corona comedy - 8 books and stories free download online pdf in Gujarati

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૮ 

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૮
લોકડાઉનમાં ઘરમાં બેઠાબેઠા વાઇફે મને “લોક” [ તાળું ] માં તેલ નાંખવાનું કામ સોંપ્યું. હું લોકમાં તેલ નાખીને એનો કાટ કાઢી રહ્યો હતો. ચાવી મારી ને લોક ખોલ બંધ કરી રહ્યો હતો. કામ પત્યું એટલે લોક-ડાઉન મૂકીને હું બેડરૂમની બહાર નીકળી પેસેજ ની ગલી ક્રોસ કરી કિચનના કિનારેથી હોલના હાઇવે પર આવી સોફા પર બેઠો ત્યાં દીકરીએ કહ્યું પપ્પા તમારા વાળ જાંબુવત જેટલા લાંબા થઈ ગયા છે. મેં કહ્યું દિકરા, અત્યારે ઘરમાં બધા જ રામાયણનાં પાત્રો જેવા જ લાગે છે. બા શબરી, પપ્પા જાબુવંત, મમ્મી શૂર્પણખા, અને તું..
સીતા.બરાબરને.
હા લંકાની અશોકવાટિકામાં ગયા હતા ત્યારના સીતા માતા. એ સમયે મોબાઈલ હોતને તો હનુમાનદાદાની જરૂર જ ન પડત સીતા માતા ગુગલ મેપ પર જોઈ લેત રામસેના ક્યાં પહોચી છે. અને વિડીયો કોલીગ પર વાત કરતા એકબીજાના દર્શન પણ કરી લેત.
પપ્પા હું તમારા વાળ કાપી આપું? ટોપિક બદલાયો.
તને આવડે છે ? વાળ કાપતા ?
યુ ટ્યુબ પર જોયું છે.
આ મારી દીકરી પણ મારી અર્ધાંગીનીનાં રવાડે ચઢી ગઈ છે, મારી પત્ની પહેલા તો ખીચડી, કઢી થેપલા, રોટલા, ચટણી જાતે બનાવી લેતી હવે એનાય વિડીયો જોઈ જોઇને અખતરા કરે છે. અને આ દીકરીએ વાળ કાપવાના વિડીયો જોયા બોલો.
ઘરમાં બેઠા બેઠા કરવું શું ? એટલે મેંય દિકરીનાં અભરખા પુરા કરતા એને કાતર ચલાવવાની છૂટ આપી. વિડીયોમાં જોઈ જોઇને કાતર ચાલતી હતી, લગનમાં વહુના હાથમાં જેમ ધીમે ધીમે મહેદી મુકાય એમ ધીમે ધીમે મારા કેશ કપાતા હતા , પણ કેશ કર્તન વખતનું દિકરીનું વર્તન ગજબ હતું.
પપ્પા કોરોનાને તમ જોયો છે ?
હા બેટા, અવાર નવાર ભટકાઈ જાય છે. પણ તે એમ કેમ પૂછ્યું ?
મમ્મી કહેતી હતી કે ઘરમાં બેઠા બેઠા તમે ગાંડા થઇ ગયા છો. તમને કોરોના દેખાય છે.
ગુસ્સો તો ખુબ આવ્યો હતો કે ઉભો થાઉં પણ દિકરીનાં હેયર કટિંગ ક્લાસ ચાલુ હતા અને હું એનો વિદ્યાર્થી. મોદી જેમ હિમાલયની ગુફામાં જઈને શાંતિથી બેઠા હતા એમ હું ચુપચાપ બેઠો રહ્યો.
પપ્પા, કોરોના એકલા ચાઈનાનો થોડો કહેવાય એ તો બધા દેશમાં છે. એટલે હવે બધા ઉપર એનો હક્ક કહેવાયને ?
બધા દેશ કોરોના પર હક્ક જમાવે તો એ લોકો જ દુખી થાય. બધા કોરોનાને દેશ બ્હાર કાઢવા માંગે છે એમાં એને ઘરમાં કોણ રાખે ?
ત્યાં અચાનક મને ફાટેલા સ્પીકર જેવો અવાજ આવ્યો
રાખવા માંગે છે લેખક, બધા મારી પાછળ પડ્યા છે.
મેં બારીએ નજર કરી ત્યાં કોરોના બારીએ બેઠા બેઠા દાંત ખોતરતો હતો. અને આ વખતે એકદમ લાલ રંગનો થઇ ગયો હતો. કદાચ કોઈ તાજો તાજો પેશેન્ટ એટેન્ડ કરીને આવ્યો હશે.
અલ્યા તું ક્યારે આવ્યો ?
હમણા જ.
આજકાલ ફેસબુક પર બધા હાલતા ચાલતા “લાઈવ” થઇ જાય છે એમ કોરોના પણ મારે ત્યાં ગમે ત્યારે લાઈવ આવી જાય છે.
આ તે લાલ ડાઈ કરી કે શું ?
નાં રે, આ તો અત્યારે આપણી ગાડી પાંચમાં ગિયરમાં છે ને એટલે. પીકઅપ જોરમાં છે. આજનો આંકડો ૭૦૦નો છે નવા મેમ્બર અને આપણી માંડ માંડ ડિમાન્ડ વધી ગઈ છે.
તને યાર શરમ આવે છે કે નહિ. તું તારા બાપા પાસે કેમ નથી જતો.
ક્યાં ?
ચાઈના, જ્યાંથી આવ્યો છે ત્યાં.
અરે હવે ચાઈનાને બદલે આખી દુનિયાને મારી જરૂર છે. ચાઈના પાસે દરેક દેશોએ કરોડો અબજો ડોલરનાં ટેન્ડર ભર્યા છે મારા માટે, જે દેશનો ભાવ વધારે આપણે એમના માટે ડ્યુટી કરવાની.
ડ્યુટી કેવી ડ્યુટી ?
જો ભાઈ હું કોઈને કહ્યા વિના જ કોઈના શરીરમાં એન્ટ્રી કરી લઉં છું. અને દસ પંદર દિવસ સુધી જેની અંદર હોઉં એને પણ ખબર ન પડે કે હું એનો ભાડૂત છું અને એની અંદર જ રહું છુ.
હું સમજ્યો નહિ.
ભાઈ વિચાર કર કે મને જો કોરિયાનો પેલો બટકો કિંગકોંગ ખરીદે.
કીમ જોન
હા એ જ, એ અબજો ડોલર આપી ચાઈના પાસેથી મને ખરીદે અને મને ડ્યુટી આપે કે અમેરિકાનાં ટ્રમ્પ કોરિયા વિષે શું વિચારે છે એની તપાસ કરો. તો હું વગર ફ્લાઈટે ફ્લાય કરી અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ ની અંદર ઘુસી જાઉં અને દસ દિવસમાં ક્યારે કોની સાથે શું વાત કરે છે. કયા ડીસીઝન લે છે એ બધું જ હું કીમજોન ને કહી દઉં.
માથે ખંજવાળ નહોતી આવતી તોય મેં ખંજવાળી લીધું. મારો બેટો ચીનો આટલો બધો કમીનો હશે એની ખબર નહિ. ઘરમાં બનાવેલ વાયરસને આખી દુનિયામાં ફેલાવી બધાને પોતાના હાથ નીચે કરવાનું ગજબ કારસ્તાન હતું અને “કોરોનાની બોલી” એ તો કોઈ વિચારી જ ન શકે.
અત્યારે સ્કોટલૅન્ડ યાર્ડ, ઈરાક, ઈરાન, ફ્રાન્સ, જર્મની બધાની નજર મારા ઉપર છે અને હું કોના નસીબમાં છું એ મારા બાપા જાણે. ચાઈના.
આ વાયરસ તો જેમ્સબોન્ડનોય બાપ બનવાની તૈયારીમાં હતો. મારી આંખ સામે દુનિયાના બધા દેશ કોરોના ને ખરીદવા ચાઈનાની ચામાચીડિયાનાં સૂપ વાળી ગલીમાં ભેગા થયેલા દેખાયા.
હજુ એકાદ બે મહના અહિયાં રોકાઈને હું મારી ડ્યુટીએ લાગી જઈશ.
કોરોના એટલા કોન્ફીડન્સથી આ વાત કરતો હતો જાણે એ આખી દુનિયાને ખીસામાં લઈને ફરતો હોય, જો કે અત્યારે એવી જ હાલત હતી.
પપ્પા માથું સરખું રાખોને.
અચનાક દીકરીએ મારું માથું હલાવ્યું અને હું કોરોનાનાં લાઈવ શોથી ડીસ્ટર્બ થયો. સામે બારીએ જોયું તો કો નહોતું. દીકરીએ પૂછ્યું.
પપ્પા કોરોના દેખાયો..?
છેલ્લે છેલ્લે
ગઈકાલે ઘરમાં ત્રણવાર કેક બની.
પણ ચોથીવારમાં સાચ્ચે બની ગઈ.
યુટ્યુબ પર જોઇને બનાવી હતીને.
સમજે તે સમજદાર.
*અશોક ઉપાધ્યાય*