Losted - 16 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 16

લોસ્ટેડ - 16

"ફઈ મોન્ટી ના દોસ્તો ના ખૂન અને મોન્ટી ની આ હાલત કરનાર અગેઈન્સ્ટ કઈક પુરાવા મળ્યા છે. પાલનપુર પોલીસ સ્ટેશન પરથી ફોન આવ્યો હતો, મારે જવું પડશે. હું કાલે સાંજ સુધી પાછી આવી જઈશ."
"ભલે ધ્યાનથી જજે, ભાભી ને હુ જણાવી દઈશ. અહીંની ચિંતા ના કરજે." આધ્વીકા પાલનપુર જવા નીકળી ગઈ.

***

"જીવન તું હાલ જ બાબાને લઈ આવ જઈને ત્યાં સુધી હું મોન્ટી ને સંભાળી લઈશ." જયશ્રીબેન ગભરાતાં- ગભરાતાં મોન્ટી ના રૂમ તરફ દોડ્યાં, જીવન કાર ની ચાવી લઈ બાર દોડ્યો. આરાધના બેન ગંગાજળથી વારંવાર મોન્ટી પર છંટકાવ કરી રહ્યા હતાં તાવીજ ટુટી ચૂક્યુ હતું, મોન્ટી થોડી-થોડી વારે ઉછળી રહ્યો હતો. કોઈને સમજાતું જ નહોતુ કે રાખનો ઘેરો હોવા છતાં આ કંઈ રીતે થયું.
"આટલા બધા લોકો એક તાવીજ નથી સાચવી શકતાં?" બાબાએ આવતાં જ એક ત્રાડ પાડી. પછી શાંત થઈ જયશ્રીબેન તરફ જોઈ બોલ્યા,"બેટા થોડા લીંબુ અને એક નાડાછડી લઈ આવ તો."
બાબા આ વખતે એકલા જ આવ્યા હતા. એમણે રાખ નું ચક્ર બનાવી ધુણી જળાવી મંત્રોચ્ચાર ચાલુ કર્યાં.
"આ છોકરાને આ ચક્રમાં બેસાડો, અને તમે લોકો પણ આ રાખનું ચક્ર તમારી આજુબાજુ બનાવી દો. આત્મા મનુષ્ય શરીર માં પ્રવેશ કરવા ઘણા પ્રયત્ન કરશે, તમને ભરમાવશે પણ ચક્રની બાર પગ ના મૂકવો."
જીવન અને જયશ્રીબેન એ મળીને મોન્ટી ને ચક્રમાં બેસાડ્યો. જયશ્રીબેન લીંબુ અને નાડાછડી લઈ આવે છે. જીવન નીચે જઈને એના પપ્પાને લઈ આવ્યો પછી મીરા, ચાંદની, વિરાજભાઈ, આરાધનાબેન, જયશ્રીબેન અને જીવન ને આવરી લેતું એક બીજુ ચક્ર બનાવ્યું.
બાબાએ આંખો બંધ કરી મંત્રોચ્ચાર ચાલું કર્યાં. પંદરેક મિનિટ પછી બાબાએ આંખો ખોલી રાખ ભરેલું પાત્ર હાથમાં લઈ મોન્ટી પર રાખ ફેંકવાનું ચાલું કર્યું. જેવી રાખ મોન્ટી ઉપર પડી એણે બુમો પાડવાનું ચાલું કર્યું. આરાધનાબેન મોન્ટી તરફ આગળ વધ્યાં પણ જયશ્રીબેન એમને રોકી લે છે. બાબા જોરજોરથી મંત્રો બોલતા મોન્ટી પર રાખ ફેંકવાનું ચાલુ રાખે છે.
"બંધ કર... બંધ કર... રાખ ના ફેંક કઉં છું બંધ કર હાલ જ...." મોન્ટી હવે છોકરીના અવાજમાં બૂમો પાડવાનું ચાલુ કરે છે. બાબા જરાય વિચલિત થયા વગર શાંત ચિતે મંત્રોચ્ચાર ચાલુ રાખે છે. મોન્ટી એને અસહ્ય પીડા થઈ રહી હોય એમ તરફડી રહ્યો છે. ચાંદની અને મીરા લગભગ રડવા જ લાગે છે. વિરાજભાઈ ની આંખોમાંથી પણ આંસુ નીકળી આવ્યા.
"મને જવા દો.... છોડી દો મને.... તમે કહેશો એ કરીશ. બસ મને છોડી દો." મોન્ટી હવે આજીજી કરી રહ્યો હતો. બાબાએ રાખ ફેંકવાનું બંધ કર્યું અને પોતાની જગ્યાએ આવીને બેસી ગ્યા.
"તું કોણ છે? ક્યાંથી આવી છે અને કેમ આવી છે?" બાબાએ મોટેથી ઘાંટો પાડતા હોય એમ પૂછ્યું.
"મારું નામ મિતલ ચૌધરી છે. હું અહીં આ છોકરાને અને આની બેન આધ્વીકાને મારવા આવી છું."
"શું બગાડ્યુ છે આ બન્ને એ તારું? હાલ જ અહીંથી જતી રહે તો હું તને બક્ષી દઈશ."
"શું નથી બગાડ્યું? વર્ષો પહેલાં એના બાપે મારો પરિવાર ઉજાડ્યો હતો અને હવે એ છોકરીએ પણ એ જ કર્યું. બક્ષવાની વાત ના કર બાબા આ બન્ને ને તો તું નહીં જ બચાવી શકે." મોન્ટી અટ્ટહાસ્ય કરે છે.
"વાત ચાલું રાખ, તારા વિશે જણાવ. અને એમ જણાવ કે આ લોકોએ શું બગાડ્યું છે તારું?"
"હું ચિત્રાસણી ગામના રાજેશ ચૌધરી અને હેતલ ચૌધરીની દીકરી છું. રાજેશ ચૌધરીને તો ઓળખો જ છો ને તમે ત્રણેય?" મોન્ટીએ રાઠોડ પરિવાર સામે જોઈ વ્યંગમાં પૂછ્યું. જયશ્રીબેનના હૈયામાં ફાળ પડી. આરાધના બેન અને વિરાજભાઈ ના ચહેરા પર ચિંતા ની લકીરો ચોખ્ખી દેખાઈ આવતી હતી.
"તું મિતલ છે..... મીનું?" જયશ્રીબેનનો અવાજ તરડાઇ ગયો.
"હા મીનું છું હું, જેને તમારા છોકરાએ એના દોસ્તો સાથે મળીને મારી નાખી. હવે હું છોડીશ નહી એને. એના બધા જ દોસ્તોને એમના કર્મોની સજા મળી ગયી છે. આ બંન્ને જ વધ્યા છે. પેલી આધ્વીકાના કારણે એ દિવસે આ બચી ગયો પણ હવે નઈ બચે."
"તો બધા છોકરાઓને તે માર્યાં?"
"હા... મેં જ માર્યાં. તડપાવી તડપાવીને જેવી રીતે એમણે મને મારી હતી."
"બેટા મને વિગતવાર જણાવ શું થયું હતું, તો તારા ખૂનીઓને સજા અપાવીશું પણ આમ કોઈની હત્યા કરી તને ન્યાય નહી મળે."
"આ દુનિયા માં ન્યાય મળતો નથી જયશ્રી રાઠોડ લેવો પડે છે. તમે તમારા બાળકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. કરી લો, અને બચાવી શકો તો બચાવી લો."
બાબાએ મુઠ્ઠી ભર રાખ લઈ મોન્ટી ઉપર ફેંકી, મોન્ટી એ આગઝરતી આંખે બાબા તરફ જોયું. બાબા સતત મંત્રોચ્ચાર કરી રહ્યા હતા.
"આ શરીર છોડીને તારે જવું જ પડશે. પણ મને એ જણાવ કે રાખના ચક્રમાં તે પ્રવેશ કઈ રીતે કર્યો?"
"આમની ડાહી, સમજદાર અને જવાબદાર દિકરી આધ્વીકા જયારે ફોન પર વાત કરવા ઉતાવળ માં અહીંથી નીકળી ત્યારે રાખ ચક્ર તોડીને ગઈ હતી. બસ પછી મે નર્સ ને વશમાં કરી એના હાથે તાવીજ છોડવડાવી દીધું. મે પહેલાં પણ પ્રયત્ન કર્યો હતો પણ મારા વશમાં આવ્યા પછી એ રાખ ને સ્પર્શ પણ ન્હોતી કરી શકતી." મોન્ટી મુંછમાં હસ્યો અને અંહકાર સાથે રાઠોડ પરિવાર તરફ જોયું.
બસ આ જ ક્ષણની રાહ બાબા જોઈ રહ્યા હતા. એમણે પોતાની ઝોળીમાંથી એક બોતલ કાઢી અને ધુણી સામે મૂકી એની આજુબાજુ લીંબું ગોઠવી બોતલ ની ફરતે નાડાછડી બાંધી મંત્રો બોલવાનું ચાલુ કર્યું. મોન્ટી નું ધ્યાન હવે આ બાજુ આવ્યું પણ હવે બહું મોડું થઈ ગયું હતું. મોન્ટી ના શરીરમાંથી એક રોશની નીકળી અને બોતલમાં ભરાવા લાગી.
એ રોશનીથી આખો રૂમ ઝળાહળા થવા લાગ્યો હતો, બાબા ને કોઈ મજબૂતાઈથી ખેંચી રહ્યું હતું અને ત્યાં ટકી રહેવા એ સંઘર્ષ કરી રહ્યા હતા. ધીરે ધીરે મોન્ટી કમજોર થવા લાગ્યો હતો, એ વારંવાર જોર જોરથી બૂમો પાડી વારાફરતી ઘરવાળાને બોલાવી રહ્યો હતો. જયશ્રીબેન એ આરાધના બેન ને પકડી રાખ્યાં હતાં, જીવન મીરા અને ચાંદની ને સંભાળી રહ્યો હતો. અને અંતે આખી રોશની બોતલમાં ભરાઇ ગઇ, બોતલ પર બૂચ મારી એને મંત્રો અને નાડાછડી થી બાંધી દેવાઈ. મોન્ટી જમીન પર ઢળી પડ્યો હતો. જીવન દોડતો મોન્ટી જોડે આવ્યો એના પાછળ બીજા લોકો પણ દોડી આવ્યાં. એને ઉપાડી પલંગ પર સુવડાવી દીધો, આરાધના બેન એના જોડે બેસી ગયાં.
"હવે આ આત્મા કેદ છે તો તમે બધા સુરક્ષીત છો. પણ હજુ એનો નિકાલ નથી આવ્યો, જ્યાંથી આત્મા આવી છે ત્યાં જ એની મુક્તિ થઈ શકશે. હાલ હું જઉ છું, આત્માની મુક્તિની બધી તૈયારી કરીને આવીશ હવે. બધું ઠીક થઈ જશે ભગવાન પર ભરોસો રાખજો." બાબા જયશ્રીબેન ને ધરપત આપી નીકળી ગયા.
જયશ્રીબેન રસોડામાં જઈ બધા માટે પાણી લઈ આવે છે. હવે એમના ધ્યાનમાં આવે છે કે જીજ્ઞા અહીં નથી, એ જીજ્ઞાના રૂમમાં જાય છે એ ત્યાંય નથી દેખાતી. ડ્રેસિંગ ટેબલ પર એક ચિઠ્ઠી પડી હતી, જયશ્રી બેન ચીઠ્ઠી ખોલી વાંચે છે,"મા, હું જઈ રહી છું, મને માફ કરી દેજો." ચીઠ્ઠી વાંચી જયશ્રીબેન જમીન પર ફસડાઇ પડે છે.


ક્રમશ: