Right Angle - 37 books and stories free download online pdf in Gujarati

રાઈટ એંગલ - 37

રાઈટ એંગલ

પ્રકરણ–૩૭

ધ્યેયના બે કામ પત્યા હતા. પણ હજુ એક મહત્વનું કામ બાકી હતું. જો કે આ કામ કરવા માટે એણે ચક્રો ગતિમાન કર્યાં હતા. અને એના પ્લાન મુજબ જ કેસની ચર્ચા રાજ્યમાં ચારેકોર થઇ રહી હતી. હવે જ પેલું બાકી કામ પતાવવાનો સમય થયો છે. તે ધ્યેય સમજતો હતો એણે એક દિવસ કૌશલને ફોન લગાવીને મળવું છે તે કહ્યું. ધ્યેયને શું કામ મળવું હશે તેનું કૌશલને અચરજ થયું પણ એણે મળવાની સહમતિ આપી.

એક જાણીતી કલબમાં બન્ને મળ્યા. પ્રાથમિક હાય હલ્લો પછી બન્નેને વાત કરવામાં તકલીફ થઇ રહી હતી. કારણ કે બન્ને વચ્ચે સંબંધ કશિશને કારણ જ હતો અને અત્યારે કશિશ જ ગેરહાજર હતી. ધ્યેય કદી કૌશલનો મિત્ર ન હતો. એની પત્નીનો મિત્ર હતો. એટલે બન્ને પક્ષે એક સરખો જ સંકોચ હતો. કૌશલ એ જાણવા ઉત્સુક હતો કે ધ્યેય કેમ મળવા આવ્યો છે અને ધ્યેય વાતની શરુઆત ક્યાંથી કરવી તે અવઢવમાં હતો.

‘કશિશ કેમ છે?‘ કૌશલ પૂછયું એટલે ધ્યેયનો રસ્તો આસાન થઇ ગયો,

‘સેટ થઇ ગઇ રહી છે.. એની કોફી શોપ સારી ચાલે છે. પણ બહુ સમય નથી આપી શકતી...યુ નો કેસ ચાલે છે ને...બસ હવે કેસ પતે પછી એ સમય આપી શકશે.‘

‘ મિડિયામાં જે રીતે એના કેસની ચર્ચા થાય છે તે પરથી તો લાગે છે કે એ કેસ જીતી જશે.‘ કૌશલે પોઝિટિવ વ્યુ આપ્યો એટલે ધ્યેયએ પોતાના પાસા ફેંક્યા,

‘એ કેસ જીતી જાય એના માટે જરુર પડે તો તું જુબાની આપે?

‘હા...ચોક્કસ...કશિશ માટે હું કંઇપણ કરી શકુ.‘ કૌશલની આંખમાં, બોલમાં કશિશ પ્રત્યે ભારોભાર લાગણી છલકતી હતી તે ધ્યેય જોઇ રહ્યો. પોતે કશિશના પ્રેમમાં પડી ગયો છે, કશિશ પણ એને ચાહે છે ભલે બન્નેએ ઇકરાર નથી કર્યો. કૌશલ સાથે અત્યારે વાત કરતાં ધ્યેયને ગિલ્ટ ફીલ થઇ. પણ બીજી જ મિનિટે એ એકદમ પ્રોફેશનલ વકીલ બની ગયો. આમ લાગણીવેડાથી કેસ ન જીતી શકાય, એનામાં બેઠલો કાબેલ વકીલ તરત સપાટી પર આવી ગયો,

‘થેન્કસ કૌશલ...મને આશા હતી જ કે તું મદદ કરવાની ના નહીં પાડે...થેન્કસ અ લોટ!‘

‘યાર આભાર તો મારે તારો માનવો જોઇએ....અમે બધાંએ કશિશનો સાથ છોડી દીધો પણ તે તારી મિત્રતા નિભાવી. ખોટું નહીં કહું...મને કાયમ તારી અને કશિશની ફ્રેન્ડશીપથી ઇર્ષા થતી હતી, પણ આજે મને ગર્વ થાય છે કે કશિશને તારા જેવો મિત્ર છે!‘ કૌશલના અવાજમાં સચ્ચાઇનો રણકો હતો. ધ્યેયને એના પ્રત્યે સહાનુભૂતિ થઇ.

દસ સપ્ટેમ્બરે કોર્ટ પ્રિમાઇસીસમાં અકડેઠઠ ભીડ હતી. ગુજરાત રાજ્યના જાણીતા સમાચાર પત્રો સિવાય મેગેઝિન્સમાંથી રિપોર્ટર્સ આવ્યા હતા. ટી.વી. ચેનલ્સની ઓ.બી.વાન પણ આવી હતી. બધાંને કશિશને જોવાની ઇચ્છા હતી. તો કોઈકને કશિશને મળીને હિંમત આપવી હતી. કોઈક એના સપોર્ટ કરવા આવ્યું હતું. કશિશ અને ધ્યેય કોર્ટ પ્રિમાઇસિસમાં દાખલ થયા અને લોકોની ભીડ જોઇને એ સ્તબ્ધ થઇ ગયા. ખાસ તો કશિશ આશ્ચર્ય ચક્તિ હતી. એને અંદાઝ ન હતો કે આજે આટલાં લોકો કોર્ટમાં આવશે

કશિશ ગાડીમાંથી ઉતરી તેવા જ લોકોએ એના નામનો પોકાર કર્યો, કશિશે લોકો તરફ હાથ જોડી એમનો આભાર માન્યો. ધ્યેયએ ગાર્ડ બોલાવીને કશિશને સાવચેતીથી કોર્ટરુમમાં દાખલ કરી. કોર્ટરુમમાં બેસવા માટે લોકોએ પડાપડી કરી. પછી જે લોકોને જગ્યા ન મળી તે બહાર ટોળે વળ્યાં. તો કેટલાક કોર્ટ પ્રિમાઇસિસમાં ઊભા રહ્યાં. પણ આજે કેસમાં શુ થાય છે તે જાણવાની બધાંને ઇંતેજારી હતી, કારણ કે આજે હજુ પુરાવા રજુ થવાના હતા. વળી કશિશનો વકીલ પણ બદલાયો હતો. કશિશ વતી ધ્યેયએ દસ તારીખ પહેલાં જ કોર્ટમાં ઓફિશિયલ જાણ કરી હતી કે એનો વકીલ બદલાય છે.

વીસ વર્ષની પ્રેકટિશમાં અનેક કેસ ધ્યેય લડ્યો હતો. પણ આજ જેટલી ઉત્તેજના એણે પહેલાં અનુભવી ન હતી. અગિયાર વાગે બેલિફે જે કેસ આજે ચાલવાના છે તેના પોકાર કરી દીધાં હતા. પણ એક બીજો મહત્વનો કેસ ચાલતો હતો. એટલે રાહ જોયા વિના છૂટકો ન હતો. બરાબર સાડા બારે કશિશના કેસનો વારો આવ્યો. ધ્યેયએ જજ સામે કશિશની ઉલટતપાસ કરવાની માંગણી કરી અને કશિશને વીટનેસ બોક્ક્ષમાં બોલાવવામાં આવી, ધ્યેયએ પહેલો સવાલ પૂછવા ઊભો થયો અને કોર્ટરુમમાં પીનડ્રોપ સાયલન્સ છવાય ગયું. બધાં જાણવા ઉત્સુક હતા કે હવે શું થશે.

‘કશિશ તમે કોર્ટ સામે બધી વિગત આપી પણ એક વાત છુપાવી છે, હું જાણી શકું કે તમે આવું શું કામ કર્યુ?‘

ધ્યેયના આ સવાલથી ત્યાં હાજર હતાં તે બધાં લોકો આચકો અનુભવ્યો. ધ્યેય ફરીયાદી તરીકે કશિશની ફેવરમાં કેસ લડે છે કે વિરુધ્ધમા?

‘જી...મેં કશું છુપાવ્યું નથી. હું શું કામ છુપાવવું?‘ કશિશને પણ ધ્યેયના સવાલથી અચરજ થયું હતું. પણ એણે સ્વસ્થતાથી જાળવી રાખી.

‘અચ્છા? પણ મારા જાણવા મુજબ તમે એકવાત ચોક્કસ છુપાવી છે.‘ ધ્યેય પોતાની વાતને વગળી રહ્યો. ધ્યેયના ગંભીર ચહેરા પર અનેક રહસ્યમય ભાવ હતા. કશિશ સહિત કોર્ટરુમમાં હાજર બધાં એને તાકી રહ્યાં. કશિશનો વકીલ આજે જ બદલાયો છે અને આવતાંવેંત એ જે રીતે કશિશને જ સવાલ પૂછીને ગૂંચવી રહ્યોં હતો તેથી બધાં આશ્ચર્યચક્તિ હતા.

‘હું શું કામ કોઇ વાત કોર્ટથી છુપાવવું?‘ કશિશ હવે અકળાઇ રહી હતી. એને ધ્યેય પર વિશ્ચવાસ હતો કે એ જે કરી રહ્યોં છે તે એની તરફેણમાં જ હશે. પણ એને અત્યારે એ શું કરવા ઇચ્છે છે તે સમજી શકતી ન હતી.

‘તમે કોર્ટથી એ વાત છુપાવી છે કે તમને મેડિકલમાં એડમિશન મળતું હતું તે વાતની તમને શી રીતે ખબર પડી? જો આ ઘટના તેર વર્ષ પહેલાંની છે તેની તમને જાણ ન હતી તો રાતોરાત તમને એવું સપનું તો આવે નહિં ને! એવો ક્યો પુરાવો તમારા હાથમાં આવ્યો જેથી તમને આ બાબતની જાણ થઇ? તમે આ વાત કોર્ટને જણાવો.‘ ધ્યેયએ સ્પષ્ટતા કરી તેથી કશિશના ચાહકોમાં રાહતની લાગણી ફેલાઇ ગઇ. જયારે રાહુલ સમજી ગયો કે ધ્યેયસર વાતને કંઈ દિશા તરફ ધકેલી રહ્યાં છે.

‘આ વાત મને અત્યારે સુધી પૂછવામાં જ આવી ન હતી. તેથી મેં કોર્ટને જણાવી નથી. હું વકીલ નથી સામાન્ય માણસ છું. હું જાણતી ન હોવ કે મારે શું કહેવું જોઇ ને શું ન કહેવુ જોઇએ.‘ કશિશે સચોટ જવાબ આપ્યો એથી ધ્યેય અંદરખાને રાજી થયો કે એ સાચા ટ્રેક પર છે. એના ચહેરા પર સમિત આવ્યું.

‘નામદાર...આ વાતની નોંધ કરવામાં આવે કે બચાવપક્ષના વકીલે જાણીજોઇને આ વાત ફરિયાદીને પૂછી ન હતી. કારણ કે તેઓ પુરાવા રજુ કરવા ઇચ્છતા ન હતા. કોર્ટને તેઓ ગેરમાર્ગે દોરવા ઇચ્છતા હતા.‘

જજે આ વાત નોંધ કરતાં હતાં અને,

‘ઓબ્જેકશન માય લોર્ડ...ફરીયાદીના વકીલ ખોટી રીતે અમારા પર આરોપ લગાવી રહ્યાં છે. એવો કોઇ પત્ર મળ્યો જ નથી તો પુરાવો હોવાની વાત જ વાહિયાત છે..‘ નિતિનભાઇ તરત પોતાના અસીલનો બચાવ કર્યો,

‘ઓબ્જેક્શન ઓવરરુલ્ડ..‘ જજે નિતિનભાઇના વાંધાને નકારી કાઢયો. એટલે ધ્યેયએ પોતાની વાત આગળ વધારી.

‘હા..તો કશિશબહેન તમને તેર વર્ષ પછી કેવી રીતે ખબર પડી કે તમને મડિકલમાં એડમિશન મળ્યું હતું?‘

એના જવાબમાં કશિશે અગાઉ ધ્યેયને કહ્યું હતું તે મુજબ આખી ઘટના કોર્ટને સંભળાવી કે એ એના પપ્પાના ઘરે રહેવા ગઇ હતી ત્યારે એની ભત્રીજી સાથેની વાતચીતમાં હકીકત બહાર આવી કે કશિશને જેટલાં માર્કસ બાર સાયન્સમાં આવ્યાં હતાં તે મુજબ તો એને મેડિકલમાં એડમિશન મળવું જોઇએ. કારણકે એની ભત્રીજીની ફ્રેન્ડના કાકાને એટલાં ટકામાં એડમિશન મળ્યું હતું. પહેલીવાર ત્યારે કશિશને ડાઉટ ગયો કે એની સાથે ચિટિંગ થયું છે. એટલે પછી એણે એના ફાધરને પુછયું તો એમનું વર્તન શંકાજનક હતું. કશિશે ઘરમાં તપાસ કરી તો એના હાથમાં મેડિકલ કોલેજનો ઇન્ટરવ્યુ લેટર આવ્યો હતો.

‘તમને એ પત્ર ક્યાં મળ્યો હતો?‘

‘જી, મને એ પત્ર મારા પપ્પાના વોર્ડરોબમાં રહેલા મારા મમ્મીના જ્વેલરી બોક્ક્ષમાંથી મળ્યો હતો.

‘તમે એ પત્રનું પછી શું કર્યુ?‘

‘જી..મેં વાંચીને ત્યાં જ મૂકી દીધો.‘

‘તમે એ પત્ર ત્યારે જ કેમ નહીં લઇ લીધો?‘ ધ્યેય કોર્ટ સામે વધુ માહિતી લાવવા સવાલ પૂછયો.

‘જી...મને ખબર ન હતી કે એ પત્ર ગુમ થઇ જશે કે ભવિષ્યમાં મારે તેનું કામ પડશે.‘ કશિશે પોતાની કેફિયત રજુ કરી એટલે ધ્યેય સુકાન સંભાળી લીધું.

‘નામદાર,આરોપીએ જે પુરાવાને જાણીજોઇને છુપાવ્યો છે કે રજુ નથી કર્યો તેની નકલ મે કોલેજમાંથી મેળવી છે. તેની સાથે જરુરી ડોક્યુમેન્ટસ પણ રજૂ કર્યા છે. મારી અરજ છે કે કોર્ટ ઝેરોક્ષ નકલને અસલ પત્રની અવેજીમાં મંજૂર રાખે.‘

એક મહત્વનો પુરાવો રહી ગયો હતો તેને કોર્ટ સામે અલગ રીતે રજૂ કરીને ધ્યેય કેસ વધુ મજબુત કરી દીધો. કોર્ટે એને પુરાવા રુપે સ્વીકારી લીધો.

નિતિન લાકડાવાલા આ આરોપના બચાવમાં કશું ખાસ કહી શક્યા નહી. એમણે ફકત એક વાતનું રટણ કર્યા કર્યું કે આ વાત તદ્દન ઉપજાવી કાઢેલી છે. મડિકલ કોલેજમાંથી આવો કોઇ પત્ર આવ્યો જ નથી. ‘સર..આવો કોઇ પત્ર કોલેજમાંથી આવ્યો જ નથી. ફરિયાદીના વકીલ મનઘડંત કહાનીઓ દ્વારા કોર્ટનો સમય વેડફી રહ્યાં છે.

કોર્ટમાં નિતિનભાઇની દલીલ પૂરી થઇ તે સાથે તે દિવસની કાર્યવાહી પૂરી થઇ. કોર્ટે બન્ને પક્ષની મંજુરી લઇને નેકસ્ટ ડેટ ૧૫ ઓક્ટોબર આપી.

‘તે તો યાર મને ગભરાવી જ નાંખી હતી...સીધો સવાલ કર્યો કે મેં કોર્ટથી કશું છુપાવ્યું છે.‘ કોર્ટરુમની બહાર નીકળીને કશિશે કહ્યું એટલે ધ્યેય હસ્યો.

‘થોડું એવું કરવું પડે. વાતની રજુઆત અરસકાર થવી જોઇએ.‘ ધ્યેય એને વાત સમજાવી. કોર્ટમાં કેવી રીતે આવી રમત ચાલતી હોય એની સમજ પાડી.

‘મેં તને પહેલાં એટલે કહ્યું ન હતું કારણ કે તો તું કોન્સિયસ થઇ જાય તો ખબર પડી જાય કે મેં તને પઢાવી હશે.‘

‘જો મેં લોચા માર્યા હોત તો?‘ કશિશે એની સામે નજર માંડી.

‘તો હું પહોંચી વળતે...બાકી મને તારા પર વિશ્વાસ હતો કે તું આમ જ જવાબ આપીશ...આટલાં વર્ષો થયા હવે તો તને જાણું ને!‘

‘તને જાણું છં.‘ આ વાક્ય કશિશને સ્પર્શી ગયું. એક કૌશલ હતો જેની સાથે જિંદંગીના બહેતરીન સાત વર્ષ પસાર કર્યા પણ એ એને જાણી શક્યો નહીં. એણે ધ્યેય સામે જોયું, એની નજરમાં પારાવાર વિશ્વાસ છલકતો હતો. એ વિશ્વાસની હેઠળના સ્નેહને કશિશ માપી શકતી હતી. કશિશ એ સ્નેહને ઝીલતી રહી. બન્ને એકબીજા સામે જોઈ રહ્યાં હતા. ધ્યેય સહેજ કશિશ તરફ આગળ વધ્યો એનો હાથ પકડવા જતો હતો ત્યાં....

કામિની સંઘવી

(ક્રમશ:)