Yog-Viyog - 12 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 12

યોગ-વિયોગ - 12

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ - ૧૨

નિરવના મગજમાં મગજમાં વસુમાના ઘરના ડ્રોઇંગરૂમમાં વર્ષોથી એકધારો લટકતો એક બ્લેક ઍન્ડ વ્હાઇટ ફોટો ઝૂલી રહ્યો હતો...

એનું મગજ જાણે કામ કરતું અટકી ગયું હતું.

“તમે ?!!...” એણે સૂર્યકાંત તરફ એવી રીતે જોયું જાણે હમણાં જ બેભાન થઈ જશે. એ તદૃન બીજી દુનિયામાં હોય એમ અન્યમનસ્ક હતો. ઘડીભર પહેલાંનો રોમાન્સ આ બે રાખોડી આંખોમાં ડૂબવાની-તરવાની ઝંખનાની ક્ષણો અને લક્ષ્મીનું રણકતું હાસ્ય જાણે ભૂંસાઈ ગયું હતું, કાચની દીવાલ પરના ભેજની જેમ.

પેલે પારનું દૃશ્ય સ્પષ્ટ થયું હતું અને એ દૃશ્યમાં જે દેખાતું હતું એ મન કે બુદ્ધિ કોઈ માની શકે તેમ નહોતું.

“ત...તમે ?!” એણે ફરી પૂછ્‌યું.

“આ મારા ડેડી છે. સૂર્યકાંત મહેતા. અમે અમેરિકાથી આવ્યાં છીએ. ન્યૂયોર્ક.” લક્ષ્મીએ કહ્યું અને પછી સૂર્યકાંત સામે જોઈને ફરી એક વાર હસી પડી, “ડેડી, આ..., આમને એમનું નામ યાદ નથી આવતું ! સ્કેચિઝ બહુ સારા કરે છે અને મને પેલું પુસ્તક- ઝાહેર- એમણે જ આપ્યું છે.”

નિરવ હજીયે એકીટશે સૂર્યકાંત સામે જોઈ રહ્યો હતો.

એણે લક્ષ્મીની વાત સાંભળી, પણ કોઈ પ્રતિભાવ આપ્યા વગર સૂર્યકાંતની આંખમાં આંખ નાખીને જોયું.

“તમે ક્યાં હતા આટલાં વર્ષ ?” એણે પૂછ્‌યું. સૂર્યકાંતને જાણે ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય એમ એ ચોંક્યા.

લક્ષ્મી પણ ચોંકી.

“તમે ડેડીને ઓળખો છો ?” એણે નિરવને પૂછ્‌યું, પણ નિરવ માટે તો એ પળે સૂર્યકાંત મહેતા સિવાયની કોઈ વ્યક્તિ ત્યાં હાજર જ નહોતી.

“ક્યાં હતા તમે ? આટલાં વર્ષ ? તમને તમારી પત્નીની, તમારા પરિવારની યાદ ન આવી ?” નિરવે પૂછ્‌યું.

“બેટા...” સૂર્યકાંતે નિરવના ખભેહાથ મૂક્યો, “મારો વિશ્વાસ કરી શકે તો કરજે, પણ એક ક્ષણ એવી નથી કાઢી જ્યારે તમને યાદ ન કર્યા હોય.”

“એમ ?” નિરવ ખડખડાટ હસી પડ્યો, “તો કહો જોઉં, હું કોણ છું ?”

“અ....અ... અજય ?” સૂર્યકાંતે ડરતાં ડરતાં પૂછ્‌યું.

નિરવ હજી હસી રહ્યો હતો, પણ એનું આ હાસ્ય કોઈ નિર્દોષ, નિખાલસ, આનંદી હાસ્ય નહોતું. એના હાસ્યમાં વ્યંગ હતો, તિરસ્કાર હતો. એક એવું તીર હતું જે સૂર્યકાંતની છાતીમાં સોંસરું ઊતરી ગયું હતું.

“સાચું કહું ? મને તમારી દયા આવે છે. સગો બાપ પોતાના દીકરાને ઓળખી ના શકે એનાથી વધુ કરુણ સ્થિતિ શું હોઈ શકે?”

સૂર્યકાંત થોડી વાર ચૂપ રહ્યા.

એમને હાથ નિરવના ખભે જ હતો. એમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. લક્ષ્મી બંનેને જોઈ રહી હતી.

નિરવ સૂર્યકાંતની આંખોમાં જોઈ રહ્યો હતો. એનું લોહી ઊકળી ઊઠ્યું હતું. અલયનો આટઆટલા વર્ષનો તરફડાટ, એની પિતા પ્રત્યેની નફરત, એના સવાલો અને સૂર્યકાંત મહેતાને ન સ્વીકારવાની એની જીદ જાણે નિરવની આંખોમાં ઝેર બનીને ઊતરી આવી હતી...

“નથી ઓળખતો...” સૂર્યકાંતની આંખો એકદમ તરલ, એકદમ ભાવુક થઈ આવી. “અને એ મારો ગુનો પણ છે. એ વાત પણ સ્વીકારું છું. તો શું કરું ? બોલ... તું સજા આપ...”

“સજા ?સજા આપનાર હું કોણ ?” નિરવે કહ્યું... પણ એના અવાજમાં ભારોભાર કડવાશ હતી.

“કેમ ? તું દીકરો છો મારો ! હું તારો પણ ગુનેગાર છું.” સૂર્યકાંતે કહ્યું.

લક્ષ્મીનું હૃદય જાણે એક ધડકારો ચૂકી ગયું... “સૂર્યકાંત મહેતાનો દીકરો ? આ માણસ...!!” હજી પાંચ-સાત મિનિટ પહેલાં જે માણસ એના મન અને મગજનો કાબૂ લેવા માંડ્યો હતો... જેને જોઈને એના શ્વાસ તેજ થવા લાગ્યા હતા... જે એને જોઈને પોતાનું નામ ભૂલવા લાગ્યો હતો... એ માણસ, સૂર્યકાંત મહેતાના પ્રથમ લગ્નનું સંતાન હતો ? એટલે એનો ભાઈ ?

“ઓહ નો !” લક્ષ્મીના મનમાંથી ઉદ્‌ગાર નીકળી ગયો.

“બોલ બેટા ! શું સજા કરે છે આ તારા ગુનેગાર બાપને ?” સૂર્યકાંતનું ગળું તરડાવા લાગ્યું હતું. ડેડી જાણે હમણાં જ રડી પડશે એવું લક્ષ્મીને લાગ્યું.

“પણ સજા કરે એ પહેલાં મારી વાત તો સાંભળીશ ને ? હું ગયો હતો - ઘરે. શ્રીજી વિલા ! મને ત્યાંથી ખબર પડી કે વસુ તો મારું શ્રાદ્ધ કરવા હરિદ્વાર...” સૂર્યકાંતનું ગળું રુંધાઈ ગયું. એમણે વાક્ય અધૂરું જ છોડી દીધું.

“અચ્છા ! તો આ વાત હતી ! જે વાતે ડેડી વિલે પાર્લેથી પાછા આવીને આટલા વિચલિત - આટલા ગૂંચવાયેલા અને આટલા ડિસ્ટર્બ લાગતાહતા.” લક્ષ્મીનો મનોમન સંવાદ ચાલુ હતો. “એ લોકોએ રાહ પણ ના જોઈ ? આટલાં વર્ષ રાહ જોયા પછી બે દિવસ વધારે રાહ જોતાં શું તકલીફ પડી હોત...” એના મનમાં સવાલ-જવાબ ચાલતા હતા. એની નજર સૂર્યકાંત અને નિરવના ચહેરા પર વારાફરતી બદલાતા રંગો જોઈ રહી હતી.

જે માણસ એક પળ પહેલાં સાવ ઘેલો, પાણીની જેમ ખળખળ વહેતો લાગ્યો હતો લક્ષ્મીને, એ માણસના ચહેરા પર આવી ગયેલા નફરત અને કડવાશના રંગોએ જાણે આખેઆખો માણસ જ બદલી નાખ્યો હતો.

“તો ? શું કરે બીજું ?” નિરવે સૂર્યકાંતને પૂછ્‌યું.

“હા- સાચી વાત છે. શું કરે બીજું ?” સૂર્યકાંત જાણે વધુ ને વધુ નરમ, વધુ ને વધુ નાના થઈને વાત કરતા હતા. લક્ષ્મીએ પોતાના ડેડીને હંમેશાં એક સફળ, પ્રતિભાવંત, લાગવગ ધરાવતા, સત્તાધારી વ્યક્તિ તરીકે જોયા હતા. એ જ ડેડી, આજે જાણે પરિસ્થિતિની સામે ઘૂંટણિયે પડી, માથું નમાવી કરગરતા હતા.

લક્ષ્મીથી આ ન જોવાયું. એની આંખોમાં આંસુ ધસી આવ્યાં.

એ પણ જાણતી હતી, સમજતી હતી કે એના પિતાએ જે કર્યું હતું એ અક્ષમ્ય હતું. એમનાં સંતાનોની જગ્યાએ પોતે હોત તો પણ આમ જ વર્તી હોત ! અને છતાં, એના ડેડી... એના હીરો... એના આઇડિયલ પુરુષને કોઈ આટલો નાનો બનાવી નાખે એ વાત એના મનને મંજૂર નહોતી જ !!

“થોડી રાહ જોઈ હોત તો... આમ, સાવ શ્રાદ્ધ કરીને કોઈને...” એનાથી બોલ્યા વિના ના રહેવાયું.

“રાહ ?!” નિરવે હવે નિશાન લક્ષ્મીની આંખોમાં તાક્યું. “પચીસ વર્ષથી વધુ કેટલી રાહ જુએ કોઈ ? તમે એમની જગ્યાએ હોત તો...” નિરવે સીધો જ સવાલ પૂછ્‌યો.

“અ...બ...” લક્ષ્મી ગૂંચવાઈ.

“ચાર સંતાનો- અને પચીસ લાંબા એકલતાનાં વર્ષો... મેડમ, આ કોઈ ફિલ્મની વાર્તા કે નવલકથા નથી. જિંદગી છે. ઝેર જેવી કડવી અને સોયની જેમ પેસી જાય એવી તીણી...” નિરવ બોલતો જતો હતો. સૂર્યકાંતની આંખમાં ક્યારનાં રોકી રાખેલાં આંસુ ધસી આવ્યાં હતાં હવે... “તમારો દેશ નથી આ. અહીં એકલી જીવતી સ્ત્રી માટે કેવા પ્રશ્નો અને સમસ્યાઓ હોય એ તમને ક્યારેય નહીં સમજાય...”

“એને ભલે ના સમજાય. મને સમજાય છે બેટા... વસુનું દુઃખ પણ - ને મારી ભૂલ પણ.” સૂર્યકાંતે કહ્યું આંસુ ભરેલી આંખે.

“વાહ ! કેટલું ઝડપથી સમજી ગયા તમે ?” નિરવે ગુસ્સામાં કહ્યું અને એનાથી કંઈ બોલાઈ જાય કે ખરાબ વર્તાઈ જાય એ બીકે ત્યાંથી જવા લાગ્યો.

સૂર્યકાંતનો હાથ હજી એના ખભા ઉપર જ હતો. એમણે હાથની પકડ મજબૂત કરી, એને રોકવા.

“પણ બેટા, મોડો તો મોડો, હું આવ્યો તો ખરો ને ? વસુને એનો હક આપવા. તમને સૌને તમારા ભાગનો ન્યાય અને વહાલ આપવા...”

“મોડો મળેલો ન્યાય અને અન્યાયમાં ઝાઝો ફરક નથી શ્રી સૂર્યકાંત મહેતા... જસ્ટિસ ડિલેઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ !” ખભા પરનો હાથ ખસેડી નિરવે કહ્યું, “અને તમે જ્યારે ન્યાય - હક આપવા આવ્યા છો ત્યારે એમને એ સ્વીકારવો છે કે નહીં, એ પૂછ્‌યું છે ખરું ?”

“દીકરા મારા, તારી માએ જાતે જાહેરાત આપીને મને બોલાવ્યો છે...” સૂર્યકાંત મહેતાએ ફરી એના ખભે હાથ મૂક્યો. “હું આવ્યો છું - માફી માગવા અને તમે સૌ જે સજા આપો તો ભોગવવા...”

“સૉરી સર ! હું તમારો દીકરો નથી.” નિરવે ખભેથી ફરી હાથ ખસેડી નાખ્યો અને ઉમેર્યું, “અને જો તમારો દીકરો હોત તો પણ - તમે માફી માગો એટલે તમને માફ કરી જ દેવા, અથવા તમે આવ્યા છો એટલે આવકાર આપવો જ એવું હું નથી માનતો. ને રહી વાત સજાની, તો તમે જે ગુનો કર્યો છે એને માટે જગતની કોઈ પણ સજા નાની જ પડત...” નિરવે કહ્યું.

“દીકરો નથી...” સાંભળતાં જ લક્ષ્મીને જાણે હાશ થઈ.

“ઓહ !” સૂર્યકાંતે ઉદ્‌ગાર કાઢ્યો, “તો... તો કોણ છે બેટા તું ? અને મારે વિશે આટલું બધું કઈ રીતે જાણે છે ? એ પરિવાર સાથે શું સંબંધ છે તારો ? બધાં કેમ છે ? મારા દીકરાઓ શું કરે છે ? અંજલિ... અંજલિ તો મોટી થઈ ગઈ હશે નહીં ?” સૂર્યકાંત તો હજીયે બોલ્યા જ કરત પણ લક્ષ્મીએ વચ્ચે જ કહ્યું, “રૂમમાં જઈને વાત કરીએ ? આરામથી ?”

“ના.” નિરવે ઘડિયાળ જોઈ, “મને મોડું થાય છે. મારે ઑફિસ પહોંચવાનું છે.”

“પણ બેટા, તારું નામ - સરનામું- ફોન...” સૂર્યકાંતે જાણે લક્ષ્મીના મનની વાત પણ કહી દીધી.

“મારું નામ નિરવ ચોકસી છે. નિરવ વિષ્ણુપ્રસાદ ચોકસી, અને આ મારું કાર્ડ છે.” નિરવે કાર્ડ આગળ ધર્યું.

સૂર્યકાંતે કાર્ડ હાથમાં લીધું - ધ્યાનથી જોયું. પછી કાર્ડ જીન્સના પાછળના પૉકેટમાં મૂકી હાથ મિલાવ્યો.

“ઓ.કે. યંગમેન. નાઇસ મિટિંગ યુ.”

“ખરેખર ?” નિરવે એક છેલ્લું તીર છોડ્યું, “મને તો એમ કે મેં જે કંઈ કહ્યું એનાથી તમને દુઃખ થયું હશે, આઘાત લાગ્યો હશે. તકલીફ પહોંચી હશે...”

“તમે આટલી કડવાશથી કેમ વાત કરો છો ?” લક્ષ્મીએ હવે વાતમાં ઝૂકાવ્યું, “આખરે આપણે સૌ માણસ છીએ. ભૂલ થઈ ગઈ ડેડીની તો શું ?”

“તો - કંઈ નહીં...” નિરવે જવાની તૈયારી કરતાં ઉમેર્યું, “સામાન્ય રીતે નિયમ એવો હોય મેડમ, કે જે ભૂલ કરે એ જ સજા પામે. પણ અહીં ભૂલ તમારા ડેડીએ કરી છે અને એની સજા બીજાંને મળીને છે. એકને નહીં... અનેકને...” પછી સૂર્યકાંત સામે જોયું, “ગુડ બાય સર...”

“નિરવ બેટા, જો બને તો વસુનો સંપર્ક કર. એને જણાવ કે હું આવી ગયો છું. મુંબઈમાં !!”

નિરવે ફરી ઘડિયાળ જોઈ. એ જાણતો હતો કે મોડું નથી થયું. જો અલયને હમણાં જ મોબાઈલ પર સંપર્ક કરી શકાય તો વાત બદલાઈ શકે...

વસુમાને પાછાં બોલાવી શકાય એમ હતાં. હજીયે શ્રાદ્ધ તો આવતી કાલે સવારે થવાનું હતું...

જો વસુમાને ખબર પડે કે સૂર્યકાંત મહેતા જીવે છે અને એમને મળવા મુંબઈ આવી પહોંચ્યા છે તો એ શ્રાદ્ધની વિધિ ના કરે, સ્વાભાવિક જ હતું.

નિરવે સૂર્યકાંત સામે જોયું, “જોઉં છું. ફોન કરું છું.”

“મને નંબર આપ, હું વાત કરું. જાતે.” સૂર્યકાંતની ઉતાવળ સમજી શકાય એવી હતી ને છતાં -

“પચીસ વર્ષ સુધી આ ઉતાવળ ક્યાં હતી ?” એ વિચારે નિરવને ફરી એક વાર ચીડ ચઢી આવી.

“ના, હું કરીશ.” નિરવે કહ્યું. ઠંડકથી. “શ્રાદ્ધ તો કાલે સવારે કરશે - એ પહેલાં વાત કરી લઈશ હું.” અને હવે વાત વધે એ પહેલાં ત્યાંથી નીકળવા માગતો હતો, પણ સૂર્યકાંત એને આસાનીથી જવા દે એમ નહોતા.

એમણે ફરી એનો હાથ પકડી લીધો.

“બેટા, કોની પાસે છે ફોન ? અભય પાસે, અજય પાસે... અંજલિ ગઈ છે સાથે ?”

“અંજલિ પ્રેગનન્ટ છે. નથી ગઈ.” નિરવે કહ્યું.

“ઓહ ! એનાં લગ્ન થઈ ગયાં ?”

“હા-” નિરવે એકાક્ષરી ઉત્તર વાળ્યો, “તમારે એક ચોથું સંતાન પણ છે, તમને યાદ છે ખરું ?” નિરવથી પુછાયા વિના ના રહેવાયું.

“હા, જાણું છું. વસુ... મા બનવાની હતી. મારા ચોથા સંતાનની. જ્યારે હું...” સૂર્યકાંતની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.

“તમારે એના વિશે કંઈ નથી પૂછવું ?”

“શું પૂછું બેટા ? મને તો બધા વિશે -” સૂર્યકાંતને જોઈને નિરવને દયા અને તિરસ્કારની મિશ્ર લાગણી થઈ આવી...

“હું ફોન કરવાનો પ્રયત્ન કરીશ.” એણે કહ્યું અને હવે જરાય રોકાયા વિના ત્યાંથી ચાલી નીકળ્યો.

લક્ષ્મી અને સૂર્યકાંત બંને એને સડસડાટ ત્યાંથી જતો જોઈ રહ્યા.

રાતના અગિયાર વાગ્યા. અત્યાર સુધી કોઈ ને કોઈ રીતે જાણે ફોન ન કરવાનાં બહાનાં શોધતો રહ્યો.

સૂર્યકાંતથી છૂટા પડીને એ સીધો પોતાના ઑફિસે આવ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. છ વાગવાની તૈયારી હતી. ચોકસી સાહેબ ગમે તે પળે ટપકવા જ જોઈએ, એવું સ્ટાફની ડિલિપ્લિન અને ઑફિસના વાતાવરણ પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું !

નિરવ જેવો ઑફિસમાં દાખલ થઈને પોતાની કેબિનમાં બેઠો કે તરત ચોકસી સાહેબના પર્સનલ આસિસ્ટન્ટ સુરેશભાઈ ધસી આવ્યા...

“સારું થયું - તમે આવી ગયા તે !”

“કેમ ?” નિરવે પૂછ્‌યું, પણ આજે એનો મૂડ રોજની જેમ જૉક મારવાનો નહોતો એવો ખ્યાલ સુરેશભાઈને પણ આવી ગયો. એ નિરવ સામે જોઈ રહ્યા. રોજનો હસતો-રમતો આ છોકરો આજે જરા વધારે જ ગંભીર લાગતો હતો.

“કેમ ? કંઈ પ્રોબ્લેમ થયો છે ?” નિરવે સુરેશભાઈને પૂછ્‌યું.

“ના, ના. પ્રોબ્લેમ તો કંઈ નહીં, પણ સાહેબ આવી જાય તો...”

“તો ?” નિરવે ભવાં ઊંચક્યા.

“તો... તો પૂછે ને !” સુરેશભાઈએ કહ્યું.

“હા, મારી જાસૂસી કરવા સિવાય તમારા સાહેબને બીજું કામ ક્યાં છે ?” નિરવે કંટાળેલા અવાજમાં કહ્યું અને પછી ઊભેલા સુરેશભાઈને પૂછ્‌યું, “કંઈ કામ નહોતું ને ?”

“ના... ના...” કહીને સુરેશભાઈ બહાર નીકળ્યા.

એ પછી નિરવ અમસ્તો ફાઇલો ફેંદતો, જૂના અને નવા ટેન્ડર્સ, પ્રોજેક્ટ્‌સ પર કામ કરતો કલાકો બેસી રહ્યો.

વિષ્ણુપ્રસાદ ચોકસી આવ્યા. એમણે નિરવે આટલા ધ્યાનથી કાગળો જોતો ભાગ્યે જ જોયો હતો. એમને પણ નવાઈ લાગી.

એ સાડા આઠે ઘરે જવા નીકળ્યા ત્યારે નિરવને ઇન્ટરકોમ પર ઘરે આવવા અંગે પૂછ્‌યું, પણ નિરવે “કામ છે” કહીને ટાળી દીધું. સામાન્ય રીતે ભાગી છૂટવાના બહાના શોધતા દીકરાને આટલું કામ કરતો જોઈને વિષ્ણુપ્રસાદ મનોમન રાજી થતાં ઘરે જવા નીકળ્યા.

નવ... દસ... ને હવે અગિયાર વાગ્યા હતા. નિરવ હજી ઑફિસમાં જ બેસી રહ્યો હતો !! કોણ જાણે કેમ એનું મન અને મગજ જુદી જુદી દિશામાં દોડી રહ્યાં હતાં.

એનું મન, એને અલયની જેમ વિચારવા મજબૂર કરી રહ્યું હતું. એણે આટલાં વર્ષોની દોસ્તી દરમિયાન જોયેલો અલયનો એના પિતા પ્રત્યેનો તિરસ્કાર, એની કડવાશ- એને થયેલો અન્યાય અને જીવનના ડગલે ને પગલે અલયે ચૂકવેલી સૂર્યકાંતની ગેરહાજરીની કિંમતનો સરવાળો માંડીને એનું મન એને કહેતું હતું કે એણે ફોન ન જ કરવો જોઈએ. જે માણસે સૌને આટલાં વર્ષ તરફડાવ્યા એને એની સજા મળવી જોઈએ.

તો, બીજી તરફ એના મગજમાં વસુમાનો ચહેરો- એમની બે આંખો અને લાલચટ્ટક ચાંદલો દેખાતાં હતાં. એને કહેતાં હતાં કે એણે ફોન કરીને સૂર્યકાંતના મુંબઈ પહોંચ્યાના ખબર આપવા જ જોઈએ...

અજબ દ્વંદ્વ હતું- એનું મન ક્યારેક મગજ પર સવાર થઈ જતું તો ક્યારેક મગજ મન પર...

આખરે-

રાત્રે અગિયાર વાગ્યે એણે ફોન જોડ્યો.

અલય કનખલના ગંગાના કિનારે બેઠો હતો.

શ્રેયાથી લઈને સિનેમા સુધીના વિચારો એના મગજમાં ગંગાના પ્રવાહની જેમ ઉપર-તળે થતા હતા. ગંગાના આ ધસમસતા પ્રવાહની બંને તરફ પગથિયાંવાળા પ્લેટફોર્મ જેવા બાંધેલા હતા, જે છેક હરકી પૈડી સુધી સીધેસીધા ગંગાના પ્રવાહને સમાંતર ચાલ્યા જતા હતા. એના ઉપર મૂકેલી લેમ્પ પોસ્ટની લાઇટોનું અજવાળું પ્રવાહના અને પ્લેટફોર્મના સીમિત ભાગ પર પડીને એક વર્તુળ રચતું હતું ને આગળ જતાં ઝાંખું થઈને અંધારામાં ઓગળી જતું હતું. અજવાળાનો ટુકડો ધસમસતા પ્રવાહ પર જ્યાં પડતો ત્યાં પાણી સ્વચ્છ... સફેદ... ફિણવાળું દેખાતું અને બાકીનું પાણી કાળું ડિબાંગ અંધારું વહી જતું હોય એમ અવાજ કરતું આગળ વધતું જતું હતું...

અલય પાણીમાં પગ બોળીને પગથિયાં પર બેઠો હતો-

એના મનમાં વિચારો પણ પાણીની જેમ જ એક તરફથી ધસમસતા આવતા અને બીજી તરફથી નીકળી જતા. એના વિચાર પણ થોડા અજવાળિયા તો થોડા અંધારિયા હતા...

અલયના બધા જ વિચારો હરીફરીને સિનેમા સુધી આવતા હતા. સિનેમા ! સિનેમા ! સિનેમા !

ફિલ્મ બનાવવી અલયનું એકમાત્ર સપનું હતું. એ આઠ વર્ષનો હતો ત્યારથી માત્ર એક જ વિચાર કરતો... ફિલ્મ બનાવવાનો !

એની રમણ પણ ‘શૂટિંગ શૂટિંગ’ કે ઘરમાં પડદા બાંધીને સિનેમા થિયેટર બનાવવાની રહેતી. એ સમજણો થયો ત્યારથી શરૂ કરીને આજ સુધીની કોઈ પણ ફિલ્મ, એક જ વાર જુએ કે અલયને સીન-ટુ-સીન મોઢે થઈ જતી.

અલય માટે ફિલ્મ ક્યારેય મનોરંજનનો વિષય નહોતી બની શકતી- એ ફિલ્મ જોયા પછી એ ફિલ્મ વિશે એટલું બોલતો કે શ્રેયા અને નિરવ બંને એને હાથ જોડતા...

અલય અત્યારે ગંગાના કિનારે બેસીને પોતાની ફિલ્મ જોઈ રહ્યો હતો. શોટ-ટુ-શોટ !

અને, એને પોતાની ફિલ્મનાં દરેક પાત્ર જાણે જીવતાં થઈને દેખાતાં હતાં.

ખાસ કરીને અનુપમા !

અલય, સિનેમા અને અનુપમાને જુદાં પાડીને જોઈ નહોતો શકતો.

અને, અનુપમા ઘોષ નામની એ ૨૩ વર્ષની છોકરી.

એકલા અલયનું જ નહીં, સિનેમા સાથે જોડાયેલા, સિનેમા જોતા અને સિનેમા ન જોતા હોય એવા લોકોનું પણ સપનું હતી.

એક કરોડ રૂપિયાની હિરોઈન કહેવાતી- અનુપમા.

સહેજ ભીને વાન પણ જાણે નખશિખ માપ લઈને કોતરી કાઢી હોય એવી બેનમૂન હતી અનુપમા ! નિતંબથી લાંબા વાળ, નમણું નાક, પણછ જેવી ભ્રકૃટિ અને નીચે ચંચળ માછલી જેવી બે મોટી આંખો. માખી બેસે તો લપસી પડે એવી લિસ્સી ચમકતી ત્વચા અને બંગાળનું સમગ્ર નારીત્વ અને સૌંદર્ય એના શરીરમાં ઠાંસી ઠાંસીને ભરી આપ્યું હતું ઉપરવાળાએ ! માત્ર સુંદરતા જ નહીં, ટેલેન્ટ આપવામાં પણ ઈશ્વરે જાણે પક્ષપાત કર્યો હતો. ઉતમ અભિનેત્રી - અદ્‌ભુત નૃત્યાંગના હતી- અનુપમા ઘોષ. અનુપમા ઘોષના નામે સોળથી સાઇઠની ઉંમરના પુરુષ દર્શકોનો સિસકારો નીકળી જતો... એનાં સ્ત્રીદર્શકો એના બ્લાઉઝની પેટર્ન કે એના સલવાર-કમીઝના કટ માટે દરજીને ફિલ્મની સી.ડી. આપતા...

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઇતિહાસ બની ગઈ હતી એ છોકરી. પુરુષો જ્યાં રાજ કરતા એવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીરોથી વધારે પૈસા લેતી પહેલી અને કદાચ છેલ્લી હિરોઈન હતી એ !

સોળમે વર્ષે એની પહેલી ફિલ્મ રિલીઝ થઈ એ પછી છેલ્લાં સાત વર્ષથી ઇન્ડસ્ટ્રી પર રાજ કરતી હતી એ છોકરી !

મગજની ફરેલી હતી, મિજાજ ફાટીને ધુમાડે ગયો હતો એનો.

ખરાબ કે નબળી સ્ક્રિપ્ટ સાથે એને અપ્રોચ કરનારા પ્રોડ્યુસર્સની પાછળ કૂતરાં દોડાવ્યાના દાખલા હતા ઇન્ડસ્ટ્રીમાં ! એના મિજાજ અને મહત્ત્વાકાંક્ષાના નામે અનેક દંતકથાઓ કહેવાતી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. જીવતી-જાગતી એ છોકરી જાણે એક રહસ્યકથા બનીને રહી ગઈ હતી...

એના કુટુંબની વિગતો કોઈને ખબર નહોતી. મુંબઈમાં એકલી રહેતી. સેટ ઉપર સાથે આવતી એક આયા સિવાય એના કોણ સગા છે અથવા ઘરમાં કોણ છે એની કોઈને ખબર નહોતી...

કદી પાર્ટીમાં જતી નહોતી કે નહોતી કદી પાર્ટી આપતી !

એના સેટ પર પત્રકારોને દાખલ થવાની રજા નહોતી !

એક જ શિફ્‌ટમાં કામ કરતી !

સિદ્ધાંતો પણ જરા જુદા હતા એ છોકરીના, આમ એને ટૂંકાં કપડાં પહેરવા કે દેહપ્રદર્શન કરવા સામે વાંધો નહોતો, પણ ફિલ્મ ચલાવવા ખાતર કદીયે અનુપમાએ ઓઢણી પણ ઉડાડી નહોતી !

ફિલ્મના બધા પૈસા ઍડવાન્સમાં લેતી ! આપેલી ડેટ્‌સ અનિવાર્ય સંજોગો સિવાય શિફ્‌ટ ન કરવી એવી કડક સૂચના રહેતી! સાથે કામ કરતા કલાકારો- ખાસ કરીને હીરોને એના મેક-અપરૂમમાં દાખલ થવાની પરવાનગી લેવી પડતી...

ટૂંકમાં આ બધી વિચિત્રતાઓ સાથે અનુપમા ઘોષ સફળ હતી, ઇન્ડસ્ટ્રીમાં એક કહેવત હતી- ‘કોઈ પણ ફિલ્મની સફળતા બે જ વસ્તુ ઉપર આધારિત છે, કાં તો તમારી પાસે અનુપમા હોવી જોઈએ અને કાં તો એડલ્ટ ઓન્લીનું સર્ટિફિકેટ !’

અલય જાણતો હતો કે અનુપમા ઘોષ જો એક વાર હા પાડશે તો અલય માટે ફિલ્મ બનાવવી સાવ સરળ થઈ જશે. આમ તો સ્ક્રિપ્ટ એના ખિસ્સામાં હતી. શરૂઆતથી અંત સુધીની ડાયલોગ સાથેની કમ્પ્લિટ બાઉન્ડ સ્ક્રિપ્ટ ! અલય એ સ્ક્રિપ્ટ બીજાને આપવા નહોતો માગતો... અને આ ઇન્ડસ્ટ્રીમાં આવી રીતે ‘નવાસવા છોકરડા’ને તક આપવાનું રિસ્ક કોણ લે ?

એની પાસે નહોતું કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ કે નહોતો કોઈ અનુભવ. અલયે ફિલ્મી દુનિયામાં બે-ચાર મોટા કહેવાય એવા દિગ્દર્શકો સાથે કામ કર્યું હતું- એમના આસિસ્ટન્ટ તરીકે, પણ એને સમય સાથે સમજાયું હતું કે એ મોટા કહેવાય એવા દિગ્દર્શકો ન કોઈને ક્રેડિટ આપવામાં માનતા કે ન કોઈને આગળ વધવા દેવા માગતા હતા. એ લોકોને તો આસિસ્ટન્ટ - જીવનભર આસિસ્ટન્ટ જ રહે એમાં રસ હતો ! અલયની ટેલેન્ટ્‌સ કે એનું સજેશન આ મોટા કહેવાતાં નામો માટે ઇગો પ્રોબ્લેમનું કારણ બની જતું. જ્યારે પણ અલય કોઈ પણ સજેશન કરતો ત્યારે એના આ કહેવાતા સિનિયર માણસોએ એનું અપમાન જ કર્યું હતું...

અલય જ્યારે એકાંતમાં કોઈ સજેશન કરતો ત્યારે એના સજેશનની ઠોકડી ઉડાવવામાં આવતી. એને નીચો પાડવામાં આવતો અને પછી કેમેરા એન્ગલમાં, સ્ટોરીમાં કે લાઇટિંગમાં કરવામાં આવેલું એ જ સજેશન દિગ્દર્શક પોતાના નામે ચડાવીને વાહ વાહી લૂંટતા ! અલય ગળા સુધી આવી ગયો હતો આ દંભી અને બેમોઢાળી દુનિયાથી...અલયે ધીરે ધીરે સમય સાથે એવું નક્કી કર્યું કે એ હવે કોઈના હાથ નીચે કામ નહીં કરે. સ્વતંત્ર રીતે પોતાની ફિલ્મ બનાવશે. એને માટે પાંચ વર્ષ રાહ જોવી પડે તો પણ એ જોવા તૈયાર હતો !

અલયની ફિલ્મ બને અને એ સફળ થાય એની રાહ અલય તો જોતો જ હતો, સાથે સાથે શ્રેયા પણ એની રાહ જોતી હતી. બંનેએ મળીને એવું નક્કી કર્યું હતું કે જ્યાં સુધી અલયની પહેલી ફિલ્મ રિલીઝ ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવાં...

ક્યારેક અલય અકળાઈ જતો. “હવે બાકી શું છે લગ્ન કરવામાં? માત્ર કાગળિયા કે વિધિ ? પરણી જા મને, આમ પારકા બેડરૂમમાં, બીજાના ઘરે તું મને મારી પોતાની નથી લાગતી...”

ને શ્રેયા કહેતી, “અલય, આ તરસ, આ અધૂરપ તને ધીમે ધીમે વધુ ને વધુ મજબૂતીથી તારા ધ્યેય તરફ ધકેલશે. તું શું માને છે ? ંમને તારી સાથે નથી જીવવું ? પળેપળ મને તારી પત્ની બનીને જીવવું છે, તારા કરતાં વધારે ઉતાવળ છે મને. મારે તારા પડખામાં, તારા ઘરમાં તારી સાથે તારા બેડરૂમમાં સૂવું છે... પણ અલય, હું તારી અંદર કશું અધૂરું રાખવા માગું છું, જે તને વારે વારે તારા ગૉલની, તારા ધ્યેયની યાદ અપાવ્યા કરે !”

શ્રેયા અને નિરવ બંને જણા અલયની પહેલી ફિલ્મ રિલીઝ થાય એ માટે પોતાનાથી શક્ય તમામ પ્રયત્નો કરી રહ્યા હતા. પ્રોડ્યુસર્સને કૉન્ટેક્ટ કરવાથી શરૂ કરીને અલયને પટાવીને એની સ્ક્રિપ્ટ સંભળાવવા માટે મોકલવા સુધીનું બધું જ બંને જણા કરી ચૂક્યા હતા, પણ આજ સુધી કોણ જાણે કેમ અલયનું નસીબ જાગ્યું નહોતું !

આજે ગંગાના કિનારે બેસીને અલય વિચારી રહ્યો હતો, “એક વાર અનુપમા હા પાડેને તો બાકી દુનિયા જખ મારે છે. અનુપમાના સાઇન કરેલા કોન્ટ્રેક્ટ ઉપર હું દુનિયાનો કોઈ પણ પ્રોડ્યુસર પટાવી લાવીશ.”

પણ અનુપમાના કિલ્લામાં દાખલ થવું સહેલું નહોતું. પહેલા એનો સેક્રેટરી, પછી એનો પર્સનલ આસિસ્ટન્ટ અને પછી એનો સ્ક્રિપ્ટ વાંચીને અનુપમા સુધી પહોંચાડનારો એક ખાસ માણસ. આ ત્રણ જણાને વટાવીને કદાચ અનુપમા સુધી પહોંચી પણ જવાય તોય એ સ્ક્રિપ્ટ હાથમાં લે એવી કોઈ ખાતરી નહોતી અને એક વાર જો એ ના પાડી દે તો એની હા નહીં થાય એવી અલયને ખબર હતી ! છેલ્લા એક વર્ષથી અલય અનુપમા સુધી પહોંચવાનો કોઈક રસ્તો શોધી રહ્યો હતો - યેનકેન પ્રકારેણ.

એને ખબર હતી કે એની ફિલ્મ જગતની સફળતાની સીડીના પહેલા પગથિયાનું નામ અનુપમા ઘોષ હતું !

ગંગાનો પ્રવાહ અલયની સામે ધસમસતો વહી રહ્યો હતો. એણે ઘડિયાળ જોઈ. અગિયાર ને દસ. અચાનક એની નજર પડી, એના મોબાઈલ પર. બે મિસ્ડ કૉલ હતા ! નિરવના !

‘અત્યારે ? કંઈ પ્રોબ્લેમ હશે ?’

એણે ફોન ઊંચક્યો અને નિરવને લગાડ્યો.

“હલ્લો...” નિરવના અવાજમાં ઉચાટ હતો.

“બોલ...”

“તું એકલો છે ને ?”

“ના, અનુપમા છે મારી સાથે...” જોરથી હસ્યો અલય. પણ નિરવે સામે પડઘો ના પાડ્યો. અલયને સહેજ નવાઈ લાગી.

“શું થયું છે ? તું મૂડમાં નથી...”

“એક ખાસ વાત કરવી છે.”

“બોલ... વિષ્ણુપ્રસાદે પજવ્યો લાગે છે. હું બહારગામ જાઉં એટલે એમને છૂટો દોર મળી જાય છે. આવીને જરા ઠમઠોરવા પડશે.” અલયે ફરી જૉક માર્યો.

“વિષ્ણુપ્રસાદની વાત છોડ. સૂર્યકાંત મહેતા મુંબઈમાં છે.” નિરવે સીધે મૂળ મુદૃો પકડ્યો.

“તને કેવી રીતે ખબર ?”

“હું મળ્યો એમને !”

“તો ?”

ખાસ્સી ક્ષણો સુધી ચૂપ રહ્યા પછી નિરવે કહ્યું, “એ ઘરે ગયા હતા. એમને શ્રાદ્ધની વાત ખબર પડી ગઈ છે.”

“આ બધું તું મને શું કામ કહે છે ?”

“એ મુંબઈમાં હોય છતાં શ્રાદ્ધ...”

“માત્ર વિધિ... શ્રાદ્ધ તો પચીસ વર્ષ પહેલાં પતી ગયું હતું.” અલયે વચ્ચે જ વાત કાપી નાખી. “બીજું કંઈ કહેવું છે ?”

“એટલે... તું વસુમાને... આ નહીં કહે ?”

“કહીશ... આવતી કાલે... શ્રાદ્ધ પત્યા પછી ને તું પણ હમણાં કોઈ દોઢડહાપણ નહીં કરતો. એક વાર આ મુદૃા પર પૂર્ણવિરામ મુકાવું જ જોઈએ.”

“પણ અલય...”

“મને કોઈ સલાહ કે પ્રામાણિકતાના સર્ટિફિકેટમાં રસ નથી. મારે તારું કશું જ નથી સાંભળવું. માત્ર એક વાત કહેવી છે તને...”

“બોલ....” નિરવ અચકાયો.

“તને સૂર્યકાંત મહેતા મળ્યા જ નથી હજી. આવતી કાલે સવારે મળશે અને જેવા મળશે એવો તું મને ફોન કરીશ, પણ એમના દુર્ભાગ્યે અને અમારા સૌના સદ્‌ભાગ્યે અહીં શ્રાદ્ધ પતી ગયું હશે. કાલે સાડા બારે ફોન કરજે.”

“અરે પણ...”

“કાલે. સાડા બારે.” અલયે ફોન કાપી નાખ્યો.

અલયનો ફોન કપાયો અને અભયનો માથા પાસે મૂકેલો મોબાઈલ રણક્યો.

અભયે ચશ્મા પહેર્યા, નંબર જોયો. એને આશ્ચર્ય થયું. “અત્યારે ? રાત્રે સાડા અગિયારે ?”

અને ફોન ઉપાડીને કહ્યું, “બોલ...!”

(ક્રમશઃ)

Rate & Review

ચેતન

ચેતન 3 weeks ago

Hemant Sanghvi

Hemant Sanghvi 2 months ago

Sweta Patel

Sweta Patel 3 months ago

Hiren Modi

Hiren Modi 5 months ago

Vinod Bhai  Patel

Vinod Bhai Patel 5 months ago