dilni lagni books and stories free download online pdf in Gujarati

દિલની લાગણી

દિલની લાગણી



૧૮/૦૬/૨૦૨૦
૧૨:૩૦ એ.એમ



દિલની લાગણીઓ નદીનાં વહેતાં પ્રવાહ જેવી હોય છે. તેમાં ફરક બસ એટલો જ હોય છે કે, નદીનાં પ્રવાહ આડે પથ્થર મૂકો તો પણ એ તેની ઉપરથી થઈને વહે છે. પણ રોકાતી નથી. પણ લાગણીઓનું એવું હોય છે, કે કોઈ તેને દુભાવી ને તેનાં આડે દર્દરૂપી પથ્થર મૂકે, તો એ લાગણી આગળ વહી નથી શકતી. તેની અંદર અનેકો સવાલ ઉભા થાય છે.

એ સવાલો દિલ અને મન વચ્ચે લડાઈ કરાવે છે. મન કહે છે કે, જે તને પ્રેમ નથી કરતાં. તને હેરાન કરે છે. જેને તારાં હોવાં કે નાં હોવાથી કોઈ ફરક જ નથી પડતો. એવાં લોકો સાથે શાં માટે રહેવું?? એવાં લોકોથી તો દૂર થઈ જવું જ સારું!! પણ દિલ એવું કહે કે, તને કોઈ પ્રેમ કરે કે નાં કરે, પણ તું બીજાં જેવું શાં માટે કરે છે?? તું તો બધાંને પ્રેમ આપી જ શકે ને!! કોણ શું કરે છે?? એનાંથી તને કોઈ ફરક નાં ‌‌‌‌‌‌‌‌‌‌‌‌પડવો જોઇએ. તારે શું કરવું છે?? એ વાત જ તારાં માટે મહત્વની હોવી જોઈએ. આમ દિલ અને મનની લડાઈ વચ્ચે જીત હંમેશાં દિલની જ થાય છે‌.

પણ, દુનિયા કહે છે કે, ક્યારેક મનનું પણ માની લેવું જોઈએ. હાં, એક વાત સાચી ને સ્પષ્ટ છે, કે જે લોકો આપણાં છે, એ આપણને તકલીફ આપે તો પણ આપણે તેનાંથી દૂર નાં થવું જોઈએ. પણ શું જીવનમાં આગળ વધવા હંમેશા કોઈનો સાથ હોવો જરૂરી છે? શું એકલાં આગળ નાં વધી શકાય?? માન્યું કે બધાં એવું માને છે, કે જીવનમાં મિત્રો અને લાઈફ પાર્ટનર તો હોવાં જ જોઈએ. એમાં એક વાતથી હું પણ સહમત છું, કે મિત્રો હોવાં જોઈએ. પણ શું લાઈફ પાર્ટનર સારો નાં હોય, તો પણ એનો સાથ એટલો બધો જરૂરી છે? શું એકલાં જીવન નાં વિતાવી શકાય?? ‌‌‌‌‌‌‌‌‌‌‌આપણે પૃથ્વી પર એકલાં જ આવ્યાં હતાં, ને એકલા જ જવાનાં છીએ. તો જન્મ અને મરણ વચ્ચેના જીવન ગાળામાં કોઈનાં સાથની જરૂર શાં માટે પડે છે?? અને જો કોઈનો સાથ એટલો બધો જરૂરી છે, તો એ વ્યક્તિ આપણને અધવચ્ચે છોડીને શાં માટે જાય છે??

હાં, માન્યું કે, કોઈ વ્યક્તિ હંમેશા આપણી સાથે નાં રહી શકે‌. પરિવર્તન સંસારનો નિયમ છે. પણ જ્યારે કોઈ છોડીને જાય, ત્યારે એ એમ કહે કે, હવે મને તારી સાથે નથી ફાવતું, આમ પણ તારે મારાથી અલગ જ થવું હતું, તો હવે આપણા રસ્તા અલગ!! માત્ર આટલું કહીને કોઈ વ્યક્તિ દૂર થઈ જાય, તો એ કેવી રીતે સ્વીકારી લેવું? તેનાં માટે તો એટલું કહેવું અલગ થવા માટે પૂરતુ હોય છે‌.પણ આપણે શું ઈચ્છીએ છીએ? એ જાણ્યાં વગર જ એ આપણાથી દૂર થઈ જાય, તો એ કેમ કરી સહન કરવું?? બે વ્યક્તિ સાથે રહે ત્યારે એકબીજાની મંજૂરી જાણીને સાથે રહે છે, તો અલગ થતી વખતે કોઈ શાં માટે પૂછતું નથી?. હાં, માન્યું કે, એની કોઈ મજબૂરી હોય. પણ શું દુનિયામાં એવી કોઈ મજબૂરી છે ખરી, કે જેનું કોઈ સમાધાન જ નાં હોય!! શું એવું કોઈ કારણ છે ખરું, કે જેનું કોઈ નિરાકરણ જ નાં હોય!!

જીવનમાં બધાનાં રસ્તા અલગ હોય છે. બધાનાં વિચારો અલગ હોય છે. જ્ઞાતિ, ધર્મ, રિતરિવાજો બધું અલગ હોય છે. પણ માણસ તો આખરે માણસ જ હોય છે ને!! તો તેનાં જીવનને કોઈ અન્ય વ્યક્તિ આવીને વેરવિખેર કરી જાય, તો એ કેમ કરી સ્વીકારી લેવું?? ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌સાથે રહેતી વખતે અનેકો વચન આપવામાં આવે છે. કેટલાંય હક આપવામાં આવે છે. જેની ઉપર બંનેનો સમાન અધિકાર હોય છે. તો એ કોઈ એક વ્યક્તિ આપણી પાસેથી કેવી રીતે છીનવી શકે?? હાં, માન્યું કે, પ્રેમ રસમો કસમો ની પરે છે. તો પણ આપણે લગ્ન વખતે બધી રસમ નિભાવીએ છીએ. વચનો પણ આપીએ જ છીએ. તો કોઈને એને એકલાં હાથે તોડવાનો અધિકાર તો નથી જ!!

ખેર, આ તો થઈ મારાં વિચારોની વાત. આમાં દરેકનાં અભિપ્રાય સરખાં નથી હોતાં. જેમ મેં કહ્યું એમ બધાં છે તો માણસ જ પણ બધાનાં રૂપ, રંગ, કદ, આકાર, વિચાર બધું જ અલગ હોય છે. પણ સમય સમયનું કામ કરે છે. સમય પ્રેમ પણ કરાવે છે, સમય અલગ પણ કરે છે, સમય દર્દ પણ આપે છે,, ને સમય તે દર્દને ભરવામાં મદદ પણ કરે છે. પણ જે થાય એ ક્યારેય ભૂલાતું નથી. ને તેને ભૂલવાની વ્યર્થ કોશિશ પણ નાં કરવી. કેમ કે એ દર્દ, પ્રેમ અને લાગણી જ તમને આગળ વધવાનો માર્ગ પણ બતાવે જ છે.

કોઈ પણ સંબંધને બાંધી નાં શકાય. જો તેને બાંધીને રાખીએ તો એમાં માણસ પ્રેમ કરતાં ગુંગળામણ અનુભવવા લાગે છે. પણ જો સંબંધ બે વ્યક્તિની મંજૂરીથી ચાલે છે, તો તેને તોડવા પણ બંનેની મંજૂરી મહત્વની છે. એ વાત પણ ભૂલી નાં શકાય.





માણસનું દિલ લાગણીનો દરિયો છે,
તેને હંમેશા વહેતો રાખવો..

માણસનું મન બહું ચંચળ હોય છે,
તેને હંમેશાં કાબૂમાં રાખવું..

દરેક માણસમાં પ્રેમભાવ હોય છે,
તેને દરેકે સમજવો જોઈએ..

દરેક માણસની અંદર ક્રોધ હોય છે,
તેનું નિયંત્રણ રાખવું જોઈએ..

સૃષ્ટિમાં પરિવર્તન જરૂરી હોય છે,
એ માણસે સ્વીકારવું જ રહ્યું..

કુદરત થકી આપણું અસ્તિત્વ છે,
એ માણસને માનવું જ રહ્યું..





Written by a thoughtful girl ✍🏻