરે પરસેવાના રેલા ડર બની નીતરી રહ્યા હતા.....ક્યારે રોમિલને જોવે અને વિચારો પર થોડો સત્ય-અર્ધસત્ય અંદાજ તેઓ બાંધી શકે,તેને મનોમન મમરાવતા ગાડી કરતાંએ વધુ મનની ઝડપે તેઓ દોડી રહ્યા હતા.

* * *

ચારે બાજુ હરિયાળી હતી.નવ વર્ષ પહેલાની ભોમકા સાવ બદલાઇ ગઇ હતી.આઝાદીનો શ્વાસ મળતાજ એક કોળિયો ભરખીને દેવલી તેના ગામને જોવા આવી હતી.નવ વર્ષથી ના જોયેલા બાપને જોવો હતો.તેના મોત પર ચોધાર રડેલી સખીઓનો સંસાર જોવો હતો.ક્યારેય ગામની શાળામાં સમાજની બીકે પગથિયુંએ નહોતી ચડી શકી તે શાળાને જોઈને પોતાની શહેરી શાળાને યાદ કરવી હતી.નદીનો એ વિશાળ પટ જોવો હતો જ્યાં તે ધુબાકા મારી-મારીને કેટલુંએ પલળી હતી ને, છેવટે તેના કિનારેજ સળગી હતી.એ ધરામાં નજરોથીજ ડૂબકી મારવી હતી જ્યાં તેને કેદ કરી વર્ષો પહેલા ફેંકી દેવામાં આવી હતી.લાડકવાયા દેવાયતનો સંસાર કેવો સૂનહરો મંડાણો છે તે નજરોનજર નીરખીને દૂર-દૂરથી વીરાના ઓવારણાં લેવા હતા.બાપુની પડખે બેસીને અદ્રશ્યપણે તેમના હાલ પુછવા હતા.વેરીઓની લીલાઓને તાદૃશ જોઈને વેરવિખેર કરવાના મનસૂબા ઘડવા હતા.અને પોકારી-પોકારીને કહેવું હતું.... હા,હું દેવલી આવી ગઈ છું હો ! વેરની વસુલાત કરવા ને સંબંધોના સાયુજ્ય સજ્જડબંધ મજબૂત કરવા હું પાછી આવી ગઈ છું હો ! ખરાબ હુંયે હતી તો કયો મનખા દેહ સતી સાવિત્રી કે રામનો અવતાર છે ? ખડો કરી દો તેને આ દેવલી હામે...સારા નરસાના પારખા કરવાનો તાગ હવે આ દેવલીને હારી પેઠે આવડે છે હો ! અધુરાં ઓરતા તો નઈ જેવી વાતમાં મારાય સળગ્યાતા હો ! ત્યારે કયા પટારામાં હંધાય મનેખ લપાઈ ગયા હતા ? પિયુને પરણી પાનેતર ઓઢવા તો મારાય પ્રાણ તરસ્યા હતા ! કુંવારા કોડને સુહાગથી પલાળીને સંસાર માંડવાના અભરખા તો મારાએ રોમ-રોમમાં ઉભર્યા હતા.પણ,ફકત એક મેલી વિદ્યાને પામવાના મોહમાં જનેતા ઊઠીને જમ બની હતી ત્યારે તેનો હથવારો આપતા તે કજાતોના મનેય ન્હોતા અટક્યા ! જીવ તો મારોય કકળ્યો હતો નાનકડા ઋતુલને બાપ વિહોણો કરતા પહેલા.પણ,મારા બાપ પર એ વેળાએ જે વીતી હતી તેનું શું ? આંતરડી તો મારી પણ કપાતી હતી દેવાંશીને રંડાપો આપતા પહેલા...પણ, મારા તલપને પુરુષનો રંડાપો આવ્યો હતો ત્યારે તેના પર શી વીતી હશે ? હુંએ પહેલા મનખા દહેજ હતી એટલે લાગણીઓથી ભીની હોઉં એમાં કોઈ શક નથી પણ,સાથે-સાથે મેલા મનના મનેખ પેઠે ક્રૂરતાથી કાળઝાળ હોઉં તેમાં પણ કોઈ સવાલ નથી !
દેવલી પોતેજ પોતાના કર્મોનો ન્યાય કરી રહી હતી.રોમિલના મોત માટે પોતાનેજ કઠેરામાં ખડી કરીને દલીલો સાથે પોતાનેજ સત્ય ઠરાવી રહી હતી.મનખા દેહને આત્માના દેહ સંગ કેટલેક અંશે સાયુજ્ય સ્થાપીને પોતાનેજ ન્યાય અપાવી રહી હતી.જાણે વિધાતાએ તેનજ ન્યાયના પલ્લા આપી દીધા હોય તેમ ફટાફટ ન્યાયના ત્રાજવા પોતાની બાજુ નમાવે જતી હતી.અને ગામના ઝાંપે પહોંચતાજ ગામમાં ખોવાઈ ગઈ.
ઘણું બદલાઈ ગયું હતું ગામ ! ગામના હવાડાના સ્થાન મોટી મોટી ટાંકીઓએ લીધા હતા.બળદગાડાના ચીલાથી પડેલા પંથ ડામર ને આર.સી.સી.ના રોડ તળે ક્યાંય ભૂંસાઈ ગયા હતા.નળિયાવાળી શાળાએ ધાબાના લિબાસ ઓઢી લીધા હતા.બંને બાજુ બે મોટા-મોટા ઝાડથી સ્વાગત કરતો ગામનો ઝાંપો હવે મોટા નકશીદાર થાંભલાઓ પર ઉભેલા ગેટમાં પરિવર્તિત થઈ ગયો હતો.ગામડાની હવા કોઈક ચુલેજ સળગતી હતી બાકી તો બધે શહેરની સગડીઓનો અદૃશ્ય ધુમાડો ગોરંભાતો હતો.ભીનો ટુવાલ ઓઢી દેહ ઢાંકતા માટલાની જગ્યાએ ફ્રીજની ટાઢક સઘળેય દઝાડતી હતી.ઠેર-ઠેર લાઈટુના થાંભલા થોપી દીધા હતા.
આજ હંધોય મલક ફરવો હતો.નવ વર્ષ પહેલાં ઝાંપા નજીક ઉગેલું માહીનું ઝૂંપડું પરિપક્વ થઈને અઠંગ ઇમારત જેવા મકાનમાં તબદીલ થઈ ગયું હતું.પાટ પર માહી ઝૂલે છે ને પડખેની ઘરઘંટીમાં કોઈ તેની સમવયસ્ક સરીખી બાઈ કંઈક દળી રહી છે.ઘરના ચોગાનમાં બાબા ગાડી પર ત્રણેક વર્ષનો રૂપાળો છોકરો જાણે વિમાન ઉડાડતો હોય તેવી તેની બાળુંડી હરકતોમાં ગવેન્ડર ફેરવે જતો હતો.પાટ પર એજ અદાથી ને નરમાશથી માહી તે નાના બાબાની સવારી જોઈને મલકાતો હતો.દેવલીને દ્રશ્ય જોઇને સમજતા વાર ન લાગી કે તે માહીની બાયડી ને તેનો દીકરો હતા.ઉંમરને દબાવીને માહીએ એજ નશીલો ને રૂપાળો ચહેરો મુખ પર જાળવી રાખ્યો હતો.મૂછોના આંકડા ચડાવીને મરક-મરક થતો મર્દાનગીપણું જતાવી રહ્યો હતો.જાણે નવ વર્ષ પહેલાં તેના શરીરની હવસમાં કોઈ ભડકો થઈ સળગીજ ના ગયું હોય તેવા રોફથી ભૂતકાળને ક્યાંય હડસેલીને ધીમે-ધીમે પાટ હલાવીને જમણા ઢીંચણે ડાબા પગનો પંજો થમાવીને ઝૂલતો હતો.બંડીમાં છુપાયેલું મદ મસ્ત ને ખંતીલું બદન તેના બાહુબલીપણાંને ઉજાગર કરતું હતું.છાતીમાંથી બંડી બહાર ડોકિયાં કરતા વાળ તેની વ્રજ છાતીને મર્દાનગીથી શોભાવતા હતા.આટલો ઠાઠ-માઠ છતાં જાણે કોઈ રૂપાળા નવ યુવાન ભરવાડને શોભે તેવી કડીયું કાન પર હિલોળા લેતી હતી.કાંડા પર મોંઘી ઘડી ને લકી ઝગમગાટ કરતા હતા.ફેશનેબલનો વાયરો તેને પણ ભરખ્યાં વિના નથી રહયો તે તેના બર્મુડાના પહેરવેશ પરથી સાફ સાફ તરી આવતું હતું.અને તેની સ્ત્રી....
..... સાંભળે છે કે ? હું કાનજીને કાલ બહાર જવાના વાવડ દેતો આવું ત્યાં લગી તું મનું ભણી નજર નાખતી રહેજે.હું ત્યાં જઈને અબઘડી કાનજીના વહુને અહીં મોકલું છું.(એક મર્દ જે રીતે બાયડીને પ્રેમભર્યા હકથી મર્દાના અવાજમાં વાત કરે એમ આદેશ કરતો માહી ઊભો થઈને ડેલી બહાર નીકળ્યો)
થોડીવાર થઈ ત્યાં ડેલી ઉગડતાજ અવાજ આવ્યો "મીરાંબુન ઘરે છે કે પછી શહેરની લટારે ગયા છે ? (આટલું કહીને ડેલી માલીપા ડગલાં ભરતા ભરતા તે આગંતુક આછેરું મલકાઈ.)
હા,આવો આવો આરતીબા.અમારા નસીબ તમારી જેમ ક્યાં એટલા ઉજળા કે શહેરનો સૂરજ એકાદવાર પણ લેખમાં લખાણો હોય !(?) અને આમ મીઠો ટોન મારતા માહીની બાઈડી આગંતુકને આવકારતી આસનિયું પાથરવા લાગી.
હા.....મીરાં એટલે માહીની સ્ત્રી અને આરતી એટલે કાનજીની સ્ત્રી.બન્ને બાળપણની ગોઠણો હારેજ પરણીને આવેલી.કાનજીનું આરતી હારે ગોઠવાતા કાનજીએ લંગોટીયા માહીનું પણ,તેની થનારી બાયડી આરતીની બેનપણી મીરાં જોડે માહીની અને હંધાયનીએ રાજીખુશી હોવાથી ચોકઠું ગોઠવી દીધેલું.
બંનેના એકજ માંડવે તોરણ બંધાયા હતા ને જાન પણ,એકજ માંડવે ઉગલાણી હતી.બે લંગોટીયા ને બે બાળપણાંના એક રિબિને બંધાયેલા ચોટલાનો સંપ હજુએ બરકરાર હતો.કાનજીના ત્યાં જઈને માહીએ "આરતીભાભી તમારા બેનપણી ઘરે એકલા કંઈક દળણા કૂટે છે તો ઘડીક તમેય જાવ તો હથવારો થાય" એમ કહીને આરતીને મીરાં કને મોકલી હતી.
દળણું થઈ જતા મીરાંએ પોરો ખાવા ને સુખ-દુઃખની વાતો કરવા આરતી હામે આસનિયું પાથરી જમાવ્યું.નાનકડો મન હજુએ એની મસ્તીમાં રમતો હતો.
દેવલીની આંખો ભીની થઈ ગઈ.તેનેય આવો ભવ જીવવો હતો.તે વિચારોની ઊંડી ગર્તામાં ડૂબી ગઈ.
પોતાનો ભરથાર પણ,આમ પાટે ઝૂલતો હોત અને તે પણ દળણા કૂટતી હોત.તેનો જાયો પણ આ મનીયા કે ઋતુલ જેવડોજ થયો હોત.....અને તેનો તલપ...! તલપ તો મોટો અફસર હોત હો ! ને તે પણ કઈ મેડમથી કમ થોડી હતી.તલપના સથવારાથી કદાચ તે પણ કંઈક બની હોત.ઠાળા વાદળોમાં જેમ ખેડૂ વરસાદના એંધાણ જોવા નેજવા લાંબા કરે તેમ દેવલી પોતાના ઠાલા જીવનના ઓરતા પર નેજવા લાંબા કરી એક ભવ પાર નજરો કરી સપનાને હકીકત માની રડી રહી હતી.રોમિલનો પ્યાર ના મળતા મજબૂર થઈને તેને તલપ ભણી મીટ માંડી હતી.ને તેની મીટ ઠાલી પણ નહોતી નીવડી.રોમિલથીએ ભરપૂર દેવલીને તલપનો સાથ,સહકાર,પ્યાર,વિશ્વાસ ને સહવાસનો સાંપડ્યો હતો.રોમિલને તેનામાં વાસના સિવાય કંઈજ ન્હોતું દેખાતું.આથીજ તેને તલપને પૂર્ણપણે પામવા રોમિલને એક અઘોરીની મદદથી કેદ કરવો પડયો હતો.બસ તેના લગન લગી રોમિલને કેદ રહ્યો હોત તો,દેવલ પર જાગેલી વાસના મેલા કરતૂતથી દૂર થઈ જાત.પણ,તેના જીવના તરસ્યા બનેલા નપાવટોએ તેના અરમાનોને પૂર્ણપણે અરમાન બની ખીલે તે પહેલાંજ રાખ કરી દીધા હતા.
હું પણ,મારી બહેનપણીઓ સંગ ગપાટા મારતી હોત.હું પણ એક મમતાભર્યું વ્હાલ લઈને ફરતી હોત.બાપુને આંતરા દહાડે ખબર પૂછતી હોત ! રાધિકા ને દેવાયતને રોજ ફોનથી ખબર પૂછતી હોત !ને મારા હાલ પણ કહેતી હોત. દેવલીને કોડ જાગ્યાતા ફરી માનવ દેહની માયામાં બધાના જેવી જિંદગી જીવવાના.હૈયું વલોવાતું હતું વ્યર્થ સપનામાં રાચીને. અને અચાનક....
મલક આખાનાં ભોપાળા કરતો ફરે છે ને પોતાના પંડનું ખોળિયું નથી ભરી શકાવતો ?
અચાનક કંઈક અજીબ વાત કાને અથડાતા દેવલીએ કાન સરવા કર્યા.મીરાં આરતીને કંઈક પૂછી રહી હતી તે સાંભળવા દેવલી તંદ્રામાંથી જાગી.
શું કરું મીરાં મારા તો ભવ ફૂટ્યા.તારી વાત હાચી સ.મલક આખાના ભોપાળા મારો હાહરો કરતો ફર સ.પણ, પોતાના કાનજીનું ખોરડું આગળ વધે એટલા માટે તેની એકેય ચાલ કામિયાબ નથી નીવડતી.
મેં તો કાનજીભૈને રાજકોટ વાળા ઓલા ડોકટર કનેથી તમારા બંનેની દવા ચાલુ કરવા પણ શીખ આપી હતી.પણ,તારો હાહરો કેહ કે વહુ કે કાનજીમાં કોઈ ખોટ નથી.બસ આ તો તેમના લેખમાં થોડા મેખ છે જેને હું દેવને રીઝવીને દૂર કરી દઈશ.
હા,અને એટલે બાપના ભરોસે અમારા એય પણ હજુ આગળના ઉપચાર માટે મગનું નામ મરી નથી પાડતા.(!)
બંનેની વાતચીત પરથી પરિસ્થિતિનો તાગ પામતા દેવલીને જરાય વાર ના લાગી અને ખડખડાટ હાસ્ય કરતા તે બોલી...."ઓહ....તો વિધાતાએ એક કાંકરે બે પંખી માર્યા છે એમ ને ! તેની આંખોમાં પળવારમાં એક અજબ ચમક આવી ગઈ.જીવણા તારા કર્મોના ફળ તું તો ભોગવેજ છે અને થોડા તારા અને થોડા તેના ખુદના કર્મો તારો કાનજી પણ ભોગવે છે એમ ને ! હા...હા...હા... વાહ વિધાતા વાહ ! ખોટનો ન્યાય કરવા તું તેના કર્મોના લેખ ઘડીમાં બદલી દેસ ! હવે હું તારાથી જરાય નારાજ નથી.તે મને મારા કયા કર્મોનું ફળ આપ્યું એતો ખબર નથી પણ,જીવણાને ને કાનજીને તો કયા કર્મોનું ફળ આપ્યું છે તે હું સારી રીતે જાણી ગઈ છું......અને હવે મારા વેરની વસૂલાતમાં બેયનાં નામ તો છેલ્લા ચોપડે લખાણા.રોજ મરી-મરીને જીવતા તેમને એક ઘામાં મારીને ઘડીમાં છુટકારો આપવા નથી માગતી.
મારા બાપને વાંઝીયો કર્યો છે તો તેમના તો આખા ભવ વાંઝિયા ઠર્યા.અને આ કાનજીડો તો જનમતા વેંત એની માને પણ ભરખી ગયો હતો.પછી કદાચ તેનાજ પંડને ભરખી જાય તે ભૈયથીજ રાંદલે ઘોડિયું નહીં બંધાવડાવ્યુ હોય !. ...હા...હા...હા... દેવલીના પ્રચંડ અટ્ટહાસ્યથી પ્રકૃતિ થર-થર કાંપી ગઈ.
કુદરત તારી લીલા પણ,અપરંપાર છે હો ! સુખનો છાંયડો જો ભરપૂર આપે તો દુઃખનો દહકો પણ આવા નમાલાઓને આપવાનું ચૂકતો નથી.મારી જીવનલીલાને મારા બાપ સરીખા જીવણા તે હંકેલી ના લીધી હોત ને, વિધાતાના લેખ તારા પડખે હારા લખાણા હોત તો તારા ખોરડે મારો લાલો ઝૂલતો હોત.અને તારો ને તારા કાનજીડાનો જન્મારો સુધરી જાત.હું પણ માહીની મીરાં સંગ સંબંધોના સેતુ સરજાવી શકી હોત.મારા અરમાનોના સંજોગો વિપરીત પડ્યા હોત તો હું પણ, કદાચ તારા ખોરડે શોભતી હોત.જીવણા તને પિતા માનીને બાપ કરતાં પણ અદકેરું વહાલ તારી પર ઢોળત ! દીકરી બનીને તારા ઓવારણા લઈને સઘળાં દુઃખ હણત.પણ, તારા કર્મોની કઠણાઈ તે જાતેજ કંડારીને ખુદનું જીવતર કૂવામાં ધકેલી દીધું.અને વળી,જોવા જેવી લીલા તો તારા ખોરડા પર હવે ડોકિયા કરશે.....હા... હા... હા... ફરી ભયંકર હાસ્ય....
પણ,હૃદય તો તેનું હતું તો સ્ત્રી જાતને ! પળવારમાં પીગળી જતું.મનોમન તે આરતીને કહી રહી "આરતી તું ચિંત્યા ના કર હો ! હું પણ એક અબળા છું ને, સ્ત્રીની વેદના સારી પેઠે હમજુ છું.એમાંય સ્ત્રીની મમતા વિનાની અભાગી જિંદગી કેટલી વહમી હોય છે તેનો અંદાજ મારી જાતને તારા સ્થાને રાખી સારી રીતે સમજી શકું છું.માં તો તું પણ બનીશ ! ખોળાનો ખુંદનાર તો તને પણ અવતરશે ! પણ,તે માટે તારા ધણીનો ભોગ પણ એટલોજ જરૂરી છે.સમય આવે હું આવીશ તારી કને.બે જીવમાંથી એક જીવ પર પસંદગીનો કળશ ઢોળવાનો મોકો આપવા.અને ત્યારે તારે નક્કી કરવાનું કે તારે અમર ચુડલો જોઈએ છે કે પછી ઓસરીમાં ઝૂલતું હરખનું ઘોડિયું ? ....જીવ તો મારો ઋતુલ અને દેવાંશીને જોઈને પણ,લાગણીથી ભડભડ બળ્યો હતો.પણ તેના લેખ નવ વર્ષ પહેલાં લખાણા હતા કે જેમાં પરિવર્તન કરવાની શક્તિ હવે મારા હાથમાં ન્હોતી.પણ, હા એ ઋતુલ ને દેવાંશીનું જીવતર પણ રંગોથી ભરી દઈશ.હા, સમય લાગશે પણ દુઃખની છાંયડી નહિ અડવા દઉં.(!) હું દુષ્ટ આત્મા હતી નહીં પણ,તે નમાલાઓએજ બનાવી હતી.એવી રીતે દુષ્ટ હજી પણ બધા માટે તો નથીજ...! અને આવા પોતાની જાત સાથેના વાર્તાલાપમાં દેવલી ભાવવિભોર બની ગઈ.લાગણીઓના પૂર ફરી તેની આંખે ઉભરાણા. દડ દડ આંહુડા વાતાવરણને ઓર ઠંડું કરતા હવામાં અદૃશ્ય બુંદ બની વરસવા લાગ્યા......એક સુખિયારી અને બીજી દુખિયારી સખીની ગોષ્ઠી તેનાથી હવે ન્હોતી સંભળાઈ જતી.તેને ઘડીભર તો એમ થઈ ગયું કે જો તે હવે બે પળ પણ સાંભળવા રોકાશે તો તેના નિર્ધારમાં તે અસફળ જશે.અને એટલેજ તે ફરી ક્યારેક બાપુના હાલ જોઈ જવાનો ખ્યાલ કરીને રોમિલના છેલ્લો દેહ જોવા ચાલી ગઈ....

***

જીવણને કંકાવતી પહોંચ્યા ત્યાં લગી તો રોમિલને તેના ઘરે લઈ આવ્યા હતા.પોસ્ટમોર્ટમનો રિપોર્ટ સાવ કોરો આવ્યો હતો.ડોક્ટરો પણ અચરજ પામી ગયા હતા આવું મરણ ને પી.એમ. જોઈને.રોમિલના મરણનો રિપોર્ટ ના તો કુદરતી આવ્યો હતો કે ના તો માનવ ઘટિત કૃત્યથી મોત થયાનો આવ્યો હતો ! સૌથી નવાઈની વાત તો,એ હતી કે હૃદય બંધ હતું છતાં લોહી વિનાની નસોમાં પોસ્ટમોર્ટમ કર્યું ત્યાં લગી પાણી ઝરતું હતું.કોઈ અસુરી શક્તિનો કોપ ઉતર્યો હોવાનું ખુદ ડોક્ટરો પણ માનવા લાગી ગયા હતા.
મીરાણી આવીને વિધિમાં મશગુલ થઇ ગઈ હતી.સૌના રૂદનને ચીરતો એક તીણો પાતળો લ્હેકો કાળજા કંપાવી જતો હતો.જાણે રોમિલને કઠેડામાં ખડો કરી દઈને દેવાંશી પૂછી રહી હતી....

મારી સેથીને રંગી,લોહીના લેખે રાજ...
રાજ રે ખમ્મા...ખમ્મા...રોમિલ તુંને ખમ્મા..ખમ્મા
હે એવો પગલીનો પાડનાર મેલ્યો નોંધારો રાજ...
રાજ રે ખમ્મા...ખમ્મા...રોમિલ તુંને ખમ્મા..ખમ્મા
હે મારો ચૂડલો રે નંદવાયો,ભર વસંતે રાજ...
રાજ રે ખમ્મા...ખમ્મા...રોમિલ તુંને ખમ્મા..ખમ્મા
ફરી મળશું કયા ભવો-ભવના લેખે રાજ...
રાજ રે ખમ્મા...ખમ્મા...રોમિલ તુંને ખમ્મા..ખમ્મા
મારા સાજ-શણગાર લીધા લૂંટી હો રાજ...
રાજ રે ખમ્મા...ખમ્મા...રોમિલ તુંને ખમ્મા..ખમ્મા
દીધા કોલ નો નીભાવ્યા સાતો ભવના રાજ...
રાજ રે ખમ્મા...ખમ્મા...રોમિલ તુંને ખમ્મા..ખમ્મા
હવે ઝાઝેરા છેલ્લા જુહાર તમને હો રાજ...
રાજ રે ખમ્મા...ખમ્મા...રોમિલ તુંને ખમ્મા..ખમ્મા

તેની બીજી બાજુ રોમિલની જનેતાએ જાણે તેનું કાળજું કોઈ દુશ્મને ઠાઠડી પર તેની છાતી ચીરીને રાખી દીધું હોય તેમ મોં વાળ્યું...
...સાવ રે સોનાનું માથે શિર ધરું
મોતીડાં તપે રે લલાટ રે,
કેસરિયો કોણે ઓળખ્યો ?

(ને પછી બધા ગાય છે)

હાય,હાય,વોય રોમિલ...
દોશીડો આવે તમારી પોળ્યમાં
મોળિયાના કોણ કરાવે મૂલ રે ?
કેસરિયો કોણે ઓળખ્યો ?
(બધા)
હાય,હાય,વોય રોમિલ...

....ને વ્રજ સરીખી છાતી પણ કેમ ન બેસી જાય ?(!) એકના એક કંધોતર ફાટી પડે ને કયો એવો નખ્ખોદીયો મલક હોય જે છાતી ગજવી નાંખતો રડતો ન હોય !
એટલામાં તો ઝાંપેથી રોમિલની બેનડી ઉભરક પગે સાન-ભાન ભૂલીને એકના એક વીરાને છેલ્લા જુહાર કહેતી દૂરથીજ લવો વાળતી આવી રહી હતી.ને પાછળ તેની સંગે જોડાયેલી ગોઠણો લવો ઝીલતી હતી.

તલાયની પાળે વીરો દાતણીયાં માંગે
(ગોઠણો)
હો...રે...ભાઈને હાય... હાય હાય
હાય બંધવા હાય હાય
કયાં રે જોવું રે ક્યાં જોઉ વીરાની વાટો ક્યાં જોઉ
હાયે શેરિયા હાય... હાય હાય
હાય... મારા વીરા... હાયે હાય...

(ને નજદીક આવીને સાવ ભાન ભૂલીને રોમિલની બેનએ સાદ બદલ્યો.)

માના જણ્યા...
હાય ! ! હાય...હાય
મોભ ફાટ્યો...
હાય ! ! હાય...હાય
પાનેતરના ઓઢાડનારા...
હાય ! ! હાય...હાય

કુદરત પણ,જાણે રોતી હોય તેવું ગમગીન વાતાવરણ બની ગયું હતું....

(હવે આગળનો ભાગ આવતા રવિવારે આવશે... ત્યાં સુધી રાહ જોવા વિનંતી સહ... ખૂબ ખૂબ આભાર....અને હા જે મિત્રોને મારી આ નોવેલમાં આવનારા પાત્રમાં કિરદાર બની આવવું હોય તેઓ કોમેન્ટમાં પોતાનું નામ જણાવજો.હું કોઈપણ રીતે આપનો સમાવેશ આપના નામ સાથે આ નોવેલમાં કરતો જઈશ અને જે તે કિરદારને મેસેજ કરીને જે તે ભાગમાં આવેલ તેમના કિરદારની જાણ કરીશ... આજે મારા વાચકોમાંથી ચાર-પાંચ વાચકોનો તો આ ભાગમાં સમાવેશ પણ કરી દીધો છે....આપનો કિંમતી પ્રતિભાવ આપવા વિનંતી સહ ખૂબ ખૂબ આભાર......

આશુમન સાંઈ યોગી રાવળદેવ
8469910389