Antim Vadaank - 17 books and stories free download online pdf in Gujarati

અંતિમ વળાંક - 17

અંતિમ વળાંક

પ્રકરણ ૧૭

શાસ્ત્રીજીએ ઉમરલાયક દીકરી સાવિત્રી માટે યોગ્ય બ્રાહ્મણ મુરતિયાની શોધ આરંભી દીધી હતી.

અલ્હાબાદથી સાવિત્રી માટે માગું આવ્યું હતું. પરમને અભ્યાસ પૂરો થવાને છેલ્લો મહિનો જ બાકી હતો. જેવો અભ્યાસ પૂરો થાય કે તરત તે ગુરુની શોધમાં નીકળી પડવાનો હતો. અચાનક એ છેલ્લા મહિનામાં જ એક અણધારી ઘટના બની. એક રજાના દિવસે સવારે શાસ્ત્રીજી મૂરતિયાની તપાસ કરવા માટે અલ્હાબાદ જવા નીકળ્યા. સાંજ સુધીમાં પરત થવાનો તેમનો પ્લાન હતો. શાસ્ત્રીજીના ગયા બાદ અચાનક આકાશમાં વાદળ ઘેરાવા લાગ્યા. ગમે તે ઘડીએ વરસાદ વરસે તેવો માહોલ સર્જાયો હતો. શાસ્ત્રીજીના ગયા બાદ પરમ તેની ઓરડીમાં ગયો. સાવિત્રીએ રસોઈ કરતાં કરતાં જ રસોડાની બારીમાંથી સામે નજર દોડાવી. પરમની ઓરડીનો દરવાજો બંધ હતો પણ બારી ખુલ્લી હતી. સાવિત્રીની નજર તે બારીમાં થઇને પરમને નીરખી રહી હતી. પરમને તે વાતનો ખ્યાલ આવ્યો કે તરત જ તેણે તેની ઓરડીની બારી પણ બંધ કરી દીધી. થોડી વાર બાદ પરમ શરીર પર ટૂવાલ પહેરીને હાથમાં ખાલી ડોલ સાથે બહાર આવ્યો. દરરોજની જેમ ફળિયામાં નળ ચાલુ કરીને પરમે ડોલ ભરી લીધી. ઓરડીની બાજુમાં જ બાથરૂમ હતો. હાથમાં પાણી ભરેલી ડોલ સાથે પરમ ફળીયામાંથી બાથરૂમ તરફ જઈ રહ્યો હતો ત્યાં જ તેના કાને સાવિત્રીની ચીસ સંભળાઈ. પરમે પાછળ ફરીને જોયું તો કુકર ફાટયું હતું. ગરમ કુકરને હાથ અડી જવાને કારણે સાવિત્રીનો ડાબો હાથ દાઝી ગયો હતો. તે જમણા હાથ વડે ડાબા હાથની હથેળી પકડીને રસોડાની બહાર આવીને નીચે બેસી પડી હતી. તેની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી. પરમ મદદ કરવાના હેતુથીજ પાણી ભરેલી ડોલ નીચે મૂકીને તે તરફ દોડયો. હાથમાં થતી અસહ્ય પીડાને કારણે સાવિત્રીની આંખમાંથી વહેતાં આંસુ રોકાવાનું નામ લેતા નહોતા. અનાયાસેજ પરમથી સાવિત્રીનો દાઝેલો ડાબો હાથ પકડાઈ ગયો. પરમની આંખમાં બિલકુલ વિકાર નહોતો. તેની ભાવના તો સાવિત્રીને આશ્વસ્ત કરવાની જ હતી. ઓગણીસ વર્ષના યુવાન પરમનું માત્ર ટુવાલ વીંટેલું શરીર નજીકથી જોઇને યુવાન સાવિત્રી હાથની પીડા ભૂલી ગઈ. પરમના સ્પર્શમાં ભલે સહેજપણ વિકાર નહોતો પણ બે વર્ષથી સતત દૂરથી નીરખીને પરમને ઝંખતી સાવિત્રી ભાન ભૂલી ગઈ. તે જેમ વેલ ડાળને વળગે તેમ પરમને વળગી પડી. પરમ ધર્મસંકટમાં મૂકાઈ ગયો. અચાનક વીજળીનો કડાકો થયો.

પરમ જેમ જેમ ખુદના શરીરને સાવિત્રીના હાથની પક્કડમાંથી છોડાવવાનો પ્રયાસ કરતો ગયો તેમ તેમ સાવિત્રીની ભીંસ વધતી જતી હતી. આખરે પરમે તેના બંને હાથ મુઠ્ઠીઓ વાળીને સંયમિત રહી શકાય તે હેતુથી ઉપર કરી લીધા. આકાશમાં ઘેરાયેલાં વાદળાં અચાનક વરસવા લાગ્યા. રસોડાની બહાર પરસાળની ખુલ્લી જગ્યામાં બંને યુવાન હૈયાઓને મોસમનો પ્રથમ વરસાદ ભીંજવી રહ્યો. સાવિત્રીનો જમણો હાથ પરમના લાંબા વાળ તથા ખુલ્લી પીઠ પર ફરી રહ્યો. પરમ માટે સ્ત્રીના મુલાયમ સ્પર્શનો એ પહેલો જ અનુભવ હતો. સાવિત્રીના તેજ ગતિએ ચાલતા શ્વાસ પરમ અનુભવી રહ્યો. પરમના બ્રહ્મચર્યની તે સૌથી આકરી પળ હતી. મોસમનો પ્રથમ વરસાદ પણ જાણેકે સાવિત્રીના પક્ષે રહીને પરમના સંયમની કસોટીએ ચડયો હતો. આખરે પરમને જે વાતનો ડર હતો તે જ થઇને રહ્યું. બંને યુવાન હૈયાઓ સ્થળ અને કાળ ભૂલીને એકબીજામાં ખોવાઈ ગયા. વીસેક મિનીટ બાદ અચાનક શાસ્ત્રીજી એસ. ટી. સ્ટેન્ડથી જ છત્રી લેવા માટે ઘરે પરત આવ્યા. ખુલ્લી ડેલીમાંથી પ્રવેશતાંની સાથે જ શાસ્ત્રીજી પરમ અને સાવિત્રીને કઢંગી હાલતમાં જોઈ ગયા. શાસ્ત્રીજીના માથે રીતસરની વીજળી ત્રાટકી હોય તેમ તેમણે ત્રાડ પાડી. “ સાલા .. હરામખોર, જે ઘરમાં તને આશરો આપવામાં આવ્યો છે ત્યાં જ તેં ધાડ પાડી?” શાસ્ત્રીજીને જોઇને પરમના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. એક તો બ્રહ્મચર્ય તૂટયાનો અપરાધભાવ અને બીજો ચોરી પકડાઈ ગયાનો અપરાધભાવ.. થર થર ધ્રુજતા પરમને ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની તીવ્ર ઈચ્છા થઇ આવી.

શાસ્ત્રીજીએ દુર્વાસાની જેમ જમણો હાથ ઉંચો કરીને ફરીથી ગર્જના કરી “પરમ, હું તને આ ઘડીએ જ શ્રાપ આપું છું કે તું ક્યારેય સાચો તપસ્વી નહિ થઇ શકે”.

પરમે નીચું જોઇને ઘડીના છઠ્ઠા ભાગમાં શાસ્ત્રીજીનું ઘર જ નહિ બલ્કે ગામ પણ છોડી દીધું. રસ્તામાં પરમે જાતેજ ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા. પરમે પોતાનાથી થઇ ગયેલી ભયંકર ભૂલના પ્રાયશ્ચિત રૂપે દેશભરના મંદિરોની જાત્રા કરી. દરેક મંદિરમાં માથું ટેકવીને ભૂલની માફી પણ માગી. સંસ્કૃતમાં પ્રાપ્ત કરેલ વેદનું જ્ઞાન તથા ચહેરા પરના તેજને કારણે યુવાન પરમ જ્યાં પણ જતો ત્યાં લોકો શ્રદ્ધાપૂર્વક તેના પગમાં પડતાં. સમગ્ર દેશમાં ફેલાયેલી અંધશ્રદ્ધા જોઇને પરમને ભારે અચરજ અને દુઃખ પણ થતું. લગભગ બે વર્ષના પરિભ્રમણ બાદ પરમ અનાયાસે જ હરિદ્વારના આ આશ્રમમાં આવી ચડયો હતો. તે દિવસોમાં આ પ્રાચીન આશ્રમ તદ્દન જીર્ણ અવસ્થામાં હતો.

અહીં એક વયોવૃધ્ધ સ્વામીજી એકલાં જ રહેતા હતા. તેમને કુષ્ઠ રોગ થયો હતો કદાચ તેથી જ શિષ્યો તેમને છોડીને સ્થળાંતર કરી ગયા હતા. સ્વામીજીની દશા જોઇને પરમનું હ્રદય દ્રવી ઉઠયું હતું. માનવસેવાથી ચડિયાતો એક પણ ધર્મ નથી તેમ દ્રઢપણે માનનાર પરમે સ્વામીજીની સતત બે મહિના સુધી દિલથી સેવા કરી હતી. થોડી તબિયત સુધરી પછી એક વાર સ્વામીજીએ પરમને બાજૂમાં બેસાડીને કહ્યું હતું “વત્સ,યે આશ્રમકી હાલત ભી કુછ મેરે જૈસી હી હૈ. અબ તુઝે ઇસકી હાલત તેરે જૈસી કરની હૈ.. મતલબ કી યહાં લોગોકા આના જાના બના રહે ઐસા કુછ કરના હોગા”. આટલાં દિવસોમાં પરમને ખ્યાલ તો આવી જ ગયો હતો કે આ સ્વામીજી સાચા તપસ્વી છે. દંભનું તેમનામાં નામોનિશાન નથી. પરમથી અનાયાસે જ બોલાઈ ગયું હતું.. ”જી ગુરુજી”. પરમના મોઢામાંથી બોલાયેલા “જી ગુરુજી” બે શબ્દો સાંભળીને સ્વામીજી બોલ્યા હતા “પરમ,આજસે તેરા નામ હોગા પરમાનંદ”. આમ સ્વામીજીએ પણ પરોક્ષ રીતે પરમને શિષ્ય તરીકે સ્વીકાર કર્યાની મ્હોર મારી દીધી હતી. પરમે માથું ગુરુજીના ચરણોમાં મૂકી દીધું હતું. પરમના માથા પર પ્રેમથી હાથ ફેરવતાં ફેરવતાં જ ગુરુજીએ દેહત્યાગ કર્યો હતો.

ગુરુજીના દેહાંત બાદ પરમાનંદે આશ્રમની કાયાપલટ કરવાનું બીડું ઝડપ્યું હતું. આશ્રમને એકદમ સાફસુથરો અને સ્વચ્છ બનાવી દીધો હતો. રોજ સાંજે સત્સંગ કરવાનું શરુ કરી દીધું હતું. શરૂઆતમાં બે ત્રણ માણસો જ આવતા હતા પણ સમય જતાં ભાવિક ભક્તજનોની ભીડ વધવા લાગી હતી. દાનનો પ્રવાહ પણ આવવા લાગ્યો હતો. એક જમાનાના જર્જરિત આશ્રમની રોનક વધવા લાગી હતી. આશ્રમની ખરેખર કાયાપલટ થઇ ગઈ હતી. પરમાનંદની વાણીમાં સરસ્વતીનો વાસ હતો. ભક્તો મંત્રમુગ્ધ બનીને પરમાનંદની અવિરત વહેતી વાણી નો લાભ લેતા થઇ ગયા હતા. સમયનું ચક્ર ફરતું ગયું. પરમાનંદની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવા લાગી. લોકો પરમાનંદ પાસે સલાહ સૂચન લેવા માટે પણ આવવા લાગ્યા.

અચાનક શહેરના ટાવરમાં બે ડંકા પડયા. પરમાનંદે વાણીને વિરામ આપ્યો. ઇશાનની આંખમાં ઊંઘનું નામનિશાન નહોતું. પરમાનંદ પાણી પીવા માટે રોકાયા. ઈશાન પરમાનંદની નિખાલસતાથી પ્રભાવિત થઇ ગયો હતો. ઈશાને પણ એક ગ્લાસ પાણી પીધું. બંને વચ્ચે મૌન પથરાઈ ગયું. પરમાનંદે શાલનો છેડો સરખો કરીને ફાનસના અજવાળામાં જ ઈશાનની આંખમાં જોયું. “ઇશાન, શું વિચારે છે?”

“આજે મારો ભ્રમ ભાંગી ગયો”. ઈશાને પરમાનંદ સામેથી નજર હટાવ્યા સિવાય કહ્યું.

“શેનો ભ્રમ?”

“હું માનતો હતો કે સન્યાસીનું જીવન તદ્દન વળાંક વગરનું સીધું સપાટ હોય છે. પણ તમારી કહાની સાંભળ્યા પછી તો લાગે છે કે અમારા જેવા સંસારી માણસોની જેમ જ સાધુના જીવનમાં પણ એક પછી એક વળાંક તો આવતા જ હોય છે.

“ઇશાન, હજૂ મારી કહાની પૂરી નથી થઇ... મારા જીવનનો મહત્વનો વળાંક તો હવે આવે છે”. પરમાનંદે ધડાકો કર્યો.

ક્રમશઃ