sundari chapter 3 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૩

ત્રણ

બંને કોલેજની લાઈબ્રેરીમાં ઘૂસી જ રહ્યા હતા કે સામે એક લગભગ પચાસ-પંચાવન વર્ષનો વ્યક્તિ તેમની સામે આવતા તેમણે જોયો.

“એક્સક્યુઝ મી સર, શું તમે અમને કહી શકો રૂમ નંબર પાંત્રીસ ક્યાં છે?” વરુણે પેલા વ્યક્તિને પૂછ્યું.

“ન્યુ એડમિશન?” પેલાએ વળતો સવાલ કર્યો.

“યસ, સર!” વરુણે સ્મિત સાથે જવાબ આપ્યો.

“ધેન યુ શુડ હેવ ડન ધ ઈન્કવાયરી યસ્ટર ડે, નોટ ટેન મિનીટ્સ બિફોર ધ ફર્સ્ટ લેક્ચર સ્ટાર્ટ્સ.” પેલા વ્યક્તિએ સહેજ કડક સૂર કાઢ્યો.

“સર, કાલ તો જતી રહીને? હવે આજનું કાંઇક કરો ને?” વરુણ પોતાના મસ્તીભર્યા સ્વભાવને રોકી ન શક્યો.

“રૂમ નંબર થર્ટી ફાઈવ, થર્ડ ફ્લોર.” પેલા વ્યક્તિને વરુણના જવાબ આપવાની રીત ન ગમી હોય એવું એના બગડેલા ચહેરા પરથી લાગ્યું અને કદાચ એટલેજ એણે થોડા ગુસ્સાના ભાવ સાથે વરુણને જવાબ આપ્યો.

“થેન્ક્સ સર!” વરુણે આભાર તો માન્યો પરંતુ પેલો વ્યક્તિ એનો જવાબ સાંભળવા ન રોકાયો.

“જબરો માણસ છે બે આ તો?” કૃણાલને પણ પેલા વ્યક્તિની વર્તણુકથી નવાઈ લાગી.

“જવા દે ને આપણે આપણું કામ કરીએને? અમસ્તોય ઈંગ્લીશનો પ્રોફેસર હોય એમ અંગ્રેજીમાં ફાડતો હતો. આપણે તો ખાલી એક કમ્પલસરી ઈંગ્લીશનો ક્લાસ છે એય અઠવાડિયામાં ત્રણ જ દિવસ એમાં આવા મારફાડ પ્રોફેસરો ન આવે. ફિકર નક્કો ચલ, ત્રીજા માળે જવાનું છે અને દસ જ મિનીટ બાકી છે હવે લેક્ચર શરુ થવામાં.” વરુણ બોલ્યો.

“હા, પહેલા દિવસે જ પહેલા લેક્ચરમાં મોડું પડવું સારું નહીં લાગે.” કૃણાલે જવાબ આપ્યો.

“હા પહેલા જ દિવસે ક્લાસની છોકરીઓ સામે ખરાબ ઇમ્પ્રેશન પડે એ ન ચાલે.” વરુણ ઝડપથી ચાલતા બોલ્યો અને કૃણાલે એની પીઠ પર ઠોસો માર્યો.

બંને જણા નજીકમાં જ દેખાતા દાદરા ઝડપથી ચડવા લાગ્યા. પાંત્રીસ નંબરનો રૂમ ત્રીજે માળે હતો એ તો એમને ખબર પડી જ ગઈ હતી એટલે હવે ફક્ત ત્રીજે માળે પહોંચીને એ રૂમ શોધવાનો હતો. ઝડપથી દાદરા ચડીને બંને ત્રીજે માળે પહોંચ્યા ત્યારે કૃણાલ તો રીતસરનો હાંફવા લાગ્યો હતો પરંતુ વરુણને તો આ પ્રકારનો શ્રમ કરવાની લગભગ રોજ આદત હતી એટલે એ હજી પણ ફ્રેશ હતો.

“બકા, કસરત કરતો જા કસરત. જો આ ફાંદ બહાર આવવા લાગી છે તારી અને હજી તો તું અઢારનો થયો. આમ અત્યારથી હાંફી જઈશ તો કોલેજમાં છોકરી કેમની પટાવીશ?” ત્રીજે માળે પહોંચતાની સાથે જ કૃણાલની હાલત જોઇને વરુણ બોલ્યો.

“તારે...તારે...કોલેજમાં છોકરીઓ જ પટાવ...પટાવવી છે? ભણવાનું નથી?” કૃણાલ હાંફતા હાંફતા બોલ્યો.

“ભણી બી લઈશું બે! પણ છોકરીઓ તો પહેલા. અઠ્યાવીસ, પેલો ઓગણત્રીસ...પેલી સાઈડ આપણો રૂમ લાગે છે.” વરુણ એક પછી એક રૂમના નંબર ચેક કરતા બોલ્યો.

બંને થોડી ઝડપથી પાંત્રીસ નંબરના રૂમ તરફ આગળ વધતા ચાલ્યા અને છેવટે પાંત્રીસ નંબરના રૂમ સુધી પહોંચી ગયા.

“લે આ બીજી સીડી તો અહીંયા જ હતી. આપણે અહીંથી ચડ્યા હોત તો? કાંઈ વાંધો નહીં, આવતીકાલથી અહીંથી ચડીશું થોડા વહેલા પહોંચાશે.” બોલકો વરુણ પોતાનું બોલવાનું બંધ રાખી શક્યો નહીં.

ક્લાસમાં ઘૂસવાની સાથે જ વરુણ અને કૃણાલે જોયું કે લગભગ ત્રીસેક જણા વર્ગમાં બેઠા હતા જેમાંથી દસ છોકરીઓ હતી. કૃણાલનું ધ્યાન ખાલી બેંચ શોધવામાં હતું અને વરુણ પેલી દસેય છોકરીઓ તરફ જોતાં જોતાં આગળ વધી રહ્યો હતો. છેવટે કૃણાલનું ધ્યાન એક ખાલી બેન્ચ પર ગયું અને તેણે વરુણને ઠોંસો મારીને પોતાની આંખના ઈશારાથી ખાલી બેંચ દેખાડી.

બ્લેકબોર્ડ સામે મુકેલા ટેબલ-ખુરશીથી પાંચમી કતારમાં આવેલી બેંચ પર જઈને એ બંને બેઠા ત્યારે સાતને અઠ્યાવીસ થઇ હતી. બરોબર સાડાસાત વાગ્યે જોરથી કર્કશ અવાજે કોલેજનો બેલ વાગ્યો અને એ પણ ખૂબ લાંબો. ક્લાસમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ એટેન્શનમાં આવી ગયા કારણકે આજે કોલેજનો પહેલો દિવસ હતો અને પહેલા દિવસના પહેલા લેક્ચર્સ એક પછી એક શરુ થવાના હતા એટલે દરેક લેક્ચર્સમાં પ્રોફેસર કોણ હશે, કેવા હશે તે જાણવાની ઉત્કંઠા તમામને હતી.

રૂમનો મુખ્ય દરવાજો વિદ્યાર્થીઓની બરોબર સામે હતો અને અમુક જ સેકન્ડોમાં એક આકૃતિ એ દરવાજામાંથી પ્રગટ થઇ તેને જોતાં જ વરુણ અને કૃણાલને ધક્કો લાગી ગયો અને એ બંને સ્થિર થઇ ગયા. આ એ જ વ્યક્તિ હતો જેમને તેમણે કોલેજની લાયબ્રેરીમાં આ રૂમ ક્યાં આવેલો છે તે પૂછ્યું હતું અને પેલા વ્યક્તિની વર્તણુંક તેમને નહોતી ગમી તો છેલ્લી ઘડીએ ક્લાસ ક્યાં આવ્યો છે એ પૂછવું પેલા વ્યક્તિને નહોતું ગમ્યું.

“ગૂડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આઈ એમ જયરાજ દવે, યોર પ્રોફેસર ફોર ધ હિસ્ટ્રી વન પેપર. આઈ એમ ઓલ્સો એન એચ ઓ ડી આઈ મીન હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ હિસ્ટ્રી અને આઈ વિલ ટીચ યુ ફર્સ્ટ હાફ ઓફ એન્શિયન્ટ હિસ્ટ્રી સેકન્ડ હાફ વિલ બી ડન બાય અનધર પ્રોફેસર.” જયરાજ દવેએ પોતાની ઓળખ આપી.

“બે આ તો અંગ્રેજીમાં જ ફાડશે.” વરુણે કૃણાલના કાનમાં કહ્યું.

“જેન્ટલમૅન, ડુ યુ હેવ એની પ્રોબ્લેમ?” જયરાજે તરત જ વરુણની હરકત પકડી લીધી.

દરેક વિદ્યાર્થીઓ આગળ પાછળ જોવા લાગ્યા વરુણ અને કૃણાલ પણ.

“આઈ એમ આસ્કીંગ યુ, યંગ મેન!” જયરાજે વરુણ તરફ આંગળી ચીંધીને કહ્યું.

“નો સર!” વરુણે બેઠાબેઠા જ કહ્યું.

“સ્ટેન્ડ અપ એન્ડ સ્પીક, ધીસ ઈઝ નોટ અ સ્કૂલ ધીસ ઈઝ અ કોલેજ એન્ડ રીસ્પેક્ટ યોર પ્રોફેસર્સ એઝ ધે આર નોટ ટીચર્સ ઓકે?” જયરાજે ફરીથી કડક સૂરમાં આલાપ્યો.

“નો સર!” વરુણે હવે ઉભા થઈને પોતાની વાત દોહરાવી.

“ધેન વ્હાય યુ વર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ વ્હેન આઈ વોઝ ઇન્ટ્રોડ્યુસીંગ માયસેલ્ફ?”

“સર, અમે ગુજરાતી મિડીયમમાં ભણ્યા છીએ એટલે હું મારા ફ્રેન્ડને કહેતો હતો કે જો સર અંગ્રેજીમાં સમજાવશે તો તકલીફ પડશે.” વરુણ મુદ્દા પર આવ્યો.

“બટ, ઇન ધીસ કોલેજ સ્ટુડન્ટ્સ ફ્રોમ બોથ ધ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મિડીયમ્સ હેવ ટેકન એડ્મિશન્સ. આઈ કાન્ટ ડુ ઇનજસ્ટિસ ટુ માય ઇંગ્લિશ મિડિયમ સ્ટુડન્ટ્સ રાઈટ?” જયરાજે દલીલ કરી.

“પણ સર અમે તો ગુજરાતી મિડિયમમાં જ એડ્મિશન લીધું છે.” વરુણે પોતાની સમસ્યા જણાવી.

“વેલ, ધેન ઇટ્સ યોર પ્રોબ્લેમ, ફોર લાસ્ટ થર્ટી વન યર્સ નો સ્ટુડન્ટ અપોઝ મી ઓર ટ્રાય્ડ ટુ ટીચ મી હાઉ શૂડ આઈ ટીચ માય સ્ટુડન્ટ્સ.”

“પણ, સર અમે ચારેય ગુજરાતી મિડીયમમાંથી જ આવ્યા છીએ.” હવે વરુણ બોલે તે પહેલાં જ પહેલી બેંચ પર પીળા સલવાર કમીઝ પહેરેલી અને માથે ઓઢણી ઓઢેલી એક છોકરી ઉભી થઇ અને બોલી પડી.

“ઓહ..ધેટ આઈ ડીડન્ટ નો!” જયરાજે પોતાના ખભા ઉલાળ્યા.

“અમે બંને પણ કલોલની ગુજરાતી મિડીયમ શાળામાંથી આવ્યા છીએ સર.” વરુણ અને પેલી છોકરીના વિરોધ બાદ વરુણની આગળની બેંચ પર બેસેલા બે છોકરાઓની હિંમત પણ વધી અને એ પણ ઉભા થઈને બોલ્યા.

“ઓહ, આઈ સી...સો નાઉ આઈ હેવ ટુ ટીચ અકોર્ડીંગ ટુ યોર વિશ! હમમ...સ્ટ્રેન્જ!” જયરાજ મનમાં ને મનમાં જ કશું વિચારવા લાગ્યો.

“સર, મારી પાસે એક આઈડિયા છે જો તમને વાંધો ન હોય તો.” વરુણ બોલ્યો.

“શૂટ!” જયરાજે જરા સ્ટાઈલમાં કહ્યું.

“આપણે ઓપિનિયન પોલ લઈએ તો?” વરુણે પોતાનો આઈડિયા આપ્યો.

“ઓહ સો યુ નો ધ મિનીંગ ઓફ ઈંગ્લીશ વર્ડ્સ ઓપિનિયન પોલ હાં! એનીવેઝ લેટ્સ હેવ ઇટ ધેન! સો સ્ટુડન્ટ્સ ધોઝ હું વોન્ટ મી ટુ કંટીન્યૂ ઇન ઇંગ્લિશ પ્લિઝ રેઈઝ યોર હેન્ડ્ઝ!” જયરાજે લોકોનો મત માંગ્યો.

જયરાજના સવાલના જવાબમાં એક પણ હાથ ઉંચો ન થયો અને વરુણના ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયું.

“ઓકે, સો ઓલ ઓફ યુ આર ફ્રોમ ગુજરાતી મિડીયમ હાં! ઓકે ઇટ્સ યોર પ્રોબ્લેમ નોટ માઈન. પણ તમને બધાને ગુજરાતીમાં ભણાવવા માટે મારે મારી નોટ્સ ગુજરાતીમાં બનાવવી પડશે. એટલે ટુમોરો એટલેકે આવતીકાલથી આપણે આપણા લેક્ચર્સ શરુ કરીશું. આજે તમારી રજા. અને જુઓ નીચે જતા સ્ટેરકેસ પર અને પેસેજમાં કોઇપણ જાતનો અવાજ થવો ન જોઈએ ઓકે? નાઉ આઈ એમ ગોઇંગ ટુ ધ સ્ટાફ રૂમ અને તમે બધા તમારા લિડર સાથે શાંતિથી નીચે જતા રહો.” લીડર શબ્દ જયરાજ વરુણ સામે જોઇને ભારપૂર્વક બોલ્યો અને પોતાની બુક્સ લઈને દરવાજાની બહાર નીકળી ગયો.

આટલું થતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓ વરુણ અને કૃણાલની બેંચ પર આવી ગયા અને તેનો આભાર માનવા લાગ્યા.

“મારી તો આવી જ બની હતી યાર. પેલા એ જેવું અંગ્રેજીમાં શરુ કર્યું કે મને તો પરસેવો વળી ગયો.” લાલ શર્ટ પહેરેલા પેલા કલોલવાળા છોકરાએ વરુણનો હાથ પકડીને એનો આભાર માન્યો.

પછી તો વરુણને લગભગ ચારથી પાંચ છોકરાઓએ આ પ્રમાણે કહ્યું અને તેનો આભાર માન્યો.

“અરે આભાર તો પેલા મેડમનો માનવો જોઈએ, ફર્સ્ટ બેન્ચ પર બેઠા છે એ પીળા સલવાર કમીઝવાળા.” વરુણની આંખો તેની આસપાસ રહેલી વિદ્યાર્થીઓની ભીડ ચીરીને દૂર પેલી છોકરીને શોધવા લાગી.

“હું અહીં જ છું.” વરુણની ડાબી બાજુએથી એક અવાજ આવ્યો.

“અરે! હા તમે જ. તમારી જ વાત કરી રહ્યો હતો.” વરુણે એ ગૌરવર્ણ, તીણું નાક, માંજરી આંખ એના પર એકદમ તીવ્ર ભ્રમર ધરાવતી લગભગ પોતાના જેટલીજ ઉંચાઈવાળી પીળા સલવાર કમીઝ પહેરેલી પેલી છોકરી તરફ જોઇને કહ્યું.

“તમે બોલ્યા તો મારી હિંમત થઇ કારણકે પહેલા જ દિવસે જો સરને આપણે ચોખ્ખું કહ્યું ન હોત તો આખું વર્ષ આપણે જ ભોગવવાનું હતું ને? કોલેજમાં તો ટ્યુશન પણ નથી કરવાનું હોતું એટલે જે ભણવાનું, સમજવાનું છે એ ક્લાસમાં જ છે અને અહીં પણ ન સમજાય તો? અને ક્લાસના કેટલા છોકરા-છોકરીઓ ગુજરાતી મિડિયમમાં ભણીને અહીં એડ્મિશન લીધું છે તો એમણે પહેલેથીજ ચેક કરી લેવું જોઈતું હતું.” પેલી છોકરીએ એક શ્વાસમાં બધું કહી દીધું.

“તમે સાવ સાચું કહ્યું. નાઈસ મિટિંગ યુ. તમારું નામ?” વરુણે પેલી છોકરીના બોલવાથી હવે તેની સામે થોડી જગ્યા થતા છોકરી જોતાંની સાથે જ આદત અનુસાર પોતાનો હાથ તેની તરફ લંબાવ્યો અને એનું નામ જાણવાની ઈચ્છા દર્શાવી.

==:: પ્રકરણ ૩ સમાપ્ત ::==